Sunday 17 July 2022

Bhagwad Gita and Scientific Approach


ગીતામાંનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ભણાવાય

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવી જ જોઈએ

·         ગીતામાં યુદ્ધમાંથી પણ શાંતિનો સંદેશ:જલાલપુરી

·         અણુબોમ્બના સર્જકે ગીતાના શ્લોકનું પઠન કર્યું

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.17 July, 2022.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની જાહેરાત કરવામાં આવી. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલની આડશે આ મુદ્દો આગળ કરાયો છે. ભગવદ્ ગીતા ભણાવાય એ આવકાર્ય છે. ગીતા એ માત્ર હિંદુ ગ્રંથ નથી, પણ તમામ ધર્મના લોકોને એ ભણાવવામાં આવે એ જરૂરી છે. મુશ્કેલી એ છે કે ગીતા કઈ ભણાવાશે? મહાત્મા ગાંધીનું અનાસક્તિયોગનું પ્રબોધન અપાશે કે યુદ્ધ કરવા માટેની પ્રેરણા આપતાં વિશ્લેષણો બાળકોને સમજાવાશે? ગીતા પૂરી તો ભણાવવામાં આવવાની નથી. થોડાક શ્લોક વાર્તા સ્વરૂપે ભણાવાશે. કયા ભણાવાશે? હજુ અનિર્ણિત છે. ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી ગાજવીજ સાથે ગીતા ભણાવવાની જાહેરાત તો કરી, પણ શિક્ષણ વિભાગના અધિકારીઓને તથા શિક્ષકોને પૂછ્યું તો કહે કે હજુ ના પાઠ્યપુસ્તક તૈયાર છે કે ના ભણાવવા સંદર્ભે કોઈ નિર્દેશ છે. પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે શિક્ષકોની બેઠક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી)એ બોલાવી હતી અને ૧૫ શ્લોકો વાર્તા લખીને ભણાવવા એવું સૂચવાયું હતું. જોકે જીસીઈઆરટી કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ કાને હાથ દે છે. આ મહિનાના અંતે નિવૃત થઇ રહેલા ટોચના અધિકારી તો કહે છે કે ગીતા કમસે કમ આ વર્ષે નહીં ભણાવાય. ૧૫ શ્લોક ભણાવવાનું નક્કી થયું હોય તો આઠમામાં આ લખનાર સહિતના ભણતા હતા ત્યારે વિવિધ ૨૫ શ્લોક તો ભણાવવામાં આવતા હતા.આજેય એમાંના ઘણા યાદ છે.  નવું શું? માત્ર ગીતાના શ્લોકો ભણાવવા એટલું જ? ભગવદ્ ગીતાની વાત આવે ત્યારે ઘરઆંગણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનાસક્તિયોગ,  “ઉર્દૂ શાયરી મેં ગીતા”ના રચયિતા જનાબ અનવર જલાલપુરી અને અણુબોમ્બના શોધક રોબર્ટ ઓપનહેમરનું સ્મરણ થવું સ્વાભાવિક છે.

ગીતા પર બેનમૂન કામ

લખનઉ પંથકના મશહૂર શાયર અને અંગ્રેજીના પ્રાધ્યાપક રહેલા જનાબ અનવર જલાલપુરીના વર્ષ ૨૦૧૪માં ઉર્દૂ અને દેવનાગરીમાં પ્રકાશિત ગ્રંથ ઉર્દૂ શાયરી મેં ગીતાનો પરિચય થયો તો દિલ બાગબાગ થઇ ગયું. હજુ ૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૭૦ વર્ષની વયે જલાલપુરી સાહબ આ ફાની દુનિયાને છોડી ગયા, પણ દુનિયાના ૩-૪ હજાર વર્ષ પુરાણા એવા હિંદુઓના મનાતા ગ્રંથ ભગવદ્ ગીતાને તેમણે જે શબ્દોમાં ભવ્ય અંજલિ અર્પી છે એની તુલનામાં ભાગ્યે જ કોઈ બિન-હિંદુએ એનું બયાન કર્યું હશે. દેશ અને દુનિયાભરમાં મુશાયરાઓની જાન હતા અનવર સાહબ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ) જેવી વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થામાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું હતું. એમણે તો ૧૯૮૨માં અવધ યુનિવર્સિટીમાં ગીતા પર પીએચ.ડી. કરવા માટે નોંધણી પણ કરાવી હતી. કામ અને પારિવારિક વ્યસ્તતાઓને કારણે એ ડિગ્રી ભલે ના મેળવી શક્યા, પણ એમણે ગીતા વિશે બેનમૂન કામ પોતાની હયાતીમાં કર્યું અને એનું પ્રકાશન પણ કરાવ્યું હતું.

ગીતામાં તર્ક થકી ઉપદેશ

હજારો વર્ષ પહેલાંના ગ્રંથ ભગવદ્ ગીતાના જ્ઞાનને પ્રા. જલાલપુરીએ વર્તમાનમાં પણ સમાજ માટે દીવાદાંડી સમાન ગણાવ્યું છે. જનાબ જલાલપુરી ફરમાવે છે: ભગવદ્ ગીતા યુદ્ધમાંથી પણ શાંતિનો સંદેશ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના શિષ્ય જેવા અર્જુનને અર્જુન વિષાદયોગમાં જે ઉપદેશ કરે છે એને અર્જુન તર્ક વિના માનવા તૈયાર નથી. દુનિયામાં કદાચ આ બેનમૂન ગ્રંથ છે જે ભગવાનની વાતને પણ તર્કથી જ માનવા પ્રેરે છે. ઈશ્વરની વાતને તર્કસંગત રીતે રજૂ થયા પછી જ માનવા પ્રેરે એવા આ ગ્રંથને હું સલામ કરું છું. ભગવદ્ ગીતા જમીન અને આસમાન, ઇન્સાનો અને દેવતાઓ તેમજ જન્નત (સ્વર્ગ) અને જન્નમ (નર્ક) સહિતના પ્રાચીન હિંદુસ્તાનના જ્ઞાનનો પરિચય કરાવે છે. અતીતનું વર્તમાન સાથે મિલન કરાવે છે. તર્કથી જ વાત કરે છે એટલે એનાથી જ વિજ્ઞાનનો પાયો પણ મજબૂત થાય છે.

રાષ્ટ્રીય એકતામાં યોગદાન

ભગવદ્ ગીતાના કુલ ૭૦૧ શ્લોકને સરળતાથી સમજી શકાય એવા ઉર્દૂમાં અનુવાદિત કરનાર અંગ્રેજીના પ્રાધ્યાપક અને મશહૂર શાયર જનાબ અનવર સાહબ પોતાના ગીતાપ્રેમને રાષ્ટ્રીય એકતા સાથે જોડે છે. એમનો એક શેર છે:

તુમ પ્યાર કી સૌગાદ લિએ ઘર સે તો નીકલો

રાસ્તે મેં તુમ્હેં કોઈ દુશ્મન ના મિલેગા.

અને સાથે જ તોફાનો અને લડાઈ ઝઘડાઓના માહોલ વિશે પણ એ ફરમાવે છે:

જલાએ હૈં દિયે તો સબ પર નજર રખો

યે ઝાંકે એક પલ મેં ચરાગોં કો બુઝા દેંગે.

અનવર જલાલપુરી ગીતા અને ભગવાન કૃષ્ણના રીતસરના પ્રેમમાં છે. એમનો ધર્મ એમાં ક્યાંય અવરોધ પેદા કરતો નથી. સંસ્કૃત અને ઉર્દૂ બેઉ હિંદુસ્તાની જબાન પર એમને મહારત હાસિલ છે. ગીતાના ગૂઢ તત્વજ્ઞાનને એ પચાવીને પ્રસ્તુત કરી જાણે છે અને કહે પણ છે: યે મિટ્ટી કી કાયા કહીકત નહીં, બદન કી યહાં કોઈ કીમત નહીં.માત્ર ભગવદ્ ગીતાનો જ ઉર્દૂમાં અનુવાદ કર્યો એટલું નહીં, એમણે તો કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની નોબેલ મેળવનારી કૃતિ ગીતાંજલિને પણ ઉર્દૂ શાયરી મેં ગીતાંજલિ’ (૨૦૧૩) સ્વરૂપે રજૂ કરવાનું મહાન કાર્ય કર્યું છે. હિંદુસ્તાન વિશેનો એમનો સંદેશ ભાઈચારાનો અને અમનનો છે. ફિર ક્યૂં ઇન્સાં ખૂન કા પ્યાસા... મૈં ભી સોચું તું ભી સોચ... તેરા મેરા ખૂન કા રિશ્તા..જનાબ જલાલપુરી અપને દુશ્મન કો કલેજે સે લગા કે દેખોની વાત કરીને દુશ્મનીને દોસ્તીમાં ફેરવી દેવાનો પયગામ સમાજને દેવાનો પ્રયાસ કરે છે.

અણુબોમ્બનો ભારતસંબંધ

દુનિયાને સત્ય અને અહિંસાનો પાઠ ભણાવનાર “અનાસક્તિયોગ”કાર મહાત્મા ગાંધીએ અંગ્રેજોને હિંદ છોડોની ૧૯૪૨ની હાકલ ૮ ઓગસ્ટે કરી અને ૧૯૪૨ના આ ઘટનાક્રમે બ્રિટિશ શાસકોને ઉચાળા ભરી જવા માટે વિચારવા પ્રેર્યા. ભારતના ભાગલા પાડીને ભારત અને પાકિસ્તાનની રચના ઉપરાંત દેશી રજવાડાંને સ્વતંત્ર કરીને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટિશ શાસકો સ્વદેશ ચાલ્યા ગયા. એ પહેલાં ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આણવા માટે નિમિત્ત બનેલા અણુબોમ્બના જનક જે. રોબર્ટ ઓપનહેમર (ઓપી) (૨૨ એપ્રિલ ૧૯૦૪ - ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૭)ના અણુબોમ્બ અને એના સફળ પરીક્ષણને ભારત અને ભારતીય તત્વજ્ઞાન સાથે સીધો સંબંધ હોવાની હકીકતથી બહુ ઓછા લોકો વાકેફ હશે. યહૂદી ઓપનહેમર હાર્વર્ડમાં ભણતો હતો ત્યારથી એને હિંદુ ધર્મગ્રંથોમાં રસ પાડવા માંડ્યો હતો. એ બર્કલેમાં ભૌતિકશાસ્ત્રનો પ્રાધ્યાપક હતો ત્યારે વર્ષ ૧૯૩૩માં પ્રાધ્યાપક રાયડર પાસે સંસ્કૃત શીખ્યો. વલ્લભ વિદ્યાનગરસ્થિત વી. પી. સાયન્સ કોલેજના આચાર્ય રહી ચુકેલા અમેરિકા-વિદ્યાનગરનિવાસી ૮૯ વર્ષીય ભૌતિકશાસ્ત્રી પ્રા. આર. પી. પટેલ અણુબોમ્બના શોધકની મનોવ્યથા રજૂ કરતાં કહે છે: ભારે જહેમત પછી ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ એણે એટમબોમ્બનું ન્યૂ મેક્સિકોમાં સફળ પરીક્ષણ કર્યું ત્યારે ઓપનહેમરે હરખ કરતાં વેદનાનો ભાવ વ્યક્ત કરવા માટે ભગવદ્ ગીતાના શ્લોકનો જાહેર પાઠ (રિસાઈટ) કર્યો હતો. એણે પોતાની ફરજના ભાગરૂપે જ અણુબોમ્બ બનાવ્યો, પણ એને જાણ હતી કે એ દુનિયામાં વિનાશની લીલા પાથરશે. એટલે જ એણે ગીતાએ પ્રબોધેલા ઉપદેશને અનુસરીને પોતાના થકી વિનાશિકાનું સર્જન થયાની ગ્લાનિ અનુભવી હતી.

લિટલ બોય’ - ‘ફેટ મેનથી વિનાશ

અમેરિકી હવાઈ ટાપુઓ પર્લ હાર્બર બંદર પર ૯ ડિસેમ્બર ૧૯૪૧ની અંધારી રાતે હુમલો કરીને યુદ્ધ જહાજો તોડવા ઉપરાંત ૨૪૦૩ અમેરિકીઓને મોતને ઘાટ ઉતારવાની અળવીતરાઈ ક્યારેક શાંતિનો આલાપ કરતા જાપાને કરીને જ અમેરિકાને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાવા માટે ફરજ પાડી હતી. કોરિયા અને ચીનમાં લશ્કરી અત્યાચારની સાથે જ પ્લેઝર વીમેનને નામે અમાનવીય ઐયાશી માટે નામચીન જાપાનની સાન ઠેકાણે લાવવા માટે ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ એક અમેરિકી બોમ્બર બી-૨૯ મારફત હિરોશિમા પર અણુબોમ્બ (લિટલ બોય’) ફેંકવામાં આવ્યો. આ બોમ્બની અસર એટલી વ્યાપક હતી કે તેનાથી લગભગ એક લાખ ૪૦ હજાર લોકો માર્યા ગયા. આમ છતાં જાપાને શરણાગતિ સ્વીકારી નહીં એટલે ત્રણ દિવસ રહીને એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ બીજો અણુબોમ્બ (ફેટ મેન’) નાગાસાકી પર ઝીંકવામાં આવ્યો. એનાથી વધુ ૭૦ હજાર લોકો મરતાં જાપાનના હાંજા ગગડી ગયા. એણે શરણાગતિનું મન બનાવી લીધું. અહીં બે લાખ જાપાની અને ૧૨,૫૨૦ અમેરિકીઓના જાન ગયા. જાપાનના શહેનશાહ હિરોહિતોએ ૧૫ ઓગસ્ટના રેડિયો સંબોધનમાં શરણાગતિ જેવો શબ્દપ્રયોગ ના કર્યો, પણ યુદ્ધનું પરિણામ જાપાનની તરફેણમાં નહીં આવ્યાનું જરૂર કબુલ્યું. વાસ્તવમાં ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ શરણાગતિ સ્વીકારી. એ અંગેના લિખિત કરાર થયા. જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના પોલેન્ડને ગપચાવવાના સપ્ટેમ્બર ૧૯૩૯ના અટકચાળાની ઘટનાથી આરંભાયેલું દ્વિતીય વિશ્વયુદ્ધ છેક ૧૯૪૫માં સમાપ્ત થયું.

રોબર્ટ ઓપનહેમરનો સંસ્કૃતપ્રેમ

ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ પણ કરનાર ઓપનહેમરે ગીતાના તત્વજ્ઞાનમાંથી (૧) ફરજ (૨) નિયતિ અને (૩) શ્રદ્ધાને પોતાના જીવનમાં આત્મસાત કર્યાનું અનુભવાય છે. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં આવેલા લોસ અલામોસમાં એટમબોમ્બ બનાવનાર પ્રયોગશાળાના નિયામક ઓપનહેમરે ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ ટ્રિનિટી ખાતે રણમાં આ બોમ્બના પરીક્ષણ વેળા અત્યંત પ્રકાશિત અગનગોળો જોયો ત્યાર પછી થોડા જ કલાકોમાં તેમના મનમાં હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતામાંના શબ્દો પ્રગટ્યા હતા:

कालोऽस्मि लोकक्षय कृत्प्रवृद्धो

लोकान् समहर्तुमिह् प्रवृत्तः ।

ऋतेऽपि त्वा न भविष्यन्ति सर्वे

येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥

અર્થાત્

કિશોરલાલ મશરૂવાળાના ગીતાધ્વનિમાંના સમશ્લોકી અનુવાદ મુજબ,

છું કાળ ઊઠ્યો જગનાશકારી,

સંહારવા લોક અહીં પ્રવર્ત્યો;

તારા વિનાયે બચશે ન કોઈ

જે આ ખડા સૈનિક સામસામા.

(ભગવદ્ ગીતા અધ્યાય : ૧૧ શ્લોક : ૩૨)

પ્રા. પટેલ લખે છે કે ઓપનહેમરે ૧૯૩૦ના દાયકામાં ગીતાનો અનુવાદ શરૂ કર્યો ત્યારથી પશ્ચિમની દૃષ્ટિએ હિંદુ સાહિત્યમાં ગીતાએ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગીતાની લોકપ્રિયતા તથા અધિકારિતાની છેલ્લાં ૧૦૦૦ વર્ષોમાં કોઈ બરોબરી છે નહીં. ગીતાના અભ્યાસથી તેની માન્યતા બંધાઈ હતી કે વૈજ્ઞાનિકોએ જીવનના સંઘર્ષોમાંથી દૂર એવી શાંત સુરક્ષિત જગાઓનો ત્યાગ કરી નિ:સ્વાર્થથી પરંતુ અસરકારક રીતે કાર્ય કરવું જોઈએ.

બોમ્બ સાથેના સંબંધથી ખિન્ન

એક વાર અણુબોમ્બ કરતાં પણ વધુ ભયાનક હાઇડ્રોજન બોમ્બ બનાવવાની ભલામણ કરતી વખતે પણ ઓપનહેમરને નૈતિક ડર જરૂર લાગ્યો હતો. પરમાણુ શસ્ત્રો અખિલ માનવ જાતિનો કોઈ દિવસ સર્વનાશ કરે ખરાં, પરંતુ તે બીજા લોકોએ કરેલા નિર્ણયોને કારણે (અમેરિકી રાષ્ટ્રપતિઓ) અને નહીં કે ઓપનહેમરને કારણે. તેણે માત્ર તેનું કર્મ - જોબ - કર્યું હતું. પાછળનાં વર્ષોમાં તે તેના બોમ્બ સાથેના સંબંધથી ખૂબ જ ખિન્ન થયો હતો. બોમ્બનાં ભયાનક પરિણામોથી તે, માનવતાના દૃષ્ટિબિંદુથી અપરાધભાવ અનુભવતો હતો, પરંતુ સાથેસાથે તે બનાવવામાં અત્યંત મહાન સિદ્ધિનો સંતોષ પણ અનુભવતો હતો. તેના મૃત્યુના કેવળ થોડા મહિનાઓ અગાઉ, એટમિક બોમ્બિંગ વિશેનાં પરિણામો વિશે તેની દલીલો કેવળ લવારી જેવી હતી. એ કહેતો કે મારે કરવું જોઈતું હતું તે મેં કર્યું હતું તે અગત્યનું છે. લોસ અલમોસમાં તે નિર્ણય લઈને અમલમાં મૂકવા ઈચ્છતો હતો અને ગીતાની ફિલસૂફીએ તેમ કરવામાં તેણે મદદ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ વિશ્વયુદ્ધ ઇચ્છતું નથી અને હિંમત પણ કરતું નથી. ઓપીનું દર્શન સત્ય છે. પ્રા. પટેલ કહે છે: ભગવદ્ ગીતા અને અન્ય હિંદુ ગ્રંથો તરફના તેના પ્રેમને કારણે તેણે એટમબોમ્બના પ્રથમ પરીક્ષણ વખતના સ્થળ ટ્રિનિટી : ત્રિમૂર્તિની પસંદગીને પણ સંયોગ જ કહેવાય. સર્જનહાર બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહારક શિવ એ બધાનો અહીં કેવો સંયોગ થયો કહેવાય! હવે ગુજરાતી બાળકો ગુજરાતમાં ગીતાના કયા સ્વરૂપ અને સારને આત્મસાત કરશે, એવી અપેક્ષા આપણે કરીએ છીએ એ હવે નક્કી કરવાનું છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com         (લખ્યા તારીખ: ૧૬ જુલાઈ,૨૦૨૨)

No comments:

Post a Comment