Sunday, 9 January 2022

Raising the Marriage Age and KHAP

                         કન્યાઓની લગ્નવય વધારવા સામે જંગે ચડતી ખાપ પંચાયતો

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         બાળ લગ્નો અટકવાની દિશાનું પગલું 

·         હરિયાણા, પંજાબ અને ઉ.પ્ર.માં વિરોધ

·         રાજકીય ગણતરીથી પારોઠનાં પગલાં!

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.9 January, 2021. You may visit haridesai.com for more of such columns.

કેન્દ્ર સરકારે હમણાં કન્યાઓની લગ્નની ઉંમર ૧૮થી વધારીને ૨૧ કરવાનો નિર્ણય કર્યો. બાળલગ્ન અટકાવવાના નામે કાનૂની સુધારા માટે કેન્દ્રનાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ લોકસભામાં  રજૂ કરેલા વિધેયકમાં લગ્નની ન્યૂનતમ ઉંમર ૨૧ કરવા પાછળનાં કારણો અને તર્કો રજૂ કર્યા છે.  અનપેક્ષિત ક્ષેત્રમાંથી જ એના સંદર્ભમાં વિરોધના સૂર ઊઠવા પામ્યા છે. લગ્નો મોડાં કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ શક્ય બને એવી સામાન્ય ગણતરી મંડાઈ હતી. જોકે કેન્દ્રના આ નિર્ણય પાછળના ઈરાદાઓ સકારાત્મક હોવાની અપેક્ષા કરીએ, પણ સાથે જ એમાં રાજકીય ગણતરીઓ પણ મંડાઈ હતી. મુસ્લિમોને લગતા કાયદામાં કન્યાની ઉંમર ૧૫ થાય એટલે એ લગ્ન માટે પુખ્ત ગણાય એટલે ૧૫ને બદલે સર્વધર્મી કન્યાઓની લગ્નની કાનૂની વય ૨૧ કરવામાં આવે તો મુસ્લિમ સમાજમાંથી ઉહાપોહ મચવાની અપેક્ષા હતી. બન્યું એનાથી ઉલટું. મુસ્લિમો લગભગ શાંત રહ્યા અથવા તો શાસક પક્ષના રિમોટથી ચલાવાતા મનાતા એમઆઈએમના સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સિવાયના મોટા ભાગના મુસ્લિમ અગ્રણીઓએ એ વિશે કાં તો મૌન સેવ્યું અથવા સરકારના આ નિર્ણયને આવકાર આપ્યો. હકીકતમાં ઓવૈસીએ પણ જે મુદ્દે વિરોધ નોંધાવ્યો  એ રસપ્રદ હતો.એમનો પ્રશ્ન છે કે  મતદાનથી સરકાર રચવા વિશેનો નિર્ણય કરવાની ઉંમર ૧૮ હોય તો પોતાના જીવનસાથીને પસંદ કરવાનો નિર્ણય ૧૮ વર્ષની કન્યાઓ કેમ ના કરી શકે? વાસ્તવમાં માથે ચૂંટણીઓ હોય ત્યારે કેન્દ્ર સરકાર તમામ ધર્મનાં લગ્નો માટે કન્યાની ન્યૂનતમ વય પુરુષની વયની જેમ જ  ૨૧ કરવાનું જોખમ વહોરશે કે પારોઠનાં પગલાં ભરશે, એ અત્યારે  કહેવું મુશ્કેલ છે.  

રાજકારણપ્રેરિત પગલાં

કેન્દ્ર સરકારે અનપેક્ષિત વિરોધનો સામનો કરવો પડ્યો હોય તો એ હરિયાણા અને પંજાબ તથા ઉત્તર પ્રદેશની ખાપ પંચાયતો થકી. સમાન નાગરી ધારાના અમલની ગાજવીજ ભલે કરાતી હોય, પણ એનો કોઈ સત્તાવાર મુસદ્દો હજુ તૈયાર કરીને પ્રજા સમક્ષ રજૂ કરાયો નથી. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભલે સમાન નાગરી ધારાના અમલનો સમાવેશ કરાયો હોય પણ એ સામે વિરોધ હિંદુ સમાજમાંથી જ ઉઠવાની શકયતા વધુ છે. મુદ્દો ચર્ચામાં રાખવો અને એ મુદ્દે ચૂંટણી લાભ ખાટવા એ ભૂમિકા તમામ રાજકીય પક્ષોની રહે છે. અન્યથા જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર  બંધારણના અનુચ્છેદ ૩૭૦ને સમાપ્ત કરવાના મુદ્દે ભારે ગાજવીજ કરવામાં આવે છે, પરંતુ આવા જ બંધારણીય અનુચ્છેદ ૩૭૧ થકી ઇશાન ભારતનાં રાજ્યોમાં ત્યાંની ધારાસભાઓની સંમતિ સિવાય કેન્દ્રના કાયદા અમલી ના બને કે ત્યાંનાં રાજ્યોમાં અન્ય રાજ્યની વ્યક્તિ જમીન ના ખરીદી શકે એવી જોગવાઈ કરી આપતો અનુચ્છેદ ૩૭૧ હજુ અકબંધ છે! કેન્દ્ર સરકારે વારંવાર ખાતરી આપવી પડે છે કે ઇશાન ભારતનાં એ રાજ્યોને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ ૩૭૧ને દૂર નહીં કરવામાં આવે.

ખાપ પંચાયતોના તર્ક

હજુ હમણાં જ ધનખડ ખાપ પંચાયત થકી કેન્દ્રના કન્યાની લગ્નની વયમાં વધારો કરવાની હિલચાલ સામે વિરોધ નોંધાવતાં જે તર્ક રજૂ કરાયા છે એમને રાજકીય શાસકો પણ અવગણી શકે તેમ નથી. અગાઉ જિંદ ખાપ પંચાયત સહિતની ખાપ પંચાયતો આ અંગે આંદોલન કરવાની તૈયારી કરી ચૂકી છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશની ખાપ પંચાયતો એટલકે સામાન્ય રીતે સમાજના ઉજળિયાત કે  ઉપલા વર્ગના  જાટ સહિતના સમાજોનો નિર્ણય કરનારી પંચાયતો કેન્દ્રના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી ચૂકી છે. આ બધા હિંદુ સમાજનાં અંગ છે. સત્તારૂઢ પક્ષ જ નહીં, વિપક્ષ માટે પણ આ ખાપ પંચાયતોને નારાજ કરવાનું શક્ય નથી. એમની સમાંતર ન્યાય વ્યવસ્થા પ્રેમ લગ્નો તથા અન્ય સામાજિક વિવાદોમાં એમના સમાજોમાં સ્વીકૃતિ પામે છે. ધનખડ ખાપ પંચાયતના અધ્યક્ષ કે મુખિયા ઓ.પી.ધનખડ તો કેન્દ્રના આ નિર્ણયમાં લગ્ન પછી કન્યાઓ ભણી શકતી નથી અને સામજિક જવાબદારીના બોજ તળે દબાઈ જતી હોવાની વાતનો પોતાના પરિવારની જ વાત કરીને છેદ ઉડાડ્યો છે. એ કહે છે: “લગ્ન વખતે મારાં પત્ની જેબીટી ડિપ્લોમા જ ધરાવતાં હતાં.હું અત્યારે ૭૫નો છું. મેં મારી પત્નીને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી અને નોકરી માટે પણ.એ શાળામાં આચાર્યા તરીકે નિવૃત્ત થઇ.અમારી બંને દીકરીઓને ૧૮ અને ૨૦ વર્ષની વયે પરણાવી હતી. એ બંને લગ્ન પછી  પીએચ.ડી. થઇ અને અત્યારે અધ્યાપન કરે છે. મારાં પુત્રવધૂ પણ ઉચ્ચ શિક્ષણ પામેલાં છે. અમારો ખ્યાલ છે કે મોટાભાગની કન્યાઓ લગ્ન પછી પણ ભણવાનું ચાલુ રાખે છે.” એમનો સવેળા લગ્ન પાછળનો તર્ક એ છે કે દીકરા-દીકરીઓમાં ૧૬-૧૮ વર્ષની ઉંમરે જે હોર્મોનના ફેરફાર થાય છે એ પછી એ પ્રેમમાં પડીને જાતીય સંબંધો બાંધીને કશુંક અજુગતું કરી બેસે નહીં એટલા માટે એમનાં લગ્ન સવેળા કરવાનું યોગ્ય છે.  કેટલાંક હિંદુવાદી સંગઠનો ઉત્તર ભારતમાં જ નહીં, ગુજરાતમાં પણ દીકરીઓનાં લગ્ન માટે માબાપની સંમતિ અનિવાર્ય બનાવતી કાનૂની જોગવાઈ માટે ઝુંબેશ પણ ચલાવે છે.

પ્રતિબંધ છતાં બાળલગ્નો

કાનૂની જોગવાઈ છતાં આજે પણ રાજસ્થાનમાં તો મોટા પાયે બાળલગ્નો થઇ રહ્યાં છે. ગુજરાત સહિતનાં રાજ્યો પણ એનો અપવાદ નથી. કેન્દ્ર સરકારની લગ્નવય વધારવા પાછળની અપેક્ષા સારી હોવા છતાં વધુ પ્રમાણમાં બાળલગ્નોને પ્રોત્સાહિત કરશે એવું મનાય છે. અગાઉની સદીઓમાં તો ઘોડિયા લગ્ન થતાં અથવા તો છ કે આઠ  વર્ષની કન્યાનાં લગ્ન ૬૦ વર્ષના પુરુષ સાથે પણ થતાં હતાં. વર્ષ ૧૮૯૧માં ૧૨ વર્ષની પરિણીત કન્યા સાથે જાતીય સંબંધ  બાંધવા બાબત સંમતિ અંગે કાયદો કરવાની અંગ્રેજ સરકારે વિચારણા કરી ત્યારે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે એની સામે વિરોધ નોંધાવ્યો હતો. ટિળકે પોતાની દીકરીનાં લગ્ન ૧૬ વર્ષની વયે કરી દીધાં હતાં; એટલું જ નહીં તમામ હિંદુઓને પોતાની કન્યાઓને  ૧૬ વર્ષની વયે પરણાવી દેવાનો આગ્રહ પણ કર્યો હતો. જોકે સમયાંતરે ભારત સરકારે યોગ્ય રીતે જ કન્યાની લગ્નની ન્યૂનતમ ઉંમર ૧૮ કરી અને વરની ૨૧ વર્ષની કરી હતી. પરિણીત દંપતી વચ્ચે જાતીય સંબંધ બાંધવા માટે પારસ્પરિક સંમતિ અપેક્ષિત મનાય છે. ઘણીવાર તો ઉચ્ચ અદાલતોએ સ્ત્રીની સંમતિ વિના તેનો પતિ જાતીય સંબંધ બાંધે તો એને બળાત્કાર ગણવા સુધીના ચુકાદા પણ આપ્યા છે. અત્યારના ભારત સરકારના કન્યાની ઉંમર વધારવા માટેના નિર્ણયને તમામ ધર્મની કન્યાઓ માટે લાગુ કરાય એ યોગ્ય હોવા છતાં આ બાબત આવતા દિવસોમાં ધાર્મિક વિવાદનું સ્વરૂપ પકડે એવી શક્યતા જરૂર વર્તાય છે. મુસ્લિમ વૈયક્તિક કાયદામાં કન્યા અને વર બેઉ સંતાન પેદા કરવા જેટલાં સક્ષમ બને અને કન્યાને ઋતુશ્રાવ આવવાનું ચાલુ થાય ત્યારે લગ્ન માટે સક્ષમ ગણાય.એટલે કે ૧૩થી ૧૫ વર્ષની વયે મુસ્લિમ વર કે કન્યા લગ્ન માટે લાયક ગણાય.  આ વિવાદ આડો આવવાની શક્યતા જરૂર રહે છે.આમ છતાં, મુસ્લિમ અગ્રણીઓને વિશ્વાસમાં લઈને સરકારે ભારતીય ફોજદારી સંહિતાની જેમ જ તમામ માટે  સમાન નાગરી ધારા તરફ આગળ વધવાની જરૂર ખરી.

તિખારો

મર્દ તેહનું નામ

મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે;
કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.
મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી;
હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.

મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે;
ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે.
મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ;
ઊછળી કરતો હાથ, કીર્તિ ઊજળી પર મોહી.
મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી;
પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી.
મર્દ તેહનું નામ, ભોગવે શ્રમે રળેલું;
સિંહ સરીખો તેહ, ખાય નહિ ઘાસ પડેલું.

-     નર્મદ

ઈ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૮ જાન્યુઆરી, ૨૦૨૧)

No comments:

Post a Comment