જેને શિરે ઠારવાની જવાબદારી એના થકી
જ ઉંબાડિયાં
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·
ગંગા
જમુની તહજીબનો લોપ રાષ્ટ્રઘાતક
·
હિજાબ
કે અન્ય વિવાદ શાસકો શમાવે
·
ચૂંટણીની
હાર-જીત કરતાં રાષ્ટ્ર મહત્વનું
Dr.Hari
Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supllement
UTSAV. 12 February, 2022.
હમણાં હમણાં પશ્ચિમ બંગાળ કે ઉત્તર પ્રદેશની ચૂંટણી કે પછી કર્ણાટકના પોશાક
ઉત્પાત કે પછી ગુજરાત સહિતનાં રાજ્યોમાંથી પ્રગટતી કોમી છમકલાવાળી સોશિયલ મીડિયાની
પોસ્ટો સંદર્ભે દિલ વલોવાઈ એવો માહોલ આકાર લઇ રહ્યો છે. ગંગા જમુની તહજીબ (હિંદુ
મુસ્લિમ સમન્વય સંસ્કૃતિ) માટે સદાય ગર્વ લેનારા ભારતમાં અત્યારે જાણે કે ફ્રાન્સ
કે ઈઝરાયલનો ઝનૂની વાયરો વાઈ રહ્યો છે. સત્તાધીશોની જવાબદારી તો જનસામાન્યમાંની ઉશ્કેરણી
કે અથડામણોને નાથવાની હોય,પણ આજકાલ ચૂંટણીઓ જીતવાની લાહ્યમાં ૮૦:૨૦ના નારા
લાગે છે.સત્તાના અધિપતિઓના મુખે ધાર્મિક ઉન્માદ જગાડનારાં નિવેદનો છાસવારે સાંભળવા
મળે છે. સત્તા અને સામર્થ્ય થકી અનેકતામાં એકતાની ગૌરવવંતી ઉજ્જવળ પરંપરાઓ લુપ્ત
કરવાની કવાયતો ચલાવાતી હોય એની અનુભૂતિ થયા વિના રહેતી નથી. સોશિયલ મીડિયામાં
ધાર્મિક બાબતોનાં ઉંબાડિયાં કરાવનારી પોસ્ટ નિતનવાં વિભાજનો સર્જે છે. સત્તાધીશોને
વહાલા થઈ લાભ ખાટવાની દોટમાં બુદ્ધિજીવીઓ પણ તર્ક અને તથ્ય છોડીને ગાડરિયા
પ્રવાહના હિસ્સા બનવા માંડ્યા છે. રાજકીય ગરમાટામાં માનવતા અને બંધુત્વની ભાવના
ભૂલાતી જતી લાગે છે. કોમી અથડામણોમાંથી ૧૯૪૭ના વિભાજનના કારમા અનુભવોમાંથી પસાર
થયેલા ભારતમાં અખંડ ભારતની ભૂમિકાને બદલે નવાં વિભાજનો ભણી દેશને ધકેલવાની કોશિશો
કે કારસા ચાલતા હોય એવું લાગે છે. સમગ્ર દેશમાં ઉત્તરથી દક્ષિણ તરફ કે પૂર્વથી પશ્ચિમ તરફ નજર નાંખતાં ભારતીય
બંધારણમાં જે આરાધ્ય વ્યક્તિત્વોનાં ચિત્રો સહેતુક આઝાદીના અગ્રણીઓમાંથી વિશ્વનું
શ્રેષ્ઠ બંધારણ ઘડનારા બનેલાઓએ આપ્યું એ સઘળું ખેદાનમેદાન કરવાના પ્રયાસો ચોફેર
ચાલી રહ્યાનું જ લાગે છે. એકસૂરમાં કોરસગાન નહીં કરનારાઓને દેશ છોડી જવાની કે
રાષ્ટ્રદ્રોહી જાહેર કરવાની હૂંસાતૂંસી ચાલી રહી છે. સઘળે જોવા મળતો આ ઉન્માદ
આત્મઘાતી હોવા છતાં વિશ્વ વિજેતાનો અશ્વમેધ ગણાવાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
કે તેમના પટ્ટશિષ્યો પંડિત નેહરુ અને સરદાર પટેલ કે પછી ગાંધીજીને સૌપ્રથમ
રાષ્ટ્રપિતાનું સંબોધન કરનાર નેતાજી બોઝની હિંદુ-મુસ્લિમ એકતાની વાતોની હાંસી
ઉડાવવાનું ચલણ વધ્યું છે. અનુકૂળતાએ પ્રાચીનથી અર્વાચીન રાષ્ટ્રીય વ્યક્તિત્વોનાં નામો
વટાવવામાં આવે છે જરૂર, પણ એમના વિચારહાર્દને બાજુએ હડસેલીને સ્વાર્થની સિદ્ધિનો
રાજમાર્ગ બનાવવા પૂરતું જ એ નારા અને છબીઓમાં સીમિત છે.
હિજાબ વિવાદના વૈશ્વિક પડઘા
ઘરઆંગણે કર્ણાટકમાં મુસ્લિમ કન્યાઓ હિજાબ પહેરીને
શાળા-કોલેજ જાય ત્યારે એનો પ્રતિકાર કરવા માટે ભગવા ખેસ નાંખીને બીજાં વિદ્યાર્થી
પણ સરસ્વતી દેવીના મંદિરમાં જાય છે. એનો
વિવાદ કર્ણાટકમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવે છે એવું નથી, હાઇકોર્ટ અને
સુપ્રીમ કોર્ટ સુધી જ નહીં; સમગ્ર દેશમાં તો એના પડઘા પડે જ છે. વિશ્વમાં પણ એની
ગાજવીજ થવી સ્વાભાવિક છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય છે. આ મુદ્દો ધાર્મિક અને રાજકીય અગનજ્વાળા પ્રસરાવે ત્યારે
તો શાસકોએ તત્કાળ વિપક્ષના નેતાઓ અને
વિવિધ ધર્મના આગેવાનો તેમ જ ધર્મગુરુઓને વિશ્વાસમાં લઈને એને ઠારવાની સક્રિયતા દાખવવી
પડે.મુશ્કેલી એ છે કે આ મુદ્દો ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી
રહી છે ત્યારે ઉછળે છે કે ઉછાળવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વિશે
વિરોધીઓને દોષિત ગણાવે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કે અન્ય
રાજકીય પક્ષોના આગેવાનોનાં નિવેદનો આગમાં ઘી હોમવા સમાન બને છે. હકીકતમાં આ
વિવાદની આગને પ્રસરતી અટકાવવાની જવાબદારી શાસકોની છે. સર્વપક્ષી બેઠકો બોલાવીને
વિવાદને ઠારવાનો પ્રામાણિક પ્રયાસ થવો ઘટે. વિવાદને ઉગતાં જ દાબી દેવાની જરૂર હોય
છે. અદાલતો ભણી આવા સંવેદનશીલ મુદ્દા હડસેલીને રાજકીય આગેવાનો કે શાસકો પોતાની
જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. આ
વિવાદ એવા તબક્કે પણ ભડકે છે જયારે કર્ણાટકમાં અગાઉની કોંગ્રેસ સરકારને ગબડાવીને
સ્થાપિત થયેલી યેદીયુરપ્પાની ભાજપ સરકારની અનુગામી બોમ્માઈની ભાજપ સરકારને ગબડાવાય
એવા વાવડ આવી રહ્યા છે. ભારતમાં ભલે હિંદુરાષ્ટ્રના હાકલાદેકારા કરવામાં આવતા હોય,
પણ ભારત પ્રજાસત્તાક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. એટલે ખાસ કારણોસર વિવાદાસ્પદ
નિવેદનો કરવા માટે જાણીતી નટી કંગના રનૌત ઉંબાડિયું કરતાં કહે છે કે વ્યક્તિસ્વાતંત્ર્યની વાતો કરનારી ફિલ્મી
હસ્તીઓને અફઘાનિસ્તાનમાં બુરખો પહેર્યા
વિના ફરી બતાવે.વાત ઘરની છે, વિદેશની નહીં. જૂના જમાનાનાં નટી અને પૂર્વ સાંસદ શબાના
આઝમીએ એને યોગ્ય જ ઉત્તર વાળ્યો કે અફઘાનિસ્તાન ધર્મરાજ્ય (થિયોક્રેટિક સ્ટેટ) છે,
જયારે ભારત પ્રજાસત્તાક ધર્મનિરપેક્ષ
રાષ્ટ્ર છે. નેપાળ ક્યારેક વિશ્વનું એકમાત્ર
હિંદુરાષ્ટ્ર હતું, હવે નથી. હવે એ સેક્યુલર છે. વિશ્વમાં ઘણાં રાષ્ટ્રો
ઇસ્લામિક છે તો કેટલાંક ખ્રિસ્તી રાષ્ટ્રો છે. ભારતમાં તમામ ધર્મના લોકોને સમાન
નાગરિક અધિકાર બક્ષવાના આગ્રહી સરદાર પટેલે તો હિંદુરાષ્ટ્રના ખ્યાલને “પાગલોં કા ખયાલ” કહેવાનું પસંદ કર્યું હતું. બંધારણના મુખ્ય
ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર પણ હિંદુ રાજના વિચાર સામે કોઈપણ ભોગે લડી લેવાના
આગ્રહી હતા. સત્તાધીશોના આરાધ્યાપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ પણ ક્યારેક પત્રકાર
પરિષદ લઈને હિંદુ રાષ્ટ્રનાખ્યાલનો વિરોધ કર્યો હતો, એવું એમના સંઘનિષ્ઠ ભાજપી નેતા
એવા જીવનીકાર તથાગત રાયે નોંધ્યું છે. માત્ર ચૂંટણીઓ જીતીને સત્તાપ્રાપ્તિના લાભ
ખાટવા જતાં રાષ્ટ્રીય સંસ્કૃતિ અને સંસ્કારનું ધનોતપનોત કાઢવાના સંજોગોનું નિર્માણ
થાય છે એ રખે ભૂલાય.
તિખારો
નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે
હું ચૂપ રહ્યો;
હું
સામ્યવાદી નહોતો.
એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે
હું ચૂપ રહ્યો;
હું
સમાજવાદી નહોતો.
એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે
હું ચૂપ રહ્યો;
હું
કામદાર યુનિયનવાળો નહોતો.
એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે
હું ચૂપ રહ્યો;
હું
યહુદી નહોતો.
એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે
બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.
– માર્ટિન નાઈમુલર (અનુ. ધવલ શાહ)
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા
તારીખ: ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૨)
No comments:
Post a Comment