શિવાજી મહારાજ
હિંદુ-મુસ્લિમ ભેદ વિનાના સેક્યુલર શાસક
ઈતિહાસ ગવાહ
હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ. રંગત-સંગત પૂર્તિ. ૨૬ જૂન,૨૦૨૨.
વેબ લિંક: https://www.divyabhaskar.co.
·
હિંદવી સ્વરાજના પ્રણેતા મહારાજ હિંદુ શાસનના સંસ્થાપક નહોતા
·
બળાત્કારી સરદાર સકુજી ગાયકવાડની આંખો કાઢી લેવાની સજા
·
છત્રપતિનાં નૌકાદળ અને તોપખાનાના વડા વિશ્વાસુ મુસ્લિમ હતા
દાદા અને પિતા મુસ્લિમ
સુલતાનોની ચાકરી (મરાઠી ભાષામાં આ જ શબ્દ વપરાય છે)માં રહ્યા હોય છતાં પોતે
સ્વાભિમાની અને સ્વદેશી એવા હિંદવી સ્વરાજની સ્થાપના કરનારા કો’ક જ વીરલા મળે.
છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભરના ભારતીયોનાં દિલમાં વસે છે એનું કારણ એમણે
આપબળે, કોઈ
ધાર્મિક કે નાતજાતના ભેદ વિના સ્થાપેલા રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય સાથે લીધેલી
ટક્કર છે. ‘શિવાજી ના હોતે તો સબ કી સુન્નત હોતી’ જેવાં કથનો થકી એમને હિંદુવાદી
સીમાડામાં અંકિત કરવાની કોશિશ કરાય છે, પણ શિવાજી મહારાજ માટે તો
પોતાની પ્રજાનું કલ્યાણ કેન્દ્રસ્થાને હતું, એ કયા ધર્મ કે જ્ઞાતિની છે
એ નહીં. એમણે અનેક મહત્ત્વના હોદ્દે અને પોતાના અત્યંત વિશ્વાસુ સરદારોમાં
મુસ્લિમોની નિમણૂક કરી હતી. દાદા માલોજી ભોસલે અને પિતા શહાજી ભોસલે નિઝામશાહી અને
આદિલશાહીની સેવામાં રહ્યા. એટલું જ નહીં, સ્વયં મહારાજ પણ શાહ
ઔરંગઝેબના સરદાર તરીકે સેવારત રહ્યા એટલે તો એમને બાદશાહ તરફથી ‘રાજા’નો ઈલકાબ
મળ્યો હતો. જોકે, સ્વાભિમાની
શિવાજીને જ્યારે જ્યારે વિધર્મી શાસકો તરફથી અપમાન થયાનો અનુભવ થયો ત્યારે એમની
વિરુદ્ધ જંગ ખેલી લેવાની તૈયારી રાખી હતી.
સ્વાભિમાની પ્રજાવત્સલ રાજવી
હિંદવી
સ્વરાજ સ્થાપવા પાછળનો હેતુ પણ એ જ હતો. હિંદવી સ્વરાજ એટલે સ્વદેશી શાસન, હિંદુ શાસન નહીં. બાદશાહ
ઔરંગઝેબના સરસેનાપતિ મિર્ઝા રાજા જય સિંહ સમક્ષ શરણાગતિ સ્વીકારવી પડી. તેમણે
પુરંધર સંધિ પર હસ્તાક્ષર કરવા પડ્યા. (“મરાઠી વિશ્વકોશ”માં વિદ્યાચરણ પુરંદરે)
પરાજ્ય સ્વીકારીને, મિર્ઝા
રાજા જયસિંહના સુરક્ષાવચન સાથે, બાદશાહના દરબારમાં આગ્રા જવાનું કબૂલનાર શિવાજીનું ત્યાં જે અપમાન થયું, એનો બદલો લેતા હોય એ રીતે
ઈ.સ. 1674માં
પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. છત્રપતિ શિવાજી રાજે ભોસલે તરીકે એમણે પોતાને
મહારાષ્ટ્રમાં સ્થાપિત કર્યાં. રાજવી તરીકે તો આયખું ટૂંકું હતું. ઈ.સ. 1680માં રહસ્યમય સંજોગોમાં
મોતને ભેટેલા શિવાજી મહારાજના ટૂંકા ગાળાના શાસનકાળમાં પણ એમણે જે આદર્શો સ્થાપિત
કર્યા, એ
એમને આજે રાષ્ટ્રનાયકની શ્રેણીમાં મૂકે છે. દુશ્મન શાસકોના દાંત ખાટા કરવા માટે
ગમે ત્યારે ત્રાટકવા માટે જાણીતા છત્રપતિ શિવાજી મહારાજના અષ્ટ પ્રધાનમંડળની આદર્શ
વહીવટી પદ્ધતિ લોકપ્રિય તો હતી જ, પણ સાથે જ પ્રજામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના જરૂર પડ્યે મહારાજ માટે જાનની
આહુતિ આપવા માટે પણ એમના ટેકેદારો, પ્રજાજનો તત્પર રહેતા હતા.
સંભવતઃ એટલે જ આજે એમના સ્વર્ગે સિધાવ્યાનાં આટઆટલાં વર્ષો પછી પણ એમની અમીટ છાપ
ભૂંસાઈ નથી.
ધર્મસ્થળો અને સ્ત્રી પ્રત્યે આદર
છત્રપતિ
શિવાજી મહારાજ ગુરુ રામદાસ સ્વામી અને પોતાનાં માતા જીજામાતા થકી સંસ્કારિત થયેલા
હતા. એમની જિંદગી માત્ર 50 વર્ષની
જ રહી. પણ એમના દુશ્મનો પર આક્રમણ કરવાની કુનેહ અને કિલ્લાઓ જીતવાની પરંપરાએ એમને
એલેકઝાન્ડર અને સીઝરની શ્રેણીમાં મૂકવા પ્રેર્યા છે. સાધનશુદ્ધિ નહીં, પણ લક્ષ્યની પ્રાપ્તિ એ જ
એમનો જીવનમંત્ર હતો. આખું આયખું એમણે સ્વધર્મ કે પરધર્મનાં ધર્મસ્થળો અને પવિત્ર
ગ્રંથો જ નહીં, સમગ્રપણે
સ્ત્રીઓ ભણી આદરભાવ જાળવ્યો હતો. મહારાજની આઠ રાણીઓ અને અનેક ઉપપત્નીઓ
(‘નાટકશાળાઓ’) હતી. જોકે, એમને
એમનાં બીજા રાણી સોયરાબાઈ થકી ઝેર અપાયાની બાબત કાયમ ચર્ચામાં રહી. ઈતિહાસકારોનાં
સંશોધન પણ લોહીની ઊલ્ટીઓ સાથે મોતને ભેટેલા શિવાજી મહારાજના અંતનાં નીરક્ષીર
કરવામાં નિશ્ચિત તારણ લગી પહોંચી શક્યા નથી. મહારાજના સાથી સરદાર પણ જો કોઈ દુશ્મન
છાવણીની મહિલા સાથે બદતમીજી કરે તો એને દંડિત કરવામાં ક્યારેય પાછું વાળીને એ જોતા
નહોતા. વર્ષ 1678માં
સકુજી ગાયકવાડ નામના છત્રપતિની સેનાના સેનાપતિએ બેલવાડી કિલ્લાને ઘેરો ઘાલ્યો.
કિલ્લેદાર સાવિત્રીબાઈ દેસાઈ નામની મહિલા વીરાંગના 24 દિવસ લડત આપતી રહી, પણ છેવટે સકુજીએ કિલ્લાને
કબજે કરવામાં સફળતા મેળવી. વિજયના મદમાં છકી ગયેલા સકુજી ગાયકવાડે સાવિત્રીબાઈ પર
બળાત્કાર ગુજાર્યો. વાત મહારાજ સુધી પહોંચી. પોતાની સેનાનો સેનાપતિ આવું દુષ્ટ
કૃત્ય આચરે એ કેમ ચલાવી લેવાય? શિવાજી મહારાજે સકુજી ગાયકવાડની આંખો કાઢી લીધી હતી! કલ્યાણના સૂબેદારની
બેગમને મહારાજના દરબારમાં પ્રસ્તુત કરવામાં આવતાં છત્રપતિએ દુશ્મનની બેગમ ભણી પણ
આદર દાખવતાં ‘મારી મા આટલી સુંદર હોત તો?’ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.
તેમણે એ મહિલાને આદરભેર એમના ઘરે પહોંચાડવાનો આદેશ આપ્યો હતો.
ડાબેરી-જમણેરી ઈતિહાસવિદો
યુદ્ધમાં
કે લૂંટફાટમાં હિંદુ કે મુસલમાન મહિલાઓને હેરાન કરવામાં ના આવે એવો એમનો કડક આદેશ
રહેતો અને એનું પાલન કરવાનું ટાળનારની અવસ્થા સકુજી જેવી થતી. ડાબેરી ઈતિહાસકાર
ગોવિંદ પાનસરે હોય કે જમણેરી ઈતિહાસકાર સેતુ માધવરાવ પગડી, છત્રપતિ શિવાજી મહારાજના
જીવનચરિત્રની વાત કરતાં એ બધા તેમના ગુણનાં વખાણ કરવામાં ઊણા ઊતરે નહીં એવું
વ્યક્તિત્વ મહારાજનું હતું. વર્તમાન યુગમાં શિવાજી મહારાજના નામને સહારે કે
પ્રતિમાઓ-સ્મારકોના ટેકે ચૂંટણીલક્ષી વિજય મેળવવા ઈચ્છુકોના વ્યવહારથી વિપરીત
શિવાજી મહારાજ પ્રજાના દુઃખદર્દને સમજીને એને દૂર કરનાર, સાંપ્રદાયિક સદભાવ જાળવનાર, ગેરિલા યુદ્ધમાં નિષ્ણાત
એવા લડવૈયા તરીકે કીર્તિ ધરાવતા હતા. દીર્ઘદૃષ્ટા રાજવીએ નૌકાદળ અને તોપખાનાને
વિકસાવવામાં ખૂબ ધ્યાન આપ્યું હતું. એટલું જ નહીં, એના વડાઓ તરીકે કુશળ ગણાતા
મુસ્લિમ સરદારોને નિયુક્ત પણ કર્યા હતા. શિવાજીના તોપખાનાના વડા તરીકે ઈબ્રાહિમ
ખાન હતા. નૌકાદળના વડા તરીકે પણ દૌલત ખાન, દર્યા સારંગ દૌલત ખાન હતા.
એમના અંગત એવા વિશ્વાસુ અંગરક્ષકોમાં મદારી મેહતર તથા કાજી હૈદર પણ હતા. સાલેરીના
યુદ્ધ પછી ઔરંગઝેબના અખત્યારના દક્ષિણના અધિકારીઓએ શિવાજી સાથે મિત્રતા બાંધવા
માટે બ્રાહ્મણ દૂતને પાઠવ્યો હતો. જ્યારે શિવાજી તરફથી કાજી હૈદરને પાઠવવામાં
આવ્યો હતો. મહારાજને હિંદુ નેતા ગણાવી દેનારાઓએ એમના સેક્યુલર શાસનનો અભ્યાસ
કરવાની જરૂર ખરી.બાદશાહ ઔરંગઝેબના સરસેનાપતિ મિર્ઝા રાજા જય સિંહને લખેલા પત્રમાં
શિવાજી મહારાજે દારા શુકોહ જેવા રાજવીની તરફેણ કરી હતી. એમની દૃષ્ટિએ હિંદુ-મુસ્લિમ
ભેદ વિના સર્વધર્મ સમભાવનું ન્યાયપ્રિય શાસન જ પ્રજા માટે સર્વશ્રેષ્ઠ હતું.
haridesai@gmail.com
(લેખક
વરિષ્ઠ પત્રકાર, કટારલેખક
અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment