Wednesday, 20 July 2022

Hate Mughals, Love Dara Shikoh

  

મુઘલોનો ઈતિહાસ ભણતરમાંથી કાઢો, પણ દારા શિકોહને જાળવો  

અતીતથી આજ  : ડૉ.હરિ દેસાઈ

  • સત્તારૂઢ પક્ષની માતૃસંસ્થાને બાદશાહ ઔરંગઝેબના ભાઈ માટે જુગજુગનો પ્રેમ ઉમટ્યો
  • ગાદીના દાવેદારોને ખતમ કરવાની મુઘલ પરંપરા અકબરથી ઔરંગઝેબ લગી અખંડ રહી
  • દારા શિકોહ ભારતીય સેક્યુલરવાદનો પિતા, બાદશાહ ઔરંગઝેબ સૌથી મોટો ખલનાયક !
  • ફારસીમાં “શિકોહ”નો અર્થ છે “આતંક” એટલે  એ દારાને બદલે ઔરંગઝેબને વધુ લાગુ પડે

હમણાં સત્તાધીશો અને એમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને મુઘલ શાસકો માટે ઘૃણા સ્પષ્ટ દેખાય છે. શાળા -કોલેજમાં મુઘલ ઈતિહાસ ભણાવવાનું બંધ કરવાનું વલણ છે. આમ છતાં, કટ્ટર ધર્માંધ મનાતા બાદશાહ ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ માટે સંઘ પરિવારને પ્રેમ પ્રગટે એ વાતની નવાઈ  છે. ઇતિહાસમાં હિંદુદ્વેષી ગણાતા બાદશાહ ઔરંગઝેબના સરસેનાપતિ મિર્ઝા રાજા જયસિંહની વંશજ દીપા કુમારી ભાજપની સાંસદ હોય અને એ પછી તાજમહાલ પોતાના પૂર્વજો કનેથી મહેલ  પડાવીને એના પર ચણાયો હોવાની વાત કરે છે. એ પોતાના પૂર્વજ રાજા માનસિંહ પણ મુઘલ બાદશાહ અકબરના સરસેનાપતિ હતા એ વાત પણ ભૂલી જાય છે અથવા કહેવાનું ટાળે છે.  આજકાલ સેક્યુલર શબ્દ એ જાણે કે અછૂત ગણાવા માંડ્યો છે. એક દ્રષ્ટિએ એને ગાળ સ્વરૂપે પણ સમાજનો  ઘણો મોટો વર્ગ ઉપયોગમાં લેવા માંડ્યો છે. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિતના ૧૩ ન્યાયાધીશોની ખંડપીઠે આપેલા ઐતિહાસિક ચુકાદામાં સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ખરો, પણ એના હિસ્સા એવા આમુખ (પ્રિએમ્બલ)ના  આત્મા સમાન પાયાના સિદ્ધાંતો જેવા કે  ધર્મનિરપેક્ષતા (સેક્યુલરિઝમ) સહિતના સ્વરૂપમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. વારાણસીના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ક્યારેક “ગંગા જમુની તહેજીબ” (હિંદુ-મુસ્લિમ સમન્વય સંસ્કૃતિ) શબ્દપ્રયોગ કરે છે. જોકે પ્રચલનમાં આ ભાવ ક્રમશઃ ઓસરતો જાય છે. આમ છતાં,  ભારત સરકારે સત્તાવાર રીતે મુઘલ બાદશાહ શાહજહાંના સૌથી મોટા શાહજાદા દારા શિકોહને “ભારતમાં ધર્મનિરપેક્ષતાના સંસ્થાપક જનક” (ફાઉન્ડિંગ ફાધર ) જાહેર કરી જ દીધા છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં  નવી દિલ્હીના દલહાઉસી માર્ગને દારા શિકોહનું નામ અપાયું. એ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૫માં ઔરંગઝેબ માર્ગનું  ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ માર્ગ નામકરણ  કરાયું. હવે વર્તમાન કેન્દ્ર સરકારના કૉંગ્રેસી ગોત્રના ભાજપી સાંસદ રહેલા  પત્રકારશિરોમણિ અને ઇતિહાસકાર એમ.જે. અકબરે જ નહીં, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ(આઈ.સી.સી.આર.)ના અધ્યક્ષ (૨૦૧૪-૨૦૧૭) રહેલા લોકેશ ચંદ્રાએ પણ દારા શિકોહ વિશેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઘોષણા કરી હતી કે “ભારતમાં ધર્મનિરપેક્ષતા કે બિનસાંપ્રદાયિકતા(સૅક્યુલરિઝમ)ના પિતા” દારા શિકોહ છે.  મુઘલ બાદશાહ થવા નિર્માયેલા પણ નાનાભાઈ ઔરંગઝેબે ૩૦ ઑગસ્ટ ૧૬૫૯ (જુલિયન) / ૯ સપ્ટેમ્બર ૧૬૫૯ (ગ્રૅગેરિયન)ની ઘોર અંધારી રાતે મોતને ઘાટ ઉતારેલા એ આ દારા શિકોહ. અત્યાર લગી એવી માન્યતા હતી કે ભારતની સંસ્કૃતિ કે હિંદુ સંસ્કૃતિ પરંપરાગત રીતે સર્વધર્મસમભાવની રહી છે, પણ વર્તમાન કેન્દ્ર સરકાર હવે નવો ઈતિહાસ સર્જવા માંડી છે. મુઘલ ઈતિહાસ ભણાવવાનું ટાળવાની સરકાર પ્રેરિત ઝુંબેશો ચલાવાય છે ત્યારે મહારાણા પ્રતાપ કે  છત્રપતિ શિવાજીમાં “ભારતમાં ધર્મનિરપેક્ષતા કે બિનસાંપ્રદાયિકતા(સૅક્યુલરિઝમ)ના પિતા”નાં દર્શન થતાં નથી, પણ મુઘલ શાહજાદા દારા શિકોહમાં થાય છે એ જરા નવાઈ લાગે છે.  સૅક્યુલરિઝમ શબ્દ સૌપ્રથમ ૧૮૫૧માં બ્રિટિશ લેખક જ્યોર્જ જેકબ હોલ્યોકે વાપર્યો, પણ ભારતમાં હવે એના જનક દારા શિકોહને સ્વીકારવામાં આવ્યા, જે અજમેરમાં ૧૬૧૫માં જન્મ્યા હતા.મુઘલ બાદશાહ અકબરને સૅક્યુલર  માનવા એ  તૈયાર નથી; પરંતુ એમના પ્રપૌત્રને સૅક્યુલારવાદના પિતા તરીકેનું પ્રમાણપત્ર આપવા જરૂર થનગને છે. કાલ ઊઠીને વાજું બદલાવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

હિંદુ મુસ્લિમ એકતાનો જ્યોતિર્ધર

બાદશાહ શાહજહાં અને તેમનાં બીજાં બેગમ મુમતાઝ મહલનો સૌથી મોટો શાહજાદો એટલે દારા શિકોહ. દાદા બાદશાહ જહાંગીરનો એ લાડકો હતો. એનો  ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો.એ ૧૬૪૯માં ગુજરાતનો સૂબો હતો.મુઘલ શાહજાદાઓ અને બાદશાહો અનેક લગ્નો કરવા માટે જાણીતા હતા,પરંતુ ૪૪મા વર્ષે મોતને ઘાટ ઉતારાયેલા દારાએ માત્ર  નાદિરાબાનુ બેગમ સાથે જ લગ્ન કર્યાં હતાં અને બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો.એમને બે શાહજાદા અને બે શાહજાદી હતી.ઇસ્લામ ધર્મની સાથે હિંદુ ધર્મનો પણ વિશાળ અભ્યાસ કરનાર દારા સંસ્કૃતનો પણ સારો જાણકાર હતો.તે વેદાંતથી ખૂબ પ્રભાવિત હતો.૧૬૫૮માં ભાઈ ઔરંગઝેબ સામેના જંગમાં હાર્યા પછી સિંધમાં જેમના આશ્રયે એ રહ્યો એ અફઘાન સરદાર મલિક જીવણ થકી ગદ્દારી કરાઈ. દારા તથા એના બીજા ક્રમના શાહજાદાને તેણે ઔરંગઝેબની સેનાને હવાલે કર્યા. હિંદુ મુસ્લિમ એકતાના આ જ્યોતિર્ધરને માથે આફત આવી પડી હતી.સમાધાનકારી અને સર્વધર્મસમભાવના પ્રણેતા દારાએ સંસ્કૃતના હિંદુગ્રંથોને ફારસીમાં જાતે અને બીજા વિદ્વાનો પાસે અનુવાદિત કરાવ્યા. ઔરંગઝેબે એની સામે અધર્મના આચરણનો આરોપ મૂકીને ખટલો ચલાવી તેને મોતને ઘાટ ઉતાર્યો. એ પછી બાદશાહ શાહજહાંને નજરકેદ કરવા ઉપરાંત એના બીજા ભાઈઓ શાહ સુજા અને મુરાદ બક્ષ તેમજ  ભત્રીજાઓને પણ મરાવીને ઔરંગઝેબ  બાદશાહ બની બેઠો.૪૯ વર્ષ સુધી એણે રાજ કર્યું, મુઘલ સામ્રાજ્યને ખૂબ વિસ્તાર્યું, પણ સાથે જ મુઘલ સલ્તનતના વિનાશનું પણ એ નિમિત્ત બન્યો.

નેહરુની દ્રષ્ટિએ ઔરંગઝેબ

બાદશાહ અકબરે “સહિયારી સંસ્કૃતિનો ઉદય” કરીને મુઘલ સામ્રાજ્યનાં મૂળિયાં મજબૂત કર્યાનું જણાવતાં પ્રથમ ભારતીય વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ “મારું હિંદનું દર્શન”માં ઔરંગઝેબને ‘ક્રૂર શાસક’ ગણાવે છે. નેહરુ  નોધે છે: “ ઔરંગઝેબ વર્તમાનકાળને ન સમજ્યો એટલું જ નહીં, નજીકના ભૂતકાળમાંથી પણ તેણે કશો બોધ ન લીધો. તે તેના દૂરના પૂર્વજોને પંથે વળ્યો અને તેની બધીયે શક્તિ તેમ જ કર્તવ્યનિષ્ઠા તેના પુરોગામીઓનું કર્યું કારવ્યું ધૂળધાણી કરવામાં ખરચી. તે ધર્માંધ હતો ને આચારમાં ઘણો કડક અને નિગ્રહી હતો. કળા કે સાહિત્ય પર તેને પ્રીતિ નહોતી. હિંદુઓ પર પહેલાંનો ગોઝારો જજિયાવેરો નાખી તેમ જ તેમનાં દેવાલયોનો નાશ કરી પોતાની રૈયતના ઘણા મોટા ભાગને ઉશ્કેરી મૂક્યો.” જોકે ઔરંગઝેબને શાંતિપ્રિય ગણાવવાના તારણ પર આવતું પુસ્તક લખીને આજે પણ વિવાદનો મધપૂડો છંછેડનાર અમેરિકી ઇતિહાસકાર ઑડ્રી ટ્રશ્ચકી “ઔરંગઝેબ: ધ મૅન ઍન્ડ ધ મિથ”માં  પરિવારહત્યાઓની મુઘલ વંશની ઐતિહાસિક પરંપરા જરૂર નોંધે છે. એ મુજબ જ, ઔરંગઝેબે ગાદી મેળવવા માટે અન્ય દાવેદારોને ખતમ કર્યા હતા. હિંદુ સમ્રાટો હોય કે મુસ્લિમ શાસકો, સગા બાપ કે ભાઈઓને મોતને ઘાટ ઉતારીને ગાદી મેળવવાની પરંપરાની કોઈ નવી નવાઈ નથી. શાહજહાંએ પણ પોતાના બે ભાઈઓ ખુશરૂ અને શહરિયારને અનુક્રમે ૧૬૨૨ અને ૧૬૨૮માં મરાવી નાંખ્યા એટલું જ નહીં,૧૬૨૮માં ગાદી કબજે કરતાં પહેલાં બે ભત્રીજા અને બે પિતરાઈને મરાવ્યા હતા. જહાંગીરે પણ પોતાના સૌથી નાના ભાઈ દાન્યાલને દારૂમાં ઝેર આપીને મરાવ્યો હતો. અકબર પણ ઓછો નહોતો.એણે પણ ગાદીના ઘણા ભાવિ દાવેદારોને મોતના મુખમાં ધકેલ્યા હતા.મધ્ય એશિયાઈ રિવાજ મુજબ,પરિવારના તમામ પુરુષ સામ્રાજ્યના સરખા ભાગે હિસ્સેદાર લેખાય એટલે એ ઓછા કરવાની ઘાતકી પરંપરા મુઘલોમાં વિકસી હતી.

દારા સાથે દગો થતાં હાર

જાણીતા ઇતિહાસકાર મુરાદ અલી બેગ તો ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધને બદલે ૧૬૫૮ના સમૂહગઢના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં નિર્ણાયક પરિવર્તન લાવનાર ગણાવે છે. આ યુદ્ધમાં દારા સાથે તેના જ વિશ્વાસુ સરદાર ખલિલુલ્લાહ ખાને દગો ના કર્યો હોત, તો એનો વિજય નિશ્ચિત હતો.મુઘલ સલ્તનતના પતન માટે બાદશાહ ઔરંગઝેબની કટ્ટર સુન્ની ઇસ્લામી નીતિઓ જવાબદાર ગણવાનું પણ બેગ પસંદ કરે છે.ઔરંગઝેબની કટ્ટર નીતિઓ થકી હિંદુઓ જ નહીં, શિયા મુસ્લિમો પણ મુઘલ સલ્તનતથી દૂર હડસેલાયા.રાજા શિવાજી શરૂઆતમાં મુસ્લિમ વિરોધી નહોતા અને મુઘલ આમીર થવા તૈયાર હતા. જોકે ઔરંગઝેબના ઘમંડે મુઘલ સલ્તનતને ખતમ કરવાનો માર્ગ લેવા મરાઠાઓને ફરજ પડી. દારા જો સમૂહગઢના જંગમાં વિજયી થયો હોત તો ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા જાળવીને યુરોપીય સત્તાઓનો પ્રવેશ મુશ્કેલ બન્યો હોત,એવું મુરાદ અલીનું તારણ છે. જોકે ઇતિહાસમાં આવાં જો અને તોનું મહાત્મ્ય હોતું નથી.

મૌલાના આઝાદનો દારાપ્રેમ

મક્કામાં જન્મેલા અને કોલકાતામાં સ્થાયી થઇ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભવ્ય યોગદાન કરનારા કૉંગ્રેસઅધ્યક્ષ રહેલા મૌલાના અબુલ કલામ આઝાદે દારા શિકોહને ઈતિહાસકારોએ અન્યાય કર્યો હોવાનું નોંધ્યું છે. મુઘલ સામ્રાજ્યની ગાદી સંભાળવા નિયુક્ત કરાયેલા આ શાહજાદાએ મુસ્લિમ અને હિંદુ સંતો, સાધુ, ફકીરો અને ઉલેમાઓ સાથે ચર્ચા વિચારણા કરીને  મસ્જિદ અને મંદિર વચ્ચેના ભેદને ભૂલવા ભણીના સંજોગો સર્જવાના ભરસક પ્રયાસ કર્યા હોવાનું ૧૯૯૧માં આઈ.સી.સી.આર. થકી તેમના “The Rubaiyat of Sarmad”ના અંગ્રેજીમાં કરાયેલા પ્રકાશનમાં જણાવીને મૌલાનાએ દારાને ભવ્ય અંજલિ અર્પી હતી. આજે માત્ર ભારતમાં જ નહીં, પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ દારા શિકોહના જીવન અને કવનના અભ્યાસો થઇ રહ્યા છે. આપણે રખે માનીએ કે પાકિસ્તાનના વિદ્વાનો માત્ર  બાદશાહ ઔરંગઝેબનાં જ ગુણગાન કરી રહ્યા છે. ઇતિહાસમાં “જો આમ થયું હોત તો”ને સ્થાન નથી, છતાં દારા શિકોહના વ્યક્તિત્વને બિરદાવવું જ જોઈએ, એટલું સકારાત્મક યોગદાન એણે કર્યું છે. એના પ્રચલિત નામ વિશે ગેરસમજ થાય એવો એનો અર્થ હોવાની વાતને આ તબક્કે સ્પષ્ટ કરી દેવાની જરૂર ખરી. દારાના જીવન પર આધારિત અંગ્રેજી નાટક લખતાં ગોપાલ ગાંધીએ એનું શીર્ષક “ Dara Shukoh “ રાખવાનું પસંદ કર્યું છે. ગુજરાતી અને અંગ્રેજીમાં શિકોહ લખવાની પરંપરા છે,પણ એમાં અનર્થ સર્જાઈ જાય એવું છે.ફારસીમાં “શિકોહ”નો અર્થ થાય છે “આતંક”. હકીકતમાં  દારાના સ્વભાવને બદલે ઔરંગઝેબના સ્વભાવને એ વધુ અનુરૂપ લાગે. ફારસી શબ્દ “શુકોહ”નો અર્થ થાય છે “તેજસ્વી” અથવા “દિવ્ય”. અપેક્ષા કરીએ કે હવે પછી સૌ દારા શુકોહ શબ્દ વાપરે.

ઈ-મેઈલ: haridesai@gmail.com        (લખ્યા તારીખ: ૧૮ જુલાઈ,૨૦૨૨)

 

No comments:

Post a Comment