ચૂંટણીમાં રેલાતું ગોવામુક્તિના ઇતિહાસનું નવતર
કોરસગાન
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
ઇતિહાસનું
વિકૃતીકરણ માત્ર રાજકીયમંચો પર નહીં, સત્તાવાર દસ્તાવેજોમાં પણ થઇ રહ્યું છે
·
એ
તરંગતુક્કા ના ચાલે કે મરાઠાઓ અંગ્રેજોને
બદલે ટીપુ સાથે હોત તો ગુલામી ના આવત!
·
નેહરુ
અને સરદારની સરકાર ૧૯૫૦ લગી ગોવા લેવા અસમર્થ હતી, તો પીઓકે લઇ બતાવો
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar
Gurjari (Anand).
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાની ચૂંટણી જીતવા
માટે “ભાજપ માટે ઉધારીના આયકન” સમા પહેલા નાયબ વડાપ્રધાન અને કોંગ્રેસના સૌથી
મજબૂત નેતા રહેલા સરદાર પટેલને હજુ પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ સામે રજૂ કર્યા જ કરે
છે. “સરદાર પટેલ જો વડાપ્રધાન હોત તો ભારતની
૧૯૪૭માં આઝાદી મળ્યાના કલાકોમાં જ ગોવાને પોર્ટુગીઝ કનેથી મુક્ત કરાવી
શકાયું હોત” જેવાં ભાવનાત્મક નિવેદનો કરીને ગોવાની પ્રજાને
પલાળવાની કોશિશ થાય છે. હકીકત એ છે કે સરદાર પટેલે ક્યારેય વડાપ્રધાન બનવું જ
નહોતું છતાં વર્તમાનયુગીન નેતાઓ એમને મરણોત્તર ન્યાય તોળવાના સ્વઘોષિત ઉપક્રમોમાં
પોતાની કારકિર્દી ચમકાવવા જ પ્રયત્નશીલ છે. ગોવા જેવા બટુક રાજ્યના બુદ્ધિજીવીઓ
અને ઈતિહાસવિદો તો કહે છે કે મોદી કે એમના સાથીઓને ગોવાનો કે દેશનો ઈતિહાસ માલુમ
નથી. હકીકતમાં એમને સાચો ઈતિહાસ માલુમ હોય તો પણ તેમણે અનુકૂળ ઈતિહાસ લખાવવો અને
પ્રચલિત કરાવવો છે. ગોવામાં ભાજપની જે સેના છે એના વિશે “ભાજપ ઓફ કોંગ્રેસ” જેવો શબ્દપ્રયોગ થાય છે. “પાર્ટી વિથ અ ડિફરન્સ”ની છબીનો ભાજપનો દાવો હતો એને બદલે “સત્તા કે લિયે કુછ ભી કરેગા”ની પાર્ટી બની ગઈ છે. ગોવામાં તો કોંગ્રેસીઓ અને આયારામ-ગયારામોથી
ફાટફાટ થઇ રહી છે. યેન કેન પ્રકારેણ સત્તા ટકાવવાનું જ લક્ષ્ય મોદીસેનાએ જાળવ્યું
છે. પોતાના શાસનકાળમાં ભારત-ચીન સરહદી સંબંધો અંગે કે રાષ્ટ્રીય સમસ્યાઓ અંગે બોલવાને
બદલે ઈતિહાસજમા ઘટનાઓને સતત ચર્ચામાં લાવીને પ્રજાને એક પ્રકારની ટ્રાન્સમાં
રાખવાની મોદીને સારી એવી ફાવટ આવી ગઈ છે. જે પાણીએ મગ ચડે એનો સ્વીકાર કરીને સત્તા
ટકાવવાનું એમને અને એમની રાજકીય સેનાને ગોઠી ગયું છે. પ્રશાસકોને પણ વશમાં કરી
લેવાની ફાવટ છે. ઇતિહાસમાં “જો” અને “તો”
હોતું નથી. મોદી યુગમાં ભારતીય ઈતિહાસને “જો”
અને “તો”માં
ચૂંટણી સભાઓ કે સરકારી સમારંભોમાં પણ રજૂ કરાય છે. ઇતિહાસનું વિકૃતીકરણ સાર્વત્રિક
છે. ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે સરકાર તરફથી સહાય આપવાની યોજનાઓનાં સત્તાવાર
વર્ણનોમાં પણ આ જોવા મળે છે. સામાન્ય પ્રજા ભાગ્યેજ આ સત્તાવાર દસ્તાવેજો વાંચવાની
કે જોવાની તસ્દી લેવાની છે. માત્ર વડાપ્રધાન જ નહીં, તેમના તમામ સાથીઓ પણ આ
કોરસગાનમાં એક જ રાગ આલાપે છે. માધ્યમો પણ એમની વાતને બેપાંદડે કરવાનો ધર્મ નિભાવે
છે.
આદિલશાહીથી પોર્ટુગીઝશાહી
ગોવામાં ઈ.સ. ૧૫૧૦ લગી આદિલશાહી શાસન હતું, પણ આ
વર્ષે પોર્ટુગીઝોએ ગોવાને પોતાના અખત્યાર હેઠળ લીધું એ પછી છેક ૧૯ ડિસેમ્બર,
૧૯૬૧ના રોજ ભારતીય લશ્કર થકી વડાપ્રધાન પંડિત નેહરુની સરકારે ભીંસ વધારીને “ઓપરેશન વિજય” ગોવાને ભારતમાં ભેળવ્યું. વર્ષ ૧૯૪૭માં
અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત મુક્ત થયું અને ગોવાને મુક્ત કરાવવામાં ૧૫ વર્ષનો
વિલંબ કેમ થયો એવો પ્રશ્ન અત્યારે રાજકીય કારણોસર કરવામાં આવે એ વાતનું સાહજિક જ
આશ્ચર્ય થાય છે. ઈતિહાસને ચૂંથવા જતાં વર્તમાન શાસકોના ઇતિહાસની કોઠીમાંથી કાદવ જ
નીકળે એવું છે. તર્કહીન પ્રશ્નો જ કરવાના હોય તો કોઈપણ પૂછી શકે કે ભારતને આઝાદી ૧૯૪૭માં મળી,વહેલી કેમ નહીં?
કોંગ્રેસના નેતૃત્વમાં જ આઝાદીનો જંગ ખેલાયો. ગાંધીજી, નેહરુ અને સરદાર સહિતના
અનેક પૂર્વસૂરિઓના સત્યાગ્રહો, દીર્ઘ જેલવાસ અને અંગ્રેજ હાકેમો સાથેની વાટાઘાટો
થકી જ આ શક્ય બન્યું. પ્રશ્ન તો એ પણ કરી
શકાય કે જયારે મહિસૂરનો ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતાં લડતાં ઈ.સ. ૧૭૯૯માં મરાયો
એ વેળા અંગ્રેજોને પક્ષે રહેલા મરાઠાઓ જો ટીપુને પક્ષે લડ્યા હોત તો અંગ્રેજોની
ગુલામી આવી જ ના હોત. પ્રશ્ન એ પણ ફેંકી શકાય કે હિન્દવી સ્વરાજ (હિંદુ સ્વરાજ
નહીં)ના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજના
પિતાશ્રી શહાજી રાજે ભોસલેએ નિઝામના દરબાર અને આદિલશાહી દરબારમાં સરદાર તરીકે સેવા
આપવાને બદલે સ્વતંત્ર રજવાડું સ્થાપ્યું હોત તો શિવાજી મહારાજે સંઘર્ષ કરવો જ ના
પડ્યો હોત! ઇતિહાસના ઘટનાક્રમમાં આવા તરંગતુક્કા હોતા નથી, પણ રાજકીય મંચ પર આવા
તરંગતુક્કા સત્તા અપાવી શકે છે એ વાતે પ્રજાએ સવેળા જાગવાની જરૂર ખરી.
નિવેદનસૂરો કેટલા પાણીમાં
આંતરરાષ્ટ્રીય સંબંધો એ કાંઇ ખાવાના ખેલ નથી કે
રાજકીય મંચ પરથી એલાન કર્યું અને લશ્કર મોકલીને
બીજા દેશે ગપચાવેલો પ્રદેશ કે બીજા દેશનો હિસ્સો કબજે કરી લેવાય. ગોવા
પોર્ટુગીઝ પ્રદેશ હતો. એની પ્રજાના આઝાદી માટેના સંઘર્ષને સમર્થન આપનારા ભારતીય
નેતાઓમાં ડૉ.રામ મનોહર લોહિયા, એસ.એમ. જોશી, જગન્નાથરાવ જોશી, સુધીર ફડકે સહિતના અનેક સમાજવાદી અને બીજા ક્રાંતિકારી
અગ્રણીઓ હતા. અસંખ્યોએ પોર્ટુગીઝ જેલોમાં જેલવાસ ભોગવ્યો. ગોળીઓ પણ ઝીલી. પણ આજે
વડાપ્રધાન નેહરુ તરફ સવાલ ફેંકે કે મોહન રાનડે જેવા સ્વતંત્રતા સેનાનીએ પોર્ટુગીઝ
જેલમાં કેમ રહેવું પડ્યું હતું? એ જરા હસવું લાવે તેવી વાત છે. સરદાર ભગત સિંહ અને
વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓ ઉપરાંત લાલા લાજપત રાય, લોકમાન્ય ટિળક, મોતીલાલ
નેહરુ, મહાત્મા ગાંધી, નેતાજી બોઝ, પંડિત નેહરુ, સરદાર પટેલ, ડૉ.કેશવ બલિરામ હેડગેવાર,
મૌલાના આઝાદ, ઇન્દિરા ગાંધી, મણિબહેન પટેલ સહિતનાં કોંગ્રેસીઓએ જેલમાં કેમ રહેવું
પડ્યું એવો સવાલ કોઈ પૂછે તો એ વિશે શું કહેવું? આઝાદીના સંઘર્ષમાં જેલવાસ અને
ફાંસી શક્ય બને. માન્યું કે પંડિત
જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલમાં એ ત્રેવડ નહોતી કે ૧૯૪૭માં ભારત આઝાદ
થયાના કલાકોમાં ગોવા લઇ ના શક્યા.પાકિસ્તાન સાથે જોડાયેલા જૂનાગઢને ત્રણેક મહિના
પછી પાછું મેળવવામાં નેહરુ-સરદારની સરકારને સફળતા મળી. નિઝામ કનેથી હૈદરાબાદ લેતાં
સરદાર-નેહરુને વરસ કરતાં ય વધુ સમય લાગ્યો. પ્રશ્નો કરનારા વર્તમાન શાસકો સર્જિકલ સ્ટ્રાઈકના
મુદ્દે ખાસ્સો રાજકીય લાભ લે છે. સંસદમાં દુહાઈ પણ દે છે કે પાકિસ્તાને ગપચાવેલો
કાશ્મીરનો પ્રદેશ- પીઓકે પણ લઈને બતાવીશું. સત્તામાં સાત વર્ષ વિત્યા છતાં પાકિસ્તાન કે ચીને
ગપચાવેલો પ્રદેશ પાછો કેમ મેળવી શક્યા નથી, એવો પ્રતિ પ્રશ્ન પણ થઇ શકેને? વિશ્વ
સંબંધોમાં ગમે ત્યારે કોઈની ઉપર આક્રમણ કરી શકાતું નથી. પૂર્વ પાકિસ્તાનની બંગાળી
પ્રજા પર પશ્ચિમ પાકિસ્તાનના પંજાબી લશ્કરના અમાનુષી અત્યાચાર જોઇને વડાંપ્રધાન
ઇન્દિરા ગાંધીએ લશ્કરી વડા જનરલ માણેકશાને
આક્રમણના આદેશ આપ્યા નહોતા, એના માટે વિશ્વમાં જનમત કેળવીને પછી જ એ
પ્રજાની સહાય કરવા માટે લશ્કર પાઠવીને બાંગલાદેશનાં દાયણ બનવાનું પસંદ કર્યું
હતું. કમનસીબે શાસકોને આટલી સમાજ ના હોય કે એ ના હોવાનો દેખાડો કરે ત્યારે
ગરિમાલોપ જરૂર થાય છે.
ઇતિહાસકાર થકી નીરક્ષીર
વડાપ્રધાનનાં વિવાદાસ્પદ નિવેદનો ક્યારેક વિશદ
અભ્યાસ કે સંશોધન કરવા પ્રેરે છે. ક્યારેક એમાંથી મનોરંજન પણ મળે છે. મરાઠી વિશ્વકોશમાં ગોવાના મુક્તિ સંગ્રામની
અધિકૃત ગાથા રજૂ કરાઈ છે. ગોવાના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને “ગોવા ગોલ્ડ, ગોવા સિલ્વર, હર હિસ્ટ્રી ,હર
હેરિટેજ: ફ્રોમ અર્લિએસ્ટ ટાઈમ્સ ટુ ૨૦૧૯” નામક ગ્રંથના લેખક પ્રજલ સાખરદંડેને ગોવમુક્તિ
સંદર્ભે વડાપ્રધાન મોદીના નિવેદન સંદર્ભે અમે પૂછ્યું તો એમણે વિગતવાર નોંધ લખી
મોકલી. શાસકો નારાજ થઇ જવાની ધાસ્તી કે
એમની કૃપાદ્રષ્ટિ મેળવવાની વૃત્તિ ધરાવ્યા વિના જ આ ઇતિહાસવિદ શબ્દો ચોર્યા વિના
તથ્યો નોંધે છે: “ એ હકીકત છે કે (સંરક્ષણ મંત્રી) વી.કે.
કૃષ્ણમેનને ગોવાને સામ્રાજ્યવાદી ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજય હેઠળ
લશ્કર તૈનાત કર્યું હતું, છતાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ભૂમિકાને નકારી કે
અવગણી શકાય તેમ નથી. નેહરુજી સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી મંત્રણાઓ દ્વારા ગોવા
સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ હતા. (તાનાશાહ) સાલાઝારનું પોર્ટુગલ નાટોનું સભ્ય
હતું. ગોવા શીતયુદ્ધનો મુદ્દો બન્યું હતું.ગોવાની મડાગાંઠ ઉકેલવામાં (અમેરિકાના
વડપણ હેઠળ) નાટો એમાં કૂદી પડે તો નેહરુએ સોવિયેત યુનિયનનો ટેકો મેળવવાની ગણતરી પણ
રાખી હતી. વળી, નેહરુ શાંતિના માર્ગે અને શાંતિપૂર્ણ મંત્રણાને માર્ગે ઉકેલ માટે
પ્રયત્નશીલ હતા. ચીનના ઝાઉ એન લાઈ સાથે
ભારતે પંચશીલ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હોવાથી (ગોવા વિશે) શાંતિપૂર્ણ ઉકેલ
માટે પ્રયાસ થતા હતા. હુમલાની પહેલ નહીં કરવા અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સહિતના
પંચશીલના ધ્યેયના પ્રતાપે નેહરુ પોર્ટુગલ પર (ગોવા એનો પ્રદેશ હોવાથી) આક્રમણ
કરવાની ઈચ્છા ધરાવતા નહોતા. (આક્રમણ કરાય તો )ગાંધીવાદી મૂલ્યોનું હનન ગણાય.એટલે
નેહરુજીએ શક્તિ પ્રદર્શન કરવાનું ટાળ્યું. આના પ્રતાપે ગોવાને મુક્ત કરાવવામાં ૧૪
વર્ષનો વિલંબ થયો. આનું અર્થઘટન એવું લગીરે નથી કે નેહરુ આ મુદ્દે બેપરવા કે
ઉદાસીન હતા.” ગોવાના
તટસ્થ ઈતિહાસકારની આટલી સ્પષ્ટ વાત પછી વડાપ્રધાન મોદીના ઈતિહાસ વિષયક રાજકીય
નિવેદનને સામાન્ય માનવી પણ સમજીને મૂલવી શકે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૨)
No comments:
Post a Comment