જોધપુરના યુવાન મહારાજાએ પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું હતું
ઇતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ.દિવ્યભાસ્કર ડિજિટલ.રવિવારની રંગત-સંગત પૂર્તિ. ૬ માર્ચ, ૨૦૨૨. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-young-maharaja-of-jodhpur-decided-to-join-pakistan-129466546.html
- માઉન્ટબેટનના જૂના મિત્ર ધોલપુરના મહારાજ રાણાની પ્રેરણા થકી રચાયેલી યોજના
- જેસલમેરના મહારાજકુમારના એક પ્રશ્ને હણવંતસિંહને પુનર્વિચાર કરવા પ્રેરણા બક્ષી
- મુનશી, પણિક્કર, મેનનના ખોટ્ટાડા ઈતિહાસનો આક્ષેપ, પણ સરિલાએય સૂર પૂરાવ્યો
તખ્તો ગોઠવાઈ ગયો હતો. જોધપુરના 23 વર્ષીય મહારાજા હણવંતસિંહ
પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાને મળીને પોતાનું રજવાડું પાકિસ્તાન સાથે જોડવાની
વેતરણમાં હતા. ભોપાલના નવાબ હમીદુલ્લાખાન ભોપાલ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે આવતાં
હિંદુ રજવાડાંને ઝીણા સાથે ઘરોબો કેળવવા લલચાવી રહ્યા હતા. 9 ઓગસ્ટ, 1947ની એ બેઠકમાં
મહારાજા હણવંતસિંહ તો પાકિસ્તાન સાથે જોડાઈ જવા સંમત હતા એટલે કાયદેઆઝમ જેસલમેરના
મહારાજકુમાર ભણી વળ્યાઃ ‘બોલો મહારાજકુમાર,
જોધપુર તો તૈયાર છે. તમેય હવે પાકિસ્તાન સાથે જોડાઈ જશો
ને?’ જોધપુર અને જેસલમેર બંને સરહદી રજવાડાં હતાં. ઝીણાએ મહારાજાને કોરા
કાગળ પર સહી કરીને એમાં શરતો ભરી લેવા એ કાગળ આપ્યો હતો. મામલો ફીટ હતો. બાજી
બરાબર આગળ વધતી હતી. બધું સમુસૂતરું ઊતરવાનાં એંધાણ હતાં ત્યાં જ જેસલમેરના
મહારાજકુમારે ધડાકો કર્યોઃ ‘મારી એક શરત છે. મારા રાજ્યમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે રમખાણ થાય
તો તમે તટસ્થ રહેવાની ખાતરી આપો છો તો જોડાવાનું વિચારી શકાય.’ આવા અણધાર્યા
મુદ્દે (વી. પી. મેનન આને માટે 'બોમ્બશેલ' શબ્દપ્રયોગ કરે છે) જોધપુરના મહારાજાને સંભવિત સમસ્યા અંગે સાવધ
કરી દીધા.
ઝીણાના રાજકીય સલાહકાર અને પાછળથી પાકિસ્તાનના વિદેશપ્રધાન થયેલા
સર મોહમ્મદ ઝફરુલ્લા ખાને મામલાને થોડો હળવો કરવાનો પ્રયાસ કર્યો પણ મહારાજકુમાર
અને મહારાજા બંનેનું વલણ બદલાઈ ગયું. મહારાજા ઉતાવળે નિર્ણય કરવા ઈચ્છતા નહોતા.
સ્થિતિમાંથી છૂટકારો મેળવવો હતો. સર મોહમ્મદ ઝફરુલ્લાહે સ્થિતિને સંભાળી લેવા
હળવાશનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો. તેમણે મહારાજા હણવંતસિંહને વિલયપત્ર પર
હસ્તાક્ષર કરવા સમજાવ્યા. આમ છતાં મહારાજા હણવંતસિંહે રાજમાતા અને જોધપુરના
સરદારોની સાથે પરામર્શ કરીને પાછા ફરવાનું કહ્યું. ઝીણાનો આભાર માનીને રજા લેવાનું
તેમણે જેવું પસંદ કર્યું કે ઝીણાએ ઊછળીને પેલો કાગળ મહારાજાના હાથમાંથી ઝપટ મારીને
પાછો લઈ લીધો.
ધોલપુરની ભારત સાથે જોડાવાની
અનિચ્છા
જોધપુરના મહારાજા પરિવાર તરફથી પ્રકાશિત અને મહારાજાના
અનુગામી ‘મહારાજા’ ગજસિંહની પ્રસ્તાવનાવાળા પ્રા.લક્ષ્મણસિંહ રાઠૌર લિખિત ‘લાઈફ એન્ડ
ટાઈમ્સ ઓફ મહારાજા હણવંતસિંહ’માં ઉપર વર્ણવવામાં આવેલા ઘટનાક્રમ ઉપરાંત મહારાજાને ઝીણા સાથે
મળીને પાકિસ્તાન સાથે જોડાણ કરવા કોણે પ્રેર્યા એની ચોંકાવનારી વિગતોનું પણ એમાં
બયાન છેઃ 'મહારાજ રાણા (ઓફ ધોલપુર) થકી મહારાજા-જોધપુરને ઝીણાને મળીને
પાકિસ્તાનાં વિલય પામવા સાટે તે (ઝીણા) કઈ શરતો ઓફર કરે છે તે જાણી લેવા
પ્રેરવામાં આવ્યા હતા.' આ ધોલપુરના મહારાજા રાણા એટલે ઉદયભાણ સિંહ. રાજસ્થાનનાં ભાજપી
મુખ્યમંત્રી રહેલાં વસુંધરા રાજે સિંધિયાના વડસસરા. વસુંધરા રાજે પોતે ગ્વાલિયરના
મહારાજાનાં રાજકુમારી. એમનાં લગ્ન ધોલપુરના પૂર્વ રાજવી રાણા હેમંતસિંહ સાથે થયાં
હતાં. અત્રે એ યાદ રહે કે વસુંધરા જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે
સુભદ્રાકુમારી ચૌહાણની લોકપ્રિય રાણી લક્ષ્મીબાઈની યશોગાથા વર્ણવતી એ કવિતામાં
સિંધિયાને અંગ્રેજોના મિત્ર લેખાવ્યા હોવાને કારણે ભણાવવામાંથી દૂર કરાવી હતી.
રાઠૌરે નોંધ્યું છેઃ ‘ભોપાલના નવાબની જોધપુરને
પાકિસ્તાન સાથે જોડવાની યોજનામાં ગુપ્ત રીતે ટેકો આપનાર રાજવી એટલે ધોલપુરના
મહારાજ રાણા ઉદયભાણ સિંહ. એ લોર્ડ માઉન્ટબેટનના જૂના મિત્ર હતા અને પ્રિન્સ ઓફ
વેલ્સના સ્ટાફ પર રહ્યા હતા. માઉન્ટબેટને એમની શંકાસ્પદ પ્રવૃત્તિને જોતાં પોતાના
પ્રેસ એટેચી એલન કેમ્પબેલ-જ્હોન્સનને મહારાજ રાણા ઓફ ધોલપુર પર નજર રાખવા જણાવ્યું
હતું.’ 20 જુલાઈ, 1947ના રોજ મહારાજ રાણાએ વાઈસરોયના અંગત સચિવ સર જી. એબેલને લખેલા
પત્રમાં બંને સંઘ (ભારત અને પાકિસ્તાન) સાથે પારસ્પરિક હિતની સંધિ કરવાની ઈચ્છા
દર્શાવવા ઉપરાંત પોતે ભારત સંઘનો હિસ્સો બનવા ઈચ્છુક નહીં હોવાનું સ્પષ્ટ કર્યું
હતું.
સરદારના જાસૂસો ભણી શંકા
ઈતિહાસલેખક લક્ષ્મણસિંહ રાઠૌર જોધપુરના મહારાજાના અંગત
સચિવ કર્નલ કેસરી સિંહને ભારતીય રિયાસત ખાતાના જાસૂસ ગણાવવા ઉપરાંત જોધપુરના ઘણા
બધા અધિકારીઓ પણ સરદાર પટેલના અખત્યાર હેઠળના રિયાસત ખાતાના બાતમીદાર હોવાનું
જણાવે છે. સરદારના તમામ વિશ્વાસુ એટલે કે ક. મા. મુનશી, કે. એમ.
પણિક્કર, વી.પી.મેનન સહિતનાએ ખોટ્ટાડો ઈતિહાસ પોતાનાં સંસ્મરણોમાં નોંધીને
જોધપુરના મહારાજાને હલકા ગણાવવાનો પ્રયાસ કરાયાનું પણ એ કહે છે. એકમાત્ર સરિલાના
રાજવી પરિવારના નરેન્દ્ર સિંહે મહારાજા સાથેની મુલાકાતનું સાચું વર્ણન કર્યાંનું એ
નોંધે છે. સરિલા છેલ્લા વાઈસરોયના એડીસી પણ રહ્યા. જો કે, સરિલા થકી
લખાયેલા ગ્રંથો પણ જોધપુરના મહારાજા હણવંતસિંહ પોતે પાકિસ્તાન સાથે જોડાણ કરવા
ઉત્સુક હોવાની વાત સ્પષ્ટપણે દર્શાવે છે. સ્વયં મહારાજા હણવંતસિંહે કબૂલ્યું છે કે
અંગ્રેજ શાસનના અંત પછી કોંગ્રેસવાળાઓ ઉત્પાત મચાવે એવા ડરથી હું પાકિસ્તાન સાથે
જોડાવા માટે જરૂર લલચાયો હતો. જો કે, એમના અનુગામી અને ગુજરાતના
ધ્રાંગધ્રા સ્ટેટના ભાણેજ ‘મહારાજા’ ગજસિંહે રાઠૌરના ગ્રંથની પ્રસ્તાવનામાં મહારાજાને ‘રાષ્ટ્રવાદી’ અને ‘પ્રજાવત્સલ’ ગણાવવા પર વધુ
ભાર મૂક્યો છે.
માઉન્ટબેટને જોધપુરને સમજાવ્યા
જોધપુર મહારાજા પાકિસ્તાન સાથેના જોધપુરના જોડાણના
વિરોધમાં એમના જાગીરદારો અને સરદારો હોવાનું જાણીને ત્રણ દિવસ બાદ દિલ્હી પાછા
ફર્યા. મેનનને વાવડ મળ્યા એટલે દિલ્હીનિવાસી ઝીણા એમને ફરીને લપટાવે એ પહેલાં જ
મેનન કામે વળ્યા. એ મહારાજાની હોટેલ ઈમ્પિરિયલ પર પહોંચ્યા. એમને જાણ કરી કે
માઉન્ટબેટન તેમને મળવા માગે છે. બંને જણા સાથે ગવર્નમેન્ટ હાઉસ આવ્યા. મહારાજાને
મુલાકાતી ખંડમાં બેસાડીને મેનન અંદર ગયા. માઉન્ટબેટનને સઘળી વાત જણાવી. એ પછી
મહારાજાને મળવા અંદર તેડાવવામાં આવ્યા. મહારાજા પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા
હોવાની તેમની વાત કાનૂની દૃષ્ટિએ સાચી હોવાનું માઉન્ટબેટને તેમને કહ્યું તો ખરું
પણ સાથે જ સમજાવ્યા કે તમે હિંદુ છો, જોધપુરની બહુમતી પ્રજા હિંદુ છે
અને આજુબાજુનાં રજવાડાં પણ હિંદુ છે. આવા સંજોગોમાં હિંદુ અને મુસ્લિમ મડાગાંઠનો
તમારે વિચાર કરી લેવો પડે. હણવંતસિંહને લાગ્યું તો ખરું કે પાકિસ્તાનમાં જોડવામાં
જોખમ છે. એમણે જે અશક્ય કહી શકાય એવી માગણીઓ રજૂ કરવા માંડી.
મેનને આ તબક્કે કહ્યું: 'તમારે આભાસી
આશાઓને આધારે જ જોડાણ કરવાનું હોય તો હું તમારી બધી માગણીઓ સ્વીકારી લઈ શકું.' એમની માગણીઓ
સ્વીકારી શકાય તેમ નહોતી. આ તબક્કે તેમણે ઝીણાને કોરા કાગળ પર સહી કરી આપ્યાની વાત
કહી. મેનને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ખોટ્ટાડાં વચનોના ભરોસે નહીં રહેતા.
મેનને 'ઈન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ'માં નોંધ્યું છે: 'ઘણી લાંબી
ચર્ચાને અંતે તેમની કેટલીક માગણીઓ સ્વીકારવા અંગેનો પત્ર મેં તેમને આપ્યો. એ પછી
તેમણે ભારતમાં જોડાવાના વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા.' આ ઘટના પછી
થોડીવાર માટે એ ખંડમાંથી માઉન્ટબેટન બહાર ગયા કે મહારાજાએ રિવોલ્વર કાઢીને મેનન
ભણી તાકીને કહ્યું કે 'તમે કહો એ માનવા હું બંધાયેલો નથી.' મેનને એમને સમજાવવાની કોશિશ કરી
અને કહ્યું: 'તમે મને મારીને કે મારવાની ધમકી આપીને વિલયપત્રને હવે રદ નહીં
કરાવી શકો. આવા બાલિશ અટકચાળાં તમને શોભતાં નથી.' એ પછી માઉન્ટબેટન પાછા ફર્યા
એટલે એમને આ ઘટનાની માહિતી આપી. માઉન્ટબેટને પરિસ્થિતિને હળવાશભરી કરી અને મેનન
મહારાજાને તેમના ઉતારે મૂકીને ઓફિસે પરત ફર્યા હતા. જોધપુરના મહારાજા થકી રિવોલ્વર
તાણવાનો સઘળો ઘટનાક્રમ મજાક જેવો અનુભવાયો.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment