Wednesday, 17 August 2022

Bihar Political Scenario

        બિહારમાં સત્તાપરિવર્તનના લોકસભા ચૂંટણીમાં મળનારા રાષ્ટ્રીય સંકેતો

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         મહારાષ્ટ્ર પેટર્ન પર પટણામાં જેડી(યુ)ના બળવાખોરોને સાધવાની ચાલ ઊંધી વળી

·         ૨૦૧૯ની લોકસભા અને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી ભાજપને નીતીશ થકી ફળી

·         ઓબીસીની વસ્તીગણતરી અને અનામતના મુદ્દે ભાજપ કરતાં આરજેડી વધુ અનુકૂળ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily (Surat)

દેશના એક મહત્વના અને વિશાળ રાજ્ય બિહારમાં એકાએક કેન્દ્રમાં શાસન કરતા ભાજપી મોરચાને ફટકો પડ્યો.મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડ્યો અને ફરી લાલુપ્રસાદના પક્ષ સાથે ઘર માંડ્યું.નીતીશે  આઠમીવાર મુખ્યમંત્રીપદના શપથ લીધા અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા. આ પલટા પહેલાં નીતીશે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી. કોંગ્રેસ સહિતના પક્ષો સરકારમાં જોડાવાના કારણે ભાજપની મુશ્કેલી વધી છે. વર્ષ ૨૦૧૭માં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વછેરા તેજસ્વી યાદવને દગો દઈને જનતા દળ (યુનાઈટેડ)ના સુપ્રીમો નીતીશ કુમારે ભારતીય જનતા પક્ષ સાથે ઘર માંડ્યું હતું. આરજેડી સાથે મળીને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી લડનારા નીતીશે ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે લડવાનું પસંદ કર્યું હતું. કુલ ૨૪૩ સભ્યોની વિધાનસભામાં માત્ર ૪૫ બેઠકો મળ્યા છતાં ભાજપે એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન અને એમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને નીતીશને કટ ટુ ધ સાઈઝ કરવાની કોશિશ જરૂર કરી હતી.એમ તો તેજસ્વી પ્રસાદે પણ ૨૦૧૫માં આરજેડીની સૌથી વધુ બેઠકો અને  નીતીશની બેઠકો ઘણી ઓછી હોવા છતાં એમને મુખ્યમંત્રી બનાવીને પોતે નાયબ મુખ્યમંત્રી બનવાનું પસંદ કર્યું હતું. જોકે પલટૂ ચાચા તરીકે મશહૂર બનેલા નીતીશ કુમાર આ વખતે આઠમીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે અને તેજસ્વી નાયબ મુખ્યમંત્રી.નીતીશ રાજકીય જીવનના અંતિમ પડાવ પર છે. મહારાષ્ટ્રની પેટર્ન પર જ આરસીપી સિંહને એકનાથ શિંદે બનાવીને ભાજપ નીતીશના પક્ષને તોડવામાં હતો ત્યાં એ ચેતી ગયા. એમણે પલટી મારી. નીતીશ પોતાને આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર ગણાવતા નથી, પરંતુ ૨૦૧૪માં આવેલાને એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં ઘરભેગા કરવાની ઘોષણા જરૂર કરી રહ્યા છે.  આ વર્ષે અને આવતા વર્ષે દેશનાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યાં વિપક્ષી જોડાણોને મજબૂત કરવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જરૂર કામે વળશે.

વિશ્વાસુ સિંહની સામેના આક્ષેપો

કેન્દ્રમાં મોદી સરકારમાં એનડીએના ઘટક પક્ષ જેડી(યુ)માંથી કોને મંત્રી બનાવવા એ નામાંકનનો વિશેષાધિકાર પક્ષનો હોવા છતાં વડાપ્રધાન મોદીએ સાથી પક્ષને વિશ્વાસમાં લીધા વિના જ ક્યારેક મુખ્યમંત્રી નીતીશના અંગત સચિવ રહેલા આઇએએસ અધિકારીમાંથી રાજનેતા બનેલા આરસીપી સિંહને કેન્દ્રમાં સ્ટીલ મંત્રી બનાવ્યા હતા. ચાણક્ય નીતીશ આ ઘટનાક્રમને ના સમજે એટલા બાલિશ હતા નહીં. બબ્બે વાર રાજ્યસભે પાઠવેલા સિંહને ત્રીજીવાર રાજ્યસભામાં નહીં મોકલવાનો પક્ષે નિર્ણય કર્યો એટલે એમણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. એટલું જ નહીં, પક્ષ તરફથી સિંહને ૨૦૧૩થી ૨૦૨૨ દરમિયાન મહાભ્રષ્ટાચાર આચરવા અંગે  નોટિસ આપી. નાલંદા જિલ્લામાં આરસીપી સિંહ ૫૮ પ્લોટ  પોતાના નામે અને પોતાની પત્ની તેમજ ૨૦૧૬ની આઇપીએસ દીકરી લિપિ સિંહના નામે ધરાવતા હોવાના દસ્તાવેજો પક્ષે જ રજૂ કર્યા. તેમની સામે ભ્રષ્ટાચારનો ખટલો દાખલ કરવાની માંગણી પક્ષના હોદ્દેદારોએ કરી એટલે એમણે પક્ષમાંથી હમણાં રાજીનામું ધરી દીધું છે. સાથે જ નિવેદન પણ કર્યું કે નીતીશ કુમાર ક્યારેય વડાપ્રધાન નહીં થઇ શકે. જોકે નીતીશે તો એ પહેલાં જ પોતે વડાપ્રધાનપદના ઉમેદવાર નહીં હોવાનું ગાઇવગાડીને કહ્યું છે. નીતીશે ભાજપની જેડી(યુ)ને ખતમ કરવાની યોજના હોવાનું સ્પષ્ટ કરતાં સવેળા ચેતીને આરજેડી, ડાબેરીઓ અને કોંગ્રેસ સાથે સાથે જોડાણ કરવાનું પસંદ કર્યું છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ તો કહ્યું હતું કે પ્રાદેશિક પક્ષો અસ્તિત્વ ગુમાવશે અને ભાજપ જ એક માત્ર મુખ્ય પક્ષ રહેશે. ભાજપે આક્ષેપ કર્યો છે કે નીતીશ કુમારને અમે માનપાન આપ્યા છતાં એ હવે છૂટા થયા. વળી, નીતીશને સત્તા વગરના મુખ્યમંત્રી કહ્યા હતા. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી છે પરંતુ સત્તાનો રિમોટ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કને હોવાની વાત ભાજપના બિહારી નેતાઓ વિસારે પાડે છે.

ઓબીસી અને અનામતનો વિવાદ

આરજેડી અને જેડી (યુ)માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની વોટબેંક ખૂબ મહત્વની છે. ભાજપ પાસે બિહારમાં પ્રભાવી નેતાગીરી પણ નથી. બબ્બે નાયબ મુખ્યમંત્રી મેળવીને નીતીશ કુમારની સરકારમાં ભાજપ પોતાનો જ પ્રભાવ પાડવામાં રમમાણ હતો. તેજસ્વી પ્રસાદ શરૂઆતથી જ ઓબીસીની અલગ વસ્તી ગણતરી કરાવવામાં આવે એના આગ્રહી રહ્યા છે. સાથે જ નીતીશનું પણ એ જ વલણ રહ્યું છે. ઓબીસીની અલગ વસ્તી ગણતરી કરાવવાની માંગણી સાથે વડાપ્રધાન મોદીને મળેલા બિહારના સર્વપક્ષી પ્રતિનિધિમંડળમાં ભાજપે નાછૂટકે જોડાવું પડ્યું હતું. ભાજપની માતૃસંસ્થા આરએસએસ ઓબીસીની અલગ વસ્તી ગણતરીના વિરોધમાં છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડી(યુ)ના ગઠબંધનને બિહારની ૪૦ બેઠકમાંથી ૩૯ બેઠક મળી હતી. નીતીશ સાથેના સંબંધવિચ્છેદથી ભાજપની ચિંતા વધી છે. જેડી(યુ)નો રાજકીય આધાર ઓબીસી અને મહાદલિત  છે. લાલુની પાર્ટી એમવાય એટલે કે મુસ્લિમ અને યાદવ સમીકરણ પર પ્રભાવ ધરાવે છે. જેડી(યુ), આરજેડી અને કોંગ્રેસ સાથે આવે એતક્લે ભાજપને સ્વાભાવિક રીતે જ ધક્કો પહોંચે. બિહારની વિધાનસભા ચૂંટણી તો ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫માં યોજાવાની છે, પણ એ પહેલાંની ચૂંટણીઓ પર બિહારનો ઘટનાક્રમ અસર કરી શકે છે. નીતીશ-તેજસ્વીના જોડાણને ૨૪૩ સભ્યોની વિધાનસભામાં ૧૬૪ સભ્યોનું સમર્થન છે. વિપક્ષમાં ભાજપ એકલવીર છે. એક બેઠક ખાલી છે. આરજેડી કને ૭૯, જેડી(યુ) પાસે ૪૫, કોંગ્રેસના ૧૯ અને અન્ય સમર્થકો સરકારને ચલાવવામાં મુશ્કેલી સર્જે તેમ નથી. એમઆઈએમના ૫ સભ્યો ચૂંટાયા હતા, પણ હવે માત્ર એક જ છે અને એ પણ નવા ગઠબંધનના સમર્થનમાં છે. આગામી દિવસોમાં બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિળનાડુ, તેલંગણ અને અન્ય રાજ્યો જ્યાં ચૂંટણીઓ થવાની છે એ ભણી સૌની નજર મંડાયેલી રહેશે.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૫ ઓગસ્ટ,૨૦૨૨)

No comments:

Post a Comment