હાર્દિક પટેલનું ગમન અને નરેશ પટેલનું આગમન
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·
ગુજરાત જીતે તો જ મોદી ફરી વડાપ્રધાન
·
મુખ્યમંત્રીપદે કોણ આવે એ હજુ
અનિર્ણિત
·
ડિસેમ્બર સુધીમાં ઉપસતા ચિત્રની
પ્રતીક્ષા
Dr.Hari Desai writes weekly colum “Kaaran-Raajkaaran” for
Mumbai Samachar’s Sunday Supplement. 22 May, 2022.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જે પ્રકારના પલટા રાજકારણમાં આવી રહ્યા છે એ
બે બાબતો સ્પષ્ટ કરે છે: ડિસેમ્બર ૨૦૧૭માં ભારતીય જનતા પક્ષની સરકાર માંડ માંડ
રચાઈ હતી. એવા સંજોગો ફરી નિર્માણ થાય નહીં એ માટે રાજ્યમાં ત્રણેક દાયકાથી શાસન
કરતા ભાજપ થકી (૧) ભાજપના જ બે સર્વોચ્ચ
નેતાઓને ભાંડતા રહેલા યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ રહેલા હાર્દિક પટેલને કોંગ્રેસથી વિખૂટા કરવા અને (૨)
પ્રભાવી પાટીદાર સામાજિક નેતા નરેશ પટેલને કોંગ્રેસ સાથે જોડવામાં આવે એ સામે
કોંગ્રેસના મતોનું શક્ય તેટલું વિભાજન કરવું. ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવવાની સાથે
મે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પણ આવે છે. ઉત્તરપ્રદેશ સહિતનાં જે પાંચ રાજ્યોની
વિધાનસભાની છેલ્લી ચૂંટણી થઇ એમાં પંજાબ સિવાયનાં રાજ્યોને ફરી અંકે કરી લેવામાં
પક્ષના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદીને સફળતા મળી છે. અગાઉ પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કમલમ કેરળ
વિધાનસભામાં ભાજપ અને મિત્રપક્ષોને જે ફટકો પડ્યો એ પછી પાંચ રાજ્યોમાંથી ચાર
રાજ્યોમાં ભાજપની સરકાર રચાઈ એટલે હવે પણ પક્ષનો વિજયરથ આગેકૂચ કરે તે માટે વર્ષ
૨૦૨૨માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ તથા ભાજપે
વર્ષ ૨૦૨૩માં યોજાનારી નવ રાજ્યોની ચૂંટણી પણ જીતવાનો લક્ષ્ય રાખવો પડે. ગુજરાતમાં
કોંગ્રેસના સમર્થક મતોનું વિભાજન કરવાનાં આયોજનો ભાજપની નેતાગીરી દ્વારા થઇ રહ્યાં
છે. કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓની જરૂર નથી એવી ઘોષણાઓ ભાજપ તરફથી થયા કરે છે,
પરંતુ કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓના ભરતીમેળા ભાજપના મુખ્યાલય કમલમ્ ખાતે અખંડ
ચાલુ છે. હાર્દિક કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશીને પોતાની સામેના ખટલાઓમાંથી રાહત
મેળવવાની વેતરણમાં હોય એ સ્વાભાવિક છે. જોકે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારના
પતનનું નિમિત્ત બનેલા અને નીતિન પટેલના રાજકીય ભવિષ્યને ધૂંધળું કરવા માટે જવાબદાર
આંદોલનકારી હાર્દિકને પક્ષમાં લેવા સામે વિરોધના સૂર તો એના જ ભાજપમાં ગયેલા જૂના
સાથીઓ તરફથી કરાયેલાં નિવેદનોમાં જોવા મળ્યા. ભાજપમાં જૂથવાદ અને પરિવારવાદ નથી
એવો ભ્રમ પોષવામાં આવ્યો છે. હૈદરાબાદના સાંસદ અને એમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તથા
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમ જ બીપીટીના
છોટુભાઈ વસાવા તેમ જ અન્ય પક્ષના નેતાઓ
અને કાર્યકર્તાઓ કોંગ્રેસની સામાન્ય રીતે જે મતબેંક ગણાય એમાં ભાગ પડાવે અને
ભાજપને ફાયદો કરાવે એવી ગણતરીથી ગુજરાતનું રાજકારણ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસમાં
પ્રદેશ કાર્યાધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ પક્ષ છોડે અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો
કરતા રહે એ પણ ભાજપના લાભમાં જ ગણાય. જોકે આ ઘટનાક્રમ કેટલો ચાલે એ કહેવું મુશ્કેલ
છે. કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રી અને પટેલ સિવાયના સમાજોમાં પણ નરેશભાઈની
સ્વીકૃતિ ભાજપને અકળાવે છે.
નવા મુખ્યમંત્રી કોણ?
ગુજરાત દેશના કેન્દ્રસ્થાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના
ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. ભાજપના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના
સ્થાને ચૂંટણી પછી કોણ મુખ્યમંત્રી હશે અને કયા કયા પ્રધાનો ટિકિટોમાં કપાશે એની
ચર્ચા શરૂ થઇ ગઈ છે. ક્યારેક મોદીના ટીકાકાર રહેલા સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજના
પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં પોતાના જુનિયર રાજનેતાના પણ જુનિયર સ્થાને મૂકાયા પછી
ગુજરાતની ગાદીની મહેચ્છા જરૂર રાખી શકે.દર વખતે કેન્દ્રમાં મોદીના લાડકા એવા લેઉવા
સમાજના નેતા અને કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયાનું નામ ગુજરાતના ભાવી
મુખ્યમંત્રી તરીકે ઝળકે છે અને કપાય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદીના
હનુમાન લેખાતા અમિત શાહે ૨૦૨૪માં મોદીને ફરીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં
ભાજપની સરકાર લાવવી આવશ્યક હોવાની બાંગ પોકારવા માંડી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સંઘ પરિવાર સમગ્રપણે કામે
વળ્યો છ. સામે પક્ષે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ચૂંટણી જાહેર થાય એ
પહેલાં સક્રિયપણે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસ પોતાના પક્ષે પ્રભાવી
લેઉવા પાટીદાર નેતા અને ખોડલધામના વડા નરેશ પટેલને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાની વેતરણમાં છે. અગાઉ અનેકવાર
કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરતા રહેલા નરેશભાઈ છેવટે પાણીમાં બેસતા રહ્યા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં એ
કોંગ્રેસમાં જોડાવા માટે સજ્જ છે. જોકે અનેક મુદતો પાડીને વિલંબ કરતા રહ્યા છતાં
હવે નિર્ણાયક તબક્કે પહોંચવામાં છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પણ એમને પોતાની સાથે
જોડવા માટે ઉધામા મારતી રહ્યા છતાં નરેશ પટેલ કોંગ્રેસ ભણી ઝુકાવ સ્પષ્ટ કરતા
રહ્યા છે. આગામી દિવસોમાં એ મોટા કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાવાની અપેક્ષા છે.
નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય તો પોતાનું મહત્વ ઘટી જાય એવું માનતા રહેલા હાર્દિકે
એમને મળીને કોંગ્રેસમાં પોતાને કટુ અનુભવ થયાની કથા પણ કરી. હાર્દિક ક્યારેક
પાટીદાર સમાજના અનામત માટેના આંદોલનમાં નાયક જાહેર થયો હતો, પણ હવે એ ઝાઝો પ્રભાવ ધરાવતો નથી.
મીડિયા મારફત રોજેરોજ પ્રજામાં છવાયેલો રહેવા ઉત્સુક હાર્દિક અને નરેશભાઈની તુલના
કરવાનું શક્ય નથી. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા વડાપ્રધાનપદે હોવા
છતાં ગુજરાતમાં પક્ષને સૌથી ઓછી એટલે કે ૧૮૨માંથી ૯૯ બેઠકો મળી હતી. એ વેળાના રાષ્ટ્રીય અધ્યક્ષ
અમિત શાહે લક્ષ્યાંક રાખ્યો હતો ૧૫૦ પ્લસનો.
કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ૧૯૮૦માં
કોંગ્રેસને ૧૩૯ બેઠકો અને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો
મળી હતી. આજ દિવસ સુધી આ બંને વિક્રમ તૂટ્યા નથી. વર્ષ ૨૦૨૨ માટે ભાજપે લક્ષ્યાંક
૧૮૨માંથી ૧૮૨નો રાખવામાં આવ્યો અને ધીરે ધીરે એ બહુમતી માટેના દાવામાં સીમિત થયો.
સત્તારૂઢ પક્ષ ટો ૧૨ જૂન ૨૦૨૨ સુધીમાં ચૂંટણી કરવા તત્પર હતો જેથી કોંગ્રેસ કે
અન્ય પક્ષ ઊંઘતા ઝડપાય. આમ છતાં, ભાજપનો આંતરિક સર્વે એના માટે સારાં પરિણામ આપતો નહીં હોવાથી ચૂંટણી રાબેતા
મુજબ ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. હવે નરેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાશે એવા સંજોગો
છે અને હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ગયા છે. આવા સંજોગોમાં આગામી છ મહિનામાં કેવું
ચિત્ર જોવા મળશે એની સૌને પ્રતીક્ષા રહેશે.
તિખારો
“સી એમ”
મને સપનાં આવે છે “સી એમ” નાં
આગળ ને પાછળ હોય ગાડીયુના કાફલા તો આપણો’યે વટ્ટ પડે કેમ ના
?
મને સપનાં આવે છે “સી એમ”નાં
ક્યાં છે ગરીબ ? કરું ખાંખાંખોળાં
ને વળી એકા'દું આંદોલન ગોતું
પીડીત કે વંચિત કે વિસ્થાપિત ગમ્મે તે ક્યાંક તો હશે ને કો’ક
રોતું ?
રેલી કાઢું કે પછી ધરણાં પર બેસું કે મુદ્દા ઉઠાવું કૈંક ડેમના
!
મને સપનાં આવે છે “સી એમ”નાં
બાધા રાખું કે વળી ભૂવા ધૂણાવું કે દાણા વેરાવું બધે ચોકમાં
!
જોયેલાં સપનાંને સાચાં પડાવવા હું આવ્યો છું આપશ્રીના
લોકમાં
જાણતલ ડોશીમા એટલું જ બોલ્યાં કે ઓસડ ના હોય કદી વ્હેમના
મને સપનાં આવે છે “સી એમ”નાં
- કૃષ્ણ દવે (૨૦-૫-૨૦૨૨)
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૧ મે, ૨૦૨૨)
No comments:
Post a Comment