Wednesday 2 March 2022

Gujarat Congress and Dwarka Declaration

               કોંગ્રેસ ગુજરાત જીતી શકે,પણ માત્ર દ્વારકા ઘોષણાને ટેકે નહીં  

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         સત્તાધીશોના ગોબેલ્સ અપપ્રચારનાં ઘોડાપૂર વચ્ચે સામેપૂર તરવા મરજીવા ખપે

·         પ્રજાની વચ્ચે જઈને અભ્યાસપૂર્ણ રીતે જનસમસ્યાઓ ઉઠાવવા સંઘર્ષ કરવો પડે

·         સ્વબળે સત્તાપ્રાપ્તિ કે હાટડીએ સ્વનો મોલ કરાવવો; વિકલ્પની પસંદગી કરાય

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat). 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદે જગદીશ ઠાકોરની નિયુક્તિ સાથે જ પક્ષમાં ચેતનાનો નવસંચાર થવાનું અનુભવાય છે. હમણાં મહેસાણામાં કોંગ્રેસના ધારાસભ્યોની એકદિવસીય ચિંતન શિબિર યોજાઈ. એ પછી દ્વારકાધીશના સાંનિધ્યમાં દેવભૂમિ દ્વારકે રાજ્યવ્યાપી મુખ્ય નેતા-કાર્યકર્તાની ત્રિદિવસીય ચિંતન શિબિર થઇ. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદીના પક્ષને મળેલા ૨૪ કરોડ મત સામે કોંગ્રેસને ૧૨ કરોડ મત અપાવીને રણછોડરાય થયેલા અધ્યક્ષ રાહુલ રાજીવ ગાંધીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત કોંગ્રેસ માટે નવો જોમ-જુસ્સો પ્રેરનાર હતી એમાં ના નહીં. સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી જયારે ગુજરાત આવતાં ત્યારે માથે ઓઢીને  પોતાને ગુજરાત કી બહૂ કહેવાનું પસંદ કરતાં, પણ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પોતાને ગુજરાત સાથે કનેક્ટ કરવામાં સંકોચ કરે છે. મૂળ ભરૂચના પારસી એવા ફિરોઝ ગાંધીના આ પૌત્ર રાહુલમાં ઈન્દિરાજી જેવી કિલર્સ ઇન્સ્ટિંગનથી. આમ છતાં, એમણે દ્વારકાધીશનાં દર્શન કરીને પોતાના કાર્યકર્તાઓને જે સંબોધન કર્યું એમાં જોશ જરૂર હતું.  વક્રદ્રષ્ટા ભાજપી પ્રવક્તાઓ ભલે રાહુલનાં ઉચ્ચારણો અંગે પઢાવેલા પોપટની જેમ વદતા હોય, એમના પક્ષે પણ દ્વારકા ચિંતન શિબિરને ગંભીરતાથી લેવા માંડી છે. જગદીશની પુણ્યભૂમિથી અઢી દાયકા કરતાં પણ વધુ સમયથી સત્તાનો વનવાસ ભોગવતી કોંગ્રેસને સત્તામાં આણવાની જગદીશ ઠાકોરના વડપણ હેઠળ ભૂમિકા જરૂર રચાય છે. આવા તબક્કે  મંચસ્થ વડેરાઓ જ  કામે વળ્યા છે કે જગદીશ ઠાકોર સફળ થાય નહીં. ક્યારેક જન્મભૂમિ ભવનમાં અમારા સાથી રહેલા સૈફ પાલનપુરીની એ પંક્તિઓનું આ તબક્કે સ્મરણ થવું સ્વાભાવિક છે: જીવનની સમીસાજે મારે જખમોની યાદી જોવી'તી, બહુ ઓછાં પાનાં જોઈ શકયો; બહુ અંગત અંગત નામ હતાં. કોંગ્રેસ આટઆટલાં વરસ સત્તાથી વિમુખ રહી એના કારણનું તારણ સૈફ એકદમ સટીક રજૂ કરે છે. સત્તારોહણને બદલે દોષારોહણનો પક્ષ બનેલી કોંગ્રેસ અત્યાર લગી રગશિયા ગાડા જેવી અવસ્થામાં અનુભવાય છે. એના વડેરાઓમાંથી કેટલાકનાં તો રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની નેતાગીરી સાથેનાં સેટિંગ છે. પોતીકાં કામ થાય એટલે ગંગા નાહ્યા. અગવડ ઊભી થાય કે સીબીઆઇ કે ઇડી દરવાજો ખખડાવે ત્યારે અગાઉ જે મિત્રો ગાંધી-નેહરુ-સરદારનો ખેસ ફગાવીને ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે એમના સહારે સંકટની વૈતરણી તરી જવાની. સમય ઓછો છે અને કોંગ્રેસે વેશ ઝાઝા કાઢવાના છે. સામે પક્ષે વેશ કાઢવાની અમાપ વણઝાર છે ત્યારે પ્રજામાં રહેલા અસંતોષના તબક્કે કોંગ્રેસે વિશ્વાસ બેસાડીને આગામી વિધાનસભા  ચૂંટણી જીતવાનો સંકલ્પ સાકાર કરવાનો પડકાર ઝીલવાનો છે.  

કોંગ્રેસ અને ભાજપમાં ફરક

વર્ષ ૧૮૮૫માં એલન હ્યુમ નામના અંગ્રેજ અધિકારીએ સ્થાપેલી કોંગ્રેસની માળા જપતા  આ જ કોંગ્રેસમાંથી પેદા થયેલા ભારતીય જનતા પક્ષના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો સંભવતઃ વર્તમાન સત્તાધીશોની આભામાં આવીને આવું કહેતા વધુ લાગે છે. એ વીસરી જાય છે કે બ્રિટિશ સનદી સેવામાંથી નિવૃત્ત હ્યુમ થકી પોતાના દેશના ભારતમાંના શાસકોની વિરુદ્ધ કોંગ્રેસની સ્થાપના પૂર્વે ખાસ્સો અવાજ ઊઠાવ્યો હતો. વળી, હ્યુમના નામે કોંગ્રેસની સ્થાપના ચડાવનારાઓ અનુકૂળતાએ ભૂલે છે કે  ૨૮થી ૩૦  ડિસેમ્બર, ૧૮૮૫ દરમિયાન મુંબઈની  તેજપાલ સંસ્કૃત કોલેજમાં દેશભરના હિંદુ, મુસ્લિમ, પારસી અને સર્વ પ્રાંતના પ્રબુદ્ધ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. કોંગ્રેસના પહેલા અધ્યક્ષ બેરિસ્ટર  વ્યોમેશચંદ્ર બેનરજી હતા. બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજી અને ત્રીજા અધ્યક્ષ બેરિસ્ટર બદરુદ્દીન તૈયબજી હતા. હિંદીઓ માટેના અધિકારો માટે તેમ જ સ્વતંત્રતા માટે સહાનુભૂતિ ધરાવનારા અંગ્રેજ બ્રિટિશ ઈન્ડિયામાં પણ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકેથી કાયમ માટે સ્વદેશ પાછા ફર્યા એ પછી તેમણે ભદ્રલોક કે એલિટ વર્ગની કોંગ્રેસને માસની એટલે કે પ્રજાની કોંગ્રેસ બનાવી. કોંગ્રેસના જે મહારથીઓ હતા એમાં લોકમાન્ય ટિળક, પંડિત મદનમોહન માલવિયા, લાલા લાજપત રાય, મહાત્મા ગાંધી, મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, સુભાષચન્દ્ર બોઝ, મૌલાના આઝાદ વગેરે હતા. કોંગ્રેસમાં આઝાદી પહેલાં અને પછી પણ  અધ્યક્ષપદની ચૂંટણી થતી રહી છે. સર્વાનુમતી કે એક જ પરિવારમાં અધ્યક્ષપદની પરંપરા તો ઘણી મોડી શરૂ થઇ. આની સામે જનસંઘ કે ભાજપમાં સામસામે બે કે વધુ ઉમેદવાર મૂકીને અધ્યક્ષપદની ચૂંટણી થતી હોવાનું સાંભળ્યું નથી. ભાજપમાં નાગપુરના એટલે કે તેની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રતિનિધિ દરેક તબક્કે મહામંત્રી (સંગઠન) તરીકે પોતાનો વિટો વાપરી શકે છે. જે કોંગ્રેસ પ્રજાની વચ્ચે રહેતી હતી એ સત્તાના દીર્ઘ સેવનને કારણે સત્તાકેન્દ્રી પક્ષમાં રૂપાંતરિત થતાં ક્રમશઃ એની અધોગતિ શરૂ થઇ. ભાજપનું પણ સત્તાકેન્દ્રી સ્વરૂપ આવા જ દિવસો દેખાડશે, જો એના કાર્યકર્તા અને સંગઠન માળખું માત્ર સત્તાકેન્દ્રી બની રહેશે તો. કોંગ્રેસ સેવાદળ પક્ષની વિચારધારાના પ્રસાર કે કાર્યકર્તામાં આરોપણ માટેનું કામ કરતું હતું. હવે સેવાદળ ઝાઝું મહત્વ પામતું નથી. સામે પક્ષે સંઘની વિચારધારામાં પલોટાતા કાર્યકરો જ ભાજપમાં મહત્વના હોદ્દે મૂકાય છે. કોંગ્રેસમાં કાર્યકર પોતાના પક્ષના ઈતિહાસ કે વિચાર સાથે ઘડાતો નથી એટલે કોઈ નેતામાં પોતાનો ગોડફાધર શોધે છે. એ કાચા પાયા પરની ઈમારતની અવસ્થામાં રહે છે. એટલે ગમે ત્યારે એને લોભામણી તક મળે ત્યારે વંડી ઠેકી જાય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કે ભાજપની સંઘનિષ્ઠ પ્રસ્થાપિત નેતાગીરી સામે બળવાખોરી કરનારાઓ માટે ક્યારેક સત્તામાં કે સંગઠનમાં હોદ્દા જરૂર મળતા હશે, પણ નીતિનિર્ધારક કોર ગ્રુપમાં એમને ભાગ્યેજ સ્થાન મળશે.

રાજ્યવ્યાપી સંગઠનની સક્રિયતા

કોંગ્રેસ સામે પડકાર એ છે કે એના માટે પ્રજામાં ગુડવિલ જરૂર છે, પરંતુ ગોબેલ્સ અપપ્રચારનાં ઘોડાપૂરને નાથવા માટેની રાજ્યવ્યાપી સુસંગઠિત સેના નથી.ઉધારીના નેતાઓના ટેકે કોઈપણ પક્ષ અમુક સમય રાજકીય લાભ ખાટી શકે, પણ લાંબા ગાળા માટે એ ચાલી ના શકે. ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ ભાજપનું કોંગ્રેસીકરણ થતું રહ્યું છે છતાં પક્ષની નેતાગીરી સંઘના નિષ્ઠાવંત નેતાઓના હાથમાં જ રહી છે. કોંગ્રેસમાં ઉધારીના નેતાઓ આવ્યા અને પક્ષના ધણી થઇ બેઠા. શંકરસિંહ વાઘેલા જેવા સંઘ-જનસંઘ-ભાજપના નેતાને કેશુભાઈ પટેલ –નરેન્દ્રભાઈ મોદી સાથે ગોઠયું નહીં ત્યારે એ કોંગ્રેસ ભણી ફંટાયા. કોંગ્રેસના ઘર પર કબજો કરી બેઠા. શંકરસિંહને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ  બનાવ્યા, કેન્દ્રમાં મંત્રી બનાવ્યા, વિધાનસભામાં અણી ટાણે વોકઆઉટ યોજાનારા વિપક્ષના નેતા બનાવ્યા. સીબીઆઇ અને ઇડીના દરોડા અને તેની ફાઈલો હજુ બંધ નહીં થતાં મોદીના તાલે નર્તન કરવાની વિવશતા ધરાવતા વાઘેલાએ કોંગ્રેસને અણી ટાણે જ એટલે કે ડિસેમ્બર  ૨૦૧૭માં સત્તામાં આવવાનો તખ્તો ગોઠવાયેલો હતો ત્યારે જ દગો દીધો. દગાખોરીના આવા અનુભવ છતાં  હજુ ભરતસિંહ સોલંકી અને નવા પ્રદેશ અધ્યક્ષને અભરખા છે કે  બળવાખોર બાપુને સહારે કોંગ્રેસની નૈયાને ગાંધીનગર પહોંચાડવી! અગાઉ જૂના કોંગ્રેસી ચીમનભાઈ પટેલે પણ જનતાદળના ભાજપ સાથેના સત્તાસંવનન પછી કોંગ્રેસને ફરી વહાલી કરી હતી. કોંગ્રેસે સત્તાની લાહ્યમાં એમનું  ધણીપણું  કબૂલ્યું હતું. જોકે ચીમનભાઈના અણધાર્યા અવસાને અને છબીલદાસના અણઘડ શાસને કોંગ્રેસને કાયમ માટે સત્તાના વનવાસમાં ધકેલી. દિલ્હી દરબારમાં અહમદ પટેલે ગુજરાતના કહ્યાગરા નેતાઓને જ મોટા કરવાનું રાખ્યું, પણ આવા બોદા નેતાઓએ કોંગ્રેસનું નામું નંખાઈ જાય એવો જ માહોલ આજ લગી રચ્યો છે. નવા પ્રદેશ અધ્યક્ષ  બધાને સાથે લઈને ચાલવાની આહલ્લેક જગાવે છે જરૂર, પણ વડેરાઓ એ માટે મનથી   તૈયાર છે કે કેમ એ મહાપ્રશ્ન છે. રાજ્યનું માળખું રચવાનું બાકી છે. ઘણા તો ખોડલધામવાળા નરેશ પટેલ પક્ષમાં આવીને એનું સત્તારોહણ  કરાવે એની પ્રતીક્ષામાં છે.એક પ્રતિનિધિમંડળ દિલ્હી જઈને રાહુલને મળવાનું છે. પોતાના સત્વ વિના ઉધારીના નેતાઓના ટેકે સત્તામાં આવવાની કલ્પના આત્મઘાતી છે. જગદીશ સેના કામે વળે, રાજ્યભરમાં ચેતના અને ઉત્સાહનો સંચાર કરે, પ્રજાની વચ્ચે જઈને રાહુલબાબાની જેમ દર વાક્યે મોદીજી કે નરેન્દ્ર મોદીજી કહીને એમનો પ્રચાર કરવાને બદલે પ્રજાના સુખદુઃખમાં સહભાગી થાય તો જ આગામી વિધાનસભા ચૂંટણીમાં એનું સત્તારોહણ શક્ય બને. મુશ્કેલી એ છે કે એકીપાણી માટે પણ દિલ્હી મોવડીમંડળને પૂછવું પડે અને દ્વારકા ઘોષણાપત્ર પર ગુજરાતના કોઈ નેતાના ફોટાને બદલે માત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જ તસવીરો હોય તો આગવી ઓળખ ઊભી થાય ક્યાંથી? ગુજરાત કોંગ્રેસ સામે પડકારો ઘણા છે, પણ બધો આધાર ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર છે. પ્રિયંકા ગાંધી ત્યાં કોંગ્રેસને પુન:જીવિત કરવાની મથામણમાં છે. ભાજપની નેતાગીરીનાં વળતાં પાણી છતાં ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર બનાવી લે તો ગુજરાતમાં  એને બહુ વાંધો ના પડે. ચિત્ર ઉલટું ઉપસે તો કોંગ્રેસ માટે ગુજરાતમાં બખ્ખા જ સમજો.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment