કોંગ્રેસ કમઠાણમાં રમમાણ અને ભાજપ પાક લણી જાય
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ • પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી ય કોંગ્રેસ સક્રિય થવાને બદલે ચિંતનમાં • ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા પણ રાજીવ ગાંધી ભવનમાં સળવળાટ નહીં • ભાજપના અખંડ ભરતીમેળા છતાં કોંગ્રેસ હજુ પણ નરેશ પટેલ માટે અવઢવમાં
Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).
ઉત્તરપ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી ચાર રાજ્યો ફરી કબજે કરનાર ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી કરાવવાની તૈયારીમાં લાગી ગયો છે. કોંગ્રેસ ૧૯૯૫થી લગભગ સત્તા વિમુખ હોવા છતાં હજુ પણ એને સત્તા પ્રાપ્તિમાં ઝાઝો રસ ના હોય એવાં એંધાણ મળે છે. બળૂકા પાટીદાર નેતા નરેશ પટેલ પક્ષને જીતાડવા માટે કોંગ્રેસ પ્રવેશ માટેનો માહોલ રચી ચૂક્યા છે એટલું જ નહીં, તળિયાઝાટક તિજોરી ધરાવતી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે નાણાની ચિંતા નહીં કરવાની ખાતરી આપી ચૂક્યા છતાં જાણે કે કોંગ્રેસીઓનેસત્તા મેળવવામાં રસ ના હોય એવો માહોલ છે. કોણ ક્યારે ભાજપના મુખ્યાલયમાં ભગવો ખેસ પહેરી લેશે એ નક્કી નથી એટલે સોશિયલ મીડિયામાં અને ટીવી ચેનલો પર નરેશ પટેલને આવકારવાની સ્પર્ધામાં જે કોંગ્રેસીઓ છે એ વાસ્તવમાં મોવડીમંડળ સાથે ખોડલધામના પ્રણેતા અને ઉદ્યોગપતિ નરેશ પટેલને પક્ષમાં પ્રવેશ કરાવવાની તારીખ નક્કી કરાવી શકતા નથી. પંજાબમાં ભાજપનું સૂરસૂરિયું થયું અને આમ આદમી પાર્ટી કને સત્તા ગયા પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચાર રાજ્યોમાં વિજયની ઉજવણી ગુજરાતમાં સત્તત બે દિવસ સરકારી ખર્ચે કરાવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભવ્યાતિભવ્ય પ્રચાર કરી ગયા. એટલું જ નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓ અને શુભચિંતકોને લેસન પણ આપતા ગયા.
કોંગ્રેસને થયેલા અપશુકન
ભિલોડાના કોંગ્રેસી ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારાના નિધનનાં સમાચાર પણ કોંગ્રેસ માટે ખેદના અને ભાજપ માટે આ બેઠક કબજે કરવાના સારા વાવડ લઈને આવ્યા. ડૉ.જોષીયારા આ બેઠક સામાન્ય હતી ત્યારે પણ જીતતા હતા અને એ આદિવાસી બેઠક બની ત્યારે પણ જીત્યા છે. કેટલાક આદિવાસી અને પટેલ ધારાસભ્યોને તોડીને ભાજપમાં સામેલ કરવાની કમલમની કવાયત હાલ પૂરતી તો થંભી છે, પણ ક્યારે એ શરૂ થઇ જાય એ કહેવાય નહીં. કોંગ્રેસમાં પ્રદેશપ્રમુખ ઠાકોર તો આવ્યા અપન માળખું હજુ જાહેર થયું નથી. વળી, રાહુલ ગાંધી પક્ષના ક્યા હોદ્દે છે એ પણ ઘણા કોંગ્રેસી આગેવાનોને કોંગ્રેસ ચિંતન બેઠકોમાં રમમાણ છે ત્યારે પ્રજાની ભાજપ સરકાર સામે નારાજગી છતાં જીતનો મોલ લણવામાં મોદીસેના એકદમ સક્રિય છે. દિલ્હીમાં કોંગ્રેસની કારોબારીમાં પરાજયના ચિંતનમાંથી બોધપાઠ લેવાની ચર્ચા ચાલતી હતી ત્યારે નરેશ પટેલ દિલ્હીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સાથે બેઠક કરવામાં સક્રિય ભલે હોય એમના કોંગ્રેસપ્રવેશની ઘોષણા આ લખાય છે ત્યાં લગી થઇ નથી. રખે એવું થાય કે અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત !
કોણ ક્યારે પક્ષપલટો કરે
કોંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સામે ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણી વ્યૂહરચનામાં ક્યારે કેવાં પ્યાદાં ગોઠવે છે એ ભણી સૌની મીટ રહેવી સ્વાભાવિક છે. કેન્દ્રના મંત્રી રહેલા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહેલા ભરતસિંહ સોલંકી હજુ પોતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર માને છે. નરેશભાઈને સૌથી પહેલાં પોતે પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યાનો દાવો કરવાની સાથે જ રાજ્યસભાની છેલ્લી બેઠક જીતવા માટે પોતાની કને પૂરતું સમર્થન હોવાનો દાવો પણ એ કરે છે. પક્ષ છોડવાની અને ભાજપમાં જવાની ચર્ચા અંગે એ નન્નો ભણે છે, પણ લાગલગાટ ત્રણ દાયકાથી રાજ્યમાં કોંગ્રેસને સત્તામાં લાવી શક્યા નથી એ હકીકતને પણ સ્વીકારવી પડે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને ભાજપમાં ભરતસિંહ ભાજપમાં જતા હોવાની ચર્ચા ચાલતી હતી. સ્વયં ભરતસિંહ અમને કહે છે કે એ ભાજપમાં નહીં જાય. આપણે એમના શબ્દમાં ભરોસો રાખવો પડે, પણ ભૂતકાળમાં આગલા દિવસે રાજ્યસભાના કોંગ્રેસી ઉમેદવાર અહમદ પટેલને પેંડો ખવડાવનાર કોંગ્રેસી ધારાસભ્ય ડૉ.તેજસ્વીબહેન પટેલ બીજા દિવસે જ વંડી ઠેકી ગયાં હતાં. જોકે ચૂંટણી પણ હારી ગયાં હતાં.
ભાજપ સક્રિય, કોંગ્રેસ અક્રિય
ગુજરાતમાં ક્યારેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રનાયક સરદાર પટેલ જેવા મહારથીઓ કોંગ્રેસના સૂત્રધારો હતા. મોરારજી દેસાઈ જેવાં સૂબા પણ રહ્યા. લાંબો સમય કોંગ્રેસે રાજ પણ કર્યું. હવે કોંગ્રેસના નેતાઓ કાં તો કોઈ ઉદ્યોગપતિઓના ઓશિયાળા થઇ ગયા છે કે પછી જીજીવિષા ગુમાવી બેઠા છે. દાંત કાઢી લીધેલા બોખાઓની અવસ્થામાં કોંગ્રેસના નેતાઓ ચૂંટણીઓમાં તમાશબીન થઇ રહ્યા છે. એમની નવી પેઢી પણ હારી-થાકીને સત્તા સાથે સંધાણ અને સમાધાન કરી લેવામાં હોય ત્યારે પક્ષ સત્તામાં આવે એવા ઉજળા સંજોગો સામે ચાલીને આવે તો પણ એમને ઝડપી લેવાની વૃત્તિ પણ જાણે કે મરી પરવારી હોય એવું લાગે છે. હજુ રાજ્યમાં ભાજપના બુલડોઝર સામે ઝીંક ઝીલવા માટે કોંગ્રેસ કમર કસી શકે તેમ છે. સવેળા નરેશ પટેલની નેતાગીરી સ્વીકારીને સત્તામાં આવવાનો ખેલો હોબે કરવાની સ્થિતિમાં છે. આમ છતાં, શૂરાતન ગુમાવી ચૂકેલી કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી એનું સ્થાન ગ્રહણ કરે એવી ચર્ચાને સત્તાપક્ષ પ્રમોટ કરે છે. કોંગ્રેસની દિલ્હી અને ગુજરાતની નેતાગીરી માટે હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા સિવાય બીજો કોઈ શબ્દ પ્રયોગ કરવાનું મુશ્કેલ બને છે. ગુજરાત કોંગ્રેસ મોઢું ખોલીને સત્તા નામનું પતાસું એના મોઢામાં પડે એની પ્રતીક્ષામાં જ પોતાનું પોત ગુમાવી બેઠી હોય એવું લાગે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૪ માર્ચ, ૨૦૨૨)
No comments:
Post a Comment