પરાપૂર્વથી ન્યાયતંત્ર સાથે સરકારનો ટકરાવ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
કિરણ રિજીજુ થકી ન્યાયાધીશોની અવમાનના
ચીફ જસ્ટિસને વશ કરવાના નુસખાનું ચલણ
વાજપેયીએ જેઠમલાણીને દૂર કરવા પડ્યા’તા
Dr.Hari Desai writes weekly column 'Kaaran-Raajkaaran' for Mumbai Samachar's Sunday Supplement UTSAV.21 May,2023.
દેશના ન્યાયતંત્ર અને કોલેજિયમ અંગે બેછૂટ નિવેદનો કરતા રહેલા કેન્દ્રના કાયદા પ્રધાન કિરણ રિજીજુ પાસેથી હમણાં આ મંત્રાલય લઈ લઈને એકાએક રાજસ્થાન કેડરના સનદી અધિકારીમાંથી વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનેલા અર્જુન રામ મેઘવાળને સોંપવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ખાસ્સી ચર્ચા જાગી છે. રિજીજુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગડ બેઉ ધારાશાસ્રી હોવા છતાં ન્યાયતંત્ર વિશે બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ વર્તમાન હોદ્દે આવ્યા ત્યારથી એવી છબી ઉપસી છે કે એ સરકારના કહ્યાગરા બનીને રહે તેવા નથી.વળી, એ નવેમ્બર, ૨૦૨૪ સુધી એટલે કે લોકસભાની ચૂંટણી પછી પણ વર્તમાન હોદ્દે રહેવાના હોવાને કારણે હવે કેન્દ્ર સરકાર એમની સાથે મધુર સંબંધ જાળવવા માંગતી હોવાના સંકેત કિરણ રિજીજુને અન્ય મંત્રાલયમાં પાઠવાયા એ પગલામાંથી મળે છે. જસ્ટિસ ચંદ્રચૂડના પુત્રને એમણે ક્યારેક ફેવર કર્યાના આક્ષેપો થયા હતા, પણ એમાં કોઈ તથ્ય જણાયું નહોતું. આ મુખ્ય ન્યાયાધીશ નોખી માટીના હોવાની ચર્ચા છે. અગાઉ છેક શ્રીમતી ઇન્દિરા ગાંધીના યુગથી વર્તમાન મોદી યુગ સુધી કેટલાક મુખ્ય ન્યાયાધીશો અને બીજા ન્યાયાધીશો સરકારને કે નેતાગીરીને વહાલા થવાની વેતરણમાં રહીને નિવૃત્તિ પછી રાજ્યપાલ કે રાજ્યસભામાં નિયુક્તિ કે પછી અન્ય સરકારી હોદ્દા મેળવતા રહ્યા છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને દેશના મુખ્ય ન્યાયાધીશ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ જળવાઈ રહે એવી અપેક્ષા કરાય છે, પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા સરકારમાં બેઠેલાઓને કાયમ કઠતી હોય છે. દેશના મોટા ગજાના ધારાશાસ્ત્રી રહેલા રામ જેઠમલાણી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા પ્રધાન હતા. એ જૂના સાથી હોવા છતાં દેશના એ વખતના મુખ્ય ન્યાયાધીશ આદર્શ સેન આનંદના મધ્યપ્રદેશના કથિત જમીન કૌભાંડ અંગે જેઠમલાણીએ જાહેરમાં કરેલાં નિવેદનો અને તોછડી ભાષામાં જસ્ટિસ આનંદને લખેલા પત્રોના વિવાદને પગલે વાજપેયીએ પોતાના અનન્ય સાથીને સરકારમાંથી છૂટા કરવા પડ્યા હતા.
નામ ભલે બ્યૂરોક્રસી કે જ્યુડિશીયરીને સ્વતંત્રતા આપવાના પક્ષધર સરદાર પટેલનું આલાપાતું હોય, પરંતુ વર્તમાન સહિત તમામ શાસકોને કહ્યાગરી નોકરશાહી અને કહ્યાગરું ન્યાયતંત્ર ખપે છે. ક્યારેક પોતાને અનુકૂળ નિર્ણય કે ચુકાદા ના આવે ત્યારે એને કેમ કરીને વશ કરવામાં આવે એવી ગોઠવણો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે પછી ગુપ્ત માર્ગો અપનાવાય છે.
મોરારજી અને જસ્ટિસ ચાગલા
મુબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ અને મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમ.સી.ચાગલા વચ્ચે અનેક બાબતે મતભેદ હતા. બેઉ ગુજરાતી અને પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોવા છતાં એમના વિચારોમાં જે ભિન્નતા હતી એ બાબત એ બંને એકમેકને લખીને કે ભોજન પર મળીને મતભેદમાંથી માર્ગ કાઢી લેતા હતા.જસ્ટિસ ચાગલાની આત્મકથા “રોઝીઝ ઇન ડિસેમ્બર”માં તેમણે મોરારજી સાથેના મતભેદ ઉપરાંત તેમની વચ્ચેનો પત્રવ્યવહાર પણ પ્રકાશિત કર્યો છે. જસ્ટિસ ચાગલા તો મોરારજી સરકારની દારૂબંધીનીતિના જાહેરમાં ટીકાકાર હતા, પરંતુ પારસ્પારિક સન્માન જળવાતું હતું. જસ્ટિસ ચાગલા કે મોરારજી કોમવાદી નહોતા. એક સહાયક જજની નિમણૂક અંગે બંને વચ્ચે મતભેદ હતા. જસ્ટિસ ચાગલા મુસ્લિમ હોવા છતાં એક હિંદુ મહાસભાના સભ્ય રહેલા ધારાશાસ્ત્રીને જજ તરીકે નિમણૂક આપવાના પક્ષે હતા. મોરારજીભાઈ એના વિરોધમાં હતા. જોકે ચાગલાએ એ હિંદુ મહાસભાવાદી ધારાશાસ્ત્રીના કાયદાકીય જ્ઞાન અને આવડતને કારણે તેમનો આગ્રહ રાખ્યો હતો. એ સારા જજ પૂરવાર થયા હતા. જસ્ટિસ ચાગલાએ સુપ્રીમ કોર્ટના જજ કે દેશના મુખ્ય ન્યાયાધીશ થવાની તક જવા દીધી હતી. જોકે એ પંડિત નેહરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં કેબિનેટ પ્રધાન જરૂર રહ્યા અને અમેરિકામાં ભારતના રાજદૂત પણ. આમ છતાં, જયારે શ્રીમતી ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી ત્યારે એનો વિરોધ કરવામાં એ અગ્રેસર હતા એટલું જ નહીં, ભાજપના સ્થાપના અધિવેશનમાં રામ જેઠમલાણી એમને લઈ આવ્યા હતા અને તેમણે ભાજપને આશીર્વાદ આપતાં ભવિષ્યની પાર્ટી ગણાવી હતી.
જસ્ટિસ ભગવતીથી જસ્ટિસ ગોગોઈ
દેશના ન્યાયતંત્ર ભણી હજુ પણ સામાન્ય માણસને શ્રદ્ધા છે એવા ન્યાયાધીશો આપણે ત્યાં થયા છે. જોકે બધા જ જજીસ આવા બરના જ હોય એવું નથી. જસ્ટિસ પી.એન.ભગવતી મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે શ્રીમતી ગાંધી ૧૯૮૦માં ફરી ભવ્ય બહુમતી સાથે સત્તામાં આવ્યાં ત્યારે એમને અભિનંદન આપતો પત્ર લખીને જાણે કે હરખપદુડા થયાનો એહસાસ કરાવ્યો ત્યારે મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ વી.ડી. તુલઝાપુરકરે જાહેરમાં એમની ટીકા કરી હતી. હમણાં નિવૃત્ત થયેલાં સુપ્રીમના ન્યાયાધીશ એમ.આર.શાહે તો જજ હતા ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરવામાં પાછું વળીને જોયું નહોતું. દેશના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશોએ તો પોતાના વાણી વર્તનમાં સંયમી રહેવું ઘટે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસનના યુગમાં ઘણો લાંબો સમય એડવોકેટ જનરલ રહેલા અરવિંદ બોબડેના પુત્ર શરદ બોબડે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી જે પ્રકારે બેછૂટ નિવેદનો કરતા રહ્યા છે અને આરએસએસના સ્વયંસેવક હોય એ રીતે વર્તન દાખવતા રહ્યા છે એ શોભાસ્પદ ના જ લેખાય. જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ થયા ત્યારે એમની સામે તેમની જ મહિલા કર્મચારી થકી જાતીય સતામણીનો કેસ થયો એ હકીકતમાં તેમણે બ્લેકમેઈલ કરવા માટે હતો કે સાચો હતો એ આજ લગી રહસ્ય જ રહ્યું છે. જસ્ટિસ ગોગોઈ વિવાદાસ્પદ રહ્યા. એમની કેન્દ્ર સરકારે રાજ્યસભામાં નિયુક્તિ કરી અને પેલી કથિત પીડિત મહિલાને નોકરીમાં પરત લેવામાં આવી હતી. એવું નથી કે અગાઉ મુખ્ય ન્યાયાધીશ રાજ્યસભા કે અન્ય હોદ્દે નિયુક્ત ના થયા હોય. જસ્ટિસ આર.એસ.પાઠક રાજ્યસભામાં નિયુક્ત થયા હતા. જસ્ટિસ રંગનાથ મીશારા, જસ્ટિસ જે.એસ.વર્મા, જસ્ટિસ પાલનીસામી સથશિવમ વગેરે નિવૃત્તિ પછી કેન્દ્રનાં આયોગ કે રાજ્યપાલના હોદ્દે નિયુક્ત થયા ત્યારે તેમના ચુકાદા વિવાદાસ્પદ રહ્યાની ચર્ચા જરૂર થઇ હતી.
આંધ્રના મુખ્યમંત્રીઓની ફરિયાદો
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓની તો પરંપરા રહી છે કે પોતાને અનુકૂળ ચુકાદા નહીં અપાનારા ન્યાયાધીશો સામે પત્ર યુદ્ધ ચલાવવું. આંધ્રના મુખ્યમંત્રી ડી.સંજીવૈય્યાએ ૧૯૬૧માં ૯ પાનાંનો પત્ર કેન્દ્રના ગૃહમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને લખીને ન્યાયાધીશો અંગે ફરિયાદો કરી હતી. જોકે એ વેળા પરિપક્વતા દાખવીને શાસ્ત્રીએ મામલો થાળે પાડ્યો હતો. જસ્ટિસ એન.વી.રામન્નાનો દેશના મુખ્ય ન્યાયાધીશ થવાનો વારો આવ્યો ત્યારે ૬ ઓક્ટોબર,૨૦૨૦ના રોજ દેશના એ વખતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે ને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જસ્ટિસ રામન્ના સામે ગંભીર આક્ષેપ કરતો પત્ર લખ્યો અને એને જાહેરમાં મૂક્યો હતો. ઘણો વિવાદ થયો છતાં જસ્ટિસ રામન્ના મુખ્ય ન્યાયાધીશ બન્યા. આજકાલ દેશના મુખ્ય ન્યાયાધીશને દબાવવા કે વશ કરવા માટે વિવિધ નુસખાઓ અજમાવાય છે. કેટલાક એને વશ થતા હશે અને કેટલાક આવા નુસખાઓ છતાં પોતાની રીતે સ્વતંત્રપણે કામ કરતા રહે છે. આપણે ત્યાં સામાન્ય પ્રથા એવી છે કે સૌથી સિનિયર હોય એ ન્યાયાધીશને દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાય છે. જોકે સત્તાધીશોને પ્રતિકૂળ ચુકાદા આપ્યા હોય તેવા ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવાની બાબતમાં વિલંબ કરીને સિનીયોરીટી ડૂબાડવાના કારસા પણ રચાય છે. કેન્દ્રની મોદી સરકારે ઉત્તરાખંડ રાજ્યની રાવત સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારે ત્યાંની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે.એમ.જોસેફે કેન્દ્રના રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને ગેરબંધારણીય ઠરાવીને કોંગ્રેસની રાવત સરકારને ફરી સત્તારૂઢ કરી હતી. હવે જયારે જસ્ટિસ જોસેફને કોલેજિયમે સુપ્રીમમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક આપવા માટે સરકારને નામ પાઠવ્યું ત્યારે એણે એમની નિમણૂકમાં વિલંબ કરીને એમની સિનીયોરીટી ડૂબાડવાનું કામ કર્યું હતું. પોતાને અનુકૂળ ના લાગે તેવા જજીસની નિમણૂકમાં ગુપ્તચર ખાતાના પ્રતિકૂળ અહેવાલોનો હવાલો આપીને એમની નિમણૂક ટાળવા કે વિલંબમાં નાંખવાની કોશિશ કરાતી હોય છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પોતાને અનુકૂળને પ્રાધાન્ય આપવાનું પસંદ કરે છે. આ મુદ્દે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ટકરાવના સંજોગો જોવા મળે છે. એ ટાળવાની કોશિશ સતત થતી રહે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૦ મે,૨૦૨૩)
No comments:
Post a Comment