Wednesday, 19 January 2022

Rejecting Tableaux for the Republic Day Parade

 આઝાદીના અમૃત વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ટેબ્લો વિવાદ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પશ્ચિમ બંગાળ સરકારના નેતાજીના થીમવાળો ફ્લોટ નકારાતાં મુખ્યમંત્રી મમતા ભડક્યાં

·         કેરળ સરકારને નારાયણ ગુરુને બદલે આદિ શંકરાચાર્યના થીમનો જ કેન્દ્રે દુરાગ્રહ રાખ્યો

·         કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યા પછી રાજકીય વિરોધી સરકારોના ટેબ્લો નકારવાનું વધ્યું  

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ભારતીય રાજકારણ કેટલી નીચલી પાયરીએ ગયું છે કે હવે તો રાષ્ટ્ર ગૌરવની ઉજવણી મુદ્દે પણ પક્ષાપક્ષી જોવા મળે છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રજાસત્તાક દિવસની દિલ્હી પરેડમાં પશ્ચિમ બંગાળ અને કેરળના ટેબ્લોને સામેલ કરવાના કેન્દ્ર સરકારના ઇનકારને કારણે રાજકીય વિવાદ સર્જાવો સ્વાભાવિક છે. નવાઈ એ વાતની છે કે આ વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે નેતાજી બોઝ અને તેમના નેતૃત્વવાળી આઝાદ હિંદ ફોજ (આઇએનએ)ના વિષયને કેન્દ્રમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે પરેડ માટે ટેબ્લોનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ એનો કોઈપણ કારણ આપ્યા વિના અસ્વીકાર કરવામાં આવતાં રાજકીય વિવાદવંટોળ જાગ્યો છે. એવું નથી કે પશ્ચિમ બંગાળનો ટેબ્લો પહેલીવાર અસ્વીકૃત બન્યો હોય.આ લાગલગાટ ચોથી વાર રાજ્ય સરકારના ટેબ્લોને નકારવામાં આવ્યો છે.મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્યસ્થતા કરવા કહ્યું છે. પશ્ચિમ બંગાળે આને માત્ર નેતાજી બોઝનું જ નહીં, પણ સમગ્રપણે બંગાળના સ્વાતંત્ર્યસેનાનીઓ અને પ્રજાનું અપમાન લેખાવ્યું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને બોઝ પરિવારના ભાજપી નેતા ચંદ્રકુમાર બોઝે પણ નેતાજી વિનાના ટેબ્લોની વાત સામે વિરોધ નોંધાવ્યો છે. કેરળનું પણ આવું જ બન્યું છે. કેરળ સરકારે આ વખતે પ્રખર સમાજ સુધારક નારાયણ ગુરુના થીમને લઈને ટેબ્લો રજૂ કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી હતી. એને આદિ શંકરાચાર્ય વિશેનો ટેબ્લો રજૂ કરવા જણાવાયું. કેરળ સરકાર આ મુદ્દે સંમત નથી. અગાઉનાં વર્ષોમાં પણ કેરળ સરકારના ટેબ્લોને પ્રજાસત્તાક દિવસની દિલ્હી પરેડમાં સામેલ નહીં કરાયાનું બન્યું છે. આ વર્ષે જે ૧૨ રાજ્યોના ટેબ્લો રજૂ કરવા માટે મંજૂરી મળી છે તેમાં ૯ ભાજપ શાસિત રાજ્યો અને માત્ર ત્રણ બિન-ભાજપ શાસિત રાજ્યોનો સમાવેશ કરાયો છે. એ ત્રણ રાજ્યોમાં પંજાબ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢનો સમાવેશ છે. આ ત્રણેય કોંગ્રેસ શાસિત રાજ્યો છે. પશ્ચિમ બંગાળ એ તૃણમૂલ કોંગ્રેસ શાસિત છે અને કેરળ ડાબેરી મોરચાની સરકાર ધરાવે છે. આઝાદીના સંગ્રામ અને સમાજ સુધારાના જ્યોતિર્ધરોને અવગણવા કે એમની વચ્ચે વહેરોવંચો રાખવાનું વલણ દેશમાં નિરર્થક વિવાદ નિર્માણ કરે છે.

સુભાષચંદ્રની મક્તેદારીનો જંગ

કોંગ્રેસના બબ્બેવાર અધ્યક્ષ જ નહીં, આઝાદીના સંગ્રામમાં શિરમોર રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ માત્ર પશ્ચિમ બંગાળના જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપની નેતાગીરીએ એવું દર્શાવવાની કોશિશ કરી છે કે નેતાજીના યોગદાનને અવગણવામાં આવ્યું હોવાથી તેઓ કોંગ્રેસના સૌથી મજબૂત નેતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રક્રમે રહેલા સરદાર પટેલની જેમ જ  એમને પણ મરણોત્તર ન્યાય અપાવવા મેદાને પડી  છે. નેતાજી પર મક્તેદારી ધરાવવાના ભાજપના આ પ્રયાસોમાં પશ્ચિમ બંગાળની સરકાર ન જાણે કેમ અવરોધક બનતી લાગી હોય અને નેતાજીના થીમ સાથેના ટેબ્લોને નકારવામાં આવ્યો હોય એવું પણ બને. જોકે અહીં કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે કે ભાજપની નેતાગીરીએ આ ટેબ્લો નકારીને પ્રજામાં ખોટો સંદેશ જાય એવું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી મમતા બેનરજી આ મુદ્દાને નેતાજીના અપમાન અને રાજ્યની પ્રજાના સ્વાભિમાન સાથે જોડીને રાજકીય લાભ ખાટવાની કોશિશ કરે એ સ્વાભાવિક છે. વડાપ્રધાન મોદી મામલાને યોગ્ય રીતે સંભાળી લે એ ખૂબ જરૂરી છે.અન્યથા આ માત્ર રાજકીય વિવાદનો મુદ્દો જ નથી, ભારતના સંઘીય ઢાંચા પર કુઠરાઘાત કરનારો મુદ્દો છે. લાગલગાટ ચાર-ચાર વર્ષથી પશ્ચિમ બંગાળના ટેબ્લોને દેશની પ્રજાસત્તાક પરેડમાં સામેલ ના કરવામાં આવે એ બાબત જ ગંભીર છે. અગાઉનાં વર્ષોમાં આવું ભાગ્યેજ બન્યું છે. કેન્દ્રમાં સરકાર જે પક્ષની હોય એના કરતાં જુદા પક્ષની સરકાર રાજ્યમાં હોય ત્યારે એના ભણી ઓરમાયું વર્તન રાખવાનું અશોભનીય લેખાય. મમતાએ તો વડાપ્રધાનને લખેલા બે પાનાંના પત્રમાં જણાવ્યું છે કે નેતાજીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તેમના અને આઝાદ હિંદ ફોજના યોગદાનને બિરદાવતા આ ટેબ્લોમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર,રવીન્દ્રનાથ ઠાકુર,સ્વામી વિવેકાનંદ,દેશબંધુ ચિત્તરંજન દાસ,શ્રી ઓરોબિંદો,માતંગીની હઝરા,નઝરૂલ, બિરસા મુંડા અને અન્ય ઘણાં રાષ્ટ્રીય વ્યક્તિત્વોની તસવીરો પણ રજૂ કરાયેલી છે. આઝાદીના અમૃત મહોત્સવના પ્રજાસત્તાક દિવસે આઝાદીના સંગ્રામમાં મહાન યોગદાન આપનારાં વ્યક્તિત્વોને સ્થાન ના અપાય એ અંગે મમતાએ આઘાત વ્યક્ત કર્યો છે. અત્રે સ્મરણ રહે કે વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપના લાખ પ્રયાસો અને વડાપ્રધાન મોદી તથા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના વિજયના દાવા છતાં તૃણમૂલ કોંગ્રેસને મમતા બેનરજી ભવ્ય વિજય અપાવી શક્યાં હતાં અને સતત ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યાં હતાં. અગામી દિવસોમાં મમતા વડાપ્રધાનપદ માટે વિપક્ષનાં સંયુક્ત ઉમેદવાર તરીકે મોદી સામે ટકરાય એવા સંજોગો છે.

નારાયણ ગુરુ સામે શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય અને નારાયણ ગુરુ એ માત્ર કેરળ પૂરતાં સીમિત વ્યક્તિત્વો નથી. કેરળ સરકાર પ્રખર સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુનો ટેબ્લો પાઠવે અને એને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે આદિ શંકરાચાર્યનો ટેબ્લો મોકલવા માટે ફરમાવવું એ હાસ્યાસ્પદ જ નહીં, બંને મહાન વ્યક્તિત્વનું અપમાન કરવા સમાન છે. કેરળ સરકારે નારાયણ ગુરુના થીમ પર ટેબ્લો પાઠવવાની દરખાસ્ત કરી અને આ અંગે નિર્ણય કરનાર સંરક્ષણ મંત્રાલયને એવું લાગતું હોય કે આદિ શંકરાચાર્યનો ટેબ્લો પ્રજાસત્તાક દિવસની પરેડમાં હોવો જોઈએ તો એ ભારત સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય કને એ કરાવીને રજૂ  કરાવી શકે. રાજ્યોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા પર તરાપ મારવાના પ્રયાસો અઘટિત લેખાવા જોઈએ. પશ્ચિમ બંગાળ અને તમિળનાડુની જેમ જ કેરળમાં પણ ભાજપની નેતાગીરીએ, મુખ્યમંત્રીપદના વરરાજા તૈયાર રાખ્યા છતાં, વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં સાવ નાહી નાંખવું પડ્યું હતું. ફરી એકવાર પિનરાઈ વિજયનની ડાબેરી મોરચાની સરકાર તિરુઅનંતપુરમમાં સ્થપાય એટલે એને ભીંસમાં લેવાનાં બીજાં અનેક કારણો મળી શકે તેમ હોવા છતાં પ્રજાસત્તાક દિનની રાષ્ટ્ર ગૌરવની ઉજવણી ટાણે નારાયણ ગુરુ સામે શંકરાચાર્યને મૂકવાનું રાજકારણ અશોભનીય જ લેખાય.કેન્દ્ર સરકાર શંકરાચાર્ય અને નારાયણ ગુરુ બેઉને એકસાથે ટેબ્લોમાં આગળ પાછળ રજૂ કરવાની દરખાસ્ત કરે એ પણ હાસ્યાસ્પદ ગણાવી શકાય. કેરળ સરકારને સેક્યુલર વ્યક્તિત્વ એવા નારાયણ ગુરુને જ રજૂ કરવાની ઈચ્છા હોય તો એનો આદર થવો જોઈતો હતો. ભાજપ માટે નારાયણ ગુરુ પણ એટલા જ આદરણીય છે. આમ છતાં, કોઈથી કેરળ સરકારને આવા વરવા આદેશ અપાયા હોય તો સ્વયં વડાપ્રધાને એ સંદર્ભમાં વાતને વાળી લેવાનો પ્રયાસ સવેળા કરવાની જરૂર ખરી. સંત શ્રી  નારાયણ ગુરુ સંસ્થાપિત કેરળના શિવગિરિ મઠ તરફથી જ નહીં, કેરળ સરકારના મંત્રીઓ અને  કોંગ્રેસના નેતા બી.કે.હરિપ્રસાદ સહિતનાએ પણ કેન્દ્રના વલણને વખોડ્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ કેરળ સરકારના ટેબ્લોને કેન્દ્ર સરકારે નકાર્યાનું દુઃખદ પ્રકરણ બન્યા પછી આ ત્રીજી વાર તે નકારાય ત્યારે સ્વાભાવિક રીતે જ સઘળું રાજકીય કારણોસર બની રહ્યાનું લાગ્યા વિના રહેતું નથી. વાત પશ્ચિમ બંગાળની હોય કે કેરળની, આ રીતે રાજ્ય સરકારોના ટેબ્લોને નકારવામાં આવે એ લાંબે ગાળે દેશને માટે શુભ નિશાની નથી.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૭ જાન્યુઆરી, ૨૦૨૨)

 

No comments:

Post a Comment