Wednesday, 31 August 2022

The Other Side of Emperor Aurangzeb

 

ઈતિહાસનાં ઔરંગઝેબ જેવાં ખલનાયક પાત્રોની બીજી બાજુ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ કેરળના મહારાજા ચેરામન પેરુમલે દેશમાં સૌપ્રથમ ઈસ્લામ કબૂલ્યો હતો સેનાપતિ રાજા જયસિંહે મરાઠા ગૈારવ શિવાજી મહારાજને સમજાવ્યા હતાહિંદુ અને  બૈાદ્ધ રાજવીઓમાં પણ અનેકોએ પિતા-ભાઈઓને મરાવ્યા હતા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjari Daily (Anand).

પરાપૂર્વથી કોઈપણ વ્યક્તિમાં સારા અને નરસા વ્યક્તિતત્વનો પ્રભાવ જોવા મળે છે. એટલે રામ અને રાવણ, કૌરવો અને પાંડવોની પરંપરાનો અનુભવ થયા કરે છે. રામના વ્યક્તિત્વમાં પણ સારા અને નરસા પાસાનું નીરક્ષીર કરી શકાય. રીતે રાવણના પાત્રના આલેખનમાં એનાં સારાં - નરસાં લક્ષણોનું સારસંક્ષેપણ અશક્ય નથી. પાંડવોને સદ્ અને કૌરવોને અસદ્નો પર્યાય લેખવા જતાં તો પાત્રોને અન્યાય કરી બેસવા જેવું લાગે. સારા અને નરસાના પ્રમાણને આધારે અને સમીક્ષક વ્યક્તિના વિવેકને આધારે જે તે પાત્રનાં નાયકતત્ત્વો અને ખલનાયક તત્ત્વોનું વિશ્લેષણ કરી શકાય. વાત પૈારાણિક પાત્રોની હોય કે મધ્યયુગીન પાત્રોની, આધુનિક યુગનાં રાજવી પાત્રો હોય કે જનનેતાની પ્રકૃતિ ધરાવતાં લોકતંત્રનાં પાત્રો હોય, કોને કેવાં ચશ્માં ચઢાવીને જોવામાં આવે છે એને આધારે કોઈને માટે નાયક છે તો અન્યોને માટે ખલનાયક. આપણે એવાં થોડાંક પાત્રોનાં ઐતિહાસિક તથ્યોનું અહીં આકલન કરવાની કોશિશ કરીએ અને સામાન્ય દૃષ્ટિએ ખલનાયક લેખાઈ ગયેલાં મધ્યયુગ કે આધુનિક યુગનાં રાજવી પાત્રો પણ કેટલાંક નાયકતત્ત્વો કે સદ્વૃત્તિ ધરાવતાં હોવાનું આલેખન કરતાં એનાથી અજાણી વ્યક્તિઓ કહી પણ બેસે કે અરે આવું હતું?

 દરેક યુગમાં આવાં અનેક વ્યક્તિત્વોને તારવી શકાય પણ આપણે થોડાંક ઉદાહરણરૂપ લઈએ. અમે જાણી જોઈને અહીં ઇસ્લામનું અનુસરણ કરનારાં કે મુસ્લિમ પરિવારમાં જન્મ ધારણ કરીને ભારતવર્ષ પર પોતાની અમીટ છાપ મૂકી ગયેલાં વ્યક્તિત્વોની વાત કરીએ છીએ. થોડાંક નામ ગણાવી લઈએ તો મુહમ્મદ ગઝની, બાદશાહ ઐારંગઝેબ, ટીપુ સુલતાન, મોહમ્મદ અલી ઝીણા અને નવાબ મુહમ્મદ મહોબત ખાનજી ત્રીજા, પાંચેય રાજવી રહ્યા. એમની સામાન્ય છબિ ઉપસી ખલનાયક તરીકેની પણ એમનામાંનાં કેટલાંક નાયક તત્ત્વોને કારણે ઇતિહાસમાં નામના પણ મેળવી શક્યા. એમના વ્યક્તિત્વને નિહાળવાના કોઇ એક ચશ્માને રંગે મઢીને જોવાને બદલે થોડાંક પારદર્શી ચશ્માં અને થોડુંક તટસ્થ મન રાખીને એમના વિશેના તથ્યોને જાણીએ તો મધ્યયુગ અને આધુનિક યુગનાં ખલનાયક ગણાઈ ગયેલાં વ્યક્તિત્વોમાં પણ ક્યાંક નાયક તત્ત્વો જણાઈ આવશે. પછી પણ વાચકને એમના વિશે જે માનવું કે મત ધરાવવો હોય એની  સ્વતંતા તો રહે છે.

ઇસ્લામનો ભારતપ્રવેશ તો કેરળથી થયો

..૧૫૨૬માં પ્રથમ મુઘલ બાદશાહ બાબરનું સામ્રાજ્ય ભારતવર્ષમાં કાંઇ ઇસ્લામ લઈ આવવાનું નિમિત્ત નહોતું. ઇસ્લામના સંસ્થાપક મહંમદ પયગંબર સાહેબની હયાતીમાં કેરળના મહારાજા ચેરામન પેરુમલે ઈસ્લામ કબૂલ્યો હતો અને વેળાની કેરળની ચેરામન જુમ્મા મસ્જિદની પ્રતિકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાઉદી અરેબિયાના રાજવીને ગર્વભેર આપવાનું પસંદ કર્યું હતું. મહંમ્દ પયગંબર સાહેબે ( ..૫૭૧-૬૩૨ )ના સમયગાળામાં આજના કેરળમાં ઇસ્લામનો પ્રવેશ તલવાર અને કુરાન સાથે થયો નહોતો. જોકે પાછળથી ભારત ભૂમિ પર આક્રમણ કરનારા મુસ્લિમ આક્રમણખોરોએ ધર્મના નામે ભારે તબાહી મચાવી અને શાંતિનો ધર્મ લેખાતા ઇસ્લામને બદનામ કરવા જેવાં દુષ્ટ કૃત્યો આચર્યાં. જોકે મુઘલો ભારત આવીને ભારતના થઈને રહ્યા.

ઔરંગઝેબના હિંદુ દરબારીઓ-અધિકારીઓ

સામાન્ય રીતે છઠ્ઠા મુઘલ બાદશાહ ઐારંગઝેબને ખલનાયક કટ્ટરવાદી ગણવામાં આવે છે. દાહોદ( ગુજરાત)માં નવેમ્બર ૧૬૧૮ ના રોજ જન્મેલા તુર્કે ભારતના વિશાળ પ્રદેશ અને છેક કાબુલ લગી પોતાનું સામ્રાજય વિસ્તારીને ૪૯ વર્ષ લગી રાજ કર્યું. પિતા બાદશાહ શાહજહાંને કેદ કરીને અને દારા શુકોહ  સહિતના ભાઈઓને મોતને ઘાટ ઉતારીને  ગાદીએ આવ્યો. ઐારંગબેઝની જેમ હિંદુ - બૈાદ્ધ રાજવીઓમાં પણ એવાં અનેક ઉદાહરણ સાંપડે છે જે પિતા કે ભાઈઓની કત્લેઆમ કરીને ગાદીએ આવ્યા હોય! ઇસ્લામના આદશોનું ચુસ્તપણે અનુસરણ કરનાર ઔરંગઝેબ બાદશાહ હોવા છતાં અત્યંત સાદગીભર્યું જીવ જીવતો હતો. એની રાજકીય મહત્ત્વાકાંક્ષાની અનિવાર્યતાએ જજિયાવેરો લાદવા સહિતની કટ્ટરતા એના શાસનમાં આણી. પણ એના દરબારમાં અગાઉના કોઈપણ બાદશાહ કરતાં વધુ હિંદુ દરબારીઓ-અધિકારીઓ હતા હકીકત છે. છેલ્લા પ્રભાવી મુઘલ બાદશાહના આટલા વિશાળ સામ્રાજ્યમાં માત્ર % મુસ્લિમો હતા. ૯૨% હિંદુ હતા. વડોદરા રાજ્યના વિદ્યાધિકારી તરફથી ૧૯૨૦માં પ્રકાશિત મનસુખલાલ મોહનલાલ પોટા લિખિત ઔરંગઝેબ માં નોંધવામાં આવ્યું છેઃ અકબરના વખતમાં જેટલા રજપૂત નોકરીમાં હતા તેનાથી ત્રણ ગણા આલમગીર(ઔરંગઝેબ)ના સમયમાં હતા.”  એનો લશ્કરી વડો એટલે કે સેનાપતિ મિરજારાજા જયસિંહ મરાઠા ગૈારવ શિવાજી મહારાજને સમજાવીને સાથે લેવાના પક્ષે હતો. સંધિ ના કરે એવા હિંદુ રાજવીઓ કે મુસ્લિમ શાસકો સાથે જંગ કરવો અનિવાર્ય બની જતો હતો. શિવાજી મહારાજને રાજા નો ઇલકાબ બાદશાહ ઔરંગઝેબે આપ્યો હતો. એટલું નહીં મહારાજ ઐારંગઝેબની સેવામા પણ રહ્યા હતા, વાતનો એમના પત્રોના .ચિં. કેળકરે કરેલા સંપાદન કે મરાઠા મંદિરે પ્રકાશિત કરેલા જીવનચરિત્ર પરથી ખ્યાલ આવે છે.

ક્રૂર રાજવી ઐારંગઝેબમાં પણ પ્રેમનું ઝરણું

રૂક્ષ હૃદયના અને ગીતસંગીત તથા શરાબના કટ્ટર વિરોધી ગણાતા બાદશાહ ઐારંગઝેબ કયારેક પોતાના માસા સૈફખાનના જનાનખાનાની વીણાવાદક હીરાબાઈના પ્રેમમાં પહેલી નજરે ઘાયલ થઈને માશૂકાના પ્રેમની પરીક્ષામાં શરાબ પીવા પણ તૈયાર થયો હતો, એમના ડેક્કનના સૂબાકાળની ઘટના ઈતિહાસમાં નોંધાયેલી છે. હીરાબાઈને પોતાના જનાનખાનામાં પ્રવેશ કરાવવા માટે અન્ય સ્ત્રીઓ માસી-માસાને આપ્યા પછી થોડા વખતમાં હીરાબાઈ ઉર્ફે ઝૈનાબાદીનું ઐારંગાબાદમાં મૃત્યુ થતાં બાદશાહ જેવા બાદશાહે પણ આંસુ સાર્યાં હતાં. નાચ ગાનથી વિરક્ત થયો અને સંગીતનાં વાજિંત્રોનો જનાજો કઢાવવાનું નિમિત્ત પણ બન્યો. પવિત્ર કુરાનની હસ્તલિખિત પ્રતો અને સ્વહસ્તે ગૂંથેલી ટોપીઓ થકી થતી કમાણી સાદું જીવન જીવવા માટે ખર્ચતો હતો.

હિંદુદ્વેષી બાદશાહ ગંગાજળ પીતો 

ઐારંગઝેબ હિંદુદ્વેષી ગણાયો. અનેક મંદિરો તોડાવીને મસ્જિદોમાં ફેરવી નાંખવા માટે જવાબદાર લેખાયો, પણ ઐારંગઝેબ હંમેશાં ગંગા નદીનું પવિત્ર પાણી પીતો હતો અને એના માટે રોજે રોજ ઊંટ પર ગંગાજળ મંગાવાતું હતું. યુદ્ધના મોરચે પણ ગંગાજળની ખેપો ચાલુ રહેતી હતી. જે ઐારંગઝેબે મંદિરો તોડાવ્યાં ઐારંગઝેબે અનેક ઠેકાણે હિંદુ મંદિરો બાંધવા, સમારકામ કરાવવા કે આત્મનિર્ભર કરવા માટે આર્થિક સહાય કરી હતી એટલું નહીં જાગીરો પણ આપી હોવાના પુરાવા મોજૂદ છે. જે ઔરંગઝેબે ક્યારેક સરસપુર અમદાવાદના મંદિરને તોડાવીને મસ્જિદમાં ફેરવી નાખવાનો હુકમ કર્યો હતો આલમગીરે ૧૬૬૦ ના ફરમાન થકી જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય, ગિરનાર અને આબુનાં જૈનતીર્થોની સોંપણી, જૈન સંઘના પ્રતિનિધિ તરીકે તેમને કરી હતી. બાદશાહે ફરમાવ્યું હતું કે પ્રદેશમાં કોઈ માંડલિક રાજાઓ શાંતિદાસના કાર્યમાં હરકતો ઊભી કરશે તો તેઓ રાજદંડને પાત્ર થશે.

વિલાસવૃત્તિ પર અંકુશ મૂકતો ઔરંગઝેબ

સતત યુદ્ધ માટેની અનિવાર્ય આર્થિક જરૂરિયાત માટે હિંદુઓ પર જજિયાવેરો લાદવાની જેમ પારસીઓ પર પણ બાદશાહ ઐારંગઝેબે જજિયાવેરો લાદ્યો હતો. સુરતના પારસી દાનવીર રૂસ્તમ માણેકે બાદશાહ સમક્ષ રજૂઆત કરી એટલે ૧૦ ઓગસ્ટ ૧૬૫૮ના ફરમાનથી પારસીઓ પરનો જજિયાવેરો રદ કરાયો હતો. હિંદુઓમાં પણ જજિયાવેરામાંથી જેમને બાકાત રખાયા હતા એમની યાદી જોવામાં આવે તો વિવાદ પાછળના કકળાટનું કારણ સમજી શકાય છે. ઔરંગઝેબ ગાદીએ આવતાં વિલાસવૃત્તિ પર અંકુશ મૂકવા માંડ્યો. એણે દરબારમાં  થતાં નાચગાન, ગાયન-વાદન તથા વિદ્વાનોના વાદ-વિવાદ બંધ કરાવ્યા. સંગીત અને નાચગાનને ઈસ્લામ ધર્મની વિરુદ્ધ ગણી તેમની સામ તેણે ખાસ કડક ફરમાન કાઢ્યાં. એવું નાજુકલાલ નંદલાલ ચોક્સી ૧૯૨૩ માં ગૂજરાત વિદ્યાપીઠે પ્રકાશિત કરેલા પુસ્તક મોગલવંશ માં નોંધે છે. ઐારંગઝેબે કેફી પદાર્થો અને ચીજોના ઉત્પાદનને બંધ કરાવવા ભાંગના છોડના વાવેતર પર બંધી ફરમાવતું ફરમાન ગુજરાતના સૂબા રહમતખાન પર મોકલાવ્યું હતું. રાજકીય દૃષ્ટિએ ઇસ્લામના અનુયાયીઓને પોતાને પડખે લેવાની એની અનિવાર્યતા હતી, પણ એણે પોતે અને પોતાના પુત્રો તથા પૌત્રોનાં લગ્ન રજપૂતાણીઓ સાથે કર્યા હતાં. સૌરાષ્ટ્રનાં નાનાં હિંદ રજવાડાંમાં અલગ અલગ પ્રકારના પર (બાવન) અન્યાયી કર પ્રજા પાસે હજુ હમણાં સુધી એટલે કે બ્રિટિશકાળ લગી વસુલાતા હોવાની યાદી દેવેન્દ્ર દેસાઈ જેવા વસાવડના શાસક પરિવારના વંશજ આપતા હોય તો મુઘલકાળમાં તો તુર્ક શાસન હતું એટલે પોતાનાં તરભાણાં ભરવા કર વસૂલે સ્વાભાવિક છે. જોકે બ્રિટિશ શાસનમાં જેમ ભારતીય સંપત્તિને ઇંગ્લેન્ડ લઈ જવાતી હતી એવું મુઘલકાળમાં ના થયું કારણ મુઘલો ભારતમાં સ્થાપી થઈને રહ્યા હતા.

-મેઈલ: haridesai@gmail.com          (લખ્યા તારીખ: ૨૯ ઓગસ્ટ, ૨૦૨૨)

No comments:

Post a Comment