મહારાષ્ટ્રના રાજ્યપાલનું ગુજરાતી-રાજસ્થાની ઉંબાડિયું અને ઈડીનો સપાટો
અતીતથી
આજ: ડૉ.હરિ દેસાઈ
·
વિપક્ષના રાજકીય નેતાઓ ભાજપના નેતા ફડણવીસ
કને સુરક્ષાકવચ શોધે છે
·
બાળ ઠાકરે-રાજ ઠાકરેનો મદ્રાસીઓ, ગુજરાતીઓ અને
બિહારીઓ વિરુદ્ધ જંગ
·
કેન્દ્રમાં ભાજપ શાસનમાં ચાર નેતાનો
જેલવાસ, કેટલાકને માથે લટકતી તલવાર
Dr.Hari Desai writes weekly column “Ateetthee
Aaj” for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjari Daily(Anand).
મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરતમાં આશ્રય અપાયો ત્યારે જ મુંબઈ ભણીથી ગુજરાતીઓ વિરુદ્ધના વાવડ અપેક્ષિત હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું કે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ મુંબઈ અને થાણેમાંથી નીકળી જાય તો મુંબઈ નાણા વગરની રહે અને આર્થિક રાજધાની રહે જ નહીં. ગુજરાતીઓ કે રાજસ્થાનીઓનું મહારાષ્ટ્રમાં યોગદાન ઘણું છે પરંતુ એમની હિજરતની ના કોઈ અત્યારે માંગણી કરે છે કે ના એ મુદ્દો ચર્ચામાં છે. કોશિયારીએ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને “મહાશક્તિ”ની અઢી વર્ષની મહેનતને અંતે ૩૦ જૂન, ૨૦૨૨ના રોજ મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ઉદ્ધવ ઠાકરે સરકાર ગઈ અને એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડણવીસની સરકાર આવી. હજુ બે જણની સરકાર છે, પ્રધાનમંડળ વિસ્તરણ કરવા જતાં ભેગાં કરેલાં દેડકાંની પાંચશેરી વિખરાઈ જવાનો ડર છે. એટલે જ કદાચ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) વધુ સક્રિય જણાય છે. રવિવાર, ૩૧ જુલાઈએ “સામના”ના કાર્યકારી તંત્રી, શિવસેનાના સાંસદ અને બહુબોલા પ્રવક્તા સંજય રાઉતને ઈડીએ કસ્ટડીમાં લીધા.એ પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ગુજરાતી-રાજસ્થાની મુંબઈ-થાણે છોડી જાય તો શું થાય એવું રાજ્યના રાજ્યપાલની ગરિમાને છાજે નહીં એવું નિવેદન કર્યું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનો વિરોધ કરતાં રાજ્યપાલને કોલ્હાપુરી ચપ્પલ બતાવીને હકાલપટ્ટી કરવા જેવું અણછાજતું નિવેદન કર્યું. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારે રાજ્યપાલની હકાલપટ્ટી જ નહીં, તેઓ મહારાષ્ટ્રની માફી માંગે એવી માંગણી કરીને સૂચક રીતે કોશિયારીની ટોપીના રંગ જેવા જ એમના મનમાં ભાવ હોવાની વાત કરી. અગાઉ રાજ્યપાલે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે વિશે પણ “ભયાનક” નિવેદન કર્યાનું પણ પવારે યાદ દેવડાવ્યું હતું. મહારાષ્ટ્રનાં અખબારોએ પણ તંત્રીલેખ લખીને કોશિયારીના અટકચાળાને વખોડ્યો છે. રાજ્યપાલ પોતાના સત્તાવાર ટ્વીટર પર એ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો મૂકીને (પાછળથી એ વીડિયો હટાવી લેવાયો) એમણે વિવાદાસ્પદ નિવેદન કર્યાનું સ્પષ્ટ થતું હોવા છતાં પોતાના નિવેદનને વિકૃત કરવામાં આવ્યાની વાત કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોશિયારી રાજ્યપાલ કરતાં ભાજપના નેતા હોય એ રીતે સવિશેષ વર્તતા હોવાનો આક્ષેપ પણ તેમના પર થતો રહ્યો છે.
શિવસેનાની સ્થાપનાનો હેતુ
વર્ષ ૧૯૬૬માં કોંગ્રેસી મુખ્યમંત્રી વસંતરાવ નાઈક અને ગૃહમંત્રી બાળાસાહેબ દેસાઈ સમક્ષ ગુજરાતી અને રાજસ્થાની મિલમાલિકોએ રાવ નાંખી હતી કે કમ્યૂનિસ્ટો મિલ માલિકોને કનડે છે. લાલ વાવટાવાળા વારંવાર હડતાળ પાડી પજવે છે. આ વર્ષે શિવસેનાની સ્થાપના થઇ હતી. મિલ વિસ્તાર પરેલના ધારાસભ્ય પણ સામ્યવાદી કામદાર નેતા કૃષ્ણ દેસાઈ હતા.એમની હત્યા થતાં ખાલી પડેલી જગ્યાની પેટા ચૂંટણીમાં શિવસેનાના વામનરાવ મહાડીક ચૂંટાયા હતા. શિવસેનાના સંસ્થાપકોમાંના મુખ્ય બાળ ઠાકરેના પિતાશ્રી પ્રબોધનકાર ઠાકરેના પરિવારને આર્થિક મુશ્કેલી હતી ત્યારે ગોદાવરી સુગર મિલના કચ્છી-ગુજરાતી માલિક કરમશીભાઈ સોમૈયાએ દાણાપાણીની વ્યવસ્થા કરી હતી. એવું સ્વયં પ્રબોધનકારે નોંધ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો ઘણો મોટો હિસ્સો હોવા છતાં “મરાઠી માણૂસાંચ્યા હિતા સાઠી” સ્થપાયેલી શિવસેનાનાસુપ્રીમો બાળ ઠાકરેએ પોતાના પ્રભાવને પાથરવા માટે ક્યારેક દક્ષિણ ભારતીયોને ભગાડવા લૂંગી પૂંગી આંદોલન કર્યું હતું ટો ક્યારેક ગુજરાતીઓને ભગાડવા માટે આતંક ફેલાવ્યો હતો. આમ છતાં, આજે મુંબઈમાં ૩૫ લાખ કરતાં વધુ ગુજરાતી વસે છે. પોતાના રાજકીય લાભ માટે ઠાકરે “બાહેરચે લોંઢે” સામે આંદોલનની ઘોષણા કરતા રહ્યા છે. એમના ભત્રીજા રાજ ઠાકરેએ પણ બિહારી અને ઉત્તર ભારતીયોને મારીને ભગાડવા માટે હુમલાસત્ર પણ ચલાવ્યું હતું. જોકે બાળ ઠાકરે ગુજરાતી, રાજસ્થાની કે અન્યો સામે આંદોલન કરીને પછી ખાસ ગોઠવણ કરી લેતા હતા. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પછી રાજ્યમાં સત્તા મેળવવા માટે એમણે ૧૯૮૪ સુધીના કોંગ્રેસ સાથેના જોડાણને તોડીને ભાજપ સાથે ઘર માંડી જ્વલંત હિંદુત્વનો મારગ અપનાવ્યો હતો. ૧૯૯૫માં શિવસેના અને ભાજપની રાજ્ય સરકાર આવી અને ૧૯૯૯થી ૨૦૧૪ લગી શિવસેનાએ વિપક્ષે બેસવું પડ્યું એ દરમિયાન ઠાકરેના ઘણા સાથી અન્ય પક્ષોમાં જઈને હોદ્દા ભોગવતા રહ્યા. વર્ષ ૨૦૧૨માં બાળ ઠાકરેના નિધન પહેલાં જ એમણે પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેને શિવસેનાપ્રમુખ બનાવવાનું નક્કી કર્યાથી નારાજ તેમનો ભત્રીજો રાજ ઠાકરે શિવસેના છોડી ગયો હતો. પરિવારવાદને કારણે જ રાજકારણમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ હમણાં પરિવારવાદ સામે જેહાદ જગાવી છે અને શિવસેના હવે પતી ગયાની હાકલ કરી છે. જોકે શિવસેનામાં ભાગલા પડ્યા અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મુખ્યમંત્રી એકનાથ શિંદે “મહાશક્તિ”ના ટેકે સત્તામાં આવવા માં સફળ થયા છે, પરંતુ ઠાકરે સાવ પતી ગયાનું કહેવું એ જરા વધુ પડતું કહેવાશે.
ઈડીનો વીંઝાતો કોરડો
કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર આવ્યા પછી મહારાષ્ટ્રના ચાર નેતાઓ સામે ગંભીરપણે ઈડી તપાસ ચલાવાઈ અને આજ સુધી ચાર મહત્વના નેતાઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે. મુંબઈના પોલીસ કમિશનર સહિતના અનેક અધિકારીઓ સામે પણ ઈડી કાર્યવાહી કરી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા છગન ભુજબળે બે વર્ષ જેલમાં ગાળ્યાં. જમીન પર છૂટ્યા અને ફરીને કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. સંયોગ જુઓ: શિવસેનાના મુંબઈના મેયર રહેલા ભુજબળે બાળાસાહેબ ઠાકરેનો સાથ છોડીને પવારનો સાથ કબૂલ્યો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારમાં એ રાષ્ટ્રવાદીના કવોટામાંથી મંત્રી હતા. આ જ સરકારના બે મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિક હજુ જેલવાસ ભોગવી રહ્યા છે. નવેમ્બર ૨૦૨૧થી મહારાષ્ટ્રના ગૃહમંત્રી રહેલા દેશમુખ અને ફેબ્રુઆરી ૨૦૨૨થી મલિક જેલમાં છે. હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતને ઈડી કસ્ટડીમાં લેવાયા છે. મહારાષ્ટ્રના ઘણા નેતાઓ ઈડી તપાસ શરૂ થતાં કે નોટિસ મળતાં ભાજપમાં જોડાવા કે એણે અનુકૂળ થવાનું વલણ અપનાવી ઈડી તપાસ ઢીલી કરાય એ દિશામાં પ્રયત્નશીલ રહ્યા છે. હજુ રવિવારે જ કસ્ટડીમાં લેવાયેલા રાઉતે નિવેદન કર્યું કે મરીશ, પણ ઈડીથી ગભરાઈને સત્તા મોરચામાં જોડાવા માટે શિવસેના અને ઉદ્ધવજીનો સાથ છોડીશ નહીં. રાઉતના ઘરે એટલે કે ભાંડુપ સ્થિત “મૈત્રી” બંગલે ઈડીના દસ અધિકારી રવિવાર સવારે સાત વાગ્યે પહોંચ્યા. સાથે કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ના જવાનો પણ હતા. ઉપરાંત દાદર ગાર્ડન કોર્ટ ઈમારત પર પણ ઈડી તપાસ ચાલી. રાઉતના ઘરેથી સાડા અગિયાર લાખ રૂપિયા મળ્યા. ઈડીના અધિકારી સાંજે સાડા પાંચના સુમારે રાઉતને લઈને બેલાર્ડ પિયર ખાતેના ઈડી કાર્યાલયે જવા નીકળ્યા ત્યારે અસંખ્ય શિવસૈનિક ઈડીની કાર્યવાહીનો વિરોધ કરવા જમા થયા હતા. રાઉતે તો પોતાના સમર્થકોને પોતાની સામે ખોટો કેસ છે એવું જણાવ્યું અને પેડા વહેંચવા કહ્યું, પણ શિવસેનાના પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ “આ તો ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી કરતાં પણ મોટી આણીબાણી (ઈમરજન્સી) છે એવી પ્રતિક્રિયા આપી હતી. આવતા દિવસોમાં મહારાષ્ટ્ર ગાજતું રહેશે. દરમિયાન પૂર્વ મંત્રી, કોંગ્રેસી નેતાઅને ધારાસભ્ય અસલમ શેખઈડી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. એ પણ રવિવારે જ ઉદ્યોગપતિ મોહિત કંબોજ સાથે “સાગર” બંગલો પર નાયબ મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા. કેટલાક ગભરાયેલા વિપક્ષી નેતાઓ ભાજપના આ નેતા કને સુરક્ષા કવચની શોધમાં જઈ રહ્યા છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ ઓગસ્ટ, ૨૦૨૨)
No comments:
Post a Comment