સોમનાથ ભાંગનાર-લૂંટનાર મુહમ્મદ ગઝનીની રાજભાષા સંસ્કૃત !
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
આક્રાંતા ગઝનીનો સેનાપતિ તિલક હિંદુ હોવાનું ઇતિહાસકાર શંભુપ્રસાદ દેશાઈ નોંધે છે
·
પંડિત ગુલામ દસ્તગીર બિરાજદારનું કહેવું છે કે કુરાન શબ્દ પોતે જ સંસ્કૃત ભાષાનો
·
ગઝની ધસી આવ્યો ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ પ્રજાને રેઢી મૂકીને ભાગ્યો હતો
Dr.Hari Desai writes weekly column for Gujarat
Guardian (Surat) and Sardar Gurjari Daily (Anand).
કયો ઈતિહાસ સાચો અને કયો ખોટો એનો વિવાદ અત્યારે સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ઇતિહાસના વિકૃતીકરણ અને ઇતિહાસના પુનર્લેખનની ચર્ચા પણ છે. ડાબેરી ઈતિહાસકારોએ ખોટ્ટાડો ઈતિહાસ લખ્યો છે એવું કહેનારાઓ માટે હિંદુવાદી અને જૂનાગઢના દીવાન પરિવારના સનદી અધિકારી રહેલા નાગર ઇતિહાસકાર જે ઇતિહાસનું બયાન, ફારસી અને અન્ય ભાષાઓના જ્ઞાન અને દસ્તાવેજોને આધારે, કરે એને નકારવાનું મુશ્કેલ છે. શાસકો બદલાય એટલે શાસકોને અનુકૂળ ઈતિહાસ લખાય તો એનાં નીરક્ષીર કરવાનો પડકાર ઊભો થવાનો. ઈ.સ.૧૦૦૦ના સમયગાળામાં સોમનાથ મંદિર પર વારંવાર હુમલા થયા એ સંજોગોમાં ગઝનીનું નામ પડે અને સોમનાથનું સ્મરણ થવું સ્વાભાવિક છે, પણ જે મુહમ્મદ ગઝની એકવાર સોમનાથના ભવ્ય શિવમંદિરને લૂંટવા અને નષ્ટ કરવા આવતો રહ્યો એનો સેનાપતિ કોણ હતો એ પ્રશ્નનો ઉત્તર મળે કે એની સેનામાં કોણ હતું એનો જવાબ મળે તો ટાઢાબોળ થઈ જવાય એવું છે. આ ઉત્તર ડાબેરી ઈતિહાસકાર રોમિલા થાપર પાસેથી નહીં, પણ સ્વયં શતપ્રતિશત સ્વદેશી એવા શ્રી સોમનાથ ટ્ર્સ્ટે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની પ્રસ્તાવના સાથે ૧૯૬૫માં પ્રકાશિત કરેલા મૂળ જૂનાગઢના આઇએએસ અધિકારી રહેલા ઈતિહાસવિદ શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’માંથી મેળવ્યો છે. “ગઝનીનો સેનાપતિ તિલક એક હિંદુ વાળંદ હતો અને એની સેનામાં હિંદુ જાટ ભરપટ્ટે હતા.”
સિક્કા પર સંસ્કૃત લખાણ
દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસકાર પ્રા. શાંતા પાંડેના ‘મધ્યકાલીન ભારતઃ એક સમ્યક દૃષ્ટિ’ શીર્ષક હેઠળના સંશોધન લેખમાં ગઝની કે ગઝનવીના સમયની દરબારી ભાષા સંસ્કૃત હોવાની નોંધ જોઈને અમે આનંદથી નાચી ઊઠ્યા હતા. જોકે ગઝની અને ત્યાંના શાસક સબકતગીન (શાક્તસિંહ)નું ગોત્ર બૈાદ્ધ કે હિંદુ હોવાની નોંધ પેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ માંના ઉલ્લેખથી એ અશક્ય લાગતું નથી. આમ પણ ગઝની શહેરની સ્થાપના શ્રીકૃષ્ણના વંશજ થકી થયાની વાત જામસાહેબે પ્રકાશિત કરાવેલા ‘યદુવંશ પ્રકાશ’ માં નોંધાઈ છે. સોમનાથ ભાંગનાર લૂંટનાર મુહમ્મદ ગઝની અંતે તો હિંદુવંશજ હતો એ વાતનું સહજ સ્મરણે થવું સ્વાભાવિક છે. પ્રા.શાંતા પાંડેએ નોંધ્યું છેઃ “ગઝનવીના સમયમાં એમની દરબારી ભાષા સંસ્કૃત હતી. મુહમ્મદ ગઝનીના સિક્કા પર સંસ્કૃત ભાષામાં ‘મહમૂદ સુરત્રાણ’નું અંકન મળે છે. સંસ્કૃતના વ્યાકરણના જનક પાણિનિ પોતે પખ્તૂન કે પઠાણ હતા.એ અફધાનિસ્તાનના શાલતુર ગામના નિવાસી હતા.” ગઝનીનો સાથી અલ-બિરુની સંસ્કૃત ભાષાનો જ્ઞાતા હતો.એનો ગ્રંથ ‘અલ-બિરુનીઝ ઇંડિયા’ આજે પણ અંગ્રેજી અનુવાદરૂપે ઉપલબ્ધ છે.
સંસ્કૃતને કોઈ ધર્મ નથી
ઇસ્લામમાં સંસ્કૃતનું સ્થાન નકારનારાઓ માટે સંસ્કૃતના મહાપંડિત ગુલામ દસ્તગીર બિરાજદારના એ શબ્દો સૂચક લેખાવા જોઈએ. પંડિત બિરાજદાર મુંબઈમાં હિંદી પ્રાથમિક શાળાના શિક્ષક હતા. આ લેખક સહિત અનેકોના સંપર્કમાં આવેલી એ મહાન વિભૂતિ સંસ્કૃત બોલે ત્યારે સંસ્કૃતથી અજાણ રિક્ષાવાળાને પણ એ સમજાતી હતી! પંડિત બિરાજદારનું કહેવું હતું કે કુરાન શબ્દ પોતે જ સંસ્કૃત ભાષાનો છે. ‘કુ એટલે પૃથ્વી અને રાન એટલે અવાજ. કુરાન એટલે આકાશમાંથી સંભળાયેલો પ્રેષિતનો અવાજ.’ સોલાપુરની પાઠશાળામાં સંસ્કૃત ભણેલા પંડિતજીનાં સંતાનોના નિકાહ (લગ્ન)ની પત્રિકાઓ પણ સંસ્કૃત અને ઉર્દૂમાં છપાઈ હતી. પવિત્ર કુરાનનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કામ એમણે હાથ ધર્યું હતું. છેલ્લે એમણે અમને જણાવ્યું હતું કે એ અનુવાદ પૂરો કર્યો છે.
ગઝનીનું હિંદુ કનેક્શન
‘પ્રભાસ અને સોમનાથ’માં શંભુપ્રસાદે સબકતગીન હિંદુ હોવાનું ગણાવ્યું છે. વૈદિક મોંગોલો બૈાદ્ધ ધર્મ પાળતા અને બૈાદ્ધોમાં પ્રિયનામ શાક્તસિંહ હતું. ‘દીન’ પ્રત્યયનો અર્થ ‘સિંહ’ થાય છે એ વાત આ ગ્રંથમાં શંભુપ્રસાદે લખી છે. સોમનાથ પર ચડાઈ કરતી વેળા ગઝનીનો મુખ્ય સરદાર તિલક હિંદુ-વાળંદ હતો એ વાત તેમણે નોંધી છે. જોકે એ વાળંદ હતો કે બ્રાહ્મણ એ વિશે મતમતાંતર છે, પણ હિંદુ તો હતો. ઉજજૈનના રાજવી વિક્રમાદિત્ય દ્વિતીયનું સામ્રાજય છેક અરેબિયા સુધી લંબાયેલું હતું એ વાતની નવાઈ નથી. મુહમ્મદના પિતા અને તુર્કી ગુલામ સબક્તગીને રાજા જયપાલને દગાથી હરાવ્યો હોવાની વાત પણ અજાણી નથી. છેક તેરમી સદી સુધી કાબુલમાં હિંદુ રાજાઓ હતા એ ઈતિહાસ ઘણું બધું કહી જાય છે. એટલે જ શ્રીકૃષ્ણના વંશજોમાંના એકે ઇસ્લામ કબૂલ્યો હોવાની અને મુઘલો શ્રીકૃષ્ણના વંશજો હોવાની વાત કાંઈ અમસ્તી વહેતી થઈ નથી. મુહમ્મદ ગઝની ધન એકઠું કરવા ઇસ્લામી મુલ્ક કે બિન-ઇસ્લામી મુલ્ક પર ચડાઈ કરતો હતો અને લૂંટાયેલા ધનમાંથી સાથીઓને ધન વહેંચતો પણ હતો. જયારે ગુજરાત પર ગઝની ધસી આવ્યો ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ પ્રજાને રેઢી મૂકીને ભાગી છૂટ્યો હતો.
તુર્કસ્તાન સામે હિંદુ સેના
પ્રા.પાંડેએ ગઝનીની જે વાત નોંધી છે એ વાંચીને આશ્ચર્ય થાય પણ લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર નોંધે ત્યારે આધાર વિનાની એ વાત ના જ હોય. એ નોંધે છેઃ “જો મુહમ્મદ ગઝની ધર્માંધ મુસલમાન હોત તો એ પોતાની સેનામાં હિંદુ જાટોને સામેલ ના કરત. તિલક નામના બ્રાહ્મણને પોતાની સેનાનો સેનાપતિ ના બનાવત. તિલકના હાથ નીચે જાટ સેનાને એણે શુદ્ધ મુસલમાન દેશ તુર્કસ્તાનને પોતાને શરણે લાવવા મોકલી હતી. તુર્કો પર હિંદુ સેનાએ જે જુલમ ગુજાર્યા એ આતંકિત કરનારા છે. જ્યારે મુહમ્મદને આની ફરિયાદ કરાઈ કે એણે બિનમુસ્લિમો દ્વારા મુસલમાનોનું કૂરતાપૂર્વક દમન કર્યું ત્યારે મુહમ્મદે પોતાની હિંદુ સેનાના જુલમોને યોગ્ય લેખાવ્યા હતા. તુર્કસ્તાનમાં પણ એણે એ જ કર્યું જે ભારતમાં કર્યું હતું. ઇસ્લામી મુલ્ક હોય કે બિનઇસ્લામી તેનું એક જ લક્ષ્ય હતું માત્ર ધન એકઠું કરવાનું.” ભારત પર મુસ્લિમ શાસકોએ આક્રમણ કર્યા ત્યારે તેમની મદદ કરવામાં હિંદુ રાજાઓ પણ સદાય તત્પર રહ્યા હતા એ વાતને રખે ભૂલીએ બ્રિટિશરો જ્યારે ભારત કબજે કરવા મેદાને પડયા હતા એમને પક્ષે હિંદુ મરાઠા અને મુસ્લિમ નિઝામની સેના હતી. જ્યારે અંગ્રેજો સામે લડનાર મહિસુરનો ટીપુ સુલતાન ચોથા યુદ્ધમાં ૧૭૯૯માં મરાયો. અંગ્રેજોના ભારતમાં પ્રભુત્વનો હરખ મરાઠાઓ અને નિઝામે કર્યો હતો.
ઈ-મેઈલ: haridesai@gmail.com
(લખ્યા તારીખ: ૫ સપ્ટેમ્બર,૨૦૨૨)
No comments:
Post a Comment