Sunday, 7 August 2022

Atalji and Democracy

                                      સત્ય કા સંઘર્ષ સત્તા સે, ન્યાય લડતા નિરંકુશતા સે

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         સાવ નિરાળું વાજપેયીનું વ્યક્તિત્વ 

·         સ્વજનોના ઘા અંગે સોલંકીને  શીખ

·         જન્મ અને મૃત્યુના દિવસનો વિવાદ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV. 7 August, 2022.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામવા માંડ્યો હોય,ચૂંટણી આડે માંડ થોડાક જ મહિના બાકી હોવા છતાં કવિ કૈદીરાયને કોઈ ઝાઝા યાદ કરતું ના હોય; ત્યારે કંઈક અડવું અડવું લાગે.આયખું આખું રાજકારણ અને પત્રકારત્વમાં વિતાવ્યા છતાં એમનો સંવેદનશીલ કવિ તરીકેનો અંદાજ તો ક્યારેય ભૂલાય નહીં.અહીં વાત થાય છે  અટલ બિહારી વાજપેયીની. એમને  મન રાજકારણ માત્ર શબ્દોના સાથિયા કે શબ્દાનુપ્રાસની મેળવણી નહોતું.  કવિ એ વેળાનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીની કેદી અવસ્થામાં હોય કે પછી વડાપ્રધાનપદે આરૂઢ સર્વોચ્ચ સત્તાધીશના હોદ્દે હોય; સંવેદનાઓને એમણે ક્યારેય રાજકીય વાઘા પહેરાવવાનું પસંદ નહોતું કર્યું. લોકતાંત્રિક આસ્થાને કાયમ જાગૃત રાખીને સત્તાપક્ષ કે વિપક્ષમુક્ત ભારતની કલ્પનાય નહોતી કરી.એ તો હરફનમૌલાના અલગારી માહોલમાં જ જીવવાને ટેવાયેલા કવિ કૈદીરાય જ બનીને “અપની મસ્તી મેં મસ્ત” જીવન જીવવામાં રમમાણ રહ્યા. સત્તા સુધી પહોંચવાનો જેમનો એ રસ્તો બની રહ્યા એ સૌ સ્વજનોએ એમને માત્ર તસવીરોમાં સીમિત કરી દીધા અને એ પણ ભાગ્યે જ જોવા મળતી તસવીરોમાં. એ બેપરવા રહેવાનું પસંદ કરે એવું મસ્ત એવું એ વ્યક્તિત્વ આજે સાવ ખોવાયેલું લાગે છે.

કવિ અને રાજનેતાનો દ્વંદ

“કુછ મિત્ર કહતે હૈ, યદિ  મૈં  રાજનીતિ મેં ન આતા તો ચોટી કા કવિ હોતા.” કવિ “મેરી ઇક્યાવન કવિતાએં”માં નોંધે છે; “સચ્ચાઈ યહ હૈ કિ કવિતા ઔર રાજનીતિ સાથ-સાથ નહીં ચલ સકતી.અપને કવિ કે પ્રતિ ઈમાનદાર રહને કે લિએ મુઝે કાફી કીમત ચુકાની પડી હૈ, કિન્તુ કવિ ઔર  રાજનીતિક કાર્યકર્તા કે બીચ મેલ બિઠાને કા મૈ નિરંતર પ્રયાસ કરતા રહા હૂં.” હવે તો જન્મદિને (૨૫ ડિસેમ્બર) કે નિર્વાણદિને (૧૬ ઓગસ્ટ) પ્રણામના વિધિવિધાન પૂરતા જ યાદ રહે છે. અટલજીની જન્મતારીખ અને મૃત્યુની તારીખ પણ વિવાદનો વિષય બની છે. શાળાના ચોપડે એમની જન્મતારીખ ૨૫ ડિસેમ્બર,૧૯૨૬ નોંધાયેલી છે. “મેરી ઇક્યાવન કવિતાએં”માં ચોખવટ કરાઈ છે કે એ ગ્વાલિયરની શિંદે (સિંધિયા) છાવણીમાં ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ જન્મ્યા હતા. એમનું મૃત્યુ સત્તાવાર રીતે ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ગણાવાય છે, પરંતુ ઘણા માને છે કે એમનું મૃત્યુ ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ થઇ ચૂક્યું હતું.  છેક ૧૯૫૭માં પહેલીવાર જનસંઘના ચાર સભ્યોમાં લોક્સભે ચૂંટાઈને આવ્યા. એ વેળાના મહામાનવ એવા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ટીકા કર્યા છતાં એ શાબાશી પામ્યા. ત્યારથી વડાપ્રધાન થયા ત્યાં લગી લોકશાહી મૂલ્યોને એમણે આગવી રીતે પોષવાનું કામ કર્યું. કોઈને પાડી દેવાની શબ્દાવલી એમના જીવનમાં નથી રહી.એ ક્યારેય નેહરુદ્વેષથી પીડાયા નહીં. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧ના અંતે  બાંગલાદેશના પ્રસવમાં યોગદાન આપ્યું કે સિક્કિમ દેશને જનમત થકી ૧૯૭૫માં ભારતમાં ભેળવ્યો, ત્યારે એને આવકારો આપવાનું ચૂકે તો અટલજી નહીં. હા, લોકશાહી મૂલ્યોને સમાપ્ત કરી દેતી ૧૯૭૫-૭૭ની “કટોકટી”ની ટીકા કરવામાં એ પાછી પાની કરે તો વાજપેયી નહીં. પોતાનાઓ થકીના ઘા કે ઉઝરડાની વેદનાને અટલજી પોતાની કવિતામાં સહજતાથી વહાવતા રહ્યા.  એમના સ્વજનોમાં માત્ર પોતાની વાહવાહી કરનારાઓ જ નહોતા, પણ આજે ઈતિહાસજમા થયેલા કોંગ્રેસીનેતા માધવસિંહ સોલંકી જેવા અનેક ભિન્ન ભિન્ન પક્ષના નેતા પણ ખરા. એ રાજધર્મ ક્યારેય ચૂક્યા નહીં કે અહં બ્રહ્માસ્મિના તોરમાં રાચ્યા પણ નહીં.

ભારત જીવંત રાષ્ટ્રપુરુષ

અમને એમની જે રચનાઓ  ખૂબ પસંદ છે એમાં  છે “ભારત જમીન કા ટુકડા નહીં, જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ” અને  “કૌરવ કૌન, કૌન પાંડવ”. એમની સર્વકાલીન કૌરવ-પાંડવ કવિતા અહીં પ્રસ્તુત છે:

કૌરવ કૌન

કૌન પાંડવ

ટેઢા સવાલ હૈ .

દોનોં ઓર શકુનિ

કા  ફૈલા જાલ  હૈ.

ધર્મરાજ ને છોડી નહીં

જુએ કી લત હૈ.

હર પંચાયત મેં

પાંચાલી

અપમાનિત હૈ.

બિના કૃષ્ણ કે

આજ

મહાભારત હોના હૈ,

કોઈ રાજા બને,

રંક કો તો રોના હૈ.

 

“મૌલાના વાજપેયી”ની મહાનતા

અટલજીની કવિતા રૂથલેસ રાજકારણીઓની વચ્ચે રહીને પણ વેદના-સંવેદનાને જીવતી જાગતી રાખે છે એટલું જ નહીં, એ પ્રગટ પણ કરી શકે છે: ”મુઝે કિસી સે નહીં શિકાયત, યદ્યપિ છલા ગયા પગ-પગ મેં.” અને એ જીવનમરણને “બંજારોં કા ડેરા” ગણાવીને કહે પણ છે : “આજ યહાં, કલ કહાં કૂચ હૈ, કૌન જાનતા, કિધર સવેરા”. ક્યારેક લાહોર બસયાત્રાએ નીકળેલા વડાપ્રધાન વાજપેયીને અમે તંત્રીલેખના મથાળે “મૌલાના વાજપેયી” મઢ્યા હતા. એમને ફરિયાદ કરવા ગયેલા વિજયકુમાર મલ્હોત્રા અને  પુષ્પદાન ગઢવી સહિતના ચાર ભાજપી સાંસદોને વાજપેયીએ જે બોધ આપ્યો હતો એ અખબારી આઝાદીમાં એમની શ્રદ્ધાનો દ્યોતક છે : ”મલ્હોત્રા, હરિ તો અપના પત્રકારરધર્મ નિભા રહા હૈ,લેકિન આપ યહ તો બતાઓ કિ આપ તો પાર્ટી કે સદસ્ય હોને કે બાવઝૂદ અનુશાસન બાર બાર  ક્યોં તોડ રહે હો?” આ રહી છે અટલજીની મહાનતા.

 

જનહૃદય જીતવાનો સંકલ્પ

એમના મનનો મર્મ ૧૯૪૨માં લખનઉમાં કાલીચરણ કૉલેજમાં સંઘના ઓટીસી કૅમ્પમાં દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ની ઉપસ્થિતિમાં એમણે ગાયેલી સ્વરચિત કવિતામાં સ્પષ્ટ થાય છે : ”ભૂ-ભાગ નહીં, શત-શત માનવ કે  હૃદય જીતને કા નિશ્ચય”.

 

હોકર સ્વતંત્ર મૈંને કબ ચાહા હૈ કર લૂં જગ કો ગુલામ

મૈંને તો સદા સિખાયા હૈ કરના અપને મન કો ગુલામ

 

ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિએ ?

કબ દુનિયા કો હિંદૂ કરને ઘર-ઘર મૈં નરસંહાર કિએ?

 

કોઈ બતલાએ કાબુલ મેં જાકર કિતની તોડી મસ્જિદ?

ભૂ-ભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય

 

હિંદૂ તન-મન, હિંદૂ જીવન, રગ-રગ હિંદૂ મેરા પરિચય.

 

તિખારો

કવિ કૈદીરાય તખલ્લુસથી કવિતાસર્જન કરતા રહેલા અટલજી રાજકારણ અને લોકતંત્રનાં શાશ્વતમૂલ્યોને પોતાની કવિતામાં બખૂબીથી મૂકે છે :

 

“ સત્ય કા સંઘર્ષ સત્તા સે, ન્યાય લડતા નિરંકુશતા સે,

અંધેરે ને દી ચુનૌતી હૈ, કિરણ અંતિમ અસ્ત હોતી હૈ.

 

હર તરહ સે શસ્ત્ર સે હૈં સજ્જ, ઔર પશુબલ હો ઉઠા નિર્લજ્જ.

કિન્તુ ફિર ભી જૂઝને કા પ્રણ,પુનઃ અંગદ ને બઢાએ ચરણ.

 

દાંવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે,

તૂટ સકતે હૈં , મગર ઝુક નહીં સકતે.”

 

 

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૬ ઓગસ્ટ, ૨૦૨૨)

No comments:

Post a Comment