દુનિયાભરના સિંધીઓના સિંધુદેશનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ
ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ.દિવ્યભાસ્કર
ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.૧ મે, ૨૦૨૨ વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-determination-of-sindhis-all-over-the-world-to-realize-the-dream-of-sindhudesh-129736276.html
·
સિંધ
ધારાસભામાં મુસ્લિમ લીગ-હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર વખતે જ પાકિસ્તાનનો ઠરાવ
મંજૂર
·
ઝીણાના
ટેકેદાર જી. એમ. સૈયદે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર બન્યા પછી ૩૧ વરસ જેલમાં ગાળવાં
પડ્યાં
·
સિંધના
બ્રાહ્મણ રાજાના શાસનથી લઈને વર્તમાન સુધી પ્રાંતનો ઈતિહાસ કાયમ દગાફટકાનો જ રહ્યો
છે
સંયોગ તો જુઓ કે સિંધની પ્રાંતિક ધારાસભામાં મુસ્લિમ
લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર વખતે માર્ચ ૧૯૪૩માં જે જી. એમ. સૈયદે (૧૭
જાન્યુઆરી,
૧૯૦૪ - ૨૫ એપ્રિલ, ૧૯૯૫) અલગ પાકિસ્તાન માટે પ્રસ્તાવ રજૂ કરીને મંજૂર
કરાવ્યો હતો,
એમના ૧૯૯૫માં મૃત્યુ પછી આજે પણ
અલગ સિંધુદેશ માટેની ઝુંબેશ એમના નામે પાકિસ્તાન અને દુનિયાભરમાં ચલાવાય છે. હિંસક
અને અહિંસક બેઉમાં વહેંચાયેલી આ ઝુંબેશને સિંધના તમામ રાજકીય પક્ષો સમયાંતરે ટેકો
આપતા રહ્યા છે. જોકે પંજાબીઓના અખત્યાર તળેના પાકિસ્તાનમાં અલગ સિંધુદેશ માટેની
ઝુંબેશ એ દેશદ્રોહી પ્રવૃત્તિ અને આતંકી પ્રવૃત્તિ બની ચૂકી છે. આ ચળવળને ભારતીય
ગુપ્તચર સંસ્થા ‘રૉ’ (RAW=રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) થકી સમર્થન કરતું હોવાના
આક્ષેપો પણ થતા રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતને ‘બનાવટી દેશ પાકિસ્તાનથી સાવ
જ અલગ’ એવા સિંધી ભાષા અને સંસ્કૃતિનું જતન કરનારા સ્વતંત્ર સિંધુદેશ તરીકે જાહેર
કરવાની માગણીના ટેકામાં હૈદરાબાદ-સિંધમાં આજે પણ હજારો લોકો દેખાવો યોજે છે.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીની જેમ જ સિંધુદેશ લિબરેશન આર્મી જેવા આતંકી ગણાવાતા
જૂથના કથિત આતંકવાદીઓ બોમ્બવિસ્ફોટ સહિતની પ્રવૃત્તિમાં ધરપકડોનો દોર ચાલુ જ છે.
ઇસ્લામાબાદ હજુ બલૂચિસ્તાનના કોકડાને ઉકેલવાની મથામણમાં છે, ત્યાં સિંધમાં અસંતોષ પણ ભડકતો રહ્યો છે. સિંધુદેશના
સમર્થકો હિંસક માર્ગને સિંધુદેશના પ્રણેતા જી. એમ. સૈયદના વિચારથી વિપરીત લેખાવે
છે. જેણે પાકિસ્તાન માટે પ્રસ્તાવ રજૂ કર્યો અને મંજૂર કરાવ્યો એ જ જિયે સિંધવાળા
સૈયદે વર્ષો સુધી પાકિસ્તાનમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો. જોકે દુનિયાભરના સિંધીઓ
આજે પણ સિંધુદેશનું સ્વપ્ન સાકાર થાય એવી અપેક્ષા કરે છે. ભારતીય નાયબ વડાપ્રધાન
રહેલા ભાજપી નેતા લાલકૃષ્ણ આડવાણી અને દેશના કાયદા મંત્રી રહેલા સદગત રામ જેઠમલાણી
સહિતના અનેક સિંધીઓએ ભાગલા વખતે પોતાનું વતન સિંધ છોડીને ભારત આવવું પડ્યું હતું.
ચળવળકારો પર
અત્યાચાર
૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઇ
ત્યારે સિંધની ૭૦ ટકા વસ્તી મુસ્લિમ હતી અને ૩૦ ટકા હિંદુ. આજે સિંધના ૨૨
જિલ્લામાંના થરપારકર અને ઉમરકોટ (અમરકોટ)નાં અમુક જ પોકેટમાં હિંદુઓની બહુમતી છે.
જોકે કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણાના ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત’ પર રચાયેલા
પાકિસ્તાનના સિંધીઓ હવે એને ‘ભૂલભરેલો અને નિષ્ફળ ગયેલો’ ગણાવીને તળ સિંધમાં અને
યુરોપમાં રહીને પણ સ્વતંત્ર સિંધુદેશ માટે લડત ચાલવી રહ્યા છે.પાકિસ્તાની
સત્તાવાળા અને તેમની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ. ‘દેશને તોડવાની કોશિશ કરી રહેલા’
ચળવળકારો પર અમાનવીય અત્યાચારો ગુજારવા ઉપરાંત કેટલાકને રહસ્યમય રીતે અદૃશ્ય કરી
દેવા સુધીનાં પગલાં ભરે છે,
છતાં આ ચળવળ છેલ્લા કેટલાય
દાયકાઓથી અખંડ ચાલી રહી છે.એનો આરંભ કરનાર હતા જી. એમ. સૈયદ. હા, એ જ જેમણે મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમ્મદઅલી ઝીણાના
પાકિસ્તાનને સમર્થન આપીને કરાંચીમાં એની રાજધાનીવાળા મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્ર
પાકિસ્તાનનો પાયો નંખાવ્યો હતો. સમયાંતરે રાજધાની રાવલપિંડી અને પછીથી ઇસ્લામાબાદ
ખસેડાઈ હતી.
સિંધીભાષાની
ઉર્દૂ સામે દુર્દશા
૧૯૯૫માં ૯૧ વર્ષની વયે જી. એમ.
સૈયદના નિધન પછી અલગ સિંધ દેશ માટેની ઝુંબેશ ચલાવવાની જવાબદારી બીજી પેઢીએ લીધી
છે.આજે એના પ્રભાવી નેતા છે શફી મુહંમદ બરફત. છેલ્લા ત્રણેક દાયકાથી અજ્ઞાતવાસમાં
રહીને એ આ ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે. અત્યારે બરફત જર્મનીમાં કે
અફઘાનિસ્તાનમાં નિર્વાસિત તરીકે વસે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ સિંધીઓના માનવ
અધિકારના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરીને સિંધીવિરોધી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ
રજૂઆતો કરી રહ્યા છે. જોકે જી. એમ. સૈયદના પૌત્ર સૈયદ જલાલ મહમૂદ શાહ પણ સિંધુદેશ
માટેની ઝુંબેશમાં સક્રિય છે. સિંધ ધારાસભાના ડેપ્યુટી સ્પીકર રહેલા સૈયદ જલાલે
૨૦૦૬માં સિંધ યુનાઈટેડ પાર્ટી સ્થાપી હતી. સિંધ પ્રાંતમાં ૫૯.૭ ટકા વસ્તી
સિંધીભાષી છે અને માત્ર ૨૧ ટકા પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ બોલનાર છે. ૧૯૪૭ પછી
ભારતથી સિંધ આવી વસેલા ઉર્દૂભાષી મોહાજિરોનો આતંક અને પ્રભાવ અહીં વધુ છે. સિંધના
લોકોની ફરિયાદ તો એ છે કે લશ્કરના પંજાબી લોકો કે પંજાબી શાસકો તેમના પ્રત્યે
ઓરમાયું વર્તન રાખે એ તો જાણે સમજી શકાય, પણ પોતીકા સિંધીભાષી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને એમનાં શાહજાદી
બેનઝીર ભુટ્ટો વડાંપ્રધાન બન્યાં, ત્યારે પણ
સિંધીઓના દુઃખના દહાડા ઓછા થયા નહોતા. વિભાજન વખતે પણ લગભગ શાંત રહેલા આજના સિંધની
ગણતરી રોજેરોજ હિંસક અથડામણોની ભોમકા તરીકે થાય છે.
જી. એમ.
સૈયદનો નાપાક ઠરાવ
હાથનાં કર્યાં હૈયે વાગે એવો ઘાટ
સિંધ માટે રચાયો હતો. ૩ માર્ચ ૧૯૪૩ના રોજ જી. એમ. સૈયદે સિંધ ધારાસભામાં ખાનગી
સભ્યના ઠરાવ તરીકે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માટે અંગ્રેજ સરકાર સમક્ષ માગણી કરતો
એટલે કે માર્ચ ૧૯૪0ના મુસ્લિમ લીગના પાકિસ્તાન ઠરાવને અનુમોદન આપતો
‘પાકિસ્તાનનો ઠરાવ’ રજૂ કરીને મંજૂર કરાવ્યો. એ મહાપાપ હતું. એ વખતે સિંધમાં
કાયદેઆઝમ ઝીણાની મુસ્લિમ લીગ અને વીર સાવરકર-ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીની હિંદુ
મહાસભાની સંયુક્ત સરકાર સિંધમાં હતી. પ્રીમિયર (મુખ્યમંત્રી) હતા સર ગુલામ હુસૈન
હિદાયતુલ્લાહ. સૈયદે ગૃહમાં પાકિસ્તાન ઠરાવ રજૂ કરવા અધ્યક્ષની અનુમતિ માગી કે
નિહચલદાસ સી. વઝીરાની (હિંદુ મહાસભા)એ એ સામે વાંધો લીધો. એ વેળાના હિંદુ મહાસભાના
પ્રધાન ગોકલદાસ મેવાલદાસે પણ વિરોધ કર્યો. જોકે ગૃહમાં હાજર બહુમતી મુસ્લિમ સભો જ
નહીં,
સ્વયં સર હિદાયતુલ્લાહ પણ
પાકિસ્તાન ઠરાવના પક્ષે હતા.
હિંદુ
મહાસભાની બોદી ભૂમિકા
અલગ પાકિસ્તાનની ભૂમિકાના
વિરોધમાં હિંદુ મહાસભાના સાત સભ્યો સર્વશ્રી વઝીરાની, દિયાલરામ દૌલતરામ, ઘનુમલ તારાચંદ, પરતાબરાય
ખૈસુખદાસ,અખીજી રતનસિંહ સોઢો, મુખી ગોબિંદરામ અને હોટચંદ હીરાચંદ સભાત્યાગ કરી ગયા હતા. ઉગ્ર
ચર્ચાને અંતે ૨૪ વિરુદ્ધ ૩ મતથી ઠરાવ મંજૂર થયો હતો. હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનોએ
એ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું. બહુમતીથી પાકિસ્તાન ઠરાવ મંજૂર કરાયા પછી પણ
હિંદુ મહાસભાના પ્રધાનો કેબિનેટમાં ચાલુ રહ્યા હતા! જે જી. એમ. સૈયદે આ ઠરાવ રજૂ
કર્યો એ પાકિસ્તાન બન્યા પછી એવા તે પસ્તાયા કે એમણે કરેલી ભૂલનો વીંટો વાળી
શકવાની સ્થિતિમાં નહોતા.એમની દુર્દશા તો જુઓ કે એમણે અલગ સિંધ માટે ‘જિયે સિંધ’નાં
બેનર હેઠળ આજીવન લડત ચલાવી એટલું જ નહીં, જિંદગીનાં મહામૂલાં ૩૧ વર્ષ એમણે જેલમાં કે નજરકેદમાં ગાળવાં
પડ્યાં હતાં! પાકિસ્તાનને તોડવાની કોશિશ કરનાર ગદ્દાર કે ભારતના એજન્ટ તરીકેની
એમની નવાજેશ કરવામાં આવતી હતી એ છોગામાં.
સિંધમાં
સત્તાપલટાનો ઘટનાક્રમ
ઈ.સ. ૭૧૧માં સિંધના બ્રાહ્મણ
રાજા દાહિરસેનને પરાજિત કરીને મુહમ્મદ બિન કાસિમે સિંધમાં ઇસ્લામી શાસન
સ્થાપ્યાનું ગૌરવ કરતાં ભવ્ય ફલક આજેય આ પ્રદેશમાં નજરે ચડે છે. બાકી હોય એમ
કાસિમના હિંદુ રાજા સામે લડતાં માર્યા ગયેલા સૈનિકોનું પણ ગૌરવ કરાય છે. ઈ.સ.
૧૮૪૩માં અંગ્રેજ જનરલ ચાર્લ્સ નેપિયરે દગાફટકાથી સિંધ જીતી એને મુંબઈ પ્રેસિડેન્સી
સાથે જોડ્યું,
ત્યારથી એના કરમની કઠણાઈ શરૂ
થઇ.૧૯૨૫માં સિંધની ધારાસભાએ મુંબઈથી અલગ થવાનો ઠરાવ કરીને પાકિસ્તાન ચળવળનો દીવડો
પ્રગટાવ્યો હતો.૧૯૩૫માં સિંધ મુંબઈથી અલગ પ્રાંત બન્યું. ૨૬ જૂન ૧૯૪૭ના રોજ સિંધ
ધારાસભાએ પાકિસ્તાન સાથે ભળવાનો ઠરાવ કર્યો. નવા રાષ્ટ્રમાં સૌપ્રથમ જોડાનાર પ્રાંત
સિંધ બન્યું હતું. મહાત્મા ગાંધી કાઠિયાવાડના હોવાથી એમનો આગ્રહ રહ્યો કે કોઈપણ
ભોગે કાઠિયાવાડ ભારત સાથે જ જોડાય. એવું જ કંઇક ઝીણાને પોતાની જન્મભૂમિ કરાંચી
માટે આગ્રહ હતો કે એ પાકિસ્તાન સાથે જોડાય. પાકિસ્તાન બન્યા પછી જે રીતે પંજાબી
વર્ચસ્વ સ્થાપિત થયું,
એનાથી સિંધીઓના કરમની કઠણાઈ શરૂ
થઇ હતી.
સિંધીઓનો
વતનઝૂરાપો
પંજાબી વર્ચસ્વના પ્રતાપે
સિંધીઓને પોતાની ભાષા સંસ્કૃતિ નષ્ટ થતી અનુભવાઈ અને અસંતોષ વધુને વધુ પ્રજ્વલિત
થતો રહ્યો.આજે સિંધુદેશ માટેની માગણીના ટેકામાં માત્ર પાકિસ્તાનના સિંધીઓ જ નહીં, ભારતમાં હિજરત કરી નિર્વાસિત તરીકે આવેલા સિંધીઓ પણ
વતનઝૂરાપો અનુભવે છે. ગાંધીજી અને પંડિત નેહરુના અંતરંગ રહેલા તથા કોંગ્રેસના
અધ્યક્ષ આચાર્ય જીવતરામ કૃપાલાનીથી લઈને નાયબ વડા પ્રધાન રહેલા લાલકૃષ્ણ આડવાણી
લગીના સિંધીઓ વતન કરાંચી કે હૈદરાબાદ વિશે ભાવનાત્મક નિકટતા જરૂર અનુભવે છે. માત્ર
રાજકારણ પૂરતી જ વાત સીમિત નથી. ભારતમાં પ્રત્યેક ક્ષેત્રમાં વિશેષ યોગદાન કરનાર
સિંધી આવું અનુભવે છે.
કૃપાલાનીના
ભાઈઓ મુસ્લિમ
ચુસ્ત હિંદુ માબાપના સંતાન એવા
આચાર્ય કૃપાલાનીના બે ભાઈઓ પણ પરિવારસહ મુસલમાન થયાની વાત એમણે આત્મકથામાં ય નોંધી
છે.એમાંના એક ભાઈ તો પત્ની અને પુત્રી સાથે ઇસ્લામ કબૂલ કરીને અરબી-ફારસીમાં એટલા
જાણીતા ધર્મવિશારદ બન્યા કે એ મૌલાના તરીકે મશહૂર થયા. એમણે એમના નાના ભાઈનું
રીતસર અપહરણ કરાવીને ઇસ્લામ કબૂલાવ્યો હતો. બીજા પણ અનેક યુવકોનાં ધર્માંતરણ એમણે
કરાવ્યાં હતાં. જો વિભાજન પહેલાં સિંધમાં આ સ્થિતિ હોય તો ઈસ્લામને નામે અલાયદો
દેશ મેળવ્યા પછીના પાકિસ્તાનમાં ધર્માંતરણની કેવી સ્થિતિ હોય એ કલ્પી શકાય છે.
જોકે હિંદુ સમાજના પ્રભાવી ઉચ્ચ વર્ગના સિંધી તથા સોઢા રાજપૂત સહિતના લોકોએ તો
એમના દેશના શાસકો અને પ્રભાવી લોકો સાથે ઘરોબો કેળવીને પોતાનાં હિતની સુરક્ષા કરી
લીધી છે. મરો તો નીચલા વર્ગના હિંદુઓનો છે. એમની બહેન-દીકરીઓનાં અપહરણ અને
જબરજસ્તીથી નિકાહનો કકળાટ ચાલુ છે. ભારતની સહાનુભૂતિ સિંધી અને બલૂચ પ્રજાના માનવ
અધિકારો જાળવવાના પક્ષે હોય એ સ્વાભાવિક છે.આમ પણ બલૂચ પ્રજા અને સિંધી પ્રજા
ભારતના શાસકો અને પ્રજા ભણી આશાભરી નજરે જોવાનું પસંદ કરે છે.સિંધુ દેશના ચળવળકારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સફળ મુલાકાત
બદલ અભિનંદન પાઠવવાનું પસંદ કરે છે. સાથે જ ઉપજાવી કઢાયેલા કુલભૂષણ જાધવ પ્રકરણમાં
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને માનવ અધિકારોના જતન માટેની સંસ્થાઓને આવેદનપત્ર પણ આપે છે.
રાષ્ટ્રગીતમાં
સિંધનો સમાવેશ
વાત સિંધની આવે ત્યારે એ ભારત
અને ભારતીયો માટે લાગણીનો મુદ્દો બની જાય છે. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’માં સિંધનો
સમાવેશ હોવાને કારણે વર્તમાન સમયમાં ઘણા બધાએ સિંધને ભારત સાથે જોડવાની વાતનો
આગ્રહ પણ સેવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેએ તો પોતાના
અંતિમ મૃત્યુ પત્ર (૧૪ નવેમ્બર ૧૯૪૯)માં પોતાનાં અંગતોને અનુરોધ કર્યો હતો કે, ‘આપણા ભારતવર્ષની સીમા સિંધુ નદી છે, જેના તટ પર વેદોની રચના પ્રાચીન મહર્ષિઓએ કરી છે. તે
સિંધુ નદી જે શુભઘડીએ અખંડ ભારતના ધ્વજની છત્રછાયામાં વહેતી રહેશે, તે દિવસે મારાં અસ્થિનો અંશ તે સિંધુ નદીમાં પ્રવાહિત
કરશો.’ પૂણેના ગોડસે પરિવારે હજુ નથુરામનાં અસ્થિ સાચવી રાખ્યાં છે. પૂર્વ અને
પશ્ચિમ જર્મની એક થઇ શકે તો સરદાર પટેલ, મહર્ષિ અરવિંદ અને નથુરામ ગોડસે ઉપરાંત આરએસએસની કલ્પનાના
અખંડભારતની પુનઃસ્થાપના સાવ અશક્ય લાગતી નથી.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment