Wednesday, 27 April 2022

Uniform Civil Code : Uttarakhand Experiment

                ઉત્તરાખંડ પછી રાષ્ટ્રીય કક્ષાએ સમાન નાગરી ધારાનો ધમધમાટ

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતના ચૂંટણીલક્ષી અમલ માટે અમિત શાહની ઘોષણા

·         માત્ર મુસ્લિમો જ નહીં, હિંદુઓ અને આદિવાસીઓનો વિરોધી અવાજ બુલંદ થયો

·         ગોવંશ હત્યાબંધી અને નશાબંધીના નિર્દેશને અનુકૂળતાએ અવગણવાની ફાવટ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ફોજદારી ધારા સહિત કેટલીક બાબતોમાં સમગ્ર ભારતમાં નાત-જાત અને ધર્મના ભેદ વિના તમામ નાગરિકો માટે સમાન કાયદા છે, પરંતુ લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરે બાબતોમાં “એક રાષ્ટ્ર એક સમાન દીવાની  કાયદો” અમલમાં નથી. હમણાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે જાહેર કર્યું હતું કે એ જો જીતશે તો રાજ્યમાં સમાન નાગરિક ધારો અથવા તો  સમાન દીવાની ધારો લાગુ કરશે. ૮૪ લાખ જેટલી હિંદુ અને ૧૪ લાખ જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતા આ રાજ્યમાં પ્રજાએ ભલે ભાજપી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને હરાવ્યા, પરંતુ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. ધામીને પક્ષના મોવડીમંડળે ફરીને મુખ્યમંત્રી બનાવ્યા. ઉત્તરાખંડ પછી ક્રમશઃ તમામ  ભાજપ શાસિત રાજ્યોમાં સમાન નાગરી ધારા (યુનિફોર્મ સિવિલ કોડ)ના વચનનો અમલ કરાશે, એવું કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું. દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલા શરદ અરવિંદ બોબડેએ તો ગોવામાં પોર્ટુગીઝ શાસનકાળથી સમાન નાગરી ધારો અમલી હોવાનું ઉતાવળિયું નિવેદન પણ કરી દીધું હતું. ગોવામાં પોર્ટુગીઝ સમયથી અમલી ધારો, ૧૮૬૭  અને ૧૯૬૧માં એ ભારતમાં સામેલ કરાયું એ પછી ૧૯૬૬માં અમલી કરાયેલો સુધારિત સિવિલ કોડ એ ભાજપને માટે આદર્શ ના હોઈ શકે. કારણ? આ ધારામાં હિંદુઓને બહુપત્નીત્વનો અધિકાર મળે છે. ઉપરાંત, એ હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી તમામને માટે એક સમાન ધારો નથી. સર્વોચ્ચ અદાલતના અનેક ચુકાદાઓમાં છેલ્લાં ૫૦ વર્ષમાં સમાન નાગરી ધારાના મુસદ્દાને તૈયાર કરવા અને તેના રાષ્ટ્રવ્યાપી અમલના નિર્દેશ અપાયા હોવા છતાં આજ દિન સુધી એનો મુસદ્દો તૈયાર થયો નથી.વડાપ્રધાન નરસિંહરાવના વખતમાં તો તેમની સરકારે સુપ્રીમ કોર્ટને આ બાબતમાં સાફ નન્નો ભણી દીધો હતો. હવે કેન્દ્રના ગૃહમંત્રી શાહ એનો મુસદ્દો તૈયાર કરાશે એવું જાહેર કરે છે. જોકે ગોવા કોંગ્રેસના નેતા રમાકાંત ખલપ કેન્દ્રમાં કાયદા પ્રધાન હતા ત્યારથી એ ખુલ્લેઆમ સમાન નાગરી ધારાના રાષ્ટ્રવ્યાપી અમલીકરણનું સમર્થન કરતા રહ્યા છે. બાબરી-રામજન્મભૂમિ વિવાદમાં સક્રિય રહેલા સૈયદ શહાબુદ્દીન જીવિત હતા ત્યાં લગી સમાન નાગરી ધારાના અમલની વિરુદ્ધમાં આંદોલન કરતા રહ્યા હતા.

વિરોધના ઉઠતા સૂર

હકીકતમાં બંધારણસભામાં ૨૩ નવેમ્બર, ૧૯૪૮ના રોજ ઉપાધ્યક્ષ ડૉ.એચ.સી. મુખરજી ( બંગાળના ખ્રિસ્તી)ની અધ્યક્ષતામાં આ વિષયમાં વિશદ ચર્ચા થઇ હતી. માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, હિંદુ સમાજ અને આદિવાસી સમાજની નોખી પરંપરાઓને ધ્યાને લઈને સમાન નાગરી ધારાને બંધારણીય અનુચ્છેદમાં અનિવાર્ય બનાવાયો નથી. નશાબંધી (અનુચ્છેદ:૪૭) અને ગોવંશ સહિતનાં પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ (અનુચ્છેદ:૪૮) સાથે જ સમાન નાગરી ધારાના અમલને અનુચ્છેદ :૪૪ અન્વયે સામેલ કરીને એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ  કરવાનું પસંદ કરાયું  હતું. બંધારણ ઘડાનારા માત્ર મુસ્લિમોમાં જ નહીં, હિંદુઓમાં પણ એનો  વિરોધ હતો. જોકે ફોજદારી ધારાઓની જેમ દીવાની બાબતોમાં પણ તમામ નાગરિકો માટે એક સમાન ધારો રાષ્ટ્રીય કક્ષાએ લાવવા રાજ્ય એટલે કે સરકાર પ્રયાસ કરશે, એવી જોગવાઈને આદર્શ તરીકે મૂકવામાં આવી હતી. હિંદુ સંહિતાને અમલી બનાવવા બાબત વડાપ્રધાન પંડિત નેહરુ અને તેમના કાયદા પ્રધાન ડૉ. બાબાસાહેબ આંબેડકર સંમત હોવા છતાં એ સામે બંધારણસભાના અધ્યક્ષ અને પછીથી રાષ્ટ્રપતિ  થયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પટ્ટાભિ સીતારામૈયા, એમ.એ.આયંગર, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી વગેરે એની વિરુદ્ધમાં હતા.ડિસેમ્બર ૧૯૪૯માં હિંદુ કોડ બિલ મંજૂર કરાયું ત્યારે ૨૮ વક્તાઓમાંથી ૨૩ જણાએ એનો વિરોધ કર્યો હતો. મૂળભૂત અધિકારો અંગેની સરદાર પટેલની અધ્યક્ષતાવાળી પેટા સમિતિમાં સમાન નાગરી ધારા અંગે  ૫:૪ની બહુમતીથી નિર્ણય લેવાયો હતો. જોકે એ વેળા કોંગ્રેસના સભ્યો પણ પોતાનો ભિન્નમત રજૂ કરી શકતા હતા. અત્યારે તો બધા ય પક્ષોના સાંસદોએ જે તે પક્ષનો વ્હીપ અનુસરવો પડે છે. હિંદુ કોડ બિલ ટુકડે ટુકડે મંજૂર કરવું પડ્યું હતું. ડૉ.આંબેડકરના રાજીનામા માટે જવાબદાર કારણોમાંનું એક કારણ હતું. દોષનો ટોપલો નેહરુને શિરે જ નાંખવામાં આવ્યો હતો.

હિંદુ –મુસ્લિમ અંતર્વિરોધો

બંધારણસભાની ૨૩ નવેમ્બર, ૧૯૪૮ની ચર્ચાને ક્યારેક અધકચરી ટાંકીને ડૉ.બાબાસાહેબ સમાન નાગરી ધારાના આગ્રહી હોવાની વાત કરવામાં આવે છે. વાસ્તવમાં વર્તમાન શાસકો મુસ્લિમોને કેન્દ્રમાં રાખીને જ સમાન નાગરી ધારાને અમલી બનાવવાની વાતો જનસંઘના સમયથી કરતા આવ્યા હોવા છતાં હજુ આજ દિવસ લગી એનો મુસદ્દો પણ ઘડાયો નથી ! બંધારણ સભામાં જયારે આ મુદ્દે ચર્ચા થઇ હતી ત્યારે શરિયત કાયદાને અનુસરનારા દેશો ઈજિપ્ત અને તુર્કીમાં પણ એના અમલમાં ફેરફારો કરાયાની વાત થઇ હતી. ક.મા. મુનશીએ તો દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીએ શરિયા કે શરિયતથી નોખા કાનૂનનો અમલ કરવાનું શરૂ કર્યું ત્યારે દિલ્હીના કાજીએ એનો વિરોધ કર્યો હતો. એ વેળા ખિલજીએ પોતાના સારા ઈરાદાઓની ગવાહી આપી હતી. મુનશીએ સમાન નાગરી ધારાના અમલથી ધાર્મિક સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો કે લઘુમતીને અન્યાય કરવાનો ઈરાદો નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું. એમણે તો એટલે સુધી જણાવ્યું હતું કે ભારતમાં હિંદુઓમાં પણ અલગ અલગ કાયદા પ્રવર્તે છે. જેમ કે કેટલાક ભાગમાં મયુખાનો કાયદો, ક્યાંક મિતાક્ષરનો કાયદો અને બંગાળમાં દયાભાગનો કાયદો અમલમાં છે. બ્રિટિશ શાસકોએ ૧૯૩૫માં વાયવ્ય પ્રાંત (બહુમતી મુસ્લિમ પ્રદેશ જે હવે પાકિસ્તાનમાં છે)માં હિંદુ કાયદાનો અમલ કર્યો હતો. ૧૯૩૭માં દેશભરમાં વારસાઈમાં હિંદુ કાયદાનો અમલ થયો હતો. એમાં ૧૯૩૯માં મુસ્લિમો માટે પરિવર્તન કરવામાં આવ્યું. ડૉ.આંબેડકર પણ ઉત્તર મલબારમાં પિતૃમૂલકને બદલે માતૃમૂલક પરંપરા હોવાનું દર્શાવે છે. અલાદી કૃષ્ણસ્વામી ઐયર પણ દક્ષિણ ભારતમાં હિંદુઓમાં પણ અલગ અલગ કાયદા અને પરંપરાઓનો પોતાના ભાષણમાં ઉલ્લેખ કરે છે. મોહમ્મદ ઈસ્માઈલ, બી. પોકાર સાહેબ વગેરેએ એ ચર્ચામાં ભાગ લીધો હતો.

ઇશાન ભારત અને આદિવાસી

અત્યારે સરકાર નાગરિકતા અંગેના કાયદાકીય ફેરફારો કરવાનું કામ હાથ  ધરે કે પછી અન્ય કાયદા ઘડે; મહદઅંશે પક્ષના કહ્યાગરા સભ્યોના ટેકાથી સઘળી ઘટમાળ ચાલે છે. જોકે આસામ અને બંગાળમાં નાગરિકતાના મુદ્દે ભારે અજંપો છે. હવે સમાન નાગરી ધારાને વિધાનસભામાં મંજૂર કરાવી લેવામાં આવે તો પણ એનો અમલ એટલો સરળ હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જમ્મૂ-કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ પહેલાંના કાયદા મુજબ મુસ્લિમોમાં લગ્નની નોંધણી ફરજિયાત હતી,પરંતુ બંગાળ, બિહાર આસામ અને ઓડિશામાં એ ફરજિયાત નથી. ઇશાન ભારતમાં ૨૦૦ જનજાતિઓના રીતરિવાજો નોખા છે.નાગાલેન્ડમાં આવા રિવાજોને બંધારણનું સુરક્ષા કવચ પ્રાપ્ત છે.આવું જ મેઘાલય અને મિઝોરમના રીવાજો વિશે છે.સંહિતાકરણ પછી પણ હિંદુ કાયદો આવા સામજિક રિવાજોને સુરક્ષિત રાખે છે. આદિવાસીઓની સંસ્કૃતિ રક્ષા માટે કામ કરતી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ તો સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી છે. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદે ૧૧ કરોડ આદિવાસીઓના રીતરિવાજ અને પરંપરાને જાળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું છે. સમાન નાગરી ધારાના અમલથી આદિવાસી લગ્ન પરંપરા, ધાર્મિક આસ્થા, અંતિમ સંસ્કારની પદ્ધતિ વગેરે અવરોધાશે તો એ સામે આવાં આદિવાસી  સંગઠન આંદોલાત્મક માર્ગ પણ અપનાવી શકે છે. મુસ્લિમ સમાજના  ટ્રિપલ તલાક અને બહુપત્નીત્વનો રિવાજ જેવા જ રિવાજ આદિવાસી સમાજમાં છે. નાગ, ગૌંડ, બૈગા,લુસાઈ જનજાતિમાં બહુપત્નીત્વ પ્રથા અમલી છે. કાશ્મીરથી આસામ સુધીના પ્રદેશમાં આદિવાસીઓમાં બહુપત્નીત્વ પ્રથા છે. તેમાં છૂટાછેડા બહુ સરળતાથી મળે છે. એકથી વધુ લગ્ન કરી શકનાર આદિવાસીને હિંદુ લગ્ન ધારો, ૧૯૫૫ લાગુ થતો નથી. આવા બીજા સમાજો પણ ભારતમાં છે. એટલે કેન્દ્ર સરકાર ભલે સમાન નાગરી ધારાને આદર્શ સમજીને રાષ્ટ્રીયસ્તરે લાગુ કરવા માટે પ્રયત્ન કરે, પરંતુ એનો અમલ એટલો સરળ રહેવાનો નથી.જોકે અત્યારે પણ ફોજદારી કાયદાઓની જેમ જ  કેટલાક નાગરી કાયદાઓ સમાન રીતે જ તમામ નાગરિકોને લાગુ પડે છે, જેમ કે ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ, સિવિલ પ્રોસિજર કોડ, સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, પાર્ટનરશિપ એક્ટ,એવિડન્સ એક્ટ વગેરે. સમાન નાગરી ધારાને લગતી કાયદાકીય જોગવાઈઓ કેન્દ્ર અને રાજ્ય બંને કરી શકે. એ કન્કરન્ટ લિસ્ટમાં છે. આમ છતાં, આ સંદર્ભે અનુચિત ઉતાવળ યોગ્ય નથી. દેશના કાયદા પંચે ૨૦૧૮માં એટલે કે મોદી નિયુક્ત કાયદા પંચે જ એવો અહેવાલ આપ્યો છે કે સમાન નાગરી ધારાનો અમલ શક્ય (ફીજીબલ) કે ઇચ્છનીય  (ડિઝાયરેબલ) નથી. જોકે સરકારનાં વચનના પાલનનો ઉત્તરાખંડનો અનુભવ મેળવ્યા પછી એ દિશામાં રાષ્ટ્રીયસ્તરે કાર્યવાહી કરવી યોગ્ય લેખાશે.

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૫ એપ્રિલ, ૨૦૨૨)

Sunday, 24 April 2022

Gujarat Elections: Wait and Watch

 

ગુજરાતમાં રાજકીય આસમાની સુલતાની

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         વિધાનસભાની ચૂંટણી પૂર્વેના દાવપેચ

·         નરેશ પટેલ-પ્રશાંત કિશોર ભણી મીટ

·         ગઢ સાચવવા અને છીનવવાના ખેલ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 24 April, 2022.

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર, ૨૦૨૨ની ચૂંટણી માટેનો માહોલ અત્યારથી સર્જાઈ ચૂક્યો છે. જરૂરી નથી કે ચૂંટણી નિર્ધારિત સમયે જ આવે. રાજકીય ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલ ઊઠીને શું કરશે એ કહેવું મુશ્કેલ છે. આમ પણ, એમનો પક્ષ કાયમ ચૂંટણીના જ મૂડ અને માહોલમાં સક્રિય હોય છે. વિજયશ્રી એમના પક્ષને વરે છે એનું કારણ પણ એ જ છે. ભાજપ અને સમગ્રપણે સંઘ પરિવાર કામે વળે છે. સામે પક્ષે વિપક્ષો વેરવિખેર હોય ત્યારે ભાજપ સામે જીતવાની શક્યતા ના રહે એ સ્વાભાવિક છે. જોકે ગુજરાતમાં જયારે પણ વિધાનસભાની ચૂંટણી આવે, આ વખતનું ચિત્ર નોખું હશે, ભલે હાર-જીત ગમે તેની થાય. ભાજપ સામે મોરચો માંડવા માટે કોંગ્રેસ અને મિત્રપક્ષોએ કમર કસી છે. ગુજરાતના રાજકારણમાં અત્યારથી નવાજૂની જોવા મળે છે. ભાજપના સર્વોચ્ચ નેતા મોદીને હલકાં વિશેષણોથી નવાજાનારા રાજકીય વિરોધીઓને ભાજપમાં સામેલ કરાયા છે એટલું જ નહીં, એમને મંત્રીપદાં આપવામાં આવ્યાં છે. ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી તો કહેતા રહ્યા છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થવા માંડ્યું છે એ હકીકત હવે ઉડીને આંખે વળગે તેવી ઝગારા મારે છે. ગત ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં એ વેળાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી  ૧૫૦ પ્લસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. મળી માત્ર ૯૯. એટલે કે બહુમતીથી માત્ર ૭ બેઠક જ વધુ. આ વખતે તેજતર્રાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તો ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાનો સંકલ્પ જાહેર કર્યો છે. એને સાકાર કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને પક્ષમાં લેવા તથા અન્ય પક્ષમાં રહીને પણ ભાજપને મદદરૂપ થાય એવી કવાયતો શરૂ થઇ ગઈ છે.

નરેશ પટેલને સર્વપક્ષી આવકાર

ગુજરાતની પ્રજા અને મીડિયા સંયમી છે. ખોડલધામવાળા નરેશ પટેલ જેવી પ્રભાવી વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સમક્ષ પોતે  કોંગ્રેસમાં આવવા ઈચ્છુક હોવાની વાત કરે અને ગુજરાતભરનો પ્રવાસ કરીને લોકોની નાડ તપાસતો હોય ત્યારે પણ એ ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાના સમાચારો વહેતા થાય એ પણ કોઈના વ્યૂહનો જ ભાગ હશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ પણ નરેશભાઈને ભાજપનાં શુભેચ્છક ગણાવ્યા અને એ ભાજપમાં જ જોડાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. એમના જ પક્ષના નેતાઓ ઢોલ પીટવા માંડ્યા કે નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો તેમના હાલ પણ કેશુભાઈ પટેલ કે શંકરસિંહ વાઘેલા કે પછી ગોરધન ઝડફિયા જેવા જ થાય. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઉના નેતાઓ પણ નરેશ પટેલ માટે લાલ ઝાઝમ પાથરી રહ્યા છે. હવે લગભગ એ વાત નક્કી થઇ ચૂકી છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની જોડી ગુજરાતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી મોરચાને સાથે લઈને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે ટકરાશે.મુખ્યમંત્રીપદનો ચહેરો નરેશ પટેલ બને અને પ્રશાંત કિશોર જેવા નરેન્દ્ર મોદીથી લઈને દેશના લગભગ તમામ મુખ્યમંત્રીના ચૂંટણી વ્યૂહકાર રહ્યા છે તે ગુજરાતમાં ભાજપને પછડાટ આપવા સંકલ્પબદ્ધ છે. ચૂંટણીમાં ઉતરતા તમામ સ્પર્ધકો વિજયશ્રી જ વરવાના ખ્યાલ સાથે જંગમાં ઝૂકાવે છે. પરિણામ તો પ્રજાએ આપવાનું છે. આ વખતની ચૂંટણીમાં શું થશે એ કહેવું મુશ્કેલ છે. ત્રણેક દાયકાથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે અને એક આખી પેઢીએ કોંગ્રેસનું રાજ ગુજરાતમાં તો નિહાળ્યું જ નથી. ભાજપ કને સત્તા ટકાવવા જ નહીં, આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત જીતવાનું અનિવાર્ય છે, જે રીતે ઉત્તરપ્રદેશ જીતવાનું અનિવાર્ય હતું, જોકે ઉત્તર પ્રદેશ જીત્યા પછી પણ કેન્દ્રમાં જીત મળે જ એવું માની લેવાને પણ ઇતિહાસનો ઘટનાક્રમ ના પડે છે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સરકારને પરાજિત કરીને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ લખનઉમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી. આમ છતાં, વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી જ સૌથી વધુ બેઠકો મેળવનાર નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચાઈ હતી. જોકે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. ૨૦૧૪માં માત્ર ૩૧ % મત મેળવનાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે કારણ કે તમામ  વિપક્ષો વેરવિખેર હતા. ફરીને ૨૦૧૯માં ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બની હતી.

મહારથીઓ ય  પરાજિત થાય

મુખ્ય મંત્રીઓ પરાજિત થવાની પરંપરા પણ મુંબઈ રાજ્ય સહિત ગુજરાતમાં રહી જ છે.ભૂતકાળમાં મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી અને  મુખ્ય મંત્રી રહેલા  મોરારજી દેસાઈ  અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ અને દિલીપ પરીખ સાવ નવલોહિયાઓના હાથે હાર્યા હતા. મોરારજી તો   ડૉ.અમૂલ દેસાઈ સામે  અને ઉદ્યોગપતિ દિલીપ પરીખ સાવ છોકરડા  ભરત પંડ્યાના  હાથે હાર્યા હતા.. મોરારજીને વતન પ્રદેશ વલસાડમાંથી સમાજવાદી યુવાન ડૉ.અમૂલ દેસાઈએ હરાવ્યા પછી એમને સ્મશાનવૈરાગ્ય આવ્યો. જોકે એ  પછી  એ ગૃહ મંત્રીમાંથી મુખ્ય મંત્રી બન્યા એટલું જ નહીં,એમને  હરાવનાર ડૉ.અમૂલ પાછા ચીમનભાઈની કોંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી પણ બની શક્યા હતા ! પ્રખર ગાંધીવાદી એવા મોરારજીભાઈ નેહરુ સરકારમાં મંત્રી હતા અને વડા પ્રધાન થવા ઉત્સુક રહ્યા,પણ પહેલીવાર નેહરુના નિષ્ઠાવંત લાલબહાદૂર શાસ્ત્રી અને બીજી વાર નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધીએ એમની એ મહત્વાકાંક્ષામાં ફાચર મારી હતી. શાસ્ત્રી સામે તો એ ચૂંટણી ના લડ્યા, પણ ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. જોકે એ ઇન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડા પ્રધાન નિયુક્ત થયા. ઇન્દિરા સરકાર અને  કોંગ્રેસમાંથી મતભેદને કારણે છૂટા થયેલા  મોરારજીભાઈ છેક ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બની શક્યા  હતા. .ચીમનભાઈ ધારાસભામાં હાર્યા પછી પણ પોતાના રાજકીય શત્રુઓને સત્તામાં બેસાડવાનું નિમિત્ત બનવા ઉપરાંત ફરીને ૧૯૯૦માં  મુખ્ય મંત્રી બન્યા એટલું જ નહીં એ મુખ્ય મંત્રીના હોદ્દે જ મૃત્યુને ભેટવા જેટલા ભાગ્યશાળી પણ હતા.કેન્દ્રમાંથી સાંસદ તરીકે રાજીનામું અપાવીને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાઠવાયેલા ઘનશ્યામભાઈ ઓઝા પણ વિધાનસભાની ચૂંટણી  ચુનીભાઈ ચુડગર સામે હારી ગયા હતા.

જૂનાગઢ અપાવનાર હાર્યા

જૂનાગઢ રાજ્યને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ  પાકિસ્તાન સાથે જોડવાના નવાબ મહાબતખાન ત્રીજાના નિર્ણય સામે વિરોધ કરીને જૂનાગઢની પ્રજા થકી મુક્તિ ચળવળ માટે આરઝી હકૂમત સ્થપાયેલી. એને બંધારણીય સ્વરૂપ આપવા માટે જે પ્રધાનમંડળ રચાયું એના વડા પ્રધાન હતા શામળદાસ ગાંધી.એ મૂળ કુતિયાણાના બારખલીદાર અને ગાંધીજીના ભત્રીજા. મુંબઈના “વંદે માતરમ્” અખબારના તંત્રી પણ ખરા. જૂનાગઢને ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતમાં પરત જોડવામાં આરઝી હકૂમતના યોગદાનને બિરદાવવું  પડે. ૧ જૂન ૧૯૪૮થી જૂનાગઢના વહીવટદાર શિવેશ્વરકરને મદદ કરવા માટે ત્રણ સભ્યોની જે કાઉન્સિલ, વહીવટદારના પ્રમુખપદે, રચાઈ એમાં શામળદાસ ગૃહ, વાણિજ્ય અને ઉદ્યોગ,નાણાં,અનાજ અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન હતા.જૂનાગઢ રાજ્યને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડવામાં આવ્યું ત્યારે શામળદાસ ગાંધીને મુખ્ય મંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રધાનમંડળમાં મહેસૂલ પ્રધાન બનાવાયા.જોકે એકજ વર્ષમાં મુખ્ય મંત્રી સાથે મતભેદને કારણે ગાંધીએ ૧૯ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું.બે વર્ષ પછી ૧૯૫૨ની ધારાસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શામળદાસે કોંગ્રેસના ઉમેદવારો સામે એક બેઠક પરથી નહીં,પણ પોરબંદર અને જૂનાગઢ એમ  બબ્બે બેઠક પર ઉમેદવારી કરી.પોતે તો જીતવાના જ છે એવા વહેમમાં રહીને પોતાનો પ્રચાર કરવાને બદલે તેઓ ઉપલેટામાં ઢેબરને હરાવવા મચી પડ્યા.પરિણામ આવ્યું ત્યારે મુખ્યમંત્રી ઢેબર તો જીત્યા,પણ જૂનાગઢ રાજ્ય ભારતને અપાવનાર ગાંધી બંને બેઠકો પર ભૂંડા હાલે હાર્યા હતા !

કોણ ક્યારે કયા પક્ષમાં

હરિયાણાના ભજનલાલ અને ગોવાના પ્રતાપસિંહ રાણે સાગમટે આખીને આખી સરકારના પક્ષપલટા કરાવવા માટે જાણીતા બન્યા છે. પક્ષાંતર વિરોધી  ધારો કેવો દયનીય અવસ્થામાં મૂકાય છે એ કોંગ્રેસની સરકારો ધરાવતાં રાજ્યોમાં  સાગમટે કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં અને ભાજપની સરકારમાં મંત્રી બની ફરીને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાવાની નવી મોડેસ ઓપરેન્ડીએ બતાવી દીધું છે. નીતિમૂલ્યો અને આદર્શો હવે કાયદાકીય સંહિતાઓમાં જ સીમિત થઇ ગયાનું અનુભવાય છે. ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રના વર્તમાન  ગૃહમંત્રી અમિત શાહને સીધો પડકાર ફેંકનાર પાટીદાર આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજકાલ ગુજરાત  કોંગ્રેસનો કાર્યાધ્યક્ષ હોવા છતાં જાહેરમાં કોંગ્રેસની નેતાગીરીની ટીકા કરે અને ભાજપમાં જવાના વિકલ્પને ખુલ્લો ગણાવે તથા કાલ ઊઠીને ભાજપમાં જોડાઈ પણ શકે.ક્યારે કયા પક્ષમાં શું થઇ શકે એ કહેવાનું મુશ્કેલ છે. નબળી ગાયને બગાઈઓ ઝાઝી એવી કહેવત આપણે ત્યાં છે. કોંગ્રેસને પડતામાં પાટું મારાનારાઓના ભાજપગમન પછી નરેશ પટેલ-પ્રશાંત કિશોર તેમ જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર  આ પ્રવાહને કોંગ્રેસ તરફ વાળી પણ શકે. રાજકારણ અનિશ્ચિતતાઓ અને શક્યતાઓથી ભરેલું ક્ષેત્ર છે. ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. ચક્રવત પરિવર્તન્તેની ઘટમાળ ચાલતી રહે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી દેશ માટે ખૂબ જ નિર્ણાયક બની રહે એ તો  નિશ્ચિત છે.    

તિખારો

હિંદ માતાને સંબોધન

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !

કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન:

દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને શુભ ખાનપાન બક્ષી:

સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર,

જ્ઞાની અને નિરક્ષર; સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી !

અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર:

એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

-કવિ કાન્ત  (મણિશંકર રત્નજી ભટ્ટ)

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૩ એપ્રિલ, ૨૦૨૨)

Wednesday, 20 April 2022

The dream of Nehru for Sardar Patel Memorial at Delhi not yet fulfilled

 

દિલ્હીમાં સરદાર સ્મારક કરવાનું પંડિત નેહરુનું સ્વપ્ન હજુ અધૂરું

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         પ્રથમ વડાપ્રધાન જવાહરલાલે ૧,ઔરંગઝેબ રોડ સરકારહસ્તક લીધો હતો

·         વલ્લભભાઈને રહેવા બંગલો દેનાર બનવારીલાલે કોર્ટે જઈ કબજો મેળવ્યો

·         કેન્દ્ર સરકારને ૧૦૦ કરોડમાં ખંડેલવાલ વલ્લભ-નિવાસ વેચવા તૈયાર હતા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના વર્ષ દરમિયાન ભારતીય આઝાદીના જંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અને  આઝાદી પછી પણ રાષ્ટ્રનિર્માણમાં અનન્ય યોગદાન કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ જ સ્મારક રાજધાની દિલ્હીમાં નહીં હોવાની વાત સૌને કઠવી સ્વાભાવિક છે. વર્ષ ૧૯૪૬થી ૧૯૫૦ના ડિસેમ્બર સુધી રાષ્ટ્રનાયક સરદાર પટેલ દિલ્હીમાં જે “કોઠી” (બંગલા)માં રહ્યા એ ૧, ઔરંગઝેબ રોડ (હવેના ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ રોડ) ખાતે એ વેળાના વડાપ્રધાન  પંડિત જવાહરલાલ નેહરુ સરદાર પટેલનું સ્મારક કરવા માટે ઉત્સુક હતા. એના માટે એમણે એ વલ્લભ-નિવાસને સરકારહસ્તક લેવાનું પસંદ કર્યું હતું, પણ આ બંગલાના અસલી માલિક લાલા બનવારીલાલ સરકારના આ નિર્ણય સામે અદાલતે ગયા હતા. છેક ૧૯૬૩માં અદાલતી આદેશને પગલે તેમણે એનો કબજો મેળવ્યો હતો. પંડિત નેહરુ કે એમના વંશજોએ સરદાર પટેલ જેવા કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતાને અન્યાય કર્યો એની આજકાલ ગાજવીજ કરીને પોતાના રાજકીય રોટલા શેકવાના માહોલ વચ્ચે નેહરુએ આ જ બંગલાને સરદારના સ્મારક બનાવવાનો વિચાર કર્યાની વાત સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય પમાડે.જોકે આ હકીકત છે. સ્વયં નેહરુ અહીં સરદાર સ્મારક બનાવવા ઈચ્છુક હતા અને લાંબા  કાનૂની વિવાદને કારણે એ જીવતેજીવ એ ના કરી શક્યા. એ પછી તો સરદાર પટેલના અનન્ય પ્રેમી હોવાનો દાવો કરીને રાજકારણ ખેલનારા શાસકોએ પણ દિલ્હીમાં સરદાર સ્મારક માટે આજ દિન સુધી કશું કર્યું નથી.

વિઠ્ઠલભાઈના મિત્રનો બંગલો

લાલા બનવારીલાલ સરદારના મોટાભાઈ અને કેન્દ્રીય ધારાસભાના પ્રથમ હિંદી અધ્યક્ષ રહેલા બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલના મિત્ર હતા. સરદાર દિલ્હીમાં બિરલા સાથે રહેતા હતા ત્યારે બનાવારીલાલે સામે ચાલીને પોતાની કોઠી સરદારને રહેવા માટે આપી હતી. સરદારના નિધન પછી એ પરત મેળવવાના એમના પ્રયાસો પાછળનો તર્ક આ જ છે. જોકે અત્યારે ૧,ઔરંગઝેબ રોડ બંગલો બનાવારીલાલના પૌત્ર વિપુલ ખંડેલવાલના કબજામાં છે. અત્યારે એની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ આંકવામાં આવે છે. સરકાર પોતે આ બંગલો ખરીદી લઈને ત્યાં સરદાર સ્મારક બનાવવામાં આવે એવી માંગણી સાથે સરદારપ્રેમી રામ અવતાર શાસ્ત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળીને પણ રજૂઆત કરી ચૂકયા હોવાનો અહેવાલ સંઘનિષ્ઠ સામાયિક “પાંચજન્ય”માં પણ ૨૦૨૧માં પ્રકાશિત થયો છે.એમાં વિવેક શુક્લાના અહેવાલમાં જણાવાયું છે કે સરદાર પટેલના ૧૯૫૦માં મૃત્યુ પછી સરકાર (નેહરુ) એમના બંગલાનું અધિગ્રહણ કરીને ત્યાં સરદાર પટેલનું સ્મારક બનાવવા ઈચ્છતી હતી. પરંતુ, બનવારીલાલ ખંડેલવાલના પરિવારને આ મંજૂર નહોતું. અદાલતમાં લાંબી લડાઈ પછી અંતે આ બંગલો બનવારીલાલ ખંડેલવાલના પરિવાર પાસે ગયો હતો. સરદાર પટેલ પોતે સ્મારકો અને પ્રતિમાઓના વિરોધી હતા એ એમણે મહાત્મા ગાંધીના નિધન પછી “હરિજન” (૨૨ ફેબ્રુઆરી ૧૯૪૮) તથા “હરિજનબંધુ”માં લખેલા લેખમાં સ્પષ્ટ કર્યું હતું. આમ છતાં, દિલ્હી સહિત  દેશમાં મહાત્મા ગાંધીથી લઈને અન્ય મહારથીઓનાં સ્મારકો અને પ્રતિમાઓનું નિર્માણ થતું હોય તો સરદાર પટેલનું સ્મારક દિલ્હીમાં ના થાય તો એ લોકનજરે તો ચડે છે.

વાજપેયીથી મોદી લગી

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દિલ્હીમાં સરદાર પટેલનું કોઈ સ્મારક નહીં હોવાથી એ વિશે નિવૃત્ત “કેગ” અને ભાજપી સાંસદ ટી.એન. ચતુર્વેદીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય સમિતિ નિયુક્ત કરી હતી. વર્ષ ૨૦૦૨માં ૧,ઔરંગઝેબ રોડ રૂપિયા ૧૦૦ કરોડમાં વેચવા માટે બનવારીલાલના પૌત્ર વિપુલ ખંડેલવાલ તૈયાર હતા, પણ વાત કંઈ આગળ ના વધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં સરદાર પટેલના સ્મારકની વાત ખૂબ કરતા હતા. સાથે જ કેન્દ્રની ડૉ.મનમોહન સિંહ સરકાર સમક્ષ સરદાર પટેલના વતન કરમસદને વિશેષ રાષ્ટ્રીય દરજ્જો આપવાની  એકથી વધુ વખત રજૂઆત કરી ચૂક્યા હતા.  કરમસદના સરદારપ્રેમી સંશોધક રશેષ પટેલ તો ગુજરાત સરકાર અને ભારત સરકારને મોદીનાં સંબંધિત ભાષણોની છાપેલી નકલો સાથે એમની માંગણીની યાદ દેવડાવતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી દિલ્હીમાં સરદાર સ્મારક માટે કશું થયું નથી કે ના કરમસદને રાષ્ટ્રીય દરજ્જો અપાવવાની બાબતમાં કોઈ નક્કર પગલાં લેવાયાં છે. ઉલટાનું, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારે દિલ્હીના લ્યૂટેન ક્ષેત્રના બંગલાઓને સ્મારકોમાં પરિવર્તિત કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું એના મંત્રી અરુણ જેટલીએ જ જાહેર કર્યું હતું. નવાઈ એ વાતની છે કે ૧૯૪૬માં વચગાળાની સરકારમાં સભ્ય-ગૃહ (ગૃહમંત્રી) થયા પછી નેહરુ સરકારમાં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી, રિયાસત ખાતાના પ્રધાન અને માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી રહેલા સરદાર પટેલ ડિસેમ્બર ૧૯૫૦ લગી જ્યાં રહ્યા એ બંગલો સ્મારકમાં ફેરવી ના શકાય, પણ આ જ બંગલાની સામે પંચતારક હોટેલ કે અન્ય નિર્માણ થઇ શકે!

જોશી-પટેલની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૧૭માં મુંબઈના જાણીતા લેખક દિનકર જોશી અને રાજકોટના પ્રવીણ પ્રકાશનના અધિપતિ ગોપાલ પટેલ  મળ્યા અને દિલ્હીમાં સરદાર સાહેબનું સ્મારક બનાવવા સંદર્ભે અગાઉ મોદી માંગણી કરતા રહ્યા હતા એનું સ્મરણ કરાવ્યું. જોકે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બાંધવાનો તેમનો સંકલ્પ એ દિવસોમાં સાકાર થઇ રહ્યો હતો. એનું લોકાર્પણ તો ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ થયું. વડાપ્રધાન મોદીના એ મુલાકાતના શબ્દો ટાંકતાં ગોપાલભાઈ કહે છે કે ગુજરાતમાં પ્રતિમાના નિર્માણનું કાર્ય શ્રેષ્ઠ થઇ રહ્યું છે. અહીં દિલ્હીમાં તો ડૉ.આંબેડકર, કાંશીરામ ચૌધરી ચરણસિંહ વગેરેનાં સ્મારકો માટે ઘણા પ્રતીક્ષામાં જ છે. ટૂંકમાં, દિલ્હીમાં સરદારનું સ્મારકનું નિર્માણ નહીં કરાય એવો સંકેત જોશી-પટેલ સાથેની વડાપ્રધાનની વાતમાંથી મળતો હતો. થોડા સમય પહેલાં ટી.એન.ચતુર્વેદીનું મૃત્યુ થયું. એ પહેલાં એમણે આ લેખક સમક્ષ વારંવાર દિલ્હીમાં સરદાર પટેલનું સ્મારક નહીં હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વાજપેયી સરકાર સમક્ષ રજૂ કરેલા સમિતિના અહેવાલની છેલ્લી નકલ ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને એમની સમિતિના સભ્ય નરેન્દ્ર મોદીએ એમની પાસેથી મંગાવી હતી. આ સઘળી બાબત આ લેખક અગાઉ ચતુર્વેદી જીવતા હતા ત્યારે પણ વિગતે લખી ગયો છે. એ હકીકત છે કે સરદાર પટેલની ભવ્યાતિભવ્ય પ્રતિમા કેવડીયા ખાતે નિર્માણ પામી છે. આમ છતાં, સરદાર અમદાવાદ, મુંબઈ, દિલ્હી, લંડન સહિતનાં શહેરોમાં રહ્યા હોવાથી એમનાં જીવંત સ્મારક આવાં શહેરોમાં પણ થાય અને જ્યાં હોય તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક સહયોગ કરે એવી સરદારપ્રેમીઓની અપેક્ષા જરૂર રહે છે.

ઈ-મેઈલ:  haridesai@gmail.com             (લખ્યા તારીખ: ૧૮ એપ્રિલ, ૨૦૨૨)

Sunday, 17 April 2022

Elections in Gujarat and Giants losing the elections

 ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં ભલભલા

મહારથીઓના પરાજયની પરંપરા. 

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્ય ભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.રવિવાર, ૧૭ એપ્રિલ,૨૦૨૨.વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-tradition-of-defeat-of-bhalbhala-maharthis-in-the-election-history-of-gujarat-129664373.html

·         જૂનાગઢ ભારતને પરત અપાવનાર શામળદાસ ગાંધી ૧૯૫૨ની ચૂંટણીમાં તો સાવ ભૂંડા હાલે હાર્યા હતા

·         મોરારજી દેસાઈએ વલસાડમાં નવલોહિયા સમાજવાદી ડૉ. અમૂલ દેસાઈ સામે હાર્યા પછી બોધપાઠ લીધો

·         જનાક્રોશનો ભોગ બનેલા ચીમનભાઈ પટેલ હાર્યા હતા, પણ વિરોધીઓની સરકાર બનાવવામાં નિર્ણાયક

·         જે માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને વિક્રમી બહુમતી અપાવી એમણે જ પક્ષને પાંચ વર્ષ પછી સાવ ડૂબાડ્યો

કોઈપણ ચૂંટણી આવે ત્યારે એનાં પરિણામો વિશે ભવિષ્યવાણીઓ થતી હોય. કેટલીક સાચી પડે તો કેટલીક ખોટી પડતી હોય છે. ભારતની પ્રજાને જ્યોતિષમાં એટલી બધી શ્રદ્ધા હોય છે કે આખા વર્ષ દરમિયાન જે જ્યોતિષીની તમામ ભવિષ્યવાણીઓ ખોટી પડી હોય; એની સામે પણ તક મળ્યે હાથ લાંબો કરીને પોતાના ભવિષ્ય વિશે બે સારા શબ્દો સાંભળવાની લાલચ ભાગ્યે જ કોઈ ખાળી શકે છે. રાજકીય વાતાવરણ એકદમ ગરમાટાવાળું હોય ત્યારે પણ કોને કેટલી બેઠકો મળશે એની આગાહીઓ કરવાની લાલચ ભાગ્યે જ કોઈ ટાળી શકે છે. ૧ મે ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છ રાજ્ય અલગ હતું એ પણ ગુજરાતનું અંગ બન્યું. ગુજરાત બન્યું એ પહેલાંથી આ પ્રદેશોમાં ચૂંટણીઓનાં પરિણામોમાં હાર-જીતના ચમત્કાર સર્જાતા રહ્યા છે. ભલભલા મહારથીઓ હાર્યા કે સાવ પામર કહી શકાય એવાં વ્યક્તિત્વોના ગળામાં વિજયની માળા આરોપવામાં આવી હોય એવા બનાવો બન્યા. આમ છતાં, ચૂંટણી પરિણામ આડે બે દિવસ હોય તોય એ વિશે સટ્ટો ખેલાવાનો બંધ થતો નથી. જોકે આદર્શ પરિસ્થિતિ એ છે કે ચૂંટણી યોજાય એ પછી પરિણામ આવે ત્યાં લગી પ્રતીક્ષા કરીને વાસ્તવિક સ્થિતિને સ્વીકારી લઈ એમાંથી બોધપાઠ લઇ ભવિષ્યનાં આયોજનો માટે કામે વળવું.

જૂનાગઢવીરની કારમી હાર
જૂનાગઢ રાજ્યને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાન સાથે જોડવાના નવાબ મહાબતખાન ત્રીજાના નિર્ણય સામે વિરોધ કરીને જૂનાગઢની પ્રજા થકી મુક્તિ ચળવળ માટે આરઝી હકૂમત સ્થપાયેલી. એને બંધારણીય સ્વરૂપ આપવા માટે જે પ્રધાનમંડળ રચાયું એના વડા પ્રધાન હતા શામળદાસ ગાંધી. એ મૂળ કુતિયાણાના બારખલીદાર અને ગાંધીજીના ભત્રીજા. મુંબઈના “વંદે માતરમ્” અખબારના તંત્રી પણ ખરા. જૂનાગઢને ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતમાં પરત જોડવામાં આરઝી હકૂમતના યોગદાનને બિરદાવવું પડે. ૧ જૂન ૧૯૪૮થી જૂનાગઢના વહીવટદાર શિવેશ્વરકરને મદદ કરવા માટે ત્રણ સભ્યોની જે કાઉન્સિલ, વહીવટદારના પ્રમુખપદે, રચાઈ એમાં શામળદાસ ગૃહ, વાણિજ્ય અને ઉદ્યોગ, નાણાં, અનાજ અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન હતા. જૂનાગઢ રાજ્યને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડવામાં આવ્યું ત્યારે શામળદાસ ગાંધીને મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રધાનમંડળમાં મહેસૂલ પ્રધાન બનાવાયા. જોકે એક જ વર્ષમાં મુખ્ય મંત્રી સાથે મતભેદને કારણે ગાંધીએ ૧૯ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું. બે વર્ષ પછી ૧૯૫૨ની ધારાસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શામળદાસે કોંગ્રેસના ઉમેદવારો સામે એક બેઠક પરથી નહીં, પણ પોરબંદર અને જૂનાગઢ એમ બબ્બે બેઠક પર ઉમેદવારી કરી. પોતે તો જીતવાના જ છે એવા વહેમમાં રહીને પોતાનો પ્રચાર કરવાને બદલે તેઓ ઉપલેટામાં ઢેબરને હરાવવા મચી પડ્યા. પરિણામ આવ્યું ત્યારે મુખ્યમંત્રી ઢેબર તો જીત્યા, પણ જૂનાગઢ રાજ્ય ભારતને અપાવનાર ગાંધી બંને બેઠકો પર ભૂંડા હાલે હાર્યા હતા!

મુખ્યમંત્રીઓ ય હારી શકે
મુખ્યમંત્રીઓ પરાજિત થવાની પરંપરા પણ આપણે ત્યાં રહી જ છે. ભૂતકાળમાં મુંબઈ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રહેલા મોરારજી દેસાઈ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ અને દિલીપ પરીખ સાવ નવલોહિયાઓના હાથે હાર્યા હતા. મોરારજી તો ડૉ. અમૂલ દેસાઈ સામે અને ઉદ્યોગપતિ દિલીપ પરીખ સાવ છોકરડા ભરત પંડ્યાના હાથે હાર્યા હતા. મોરારજીને વતન પ્રદેશ વલસાડમાંથી સમાજવાદી યુવાન ડૉ. અમૂલ દેસાઈએ હરાવ્યા પછી એમને સ્મશાનવૈરાગ્ય આવ્યો. જોકે એ પછી એ ગૃહમંત્રીમાંથી મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં, એમને હરાવનાર ડૉ. અમૂલ પાછા ચીમનભાઈની કોંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી પણ બની શક્યા હતા! પ્રખર ગાંધીવાદી એવા મોરારજીભાઈ નેહરુ સરકારમાં મંત્રી હતા અને વડા પ્રધાન થવા ઉત્સુક રહ્યા, પણ પહેલીવાર નેહરુના નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રી અને બીજી વાર નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધીએ એમની એ મહત્ત્વાકાંક્ષામાં ફાચર મારી હતી. શાસ્ત્રી સામે તો એ ચૂંટણી ના લડ્યા, પણ ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. જોકે એ ઇન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડા પ્રધાન નિયુક્ત થયા. ઇન્દિરા સરકાર અને કોંગ્રેસમાંથી મતભેદને કારણે છૂટા થયેલા મોરારજીભાઈ છેક ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બની શક્યા હતા. ચીમનભાઈ ધારાસભામાં હાર્યા પછી પણ પોતાના રાજકીય શત્રુઓને સત્તામાં બેસાડવાનું નિમિત્ત બનવા ઉપરાંત ફરીને ૧૯૯૦માં મુખ્ય મંત્રી બન્યા, એટલું જ નહીં, એ મુખ્યમંત્રીના હોદ્દે જ મૃત્યુને ભેટવા જેટલા ભાગ્યશાળી પણ હતા.

મોરારજીને પોતાનું અભિમાન નડ્યું
હારી જઈને જવાબદારીમાંથી નીકળી જવાના માર્ગનો વિચાર કરવો એ યોગ્ય ન હતું એમ પછીથી મને સમજાયું’, એવું નોંધનાર મોરારજીભાઈ ઉમેરે છે: ‘જ્યારે હું ચૂંટણીમાં હારી ગયો ત્યારે આ વિશે વિચાર કરતાં મને એમ લાગ્યું કે આ હાર મારે માટે સારીસરખી શિક્ષારૂપ છે, કારણ કે મેં જે ભાગવાનો વિચાર કરેલો એ કરવો નહોતો જોઈતો.’ મોરારજીભાઈ માત્ર ૧૯ મતથી હાર્યા હતા. મોરારજીભાઈ નોંધે છે: ‘૧૯૫૨ની ચૂંટણી થવાની હતી એ વખતે પારડી તાલુકામાં એક ગામે કોઈએ જ્યારે મને સભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા જે વિરોધી ઊભા છે એ કહે છે કે તમને હરાવશે. એ વિશે તમે શું કહો છો? મેં ત્યારે એમ કહ્યું હતું કે મને હરાવશે એની તો મને ખબર નથી પરંતુ એમની તો ડિપોઝિટ પણ કદાચ જોખમમાં આવી પડે. હું હાર્યો ત્યારે મને આ વાત યાદ આવી હતી અને કેટલાકે એની યાદ દેવડાવી હતી ત્યારે લાગ્યું કે એ મારું અભિમાન જ હતું અને એ પણ મારી હાર માટેનું એક કારણ હોઈ શકે. એનો એક એ ફાયદો પણ થયો કે માણસે પોતાના વિશે કોઈ અભિમાન નહીં રાખવું જોઈએ.’

ગુજરાતના સૂબા: ગાંધીથી મોદી
ગુજરાતના રાજકારણમાં કાયમ સૂબા ચાલ્યા છે. પહેલાં ગાંધીજીનો પડ્યો બોલ ઝીલાતો. પછી સરદાર પટેલનું ચલણ આવ્યું. એ પછી મોરારજીનું ચલણ ચાલ્યું. ક્યારેક માધવસિંહ અને અહેમદ પટેલનું ચલણ રહ્યું. આજે હજુ નરેન્દ્ર મોદીનું છે. ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલનને પગલે કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ માટે ઘેર જવાનો વખત આવ્યો. ‘ચીમન ચોર’ની ગાજવીજ ખૂબ થઇ. મોરારજીના ઉપવાસે વિધાનસભાના વિસર્જનને પગલે ૧૯૭૫ની ચૂંટણી માટેનો માર્ગ મોકળો કર્યો. એ જ ગાળામાં મોરારજીએ એ જ ‘ચીમન ચોર’ સાથે વડા પ્રધાન બનવા માટેની યોજનાના ભાગરૂપે મંત્રણાઓ આરંભી દીધી હતી. ચીમનભાઈએ કોંગ્રેસથી અલગ થઈને ‘કિસાન મજદૂર લોક પક્ષ’ ( કિમલોપ) સ્થાપ્યો હતો. ચીમનભાઈ પોતે આ ચૂંટણીમાં હાર્યા. મોરારજીના વડપણ હેઠળના જનતા મોરચામાં ‘ચીમન ચોર’ કહેનાર સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોક દળ, જનસંઘ સહિતના વિપક્ષીઓ ભેગા થયા હતા. ૧૮૨ સભ્યોની વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે તો માધવસિંહની ઇન્દિરા કોંગ્રેસ ૭૫ બેઠકો સાથે આવી તો ખરી, પણ જનતા મોરચાના ઘટકોના સભ્યો ૮૬ થયા. બહુમતી માટે એણે કિમલોપના ૧૨ સભ્યો સાથે હાથ મિલાવ્યો! મોરારજીના કહ્યાગરા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી થયા. જોકે બાબુભાઇને પાડી દેવા માટેની પહેલ આ વેળા બે જનસંઘી સભ્યોએ જ કરી: વસનજી ઠકરાર (પોરબંદર) અને પી. સી. પટેલ (અમદાવાદ). માધવસિંહ અને બાબુભાઈની સરકારો પછી ૧૯૮૦માં માધવસિંહ સરકાર બહુમતી સાથે ચૂંટાઈ. બાબુભાઈની સરકારના અનામત અંગેના નિર્ણયની સામે ૧૯૮૧માં અનામત આંદોલન થયું. માધવસિંહ સોલંકીની સરકાર ૧૯૮૫માં ઝીણાભાઈ દરજીની ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીના પ્રતાપે ૧૮૨માંથી ૧૪૯ બેઠકો સાથે ફરી સત્તામાં આવી તો ખરી, પણ અનામત વિરોધી આંદોલન અને કોમી રમખાણોને પગલે ચાર જ મહિનામાં માધવસિંહ સરકાર ડૂલ થઇ. વિક્રમી બહુમતી લાવનાર મુખ્યમંત્રીની સરકાર ઘેર ગઈ અને રાજ્યમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે અમરસિંહ ચૌધરી આરૂઢ થયા. ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણી એ જીતાડી નહીં શકે એવું લાગતાં કોંગ્રેસના મોવડીમંડળે ફરી માધવસિંહને મુખ્યમંત્રી બનાવ્યા તો ખરા, પણ એમણે તો કોંગ્રેસને ખાડે લઇ જવાનો વિક્રમ સ્થાપ્યો. ૧૮૨માંથી કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી. ચીમનભાઈના જનતાદળને ૭૦ અને કેશુભાઈના ભાજપને ૬૭ બેઠકો મળી હતી એટલે ચીમનભાઈના નેતૃત્વમાં ફરી સરકાર બની. ક્યારેક એમને ‘ચીમન ચોર’ ગણાવનાર જૂના જનસંઘી એટલે કે કેશુભાઈ પટેલ સહિતના ભાજપી નેતા એમની સરકારમાં મંત્રી બન્યા. સમય સમયની બલિહારી છે.

સરમુખત્યારની તાકાત અને નબળાઈ
ઇન્દિરા ગાંધીની બિનલોકતાંત્રિક ઇમર્જન્સી દરમિયાન જેલવાસી રહ્યા છતાં મોરારજી દેસાઈ શ્રીમતી ગાંધી માટે પોતાની આત્મકથામાં પણ ખૂબ આદરપૂર્વક લખે છે. જોકે એમણે આત્મકથાના ત્રીજા અને અંતિમ ભાગમાં પોતાના જીવનના અનુભવોના અર્ક સમાન નોંધ્યું છે: ‘મને સમજાયું કે સરમુખત્યાર પોતાની તાકાત લોકોની નબળાઈમાંથી મેળવે છે. મારી દૃષ્ટિએ તો સરમુખત્યારી બળોએ ફેંકેલા પડકારનો સામનો કેવળ નિર્ભયતાથી જ કરી શકે. લોકો સભાન પ્રયત્નો દ્વારા ભય પર કાબૂ ન મેળવે ત્યાં સુધી લોકશાહી પદ્ધતિ ટકી શકે નહીં - એને મજબૂત કરવાની વાત તો બાજુએ રહી. લોકશાહીમાં વિરોધ પક્ષોએ જે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે તેને હું આ દૃષ્ટિએ જ મૂલવું છું. જેઓ જનતાના લોકશાહી હક ને સ્વતંત્રતાને ટકાવી રાખવાની પોતાની ફરજ વિશે જાગ્રત છે તેઓ જ વિરોધ કરવાના પોતાના મૂળભૂત હકનો સફળતાપૂર્વક અમલ કરી શકે.’ માત્ર ગુજરાતની જ નહીં, દેશ અને દુનિયાની પ્રજાએ પણ આ મહાન ગાંધીવાદીની આ વાતને ગૂંજે બાંધવા જેવી છે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

Monday, 11 April 2022

The Great Sultan of Kashmir who made it Paradise again

 

કાશ્મીરમાં મુસ્લિમદ્રોહના માહોલ વચ્ચે

પંડિતપ્રેમી સુલતાનની દાસ્તાન

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. રવિવાર.૧૦ એપ્રિલ,૨૦૨૨.વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-story-of-pandit-loving-sultan-amidst-anti-muslim-sentiment-in-kashmir-129625058.html

·         સુલતાન જૈન-ઉલ-અબિદીનને આજે પણ કશ્મીરી પંડિતો સાચા મહાન શાસક ગણાવે છે

·         કાશ્મીર વેલીમાં રહેતા હિંદુ બ્રાહ્મણોને “પંડિત”ની ઉપાધિ સુલતાનના શાસનમાં જ મળી

·         મહારાજા સામેના “ક્વિટ કશ્મીર” આંદોલનમાં શેખ અબદુલ્લા સાથે કશ્મીરી પંડિતો પણ

અત્યારે વાતાવરણમાં “કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ ચોફેર ચર્ચામાં છે. અનેકતામાં એકતા કે ગંગા જમુની તહજીબની ભાવના એકાએક લુપ્ત થતી જણાય છે. ભારતીયોમાં શંક-કુશંકા અને અવિશ્વાસનો માહોલ સર્જાયો છે. આવા તબક્કે પ્રજાવત્સલ એવા કાશ્મીરના એક સુલતાનની વાત કરવાની છે. કેટલીક વાત માન્યામાં આવે નહીં. આમ છતાં, કશ્મીરી પંડિત આઇએએસ અધિકારી રહેલી વ્યક્તિ કે જમ્મૂ-કાશ્મીરના બહુચર્ચિત રાજ્યપાલ અને વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જણ પણ એ મુસ્લિમ શાસકને “મહાનતમ સુલતાન” કહેવાનું પસંદ કરે ત્યારે તો વાત માનવી જ પડે. કાશ્મીરમાંથી માત્ર ૧૯૯૦ના ગાળામાં જ નહીં, અગાઉ પણ અનેકવાર કશ્મીરી પંડિતોએ આતંકિત અવસ્થામાં સામૂહિક હિજરત કરવા કે ઇસ્લામ કબૂલવા વિવશ બન્યા હતા. એક તબક્કે તો કાશ્મીરમાં કશ્મીરી પંડિતોના માત્ર ૧૧ પરિવાર જ બચ્ચા હતા. અહીં એવા પણ મુસ્લિમ શાસકો રહ્યા જેમણે હિજરત કરી ગયેલા કશ્મીરી પંડિતોને પાછા બોલાવીને નોકરી-ધંધામાં સ્થાયી કર્યા એટલું જ નહીં, ગોવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવા અને મુસ્લિમ કટ્ટરવાદીઓએ તોડી પાડેલાં હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. એ મુસ્લિમ સુલતાન જૈન-ઉલ-અબિદીન થકી નવાં મંદિરોના નિર્માણ માટે છૂટ અપાઈ એટલું જ નહીં, પોતે પણ હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવી.

કશ્યપ મુનિની રક્તરંજિત ભોમકા
કશ્યપ મુનિની આ ભોમકા પર ક્યારેક સેંકડો વર્ષ સુધી લોહાણા શાસકો રહ્યા હતા. જોકે બૌદ્ધમાંથી મુસ્લિમ થનાર શાસકના શાસન પછી સમયાંતરે કાશ્મીર પર અફઘાન અને મુઘલ મુસ્લિમ શાસકો રાજ કરતા રહ્યા. કેટલાક કશ્મીરી પંડિતોએ ઇસ્લામ કબૂલ્યો, કેટલાક કાશ્મીર છોડીને ધર્મ બચાવતા રહ્યા પરંતુ સમયાંતરે સારાનરસા રાજવીઓ આવતા રહ્યા. ક્યારેક કશ્મીરી પંડિતમાંથી ઇસ્લામ કબૂલનારા ફરી હિંદુ ધર્મ અપનાવવા માટે હિંદુ મહારાજા કને ધા નાંખતા રહ્યા, પરંતુ મહારાજાએ કાશીના પંડિતોને પૂછાવીને એ બાબતમાં નન્નો ભણ્યાનો ઈતિહાસ પણ આપણી સામે તગે છે. ક્યારેક પ્રજામાંના કશ્મીરી પંડિતો અને કશ્મીરી મુસ્લિમો સાથે મળીને મહારાજા સામે આંદોલન કરતા રહ્યા. ક્યારેક મહારાજા હરિસિંહ સામે “ક્વિટ કશ્મીર” આંદોલનમાં લોકપ્રિય નેતા શેખ અબદુલ્લા સાથે કશ્મીરી પંડિતો પણ હતા. એ વાતનું સ્મરણ ઇતિહાસવિદ અને મહારાજા હરિ સિંહની સત્તાવાર કહી શકાય એવી જીવનકથા લખનાર પ્રા.હરબંસ સિંહ કરાવે છે. જમ્મૂ-કશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માટે પ્રયત્નશીલ એવા બ્રિટિશ શાસન હેઠળનાં દેશી રજવાડાંમાં સૌથી મોટા આ રજવાડાના દીવાન (પ્રાઈમ મિનિસ્ટર) રામ ચંદ્ર (આર.સી.) કાક પણ કશ્મીરી પંડિત હતા એ વાત રખે ભૂલાય. ક્યારેક ધરતી પરના સ્વર્ગ તરીકે જાણીતી આ ભોમકા દાયકાઓથી રક્તરંજિત રહી છે.

કોટા રાણી અંતિમ હિંદુ શાસક
કાશ્મીરના હિંદુ રાજા સુહદેવ બાહ્ય આક્રમણ ટાણે ભાગી જતાં તેમના સેનાપતિ રામચંદ્રે પોતાને રાજા ઘોષિત કરી લેવાનું પસંદ કર્યું. બાહ્ય આક્રમણ અને ગૃહયુદ્ધના માહોલમાં લદ્દાખના બૌદ્ધ લડવૈયા રિંચાનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. એણે છેતરીને રામચંદ્રની હત્યા કરીને એમની પુત્રી કોટા રાણી સાથે લગ્ન કરી પ્રજામાં શાંતિ પ્રસ્થાપિત કરી હતી. જગમોહને “કાશ્મીર: સમસ્યા ઔર સમાધાન”માં નોંધ્યું છે કે પ્રજામાં સમરસતા સ્થાપિત કરવા માટે રિંચાનાએ હિંદુ ધર્મ અપનાવવો હતો પરંતુ કાશ્મીરી બ્રાહ્મણોએ એ પ્રસ્તાવને નકારી કાઢ્યો એટલે રિંચાનાએ ઇસ્લામ કબૂલીને સુલતાન સદ-ઉદ-દીનની પદવી ધારણ કરી.” એ કાશ્મીરનો પહેલો મુસ્લિમ રાજવી બન્યો. ત્રણ વર્ષના શાસન બાદ ઈ.સ. ૧૩૨૩માં રિંચાનાનું મૃત્યુ થયું અને એનો પુત્ર હૈદર સગીર હોવાને કારણે દરબારીઓએ અગાઉના હિંદુ રાજા સુહદેવના નાના ભાઈ ઉદયન દેવને ગાદી સંભાળવા આમંત્ર્યો હતો. જોકે એ નબળો રાજવી સાબિત થયો.એના શાસનની ધૂરા શાહ મીર જેવા સ્વાર્થી દરબારી કને રહી. વડીલોએ કોટા રાણીને ઉદયન દેવ સાથે લગ્ન કરી લેવા સમજાવી. એ પોતાના પુત્રની રિજેન્ટ તરીકે શાસક બની અને હિંદુ શાસન ફરી સ્થાપવામાં સફળ રહી. કોટા રાણી છેલ્લી હિંદુ શાસક ગણાય છે.

શાહ મીર પછી મુસ્લિમ શાસન
કોટા રાણી પછી શાહ મીર સત્તા પર કબજો મેળવવામાં સફળ રહ્યો. એણે કોટા રાણીને પોતાની સાથે લગ્ન કરવા માટે સમજવવા પ્રયત્ન કર્યો, પરંતુ એ ના માની. કોટા રાણીના મૃત્યુ પછી કાશ્મીરમાં કાયમ માટે મુસ્લિમ શાસન સ્થાપિત થયું. કાશ્મીરની ભવ્ય સંસ્કૃતિ પણ નષ્ટ કરવા માટેનો માહોલ રચાયો, એવું આઇએએસ અધિકારી તરીકે નિવૃત્ત થયેલાં ડૉ.ચંદ્ર કાન્તા ગડિયાળીલિખિત “કાશ્મીર: ધ લેન્ડ ઓફ કશ્યપ : કશ્મીરી પંડિતોના ઋષિ”માં જણાવાયું છે. શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી (હરિયાણા)ના કુલપતિ ડૉ.રાજ નેહરુની પ્રસ્તાવના સાથે ૨૦૨૧માં પ્રકાશિત કશ્મીરી પંડિતો વિશે ખૂબ અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરાઈ છે. ડૉ. ગડિયાળી કોટા રાણીને કાશ્મીરની અંતિમ હિંદુ શાસક ગણાવે છે. મૂળે કાશ્મીરી પંડિત જવાહરલાલ નેહરુએ પણ પોતાના ગ્રંથ “ડિસ્કવરી ઓફ ઇન્ડિયા”માં કાશ્મીરી પંડિતોની પ્રથમ સામૂહિક હિજરતની વિગતો વર્ણવી છે. શેખ અબદુલ્લા અને ગુલામ નબી આઝાદ જેવા જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા મુસ્લિમ નેતાઓના પૂર્વજો કશ્મીરી પંડિત હતા એ કહેવામાં તેઓ ગર્વ અનુભવતા રહ્યા છે.

શાહ મીરી વંશના શાસકો
શાહ મીરીએ તો માત્ર અઢી વર્ષ (૧૩૩૯-૧૩૪૨) માટે જ કાશ્મીર પર રાજ કર્યું, પણ એ વંશના છઠ્ઠા સુલતાન સિકંદરે ૧૩૮૯થી ૧૪૧૩ દરમિયાનના પોતાના અત્યાચારી શાસનમાં હિંદુઓને મુસ્લિમ બનાવવા માટે ભારે જોરજુલમ કર્યા. સુલતાન સિકંદર “કાશ્મીરના ખાટકી” (બુચર ઓફ કાશ્મીર) તરીકે પંકાયો હતો.એના શાસનમાં ઇસ્લામ નહીં કબૂલવા માંગતા ભણેલાગણેલા હજારો કશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું. તેઓ ઉત્તર ભારતનાં રાજપૂત, મુઘલ અને પછીથી શીખ અને ડોગરા દરબારોમાં ઊંચા હોદ્દે રહ્યા. જોકે શાહ મીરી વંશના જ આઠમા સુલતાન જૈન-ઉલ-અબિદીન (૧૪૨૦-૧૪૭૦) સત્તામાં આવતાં જ એણે અંધાધૂંધીભરી સ્થિતિ સમાપ્ત કરીને શાંતિ અને સુલેહની નીતિ અપનાવી. જગમોહન આ સુલતાનને “કાશ્મીરના સૌથી વધુ સહનશીલ અને ઉદાર રાજા” ગણાવે છે. ડૉ. ગડિયાળી તો એવું નોંધે છે કે આ સુલતાને કાશ્મીરને ફરીને ખરા અર્થમાં સ્વર્ગ બનાવ્યું. તમામ ધર્મના લોકો પ્રત્યે આદરભાવ અને એકમેક સાથે સુખદુઃખ વહેંચવાનું વાતાવરણ સ્થાપ્યું. સુલતાન જૈન-ઉલ-અબિદીને ઠેરઠેર સંદેશ પાઠવીને કાશ્મીર છોડી ગયેલાઓને પાછા તેડાવ્યા અને એમનો પુનર્વાસ કર્યો. જેમને જોરજુલમથી ઇસ્લામ કબૂલવાની ફરજ પડાઈ હતી એમને ફરી હિંદુ ધર્મમાં પ્રવેશ અપાયો.
સુલતાન થકી પંડિતો પરત
ઘણા કશ્મીરી પંડિતો પાછા ફર્યા. કશ્મીરી પંડિતો અને બૌદ્ધોને જમીનોના પટ્ટા ફાળવાયા. એમને દરબારમાં હોદ્દા અપાયા. રાજકાજની ફારસી ભાષા શીખવા માટે પ્રેરવામાં આવ્યા. સુલતાનના પિતાના શાસન દરમિયાન મોતને ઘાટ ઉતારાયેલા હિંદુઓની વિધવાઓ માટે ઘર ફાળવાયાં. તોડી પડાયેલાં મંદિરો જ નહીં, નવાં મંદિરો બાંધવા માટેની છૂટ અપાવા માંડી. ગાયોની કતલ પર પ્રતિબંધ મૂકાયો. કેટલાક પ્રદેશમાં તો પક્ષીના શિકાર અને મચ્છીમારી પર પ્રતિબંધ મૂક્યો. સ્વયં સુલતાને ભગવાન ગણેશની મૂર્તિ સહિતની હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓ મંદિરોને અર્પણ કર્યાની નોંધ લેખિકાએ વાંચી હોવાનું પણ લખ્યું છે. કાશ્મીર વેલીમાં રહેતા બ્રાહ્મણોને “પંડિત”ની ઉપાધિ આ જ સુલતાનના સમયગાળામાં અપાઈ એવું નોંધીને ડૉ.ચંદ્ર કાન્તા ગડિયાળી ઉમેરે છે કે અત્યારે કશ્મીરી પંડિત તરીકે જાણીતા આ લોકો પ્રેમભાવથી સુલતાન જૈન-ઉલ-અબિદીનને “બુદ શાહ- ધ ગ્રેટ રૂલર” કહે છે. છ સદીઓ વિત્યા પછી પણ “બુદ શાહ”નું નામ ખૂબ આદરથી લેવામાં આવે છે.

સહિષ્ણુ સુલતાન આદર્શવાદી
મુશ્કેલી એ છે કે સુલતાન જૈન-ઉલ-અબિદીનના પુરોગામી અને અનુગામી અત્યાચારી શાસકો રહ્યા. જૈન-ઉલ-અબિદીન પોતે સાદું જીવન જીવતા હતા. એ શાહી ખજાનામાંથી નાણાં લેતા નહોતા. માત્ર પોતાની તાંબાની ખાણની આવક પર જીવતા હતા. અન્યોની જેમ એમણે જનાનખાનું રાખ્યું નહોતું. એક જ બેગમ સાથે સુખે જીવતા હતા. નશીલી ચીજોનું સેવન કરવાથી એ મુક્ત હતા. પવિત્ર રમજાન મહિનામાં એ માંસ ખાતા નહોતા. દુનિયાના તમામ ધર્મોને સમાન આદર આપવાનો એમનો સ્વભાવ હતો. કાશ્મીર વેલીના બ્રાહ્મણોને જે સુલતાન થકી કશ્મીરી પંડિત નામ મળ્યું, એ સુલતાન જૈન-ઉલ-અબિદીન પછીના પાંચ સદીઓના શાસકોએ આ સુલતાનનો માર્ગ અનુસર્યો નહીં એટલે જ આજે ય કાશ્મીર અજંપાભરી સ્થિતિમાં મુકાયું છે.
haridesai@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)