Monday, 11 April 2022

The Great Sultan of Kashmir who made it Paradise again

 

કાશ્મીરમાં મુસ્લિમદ્રોહના માહોલ વચ્ચે

પંડિતપ્રેમી સુલતાનની દાસ્તાન

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. રવિવાર.૧૦ એપ્રિલ,૨૦૨૨.વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-story-of-pandit-loving-sultan-amidst-anti-muslim-sentiment-in-kashmir-129625058.html

·         સુલતાન જૈન-ઉલ-અબિદીનને આજે પણ કશ્મીરી પંડિતો સાચા મહાન શાસક ગણાવે છે

·         કાશ્મીર વેલીમાં રહેતા હિંદુ બ્રાહ્મણોને “પંડિત”ની ઉપાધિ સુલતાનના શાસનમાં જ મળી

·         મહારાજા સામેના “ક્વિટ કશ્મીર” આંદોલનમાં શેખ અબદુલ્લા સાથે કશ્મીરી પંડિતો પણ

અત્યારે વાતાવરણમાં “કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ ચોફેર ચર્ચામાં છે. અનેકતામાં એકતા કે ગંગા જમુની તહજીબની ભાવના એકાએક લુપ્ત થતી જણાય છે. ભારતીયોમાં શંક-કુશંકા અને અવિશ્વાસનો માહોલ સર્જાયો છે. આવા તબક્કે પ્રજાવત્સલ એવા કાશ્મીરના એક સુલતાનની વાત કરવાની છે. કેટલીક વાત માન્યામાં આવે નહીં. આમ છતાં, કશ્મીરી પંડિત આઇએએસ અધિકારી રહેલી વ્યક્તિ કે જમ્મૂ-કાશ્મીરના બહુચર્ચિત રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જણ પણ એ મુસ્લિમ શાસકને “મહાનતમ સુલતાન” કહેવાનું પસંદ કરે ત્યારે તો વાત માનવી જ પડે. કાશ્મીરમાંથી માત્ર ૧૯૯૦ના ગાળામાં જ નહીં, અગાઉ પણ અનેકવાર કશ્મીરી પંડિતોએ આતંકિત અવસ્થામાં સામૂહિક હિજરત કરવા કે ઇસ્લામ કબૂલવા વિવશ બન્યા હતા. એક તબક્કે તો કાશ્મીરમાં કશ્મીરી પંડિતોના માત્ર ૧૧ પરિવાર જ બચ્ચા હતા. અહીં એવા પણ મુસ્લિમ શાસકો રહ્યા જેમણે હિજરત કરી ગયેલા કશ્મીરી પંડિતોને પાછા બોલાવીને નોકરી-ધંધામાં સ્થાયી કર્યા એટલું જ નહીં, ગોવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવા અને મુસ્લિમ કટ્ટરવાદીઓએ તોડી પાડેલાં હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. એ મુસ્લિમ સુલતાન જૈન-ઉલ-અબિદીન થકી નવાં મંદિરોના નિર્માણ માટે છૂટ અપાઈ એટલું જ નહીં, પોતે પણ હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવી.

કશ્યપ મુનિની રક્તરંજિત ભોમકા
કશ્યપ મુનિની આ ભોમકા પર ક્યારેક સેંકડો વર્ષ સુધી લોહાણા શાસકો રહ્યા હતા. જોકે બૌદ્ધમાંથી મુસ્લિમ થનાર શાસકના શાસન પછી સમયાંતરે કાશ્મીર પર અફઘાન અને મુઘલ મુસ્લિમ શાસકો રાજ કરતા રહ્યા. કેટલાક કશ્મીરી પંડિતોએ ઇસ્લામ કબૂલ્યો, કેટલાક કાશ્મીર છોડીને ધર્મ બચાવતા રહ્યા પરંતુ સમયાંતરે સારાનરસા રાજવીઓ આવતા રહ્યા. ક્યારેક કશ્મીરી પંડિતમાંથી ઇસ્લામ કબૂલનારા ફરી હિંદુ ધર્મ અપનાવવા માટે હિંદુ મહારાજા કને ધા નાંખતા રહ્યા, પરંતુ મહારાજાએ કાશીના પંડિતોને પૂછાવીને એ બાબતમાં નન્નો ભણ્યાનો ઈતિહાસ પણ આપણી સામે તગે છે. ક્યારેક પ્રજામાંના કશ્મીરી પંડિતો અને કશ્મીરી મુસ્લિમો સાથે મળીને મહારાજા સામે આંદોલન કરતા રહ્યા. ક્યારેક મહારાજા હરિસિંહ સામે “ક્વિટ કશ્મીર” આંદોલનમાં લોકપ્રિય નેતા શેખ અબદુલ્લા સાથે કશ્મીરી પંડિતો પણ હતા. એ વાતનું સ્મરણ ઇતિહાસવિદ અને મહારાજા હરિ સિંહની સત્તાવાર કહી શકાય એવી જીવનકથા લખનાર પ્રા.હરબંસ સિંહ કરાવે છે. જમ્મૂ-કશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માટે પ્રયત્નશીલ એવા બ્રિટિશ શાસન હેઠળનાં દેશી રજવાડાંમાં સૌથી મોટા આ રજવાડાના દીવાન (પ્રાઈમ મિનિસ્ટર) રામ ચંદ્ર (આર.સી.) કાક પણ કશ્મીરી પંડિત હતા એ વાત રખે ભૂલાય. ક્યારેક ધરતી પરના સ્વર્ગ તરીકે જાણીતી આ ભોમકા દાયકાઓથી રક્તરંજિત રહી છે.

કોટા રાણી અંતિમ હિંદુ શાસક
કાશ્મીરના હિંદુ રાજા સુહદેવ બાહ્ય આક્રમણ ટાણે ભાગી જતાં તેમના સેનાપતિ રામચંદ્રે પોતાને રાજા ઘોષિત કરી લેવાનું પસંદ કર્યું. બાહ્ય આક્રમણ અને ગૃહયુદ્ધના માહોલમાં લદ્દાખના બૌદ્ધ લડવૈયા રિંચાનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. એણે છેતરીને રામચંદ્રની હત્યા કરીને એમની પુત્રી કોટા રાણી સાથે લગ્ન કરી પ્રજામાં શાંતિ પ્રસ્થાપિત કરી હતી. જગમોહને “કાશ્મીર: સમસ્યા ઔર સમાધાન”માં નોંધ્યું છે કે પ્રજામાં સમરસતા સ્થાપિત કરવા માટે રિંચાનાએ હિંદુ ધર્મ અપનાવવો હતો પરંતુ કાશ્મીરી બ્રાહ્મણોએ એ પ્રસ્તાવને નકારી કાઢ્યો એટલે રિંચાનાએ ઇસ્લામ કબૂલીને સુલતાન સદ-ઉદ-દીનની પદવી ધારણ કરી.” એ કાશ્મીરનો પહેલો મુસ્લિમ રાજવી બન્યો. ત્રણ વર્ષના શાસન બાદ ઈ.સ. ૧૩૨૩માં રિંચાનાનું મૃત્યુ થયું અને એનો પુત્ર હૈદર સગીર હોવાને કારણે દરબારીઓએ અગાઉના હિંદુ રાજા સુહદેવના નાના ભાઈ ઉદયન દેવને ગાદી સંભાળવા આમંત્ર્યો હતો. જોકે એ નબળો રાજવી સાબિત થયો.એના શાસનની ધૂરા શાહ મીર જેવા સ્વાર્થી દરબારી કને રહી. વડીલોએ કોટા રાણીને ઉદયન દેવ સાથે લગ્ન કરી લેવા સમજાવી. એ પોતાના પુત્રની રિજેન્ટ તરીકે શાસક બની અને હિંદુ શાસન ફરી સ્થાપવામાં સફળ રહી. કોટા રાણી છેલ્લી હિંદુ શાસક ગણાય છે.

શાહ મીર પછી મુસ્લિમ શાસન
કોટા રાણી પછી શાહ મીર સત્તા પર કબજો મેળવવામાં સફળ રહ્યો. એણે કોટા રાણીને પોતાની સાથે લગ્ન કરવા માટે સમજવવા પ્રયત્ન કર્યો, પરંતુ એ ના માની. કોટા રાણીના મૃત્યુ પછી કાશ્મીરમાં કાયમ માટે મુસ્લિમ શાસન સ્થાપિત થયું. કાશ્મીરની ભવ્ય સંસ્કૃતિ પણ નષ્ટ કરવા માટેનો માહોલ રચાયો, એવું આઇએએસ અધિકારી તરીકે નિવૃત્ત થયેલાં ડૉ.ચંદ્ર કાન્તા ગડિયાળીલિખિત “કાશ્મીર: ધ લેન્ડ ઓફ કશ્યપ : કશ્મીરી પંડિતોના ઋષિ”માં જણાવાયું છે. શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી (હરિયાણા)ના કુલપતિ ડૉ.રાજ નેહરુની પ્રસ્તાવના સાથે ૨૦૨૧માં પ્રકાશિત કશ્મીરી પંડિતો વિશે ખૂબ અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરાઈ છે. ડૉ. ગડિયાળી કોટા રાણીને કાશ્મીરની અંતિમ હિંદુ શાસક ગણાવે છે. મૂળે કાશ્મીરી પંડિત જવાહરલાલ નેહરુએ પણ પોતાના ગ્રંથ “ડિસ્કવરી ઓફ ઇન્ડિયા”માં કાશ્મીરી પંડિતોની પ્રથમ સામૂહિક હિજરતની વિગતો વર્ણવી છે. શેખ અબદુલ્લા અને ગુલામ નબી આઝાદ જેવા જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા મુસ્લિમ નેતાઓના પૂર્વજો કશ્મીરી પંડિત હતા એ કહેવામાં તેઓ ગર્વ અનુભવતા રહ્યા છે.

શાહ મીરી વંશના શાસકો
શાહ મીરીએ તો માત્ર અઢી વર્ષ (૧૩૩૯-૧૩૪૨) માટે જ કાશ્મીર પર રાજ કર્યું, પણ એ વંશના છઠ્ઠા સુલતાન સિકંદરે ૧૩૮૯થી ૧૪૧૩ દરમિયાનના પોતાના અત્યાચારી શાસનમાં હિંદુઓને મુસ્લિમ બનાવવા માટે ભારે જોરજુલમ કર્યા. સુલતાન સિકંદર “કાશ્મીરના ખાટકી” (બુચર ઓફ કાશ્મીર) તરીકે પંકાયો હતો.એના શાસનમાં ઇસ્લામ નહીં કબૂલવા માંગતા ભણેલાગણેલા હજારો કશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું. તેઓ ઉત્તર ભારતનાં રાજપૂત, મુઘલ અને પછીથી શીખ અને ડોગરા દરબારોમાં ઊંચા હોદ્દે રહ્યા. જોકે શાહ મીરી વંશના જ આઠમા સુલતાન જૈન-ઉલ-અબિદીન (૧૪૨૦-૧૪૭૦) સત્તામાં આવતાં જ એણે અંધાધૂંધીભરી સ્થિતિ સમાપ્ત કરીને શાંતિ અને સુલેહની નીતિ અપનાવી. જગમોહન આ સુલતાનને “કાશ્મીરના સૌથી વધુ સહનશીલ અને ઉદાર રાજા” ગણાવે છે. ડૉ. ગડિયાળી તો એવું નોંધે છે કે આ સુલતાને કાશ્મીરને ફરીને ખરા અર્થમાં સ્વર્ગ બનાવ્યું. તમામ ધર્મના લોકો પ્રત્યે આદરભાવ અને એકમેક સાથે સુખદુઃખ વહેંચવાનું વાતાવરણ સ્થાપ્યું. સુલતાન જૈન-ઉલ-અબિદીને ઠેરઠેર સંદેશ પાઠવીને કાશ્મીર છોડી ગયેલાઓને પાછા તેડાવ્યા અને એમનો પુનર્વાસ કર્યો. જેમને જોરજુલમથી ઇસ્લામ કબૂલવાની ફરજ પડાઈ હતી એમને ફરી હિંદુ ધર્મમાં પ્રવેશ અપાયો.
સુલતાન થકી પંડિતો પરત
ઘણા કશ્મીરી પંડિતો પાછા ફર્યા. કશ્મીરી પંડિતો અને બૌદ્ધોને જમીનોના પટ્ટા ફાળવાયા. એમને દરબારમાં હોદ્દા અપાયા. રાજકાજની ફારસી ભાષા શીખવા માટે પ્રેરવામાં આવ્યા. સુલતાનના પિતાના શાસન દરમિયાન મોતને ઘાટ ઉતારાયેલા હિંદુઓની વિધવાઓ માટે ઘર ફાળવાયાં. તોડી પડાયેલાં મંદિરો જ નહીં, નવાં મંદિરો બાંધવા માટેની છૂટ અપાવા માંડી. ગાયોની કતલ પર પ્રતિબંધ મૂકાયો. કેટલાક પ્રદેશમાં તો પક્ષીના શિકાર અને મચ્છીમારી પર પ્રતિબંધ મૂક્યો. સ્વયં સુલતાને ભગવાન ગણેશની મૂર્તિ સહિતની હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓ મંદિરોને અર્પણ કર્યાની નોંધ લેખિકાએ વાંચી હોવાનું પણ લખ્યું છે. કાશ્મીર વેલીમાં રહેતા બ્રાહ્મણોને “પંડિત”ની ઉપાધિ આ જ સુલતાનના સમયગાળામાં અપાઈ એવું નોંધીને ડૉ.ચંદ્ર કાન્તા ગડિયાળી ઉમેરે છે કે અત્યારે કશ્મીરી પંડિત તરીકે જાણીતા આ લોકો પ્રેમભાવથી સુલતાન જૈન-ઉલ-અબિદીનને “બુદ શાહ- ધ ગ્રેટ રૂલર” કહે છે. છ સદીઓ વિત્યા પછી પણ “બુદ શાહ”નું નામ ખૂબ આદરથી લેવામાં આવે છે.

સહિષ્ણુ સુલતાન આદર્શવાદી
મુશ્કેલી એ છે કે સુલતાન જૈન-ઉલ-અબિદીનના પુરોગામી અને અનુગામી અત્યાચારી શાસકો રહ્યા. જૈન-ઉલ-અબિદીન પોતે સાદું જીવન જીવતા હતા. એ શાહી ખજાનામાંથી નાણાં લેતા નહોતા. માત્ર પોતાની તાંબાની ખાણની આવક પર જીવતા હતા. અન્યોની જેમ એમણે જનાનખાનું રાખ્યું નહોતું. એક જ બેગમ સાથે સુખે જીવતા હતા. નશીલી ચીજોનું સેવન કરવાથી એ મુક્ત હતા. પવિત્ર રમજાન મહિનામાં એ માંસ ખાતા નહોતા. દુનિયાના તમામ ધર્મોને સમાન આદર આપવાનો એમનો સ્વભાવ હતો. કાશ્મીર વેલીના બ્રાહ્મણોને જે સુલતાન થકી કશ્મીરી પંડિત નામ મળ્યું, એ સુલતાન જૈન-ઉલ-અબિદીન પછીના પાંચ સદીઓના શાસકોએ આ સુલતાનનો માર્ગ અનુસર્યો નહીં એટલે જ આજે ય કાશ્મીર અજંપાભરી સ્થિતિમાં મુકાયું છે.
haridesai@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment