એકાએક “જન ગણ મન” ને બદલે “વંદે માતરમ્” રાષ્ટ્રગીત થઇ ગયું!
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
સર્વોચ્ચ અદાલતે ચુકાદો
આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ ના પાડી શકાય
·
વાજપેયી અને આડવાણીનો
શાળાઓને નિર્દેશ હતો:‘વંદે માતરમ્’ ફરજિયાત ના કરી શકાય
· રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ “આનંદમઠ”મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવો પડ્યો
ગુજરાતમાં પાઠ્યપુસ્તક મંડળે વર્ષ ૨૦૨૧માં
પ્રકાશિત આઠમા ધોરણના અજમાયશી પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રગીત (નેશનલ એન્થમ) તરીકે “જન
ગણ મન”ને બદલે રાષ્ટ્રગાન (નેશનલ સોંગ) “વંદે માતરમ્”ને પ્રકાશિત કરીને વિવાદનો
મધપૂડો છંછેડ્યો છે. જોકે બંધારણ સભામાં સ્વીકૃતિ આપવામાં આવ્યાથી વિપરીત કરવામાં
આવેલા આ ફેરફાર સંદર્ભે ભાગ્યે જ કોઈનું
ધ્યાન ગયું છે અને કોઈ વિરોધ પણ ઊઠ્યો નથી. સત્તાધીશોના સંઘ પરિવારની ભૂમિકા “વંદે
માતરમ્”ને રાષ્ટ્રગીત બનાવવાની રહી હોવાથી આ બાબત જાણકારો અને શાળાઓના સંચાલકો અને
વિપક્ષ પણ મૌન સેવે છે. બંધારણસભાએ “જન ગણ મન” અને “વંદે માતરમ્” બંનેને સમાન
લેખ્યાં છે. સદગત કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દે બિરાજતા હતા
ત્યારે તેમણે ભારતીય રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ શબ્દપ્રયોગ અંગ્રેજ શાસક એટલે કે
સમ્રાટ જયોર્જ પંચમ માટે વપરાયો હોવાથી એને દૂર કરીને એને સ્થાને ‘મંગલ’ શબ્દ
મૂકવાનું કલ્યાણ સિંહે સૂચવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂંઝવણ વધારવા જેવું
રાજ્યપાલ કલ્યાણસિંહે કર્યું હતું. ઓછામાં પૂરું કલ્યાણ સિંહની જેમ જ પશ્વિમ
બંગાળના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સ્વયંસેવક અને ત્રિપુરાના રાજ્યપાલ રહેલા
તથાગત રૉયે પણ રાષ્ટ્રગીતના વિવાદમાં સામેલ થઈને કર્યું. જોકે પશ્વિમ બંગાળ ભાજપના
અધ્યક્ષ રહેલા તથાગત રૉયના મતે, ‘દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ પામેલા જનગણમનમાં
કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’
રાષ્ટ્રગીતમાં ગુજરાત ક્રાંતિકારી
સંઘ પરિવારમાં એવી માન્યતા પ્રવર્તે છે કે
રવીન્દ્રનાથ ઠાકુર અંગ્રેજ સમ્રાટની ભારત મુલાકાત વખતે એમની પ્રશસ્તિ માટે રચેલું
ગીત સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત થઈ શકે નહીં. એને બદલે ‘વંદે માતરમ્’ નામક
બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ગીતને રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળવી જોઈએ. જોકે
બંકિમચંદ્ર બ્રિટિશ સરકારની નોકરીમાં હતા અને તેમની મુસ્લિમ વિરોધી મનાતી નવલકથા
“આનંદમઠ”માંથી “વંદે માતરમ્” લેવાયું છે અને એ નવલના અંતમાં અંગ્રેજો આવવાથી દેશવાસીઓનું કલ્યાણ થશે
એવી ભૂમિકા રજૂ કરાઈ છે. સત્તામાં હોવું અને વિપક્ષે હોવું એ બે વચ્ચેની ભેદરેખા
સંઘ પરિવારમાં ઉછરેલા રાજનેતાઓ ક્યારેક વિસારે પાડે છે. દેશના વડાપ્રધાનપદે સંઘના
જ સ્વયંસેવક-પ્રચારક અટલ બિહારી વાજપેયી હતા ત્યારે સંઘ પરિવારના સંગઠન અખિલ
ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી આવેદનપત્ર અપાયું હતું કે “જન ગણ મન”ને રાષ્ટ્રગીત
તરીકે દૂર કરવામાં આવે. છ વર્ષ વાજપેયી શાસન રહ્યું, પણ એ દિશામાં કોઈ નિર્ણય લેવાનું તેમને વાજબી
લાગ્યું નહોતું. હવે મોદી જેવા અટલજી કરતાં વધુ આક્રમક સ્વયંસેવક ગણાતા સંઘ
પરિવારના જ પ્રતિનિધિ ભારે બહુમતી સાથે શાસન કરી રહ્યા છે ત્યારે “જન ગણ મન” વિશે કાંઈ કાર્યવાહી કરશે કે કેમ એ તો તેઓ આ
સંદર્ભે મૌન તોડે ત્યારે જ ખ્યાલ આવે. એ પહેલાં ગુજરાત સરકારે તો “વંદે માતરમ્”ને
રાષ્ટ્રગીત અને “જન ગણ મન”ને રાષ્ટ્રગાન જાહેર કરી દીધું છે.
અધિનાયકનો નિરર્થક વિવાદ
રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ એ કોઈ અંગ્રેજ શાસક નહીં, પરંતુ દેશની પ્રજા
હોવાનું ત્રિપુરાના રાજ્યપાલ રહેલા તથાગત રૉયનું કથન વાસ્તવમાં સાચું છે.
રાષ્ટ્રગીતના ઇતિહાસનો અભ્યાસ કરવાથી અનેક તથ્યો ઉજાગર થાય છે. ઓછામાં પૂરું
રાજકારણમાં અટકચાળાની છબિ ધરાવતા ડૉ.સુબ્રમણિયન સ્વામીએ સંઘ પરિવારના હિંદુત્વના
ઍજન્ડાને અમલી બનાવવા માટે ભાજપના એ વેળાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર
લખ્યો હતો. શાહે એનો ઉત્તર નહીં વાળ્યો એટલે સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
આની ફરિયાદ કરી. મોદી સુપેરે જાણે છે કે કલ્યાણ સિંહની જેમ જ સ્વામી પણ હોદ્દો ના
મળે ત્યારે છેલ્લે પાટલે બેસવાની પ્રકૃતિ ધરાવે છે. એમણે સંઘની ભાંડણલીલામાં કોઈ
મણા રાખી નહોતી. હવે પાછા ભાજપમાં જોડાયા છે, સૉરી, એમની વન-મૅન નેતા પાર્ટી ગણાતી જનતા પાર્ટીને એમણે
ભાજપમાં ભેળવી દીધી છે એટલે ‘હોલીયર ધેન ધાઉ’ની શ્રેણીમાં પોતાને ગણાવે એ
સ્વાભાવિક છે. પક્ષની શિસ્ત તોડનારા કલ્યાણ સિંહને પણ વડા પ્રધાનપદના ઉમેદવાર
તરીકે મોદીએ પક્ષમાં પાછા લીધા એની પાછળ તેમની ઉત્તર પ્રદેશમાં જીતવાની અપેક્ષા જ
હતી. મોદીનો એ વ્યૂહ સફળ રહ્યો, પણ જીત્યા પછી કલ્યાણ સિંહને બીજા વરિષ્ઠ ભાજપી
નેતાઓની જેમ જ એમણે બાજુએ સારવાનું જ પસંદ કર્યું છે.
“વંદે માતરમ્”વિરોધીઓ રાષ્ટ્રદ્રોહી
સંઘ પરિવારની ભૂમિકા ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત
તરીકે સ્વીકૃતિ અપાવવાની રહી છે. બંકિમચંદ્ર ચેટરજીની નવલકથા ‘આનંદમઠ’માં ‘વંદે
માતરમ્’ સામેલ છે અને એ સંઘની શાખાઓમાં આખું ગવાય છે. ૧૯૯૯માં ‘વંદે માતરમ્’ની
શતાબ્દીની સંઘે ઉજવણી કરી હતી. એ વેળા ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા કલ્યાણ સિંહની
સરકાર હતી. ‘વંદે માતરમ્’ના શતાબ્દી વર્ષમાં જ શાળાઓમાં ‘વંદે માતરમ્’ અને
‘સરસ્વતીવંદના’નું ગાન ફરજિયાત કરાયા અંગે વિવાદ થયો હતો. કલ્યાણ સિંહ સરકારના
શિક્ષણ પ્રધાન રવીન્દ્ર શુકલાએ એ વેળા નિવેદન કર્યું હતું કે માયાવતી બહુજન સમાજ
પાર્ટી અને ભાજપની સંયુક્ત સરકારનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી ‘વંદે માતરમ્’ને
રાજ્યની શાળાઓમાં ફરજિયાત બનાવવાનો આદેશ બહાર પડાયો હતો. તત્કાલીન વડાપ્રધાન અટલ
બિહારી વાજપેયી અને એમની સરકારના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણીએ એ વેળા એવી
ભૂમિકા લીધી હતી કે ‘વંદે માતરમ્’ને
શાળાઓમાં ગવડાવવાની ફરજ પાડી શકાય નહીં ! વાજપેયી સરકારના માહિતી અને પ્રસારણ
પ્રધાન તરીકે મુખ્તાર અબ્બાસ નકવીએ ‘વંદે માતરમ્’નો વિરોધ કરનારાઓને
રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા, પરંતુ કલ્યાણ સિંહે પોતાના શિક્ષણ પ્રધાન શુક્લાને ગડગડિયું આપ્યું
એટલું જ નહીં, શાળાઓમાં
‘વંદે માતરમ્’ અને ‘સરસ્વતીવંદના’ ગાવાનું ફરજિયાત કરતો સરકારી આદેશ રદ કર્યો હતો
!
બંધારણસભા અને રવીન્દ્રનાથ
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય રાષ્ટ્રગીત તરીકે
ર૪ જાન્યુઆરી ૧૯પ૦ના રોજ ‘જન ગણ મન’ને માન્યતા આપી છે અને ભારતીય સ્વાતંત્ર્ય
ચળવળમાં ઐતિહાસિક યોગદાન કરનાર ગાન ‘વંદે
માતરમ્’ને સમાનસ્તરે મૂકીને આદર આપવાનું જાહેર કરાયું હતું. કોલકાતામાં ર૬-ર૮
ડિસેમ્બર ૧૯૧૧ દરમિયાન મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં ર૭મીએ સવારે બાર વાગે સૌપ્રથમ
‘જન ગણ મન’ ગીત ગવાયું હતું. આ ગીત વિશેના વિવાદ સંદર્ભે ‘વિશ્વભારતી’ના એક
ભૂતપૂર્વ વિદ્યાર્થી પુલિન બિહારી સેનને પ્રત્યુત્તર વાળતાં રવીન્દ્રનાથે ર૦
નવેમ્બર ૧૯૩૭ના રોજ લખ્યું હતું : ‘‘એ વર્ષે (૧૯૧૧માં) ભારતના સમ્રાટના આગમનનું
આયોજન થયું હતું. સરકારમાં અગ્રસ્થાને બિરાજેલા મારા એક મિત્રે સમ્રાટના આગમન વખતે
એક જયગાન લખવાનો મને ખાસ આગ્રહ કર્યો. સાંભળીને આશ્વર્ય થયું હતું. તે આશ્વર્ય
સાથે ભારે ખેદ પણ થયો હતો. તેની પ્રબળ પ્રતિક્રિયાના ધક્કાથી જ મેં જન ગણ મન
અધિનાયક ગીતમાં તે ભારત ભાગ્યવિધાતાની જય ઘોષણા કરી, જે વતન અભ્યુદયના ખાડાટેકરાવાળા રસ્તે યુગયુગથી
દોડી રહેલા યાત્રીઓના ચિરસારથિ છે, જે જન ગણના અંતર્યામી પથપરિચાયક છે, તે યુગયુગાન્તરના
માનવ ભાગ્યરથના ચિરસારથિ કોઈ પાંચમા કે છઠ્ઠા જયોર્જ કદી પણ ન હોઈ શકે તે વાત પેલા
રાજભક્ત મિત્ર સમજી શક્યા હતા.’’
‘વંદે માતરમ્’નો મુસ્લિમોમાં વિરોધ
સ્વયં રવીન્દ્રનાથ ઠાકુરની આટલી સ્પષ્ટતાને
સ્વીકારી નહીં શકનારા સંઘ પરિવારવાળાઓના અગ્રણી એવા કલ્યાણ સિંહ પાછા કહે છે કે
મને રવીન્દ્રનાથ ઠાકુર માટે માન છે.૧૯૧૧ના કોલકાતાના કૉંગ્રેસ અધિવેશનમાં
રવીન્દ્રનાથના ‘જન ગણ મન’ ઉપરાંત સમ્રાટ જયોર્જ પંચમના માનમાં હિંદીમાં રામભુજ
ચૌધરીરચિત સ્તુતિગાન ગવાતાં અંગ્રેજી મીડિયાએ કરેલા ગોટાળાથી ‘જન ગણ મન’ને ભૂલથી
સમ્રાટનું સ્તુતિગાન ગણી લેવાયું! અપપ્રચારને પાંખો ખૂબ ફૂટતી હોય છે. ૧૯૧૩માં
જેમને ‘ગીતાંજલિ’ માટે નોબેલ પારિતોષિક મળે છે અને જેમણે રચેલું ‘આમાર સોનાર
બાંગલા’ આજે પણ બાંગલાદેશનું રાષ્ટ્રગીત છે એ રવીન્દ્રનાથ ભણી આદર વ્યક્ત કરવાની
સંઘ પરિવારની નીતિરીતિ નોખી છે. સંઘ પરિવારનો આગ્રહ છે કે ‘વંદે માતરમ્’ને જ
રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવે. આ તબક્કે ઉલ્લેખ કરવા જેવો છે કે ૧૮૮રમાં
બંકિમ ચેટરજીલિખિત ‘આનંદમઠ’ નવલમાં પ્રકાશિત ‘વંદે માતરમ્’ને ૧૯૦પમાં વારાણસીના
કૉંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું અને સૌ પ્રથમ
રવીન્દ્રનાથ ઠાકુરે જ ૧૮૯૬ના કોલકાતા અધિવેશનમાં ગાયું હતું! એ પહેલાં તેમણે
બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું. ‘વંદે માતરમ્’ સામે મૂર્તિપૂજાના
મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો, પણ રવીન્દ્રનાથે ૧૮૯૬ના કૉંગ્રેસના જે અધિવેશનમાં
એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે,
રહીમતુલ્લાહ સાયાની હતા. ૧૯૦પના વારાણસીના
કૉંગ્રેસના અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે
માન્યતા મળી અને એ વેળા મોહમ્મદ અલી ઝીણા પણ કૉંગ્રેસ કારોબારીમાં હતા.
ઝીણાની બેવડી ભૂમિકા
૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને
તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું. એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ
લીધું અને ૧૯૩પમાં ‘વંદે માતરમ્’ નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત ૧૯૪૭ની ૧૪ ઑગસ્ટે
અલગ પાકિસ્તાન મેળવ્યું! ૧૯૩૮માં મુસ્લિમ લીગની ૧૧ માંગણીઓમાં ‘વંદે માતરમ્’ને
રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કૉંગ્રેસે એક સમિતિ નીમી, જેમાં મૌલાના અબુલ
કલામ આઝાદ, જવાહરલાલ
નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને
નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીય ગાન (નૅશનલ ઍન્થમ)
નક્કી કરવાનું હતું. સમિતિનો ઠરાવ નેહરુનો હતો. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે
તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કૉંગ્રેસમાંના મુસ્લિમ
નેતાઓને પણ એ માન્ય હતું. ૧૮૮રમાં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર
ચેટરજી-ચટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ સૌ પ્રથમ પ્રકાશિત થઈ હતી. જોકે ‘વંદે માતરમ્’
ગીત તેમના પરિવારના સામયિક ‘બંગદર્શન’માં ૧૮૮૦માં પ્રગટ થયું હતું. તેમાં ‘આનંદમઠ’
હપ્તાવાર પ્રગટ થઈ હતી. બંગભંગવિરોધી આંદોલન(૧૯૦પ) વખતે ‘વંદે માતરમ્’ પ્રત્યેક
બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો.
“આનંદમઠ”ના પ્લોટ બદલાયા
બંકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે
‘આનંદમઠ’માં અનેકવાર (આઠ વખત) ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં ‘બ્રિટિશ’ અને
‘અંગ્રેજ’ શબ્દ હતા. એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં
‘મુસલમાન’ ‘યવન’ ‘વિધર્મી’ થતા રહ્યા.
નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી
બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવાનો પ્રયાસ કરવો પડ્યો. એના જ
પરિણામે ‘આનંદમઠ’ નવલે મુસ્લિમ સમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમ
વિરોધ માફક આવવો સ્વાભાવિક છે. આઝાદી પછી
બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ને માન્યતા આપી અને ‘વંદે માતરમ્’ને એની
સમકક્ષ રાષ્ટ્રગાન તરીકે મૂક્યું હતું. ગુજરાતની
વડી અદાલતે સૌ પ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી
શકાય નહીં. કેરળ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ
રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ
હજુ શમતો નથી. સર્વમાન્ય નવું રાષ્ટ્રગીત અમલમાં લાવી શકાય,પણ એ દિશામાં પગલાં
લેવાય નહીં ત્યાં લગી આ વિવાદ સળગતો રહેવાનો.
ઈ-મેઈલઃ haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૨ ઓગસ્ટ,૨૦૨૨)
No comments:
Post a Comment