Sunday, 1 May 2022

Rajasthan Political Crisis in Congress and BJP as well

રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપમાં સત્તાસંઘર્ષ ચરમસીમાએ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         પાયલટની ગહલોત સાથેની અંટસ અકબંધ 

·         ભાજપમાં સતીશ પૂનિયા વિરુદ્ધ વસુંધરા રાજે

·         પાંચ વર્ષે સત્તાપલટો કે પુનરાવર્તનની ચર્ચા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.

રાજસ્થાનમાં હજુ ડિસેમ્બર ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવા છતાં અત્યારથી સત્તારૂઢ કોંગ્રેસ અને વિપક્ષી ભાજપમાં મુખ્યમંત્રી કોણ બનશે એની હૂંસાતૂંસી શરૂ થઇ ગઈ છે. રાજસ્થાનની સામાન્ય પરંપરા એવી છે કે અહીં દર પાંચ વર્ષે પ્રજા સત્તાપરિવર્તન કરાવે છે. અત્યારે કોંગ્રેસ સત્તામાં છે એટલે નવી સરકાર ભાજપની બનવાની અપેક્ષા સ્વાભાવિક છે. જોકે કેરળની આવી જ પરંપરા વિધાનસભાની ગત ચૂંટણીમાં તૂટી હોવાથી અત્યારથી મુખ્યમંત્રીપદના આકાંક્ષી સચિન પાયલટ હમણાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા ત્યારથી ફરી કોંગ્રેસને સત્તામાં લાવવા માટે મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકારની વિદાય અને પાયલટ સરકાર સ્થાપિત કરવાની ચર્ચા ચરમસીમાએ છે.સામે પક્ષે, ભારતીય જનતા પક્ષમાં પણ બધું સમુસૂતરું છે એવું પણ નથી. ભાજપી મુખ્યમંત્રી વસુંધરા રાજે જ હોય એ ભ્રમ હવે ભાંગવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા કર્ણાટક રાજપૂત સમાજના મુખ્યમંત્રી બનવાના આશીર્વાદ લઈને પરત ફર્યા પછી ભાજપમાં પણ નેતૃત્વ અંગે રીતસર રમખાણ મચી ગયું છે. રાજસ્થાનમાં  ભાજપના વડા તરીકે પહેલીવાર સંઘનિષ્ઠ જાટ નેતા પૂનિયા ૨૦૧૯માં નિયુક્ત થયા ત્યારથી કેન્દ્રના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પૂનિયાએ વસુંધરા રાજે સામે રીતસર મોરચો ખોલ્યો હોવાનું ચિત્ર ઉપસે છે. વસુંધરા સરકારમાં ગૃહમંત્રી રહેલા ગુલાબચંદ કટારિયા અને ભાજપના રાજ્યસભાના સભ્ય કિરોડીલાલ મીણા પણ વસુંધરા વિરુદ્ધની છાવણીમાં સક્રિય જોવા મળ્યા છે.

વસુંધરાની ગહલોતને હૂંફ

ભાજપમાં ડઝનેક જેટલા મુખ્યમંત્રીપદના ઉમેદવારો છે પણ રાજ્યમાં ચૂંટણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ યોજાશે, એવું સૂચક નિવેદન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પૂનિયા કરે છે. સામે પક્ષે, મુખ્યમંત્રી ગહલોત પણ કહી બેઠા છે કે છેક ૧૯૯૮થી મારું રાજીનામું સોનિયા ગાંધી પાસે પડ્યું છે. ભાજપની નેતાગીરી અંદરખાને માને છે કે વર્ષ ૨૦૨૦માં કોંગ્રસ સરકાર સામે એના પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી રહેલા સચિન પાયલટે બળવો કર્યો ત્યારે ગહલોત અને વસુંધરાની નિકટતાએ એને વિફળ બનાવ્યો હતો. રાજ્યની ધારાસભાના કુલ ૨૦૦ સભ્યોમાં ભાજપના ૭૨થી ૭૫ સભ્યોમાં ૪૫ જેટલા તો વસુંધરાના વ્યક્તિગત નિષ્ઠાવંત હોવાને કારણે ૧૮ કોંગ્રેસી ધારાસભ્યોના સમર્થન સાથે પાયલટ ભાજપ ભણી ગતિ કરી રહ્યા છતાં એ ચાલ સફળ રહી નહોતી. સંકટ સમયે ભાજપની કેન્દ્રીય નેતાગીરીથી નારાજ વસુંધરા ધારાસભામાંના  પોતાના સમર્થકોને ગહલોતના તારણહાર તરીકેની ભૂમિકામાં લાવી શકે તેમ હતાં. હવે તો ભાજપની યાદવાસ્થળી ખુલ્લેઆમ જોવા મળે છે. અગાઉ પ્રદેશાધ્યક્ષ પૂનિયાએ ડિસેમ્બર મહિનામાં  પોતાના જન્મદિવસની ઉજવણી કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. જોકે વસુંધરાના જન્મદિવસની ઉજવણીનો હમણાં માર્ચ મહિનામાં પૂનિયા અને શેખાવતે ખુલ્લેઆમ બહિષ્કાર કરીને પક્ષમાં તડાં હોવાનું ઉઘાડું કર્યું છે. ભાજપના જ કેટલાક નેતાઓ વસુંધરા રાજેને હવે મુખ્યમંત્રી બનવાનાં સ્વપ્નને ત્યાગીને કેન્દ્રમાં મંત્રી બનવાની સૂફીયાણી સલાહ આપવાનું પસંદ કર્યું છે. જોકે રાણી સાહિબાએ પણ આવા નેતાઓને રોકડું પરખાવવાનું પસંદ કર્યું છે. ભાજપનાં સંસ્થાપક ઉપાધ્યક્ષ રાજમાતા વિજયા રાજે  સિંધિયાનાં કુંવરી વસુંધરાના ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં પ્રવેશ કર્યો અને હવે કેન્દ્રમાં મંત્રી છે. વસુંધરાના ભાઈ માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય બેઉ કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા છે. એમનાં નાનાં બહેન યશોધરા રાજે મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં મંત્રી છે. વસુંધરાના પુત્ર દુષ્યંત સિંહ ભાજપના લોકસભાના સભ્ય છે. જોકે આખો  સિંધિયા પરિવાર ભાજપમાં હોવા છતાં એમાં ભાજપની નેતાગીરીને વંશવાદ કે ડાયનેસ્ટી દેખાતી નથી.

ગહલોત ખાં કે અહમદ

રાજસ્થાનમાં રાજકીય નિવેદનબાજી એટલી હીન કક્ષાએ પહોંચી છે કે વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા અને બીજા ભાજપી નેતાઓએ  મુખ્યમંત્રી અશોક ગહલોતને જાહેર મંચ પરથી “ગહલોત ખાં” કે “ગહલોત અહમદ” કહીને રાજકારણને કોમી રંગ આપવાનું પસંદ કર્યું છે. સ્વયં મુખ્યમંત્રી ગહલોતે કહ્યું હતું કે મેં કટારિયાને કમરપટ્ટા નીચે વાર કરવાથી (હિટીંગ બિલો ધ બેલ્ટ) દૂર રહેવાની સલાહ આપ્યા છતાં એ એનું પાલન કરી શકતા નથી. ભાજપની નેતાગીરી ગહલોતને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે જવાબદાર લેખાવીને અત્યારથી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર ટાણે ૮૯:૨૦ની થતી વાતો કરવા માંડી છે. અલવરમાં ભાજપશાસિત  પાલિકાએ બુલડોઝર મોકલીને ૩૦૦ વર્ષ જૂનું મંદિર તોડાવ્યા છતાં ભાજપ થકી સાધુ-સંતોની રેલી કાઢીને એના  સાંસદ થકી રાજ્ય સરકારને મંદિર વિરોધી જાહેર કરવાનું પસંદ કરાય છે. રાજ્ય સરકારે સંબંધિત પાલિકાના ત્રણ ટોચના જવાબદાર અધિકારીઓને નિલંબિત કર્યા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પૂનિયાએ આ મંદિરને તોડવા માટે રાજ્યની કોંગ્રેસ સરકારને દોષ દીધો, જયારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ તો એ અંગેનો નિર્ણય અને કાર્યવાહી ભાજપ શાસિત પાલિકાની હોવાનું સ્પષ્ટ કર્યા છતાં રાજકીય અને ધાર્મિક વિવાદ તો ભડક્યો જ છે. રાજસ્થાનમાં તો રાજકીય નિવેદનો થકી  મહારાણા પ્રતાપ અને બાદશાહ અકબર પણ આજકાલ રોજ મીડિયામાં ઝળકે છે. આગામી વિધાનસભા ચૂંટણી કેટલી ધાર્મિક વિભાજનકારી હશે એનો અણસાર અત્યારથી જ મળવા માંડ્યો છે.

સચિનની માંગણી અંગે દ્વિધા

રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સચિન પાયલટ અને મુખ્ય મંત્રી અશોક ગહલોત બેઉના સંયુક્ત પ્રયાસોથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની હતી. જોકે બંને વચ્ચે મનમેળ નહીં રહેતાં પાયલટે  બળવો પણ કરવો પડ્યો હતો. સંયોગ તો જુઓ કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ભાવિ નેતા રાહુલ ગાંધીના ખાસંખાસ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતીન પ્રસાદ અને આરપીએન સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈને લાભાન્વિત થયા છે. પાયલટ પણ રાહુલના જ વિશ્વાસુ મનાતા રહ્યા છે. એ પણ ભાજપમાં જવાની અટકળો હતી, પરંતુ રાહુલ અને પ્રિયંકા સાથેની ચર્ચા અને સમજણને પગલે એ હજુ પક્ષમાં રહ્યા છે.  જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ડૉ.ફારુક અબદુલ્લાના જમાઈ રહેલા સચિન મુખ્યમંત્રી થવાના આકાંક્ષી હોય એ સ્વાભાવિક છે. જોકે ગહલોત એમને ચેકમેટ કરતા રહ્યા છે. આ વખતે સચિને સોનિયા ગાંધીને શું કહ્યું એ અંગે પાયલટ પોતે તો ફોડ પાડતા નથી, પણ કાં તો મીડિયા સૂત્રોના હવાલે એમણે ગહલોતને મુખ્યમંત્રી તરીકે દૂર કરીને પોતાને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ કર્યાના સમાચાર ઝળકે છે. જોકે સ્વયં સોનિયા ગાંધી પણ આ વિષે કશું કહેતાં નથી, પણ કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા રણદીપ સુરજેવાલા “સચિને નેતૃત્વ પરિવર્તનની માંગણી નથી કરી” એવું કહે છે. સચિન મૌન છે. રાજકારણમાં આવાં મૌન ખૂબ સૂચક લેખાવી શકાય. ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે એ કહેવું મુશ્કેલ છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.

 

ઈ-મેઈલ:   haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૯ એપ્રિલ, ૨૦૨૨)


No comments:

Post a Comment