કેન્દ્રસ્થાને ઉત્તરપ્રદેશ,પણ પંજાબમાં ખરાખરીનો જંગ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
ચતુષ્કોણીય
જંગમાં કોંગ્રેસ વિરુદ્ધ આમઆદમી પાર્ટીનું ઉપસતું ચિત્ર
·
મુખ્યમંત્રીપદ
માટે આપના માન સામે કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની
·
વડાપ્રધાનની
સુરક્ષામાં ચૂક અને શીખ પાગડીમાંથી મળતા સંકેત
·
ભાજપના
નેતા અકાલી દળમાં જોડાય એ રાજકીય પ્રવાહ દર્શાવે છે
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat
Guardian (Surat).
દેશ આખાનું ધ્યાન ભલે ઉત્તરપ્રદેશ પર હોય પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી જીતવાના સંકલ્પ સાથે
વર્ષ ૨૦૨૪માં ફરીને વડાપ્રધાન થવા માટેની બાજી ગોઠવતા લાગે છે. આ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ
સૌથી વધુ બેઠકો અપાવવા માટે અને પંજાબ દેશ અને વિદેશમાં સાખ માટે પણ અત્યંત
મહત્વનું છે. થોડા વખત પહેલાં ભટીંડા રેલી કરવા જઈ રહેલા વડાપ્રધાનની સુરક્ષામાં
ચૂકના પ્રકરણને અમસ્તું ચમકાવાયું નહોતું.સર્વોચ્ચ અદાલતે નિયુક્ત કરેલી તપાસ
નીરક્ષીર કરશે. પણ ચાલુ ચૂંટણીએ મતદાન પહેલાં એમાં નવાજૂની બહાર આવે એવી શક્યતાને
નકારી શકાય નહીં. પ્રજાસત્તાક દિને મોદીએ
શીખ પાગડી પહેરીને ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સી દરમિયાન વેશપલટો કરીને પોતે શીખ હોય
એમ ફરતા હતા એનો સંકેત આપવાની સાથે જ આ વેળા પંજાબ સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ
કર્યો હોય એવું પણ લાગ્યા વિના રહેતું નથી.આગામી ૨૦ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં
પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો માટે મતદાન થાય એ પહેલાં કંઇક ચમત્કારિક બનાવ ના બને
તો અત્યાર લગી તો ખરો સંઘર્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ જણાય છે.
શિરોમણિ અકાલી દળ તથા હજુ હમણાં સુધી કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા પતિયાળાના “મહારાજા” કેપ્ટન અમરિંદર સિંહની નવગઠિત પંજાબ લોક
કોંગ્રેસ તો ભાજપ અને અકાલી દળ (સંયુક્ત) સાથે મળીને ચૂંટણી લડે છે. છેક જનસંઘના
વખતથી અકાલી દળ સાથેના ભાજપના જોડાણ આ વખતે તૂટેલું જોવા મળે છે. ખેડૂતોને
લગતા ત્રણ વિવાદાસ્પદ કાયદાઓ પાછા ખેંચાવવા માટે પંજાબના ખેડૂતો મુખ્યત્વે કેન્દ્ર
સામે જંગે ચડ્યા હતા. એકાદ વરસ લગી ચાલેલા આ આંદોલનમાં ૭૦૦ કરતાં પણ વધુ ખેડૂતોએ
જાન ગુમાવ્યા છતાં નહીં ઝૂકેલા વડાપ્રધાન મોદીએ ચૂંટણી પૂર્વે જ એ કાયદા રદ
કરાવીને પ્રજામાં સારો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, એમની ભટિંડા રેલીમાં
પ્રદેશ ભાજપના અધ્યક્ષના એક લાખ લોકો આવશે
એવા દાવા છતાં માત્ર ૫,૦૦૦ લોકો જ આવ્યા
એવા પ્રતિષ્ઠિત પંજાબના અખબાર ટ્રિબ્યુનના
અહેવાલે અને પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી ચન્નીના માત્ર ૭૦૦ લોકો જ આવ્યાના
દાવાએ ભાજપની ચિંતા વધારી દીધી છે. ચન્ની ખ્રિસ્તી હોવાના થતા પ્રચાર ઉપરાંત
શીખોને ખ્રિસ્તી બનાવવાનું ષડ્યંત્ર ચલાવાઈ રહ્યાના પ્રચારને આમ આદમી પાર્ટીના
સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ય નર્યું રાજકીય ગતકડું લેખાવ્યું છે.
કોંગ્રેસની પસંદગી ચન્ની
ભલે કોંગ્રેસે કોઈને મુખ્યમંત્રીપદના ઉમેદવાર
જાહેર ના કર્યા હોય પણ મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને બે બેઠકો પર ચૂંટણી લડાવવાના
મોવડીમંડળના નિર્ણયમાં ચન્ની જ આગામી સરકાર રચવાના સંજોગો આવે તો કોંગ્રેસ ધારાસભા પક્ષના ફરી નેતા થાય એવા
સંકેત જરૂર મળે છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી થવા
માટે તો ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા. કેપ્ટન
અમરિંદરની સરકારમાં રહ્યા ત્યારે પણ ઉહાપોહ મચાવતા રહ્યા. છેવટે એમને
સરકારમાંથી પડતા મૂકાયા ત્યાર પછી એમણે રચેલા કારસાઓના પ્રતાપે જ કેપ્ટને ઘર ભેગા
થવું પડ્યું. જોકે મોવડીમંડળે જાટ શીખ પ્રભાવ હેઠળના રાજ્યના રાજકારણમાં પલટો લાવી
દલિત મતદારોનું રાજ્યમાં સારું એવું પ્રમાણ હોવાને કારણે એને પોતાને પક્ષે કરવા
માટે જ પંજાબને પ્રથમ દલિત મુખ્યમંત્રી
આપવાની સોગઠી મારી. સિદ્ધુને મુખ્યમંત્રીપદથી વંચિત રખાયા. હજુ આગામી ૧૦ માર્ચનાં
પરિણામો આવ્યા પછી પણ સિદ્ધુ સખણા બેસે તેમ નથી. પોતાના પક્ષને જીતાડવા અને પોતાના
રાજકીય વિરોધીઓને પરાસ્ત કરવાના અનેક મોરચે નવજોતસિંહ સંઘર્ષ કરી રહ્યા છે. એમની
સામે તેમની વિદેશવાસી ઓરમાન બહેનને અકાલી
દળે પ્રચારમાં ઉતારી છે. પાકિસ્તાની ગર્લફ્રેન્ડ ધરાવતા હોવાનો ભાજપ થકી જ જેમના
પર આક્ષેપ કરાતો રહ્યો હતો એ અત્યારના ભાજપી મિત્ર કેપ્ટન અમરિંદર સિંહ તો રીતસર
સિદ્ધુને હરાવવા મેદાને પડ્યા છે. કેપ્ટન તો સિદ્ધુના પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન
ખાન સાથેના સંબંધોની વાતે જ અટક્યા નથી, હવે તો એ કહે છે કે ઈમરાને મને ફોન કરીને
સિદ્ધુને સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવાની ભલામણ કરી હતી. આ સઘળો સત્તાના
વૈધવ્યનો વિલાપ જ ગણાય. કારણ જો કેપ્ટન જાણતા જ હતા કે સિદ્ધુના પાકિસ્તાન સાથેના સંબંધ હતા તો
એમને સરકારમાં લઈને એમણે રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય. આ સિદ્ધુ ભાજપના સાંસદ પણ હતા
એ વાત રખે વિસરાય. હકીકતમાં ચૂંટણી ટાણે આવા કાદવ ઉછાળ પર દુનિયા હસે એ સ્વાભાવિક
છે. કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે કેપ્ટનના મહેમાન તરીકે પાકિસ્તાની મિત્ર તેમના જ
ઘરમાં રહેતી હતી એ મુદ્દો તો આજના તેમના મિત્રો અને રાજકીય વિરોધીઓ પણ ગજવી ચૂક્યા
છે. કેપ્ટન કયારેક મુખ્યમંત્રી તરીકે પંજાબિયતના નારાને ગજવતાં ભારતીય પંજાબ અને
પાકિસ્તાની પંજાબમાં પણ જાહેર મહાઆયોજનો કરતા હતા એ વાતનું પણ આ તબક્કે સ્મરણ થવું
સ્વાભાવિક છે.
અકાલીના સુખબીર ઉમેદવાર
અકાલી દળ સત્તાથી વંચિત હોય ત્યારે પંજાબમાં
ખાલિસ્તાનનું ભૂત ધૂણવા માંડે છે. ખેડૂત આંદોલનને બદનામ કરવા ખાલિસ્તાની સંબંધના
આક્ષેપો પણ થયા. ખેડૂતોને લગતા ત્રણ કેન્દ્રીય કાયદાઓને સમર્થન આપ્યા પછી અકાલી દળનાં કેન્દ્રીય મંત્રી
હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપ્યું. એમના પક્ષે પણ ભાજપ સાથે
છેડો ફાડયો હતો. પંજાબમાં અકાલી વોટબેંક છીનવાઈ જવાના ડરે જ આ પગલું ભરવામાં
આવ્યું હતું. જોકે કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર હોદ્દો છોડવા પહેલાં અને
પછી પણ ખેડૂતોના મુદ્દે આંદોલનકારીઓના
સમર્થનમાં જ હતા. પલટી મારીને પણ એ ખેડૂતોના સમર્થક રહ્યા, પણ ભાજપ સામે ખેડૂતોનો
રોષ હજુ શમતો નથી. અકાલી દળ સાથે જથ્થેદારોનું સમર્થન જરૂર છે. ખ્રિસ્તી મિશનરીઓ
શીખોને ખ્રિસ્તી બનાવી રહી હોવાની ગાજવીજ પણ થઇ રહી છે. આવા સંજોગોમાં પંજાબમાં
ચાર મોરચા આ ચૂંટણી લડી રહ્યા છે એટલે કોઈ એકને સ્પષ્ટ બહુમતી મળશે કે ત્રિશંકુ
વિધાનસભા રચાશે એની કશ્મકશ ચાલી રહી છે.
અકાલી દળને તક મળે તો વયોવૃદ્ધ પ્રકાશસિંહ બાદલને બદલે તેમની દસ વર્ષની ભાજપ
સાથેની અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ જ આ
વખતે મુખ્યમંત્રી થાય. કેપ્ટન અમરિંદર ફરી મુખ્યમંત્રી થવા માટે ઉધામા મારે પણ
ભાજપ એમણે એ હોદ્દે પહોંચવા દે કે કેમ એ પ્રશ્ન છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૧૭
બેઠકોમાંથી કોંગ્રેસને ૭૭, આમ આદમી પાર્ટીને ૨૦, અકાલીને ૧૫, ભાજપને ૩ અને અન્યોને
૨ બેઠકો મળી હતી. જોકે એ પછી તો રાજકીય સમીકરણો ઘણાં બદલાયાં. બધી બાજુ પક્ષાંતર
પણ થયાં. આમ આદમી પાર્ટી ખાસ કરીને માળવા પ્રદેશમાં વધુ મજબૂત છે એટલે તમામ રાજકીય
વિરોધીઓ એને ત્યાં પરાસ્ત કરવા મેદાને પડ્યા છે. આ પ્રદેશની ૬૯ બેઠકોમાંથી ગઈ વખતે ૧૮ બેઠકો આમ આદમી પાર્ટી
જીતી હતી. કોંગ્રેસને ૪૦, અકાલીને ૮,
ભાજપને ૨ અને અન્યોને ૨ મળી હતી. દોઆબા પ્રદેશની ૨૩ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૫, આપને
૨, અકાલીને ૫ અને ભાજપને ૧ બેઠક મળી હતી. માઝા પ્રદેશની ૨૫ બેઠકોમાંથી કોંગ્રેસને
૨૨, અકાલીને ૨ અને ભાજપને ૧ બેઠક મળી હતી. આગામી ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થાય ત્યાં
સુધીના ઘટનાક્રમ પર નજર રાખવી પડે. સરહદી છમકલાં પંજાબની ચૂંટણીને અસર કરી શકે છે.
સૌની નજર ૧૦ માર્ચનાં પરિણામો પર રહેશે. એ પછી પણ મુખ્યમંત્રી કોણ બને એ અંગે પણ
અત્યારે તો પ્રવાહી સ્થિતિ જ છે. ત્રિશંકુ વિધાનસભા રચાય તો ભાજપ એનો ફાયદો લે
એવું જરૂર લાગે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com
(લખ્યા તારીખ: ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨)
No comments:
Post a Comment