Sunday, 6 February 2022

India Gate Statue: Nehru, Gandhi and Subhas: Debates in the Parliament

                                  ઇન્ડિયા ગેટ પર પ્રતિમસ્થાપન: નેહરુ, ગાંધી પછી બોઝ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ૧૯૬૪માં ગુજરાલનો જવાહર માટે પ્રસ્તાવ  

·         ચંદ્રશેખર-વાજપેયી રાષ્ટ્રપિતાના પક્ષે હતા

·         એકાએક મોદીની સુભાષચંદ્ર માટેની સોગઠી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.6 February, 2022.

હજુ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ જન્મજયંતીની ઉજવણી ટાણે જ દિલ્હીના ઇન્ડિયા ગેટ જેવા મહત્વના સ્થાને, બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી ત્યાં, નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા મૂકાય એ પૂર્વે  ત્યાં ૨૮ ફીટ ઊંચી  ૩-ડી હોલોગ્રામથી નેતાજીની પ્રતિમા સ્થાપિત કરી. વડાપ્રધાન મોદી ખાસ્સી ઉતાવળમાં લાગે  છે. ગ્રેનાઈટ પ્રતિમા બને એ પૂર્વે ચૂંટણીના માહોલમાં આ ૩-ડી હોલોગ્રામ પ્રતિમાનું લોકાર્પણ કર્યું. અગાઉ મોદી આ જ ૩-ડી ટેકનોલોજી થકી પોતાની ચૂંટણીસભાઓ કરી ચૂક્યા છે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા મૂકાય એ સાર્વત્રિક આવકાર પામનાર ઘટના હતી. રડ્યાખડ્યા કોઈકનો જ વિરોધ સંભળાયો. નેતાજીનાં ૭૯ વર્ષીય પુત્રી પ્રા. અનીતા બોઝ-ફાફે પણ એને જર્મનીથી  આવકાર આપ્યો. એ સંદર્ભે કોઈ વિરોધના સંદર્ભે એમણે કહ્યું પણ ખરું કે અહીં નેતાજીની પ્રતિમા ના મૂકાય તો સરદાર પટેલની પ્રતિમા મૂકાવી જોઈએ. અત્રે એ સુવિદિત છે કે સરદાર વલ્લભભાઈ પોતે પ્રતિમાઓ અને સ્મારકોના પણ વિરોધી હોવાનું મહાત્મા ગાંધીના નિધન બાદ તેમણે લખેલા લેખમાં સ્પષ્ટ કર્યું હતું. ખેર, હવે તો છેક ૧૯૬૮માં કિંગ જ્યોર્જ પંચમની પ્રતિમા હટાવાતાં ખાલી પડેલી છત્રી તળે નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા મૂકવાનું જાહેર થયું છે. જોકે અહીં પ્રતિમા મૂકાય તે પૂર્વે નેતાજીસમર્થકોના વિરોધ દેખાવો પણ શરૂ થઇ ગયા છે.

સંસદભવનથી ધોરાજી સુધી

ઇન્ડિયા ગેટથી થોડે જ અંતરે એટલે કે સાંસદ ભવન પરિસરમાં વડાપ્રધાનની કચેરીની પાસે જ નેતાજીની પૂર્ણ કદની કાંસ્યપ્રતિમાનું એચ.ડી.દેવેગૌડા વડાપ્રધાન હતા ત્યારે ૧૯૯૭માં એ વેળાના રાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાળ શર્માને હસ્તે ઉદઘાટન થયું હતું. અત્યારે એ ત્યાં ભવ્યતા સાથે ઊભી જ છે. હમણાં નેતાજીની હોલોગ્રામપ્રતિમા મૂકાયાને માંડ પખવાડિયું પણ વિત્યું નથી ત્યાં તો આ હોલોગ્રામ પ્રતિમા બુઝાઈ જવાના બે બનાવો બન્યા. એ સામે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ એ સ્થળે નેતાજી કો અંધેરે મેં ક્યોં રખા હૈ?” “લેટ ધેર બી લાઈટ કે બ્લેકઆઉટ નેતાજી જેવાં ફલક સાથે  વિરોધી-દેખાવો પણ કર્યા. આ જ ગાળામાં ગુજરાતના ધોરાજીથી વાવડ આવે છે : નેતાજીની આઝાદ હિન્દ બેંક માટે ધોરાજીમાં જન્મેલા અને બર્મા જઈને મોટા ધનપતિ થયેલા મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફાનીએ ૧૯૪૪માં પોતાની સઘળી સંપત્તિ એટલે કે એ વેળા ૧ કરોડ રૂપિયા રોકડા અને ત્રણેક લાખ રૂપિયાનાં ઘરેણાં (આજના ભાવે ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ) નેતાજીને ચરણે ધરી દીધાં હતાં. એમના નામે ધોરાજીમાં કોઈ રસ્તાના નામકરણની ધોરાજી મેમણ જમાતની દરખાસ્ત બબ્બે વરસથી ધોરાજી નગરપાલિકામાં  રખડે છે! આ લખનારે આ વાત રાજકોટના કલેકટરથી લઈને વડાપ્રધાન લગી પહોંચાડી છે. હવે તો અપેક્ષા કરી શકાય કે  દેશની આઝાદીમાં ભવ્ય યોગદાન કરનાર ધોરાજીના સુપુત્ર મેમણ હબીબ મારફાનીના નામે માત્ર રસ્તાનું માત્ર નામકરણ જ નહીં, નેતાજીને સમર્પિત આ દેશભક્તને ઉચિત મરણોત્તર સન્માન પણ મળશે.

લોહિયા-ગુજરાલના પ્રસ્તાવ

ક્યારેક પંડિત નેહરુના ખાસંખાસ રહેલા કોંગ્રેસના મહામંત્રીમાંથી અલગ થયેલા સમાજવાદી નેતા ડૉ.રામમનોહર લોહિયા વિપક્ષે બેઠા. જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને પછી અધ્યક્ષ રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે મળીને ૧૯૬૭માં એ વેળાનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સામે કોંગ્રેસ વિરોધી સંયુક્ત મોરચાનો પડકાર ઊભો કરી શક્યા હતા. એ યુગ વિરાટ વ્યક્તિત્વોનો હતો. નવી દિલ્હી મહાપાલિકા સમિતિના ઉપાધ્યક્ષ અને પછીથી સાંસદ રહેલા (તથા વડાપ્રધાન પણ બનેલા) ઇન્દર કુમાર ગુજરાલે ૧૯૬૪ના ગાળામાં કનોટ પ્લેસને નેહરુ પ્લેસ નામ આપવા અને ઇન્ડિયા ગેટ સામેની કિંગ જ્યોર્જ પંચમની પ્રતિમાને ખસેડીને ત્યાં પ્રથમ વડાપ્રધાન અને ૧૯૨૯ના લાહોર કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરાવનાર પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા મૂકાવી જોઈએ, એવી દરખાસ્ત કરી હતી. પ્રજાસત્તાક દિવસ  ૨૬ જાન્યુઆરીની પરેડ માટે રાજપથ નિર્ધારિત  હોવાને કારણે ઇન્ડિયા ગેટ પર નેહરુની ભવ્ય પ્રતિમા મૂકાય તે યોગ્ય લેખાશે એવો તેમનો તર્ક હતો. ડૉ.લોહિયા તો દેશમાંથી બ્રિટિશરોની તમામ પ્રતિમાઓ અને બાવલાં ખસેડવાના પક્ષધર હતા. જોકે જ્યોર્જ પંચમની પ્રતિમાનું ૧૯૬૮માં વિકૃતીકરણ કરાયા બાદ એને ઇન્ડિયા ગેટ પરથી હટાવવામાં આવ્યું ત્યારથી એ છત્રી ખાલી પડી છે. જર્મન ભાષામાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ લખનારા ડૉ.લોહિયા જર્મનીથી ભારત પાછા ફર્યા પછી સતત હિંદીના સાર્વત્રિક વપરાશના અને અંગ્રેજી હટાવોના આગ્રહી રહ્યા. એમણે તો વિદેશની ધરતી પર કવિ માર્ગ નિહાળીને ભારતમાં પણ અંગ્રેજ કવિ શેક્સપિયર અને સંસ્કૃત કવિ કાલિદાસની પ્રતિમાઓ બાજુબાજુમાં મૂકવાનો પણ આગ્રહ સેવ્યો હતો.

ગાંધીપ્રતિમા માટે સર્વાનુમત 

બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચમની પ્રતિમા હટાવાતાં ખાલી પડેલી એ છત્રી તળે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ પ્રતિમા મૂકાવી જોઈએ; એ વિશે સંસદમાં ભારતીય જનતા પક્ષ સહિતના તમામ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે ૩૧ જાન્યુઆરી, ૧૯૯૭ અને ૫ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ સર્વાનુમતિ સધાઈ હતી. આ ચર્ચા સંસદના રેકોર્ડ પર હોવા છતાં આટઆટલાં વર્ષ સુધી રાષ્ટ્રપિતાની પ્રતિમા મૂકવાની વાત ઠેબે ચડતી રહી. એ વેળા ગાંધીજીના અપમાન અને તેમની પ્રતિમાને તોડવા સહિતની શક્યતાઓ વડાપ્રધાન રહેલા ચંદ્રશેખરે સંસદમાં જ વ્યક્ત કરી હતી. તેમ છતાં, એ વેળા ૩૦ વર્ષથી અનિર્ણિત રહેલા પ્રકરણમાં તત્કાળ નિર્ણય લેવા સરકારને આગ્રહ કર્યો હતો. ઇન્ડિયા ગેટ પર મહાત્માની પ્રતિમા મૂકાય એ સામે અદાલતમાં ગયેલા શશી ભૂષણ જેવા  બુદ્ધિજીવીઓને પણ અદાલતે અને ચંદ્રશેખરે સુણાવ્યું હતું. અદાલતે આ અંગેનો  નિર્ણય સરકાર અને સંસદ પર છોડ્યો હતો. આ ગાળા દરમિયાન વડાપ્રધાનપદે ઇન્દર કુમાર ગુજરાલ હતા. ચંદ્રશેખરે ઇન્ડિયા ગેટ પર મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકવાની માંગણી કરનારા રાજકીય નેતાઓની યાદી પણ  ગુહમાં રજૂ કરી હતી. એમાં ગુજરાલ સરકારના જ ગૃહમંત્રી ઇન્દ્રજીત ગુપ્તા, સાંસદ રહેલા મધુ લિમયે, પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ, વિપક્ષના નેતા અને વડાપ્રધાન રહેલા ભાજપી નેતા અટલ બિહારી વાજપેયી, નીતીશ કુમાર, કૃષ્ણકાંત, નવલકિશોર શર્મા, સાદિક અલી વગેરેનો સમાવેશ હતો. ૩૧ જુલાઈ, ૧૯૯૭ની લોકસભાની ચર્ચામાં સહભાગી ભાજપના નેતા પ્રમોદ મહાજન, સુષ્મા સ્વરાજ, માર્ક્સવાદી સોમનાથ ચેટરજી, કોંગ્રેસી સંતોષ મોહન દેવ, રેલવે મંત્રી રામવિલાસ પાસવાન સહિતનાએ ઇન્ડિયા ગેટ પર મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકાય એવો આગ્રહ સેવ્યો હતો. ફરી ૫ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ લોકસભામાં જયારે ૧૯૯૦-૯૧માં વડાપ્રધાન રહેલા ચંદ્રશેખરે ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપિતાની પ્રતિમા મૂકવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે એમને ભાજપના નેતા વાજપેયી, કોંગ્રેસના નેતા રાજેશ પાયલટ અને કુંવર સર્વરાજ સિંહ તથા એ વેળાના રેલવે મંત્રી રામવિલાસ પાસવાને પણ સમર્થન આપ્યું હતું.  અગાઉ આઝાદીની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે  ઇન્ડિયા ગેટ પર વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે ઓગસ્ટ ક્રાંતિ ઉદ્યાનનો શિલાન્યાસ કર્યો હતો. મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ત્યાં મૂકાવાની હતી. જોકે સમગ્ર બાબત એક યા બીજા મુદ્દે  બે દાયકા લગી ટલ્લે ચડતી રહી. છેવટે વડાપ્રધાન મોદીએ એકાએક જાહેરાત કરી કે ઇન્ડિયા ગેટની એ ખાલી છત્રીની જગ્યાએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ગ્રેનાઈટની ભવ્ય પ્રતિમા મૂકાશે. આ પ્રતિમા સત્વરે સ્થાપિત થાય તો એ સ્થાપિત કરાય એ પહેલાં હોલોગ્રામ પ્રતિમાના શરૂ થયેલા વિવાદ કે અન્ય વિવાદ ટળી શકે.

તિખારો

વહ ખૂન કહો કિસ મતલબ કા

જિસ મેં ઉબાલ કા નામ નહીં?

વહ ખૂન કહો કિસ મતલબ કા

આ સકે દેશ કે કામ નહીં?

વહ ખૂન કહો કિસ મતલબ કા

જિસમેં જીવન રવાની હૈ? 

જો પરવશ હોકર બહતા હૈ

વહ ખૂન નહીં હૈ, પાની હૈ!

-          ગોપાલ પ્રસાદ વ્યાસ 

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૫ ફેબ્રુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment