ઓપરેશન પોલો’ થકી સરદારનું હૈદરાબાદ ઓપરેશન
ઈતિહાસ ગવાહ હૈ:‘ ડૉ.હરિ
દેસાઈ.દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/sardars-hyderabad-operation-through-operation-polo-129345830.html
· · જો નેહરુનું ધાર્યું થયું હોત તો ભારતમાં બીજું પાકિસ્તાન બની બેઠું હોત
·
વલ્લભભાઈનું
માનવું હતું કે જાહેર સેવકોએ જાડી ચામડી રાખવી જોઇએ
·
કાસીમ રઝવીએ
દોઢ કરોડ હિંદુઓની લાશો ઢાળવાની ધમકી આપી હતી
·
નિઝામને
હૈદરાબાદના રાજપ્રમુખ બનાવવામાં સરદારની દરિયાદિલી હતી
ભારત દેશ 15 ઓગસ્ટ, 1947ના
રોજ આઝાદ થયો. પરંતુ એ વેળા વિશાળ રજવાડા હૈદરાબાદના શાસક-નિઝામ ઉસ્માનઅલી ખાનને
સ્વતંત્ર મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાના અભરખા હતા. છેક 13 સપ્ટેમ્બર, 1948ના
રોજ સરદાર વલ્લભભાઇ પટેલના આગ્રહથી હાથ ધરાયેલાં પોલીસ પગલાં (વાસ્તવમાં તો લશ્કરી
પગલું) ‘ઓપરેશન પોલો’ને
પગલે એનો 17
સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતવિલય શક્ય બન્યો. હૈદરાબાદનો શાસક
મુસલમાન હતો પણ એની 86 ટકા વસ્તી હિંદુ
હતી. જો કે,
બહુમતી હિંદુ પ્રજા પર રાજ્યની માંડ 12.5 ટકા મુસ્લિમ વસ્તીનું ચલણ એવું હતું કે હિંદુ
પ્રજા સૈકાઓની ગુલામીને કારણે લઘુતાગ્રંથિથી પીડાતી હતી. ‘ઓપરેશન પોલો’ વખતે
હૈદરાબાદમાં ભારતના પ્રતિનિધિ એવા એજન્ટ જનરલ ક.મા. મુનશી સંસ્મરણોમાં નોંધે છેઃ ‘ગામડાંની 95 ટકા
વસ્તી હિંદુ હતી. બે સૈકાની ગુલામી
બાદ રાજ્યના હિંદુઓ લગભગ લઘુતાગ્રંથિથી પીડાતા હતા. આ હકીકત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત
કરેલી વ્યક્તિઓમાં પણ જોવા મળતી હતી.’
નિઝામના
પ્રધાન જ બાતમીદાર
બ્રિટિશ ઇન્ડિયામાં જેમ રાજા-મહારાજાઓ અને
નવાબો કે નિઝામો અંગ્રેજોની કુરનિશ બજાવતા હતા, એવું
જ કંઇક રાજવીઓની પ્રજામાં હતું. રાજ્યના પ્રતિનિધિઓ પ્રજા પર અત્યાચાર ગુજારવા
માટે નામચીન હતા. નિઝામના હિંદુ દેશમુખો તેમના મુસ્લિમ આકાઓની ઐયાશીની ગોઠવણ
કરવામાં પ્રજાના સુખ-દુઃખને ભૂલીને સ્વહિતનો જ વિચાર કરતા હતા. જો કે, નિઝામના પ્રધાનમંડળમાંના કેટલાક હિંદુસ્તાન
સાથેના નાતાને જોડવા માટે હૈદરાબાદની આંતરિક હિલચાલોથી ભારત સરકારને વાકેફ રાખતા
હતા. નિઝામનો પ્રધાન અરવામુઘ આયંગાર ભારત સરકારના પ્રધાન ગોપાલસ્વામી આયંગારને
સરદાર પટેલ માટે ગુપ્ત પત્રો પાઠવતો હતો. આટલું જ નહીં, સરદારના નિષ્ઠાવંત એવા ક.મા.મુનશીનું જાસૂસીતંત્ર
પણ હૈદરાબાદની હિલચાલ પર બારીક નજર રાખતું હતું.
નેહરુ
સૌપ્રથમ હૈદરાબાદમાં
મુનશી નેહરુ ભણી થોડો ઘણો દુર્ભાવ ધરાવતા
રહ્યા છે. સરદાર પ્રત્યેની એમની નિષ્ઠા ખરી. પરંતુ નેહરુ અને સરદાર બંને વચ્ચે
રાષ્ટ્રહિતના મુદ્દે મતભેદ નહોતા છતાં મુનશીએ નોંધ્યું છેઃ ‘જો નેહરુનું ધાર્યું થયું હોત તો નિઝામનું
હૈદરાબાદ ભારતમાં બીજું પાકિસ્તાન બની બેઠું હોત. ઉત્તર તથા દક્ષિણ ભારત વચ્ચે આવા
આક્રમક રાજ્યનું અસ્તિત્વ સદાને માટે ખટક્યા કર્યું હોત. જો કે, પોલીસપગલું સફળ થયું ત્યાર પછી હૈદરાબાદના
તારણહાર તરીકેનું માન મેળવવા માટે એ રાજ્યની સૌપ્રથમ મુલાકાત નેહરુએ જ લીધી હતી.’
હિંદુને
ગુલામ રાખવાનો અધિકાર
મૂળ લાતૂરના (એ વેળાના હૈદરાબાદના અને
હવેના મહારાષ્ટ્રના શહેરના) ધારાશાસ્ત્રી કાસીમ રઝવીએ ઇસ્લામને નામે નિઝામને ભારત
સાથે જોડાતાં રોકવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખ્યો. હથિયારબંધ રઝાકારોના સૈન્ય થકી હિંદુ
પ્રજા પર અત્યાચાર આચરવામાં કોઇ મણા રાખી નહીં. રઝવીએ હૈદરાબાદના મુસલમાનોને ‘એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઇને
આગેકૂચ કરવા’
હાકલ કરી હતી. પ્રસંગ આવે ભારતમાંના સાડા
ચાર કરોડ મુસલમાનો પાંચમા કતારિય (ગદ્દાર)નું કામ બજાવશે એવી રઝવીની વાતે હૈદરાબાદના
નિઝામને પણ નીચાજોણું કરાવ્યું હતું. જો કે, સરદાર
પટેલ પાસે રઝવીનાં આવાં ઉચ્ચારણોના નક્કર પુરાવા હોવા છતાં રઝવી તરફથી ફેરવી
તોળવાની નિરર્થક કોશિશો પણ થઇ. જો કે, ઝીણાની
લાલચ તથા દબાણ અને રઝાકારોના દબાણને પગલે નિઝામે 11 જૂન, 1947ના
રોજ એક ફરમાન બહાર પાડીને જાહેર કર્યું હતું કે 15 ઑગસ્ટ, 1947ના
રોજ તે સ્વતંત્ર સાર્વભૌમ દરજ્જો મેળવવાનો હકદાર હતો અને તેથી ભારતની બંધારણસભામાં
તે પ્રતિનિધિઓ મોકલશે નહીં. કાસિમ રઝવીના દબાણથી નિઝામે રઝાકારોના કહ્યાગરા સર
લાયક અલીને પ્રાઇમ મિનિસ્ટર પણ બનાવી દીધો હતો. રઝવી માનતો હતો કે હિંદુને ગુલામ
બનાવવાનો મુસ્લિમોનો હક છે. આવા ઘટનાક્રમને જોતાં નિઝામને પાઠ ભણાવવાની જરૂર
હોવાનું સરદારને અનિવાર્ય લાગતું હતું.
પગલાને
નેહરુની કમને સંમતિ
માઉન્ટબેટન સંરક્ષણ સમિતિના વડા હતા અને
તેમણે હૈદરાબાદમાં પોલીસ પગલું લીધા વિના ઉકેલ લાવવાનું નેહરુ કનેથી વચન લીધું
હતું. માઉન્ટબેટન 21 જૂન, 1948ના રોજ ઇંગ્લેન્ડ ગયા ત્યારે રાજાજી એમના સ્થાને
ગવર્નર-જનરલ બન્યા. વડાપ્રધાન નેહરુ સિવાયના મોટાભાગના પ્રધાનો સરદારના પોલીસ
પગલાંના આગ્રહી હતા. સ્વયં રાજાજી પણ. કેબિનેટની બેઠકમાં નેહરુએ સ્ટેટ
મિનિસ્ટ્રીની ટીકા કરી એટલે વલ્લભભાઇ બેઠકમાંથી ઊઠીને ચાલી ગયા. જો કે, મામલો ઠંડો પાડવા રાજાજીએ એ જ દિવસે બપોરે પોતાના
ખંડમાં ખાસ બેઠક બોલાવી. તેમાં વલ્લભભાઇ, નેહરુ
અને વી.પી.મેનન હાજર હતા. આ બેઠકમાં હૈદરાબાદનો કબજો લેવાનો નિર્ણય કરવામાં
આવ્યાનું મેનને નોંધ્યું છે. એનો અર્થ એ થયો કે પોલીસપગલાંને નેહરુની પણ સંમતિ
હતી.
લેફટ. જનરલ
ચૌધરી યશસ્વી
હૃદયરોગના હુમલાને કારણે દહેરાદૂનમાં આરામ
કરી રહેલા વલ્લભભાઇએ દક્ષિણના લશ્કરી સેનાપતિ લેફ્ટ. જનરલ જે.એન.ચૌધરીને તેડાવ્યા.
કલાક જેવી પ્રશ્નોત્તરી કરી. ચૌધરીએ કહ્યું કે પોલીસ પગલું લઇએ તો વિષમ સંજોગોમાં
દસ દિવસમાં અને સામાન્ય સંજોગોમાં 6 દિવસમાં
હૈદરાબાદનો કબજો લઇ શકાય. ‘આપ મને સોમવારે
સવારે ત્યાં મોકલો તો કામ પૂરું કરી શનિવારે બપોરે પુણેમાં રેસ જોવા આવી જઇશ.’ ચૌધરીમાં સરદારને શ્રદ્ધા બેઠી. 12 સપ્ટેમ્બર, 1948ના
રોજ ઝીણાના અવસાનના સમાચાર મળ્યા. રઝવીએ દોઢ કરોડ હિંદુઓની લાશો ઢાળવાની ધમકી આપી
હતી અને સરદારને તમાશબીન બની રહેવાનું પસંદ નહોતું. નેહરુ અને રાજાજી ઓપરેશન
પોલોને વિલંબમાં મૂકવા માગતા હતા પણ સરદારના આદેશો નીકળી ચૂક્યા હતા. 13 સપ્ટેમ્બરે ભારતીય સેના હૈદરાબાદમાં લેફ્ટ. જનરલ
ચૌધરીના નેતૃત્વમાં પ્રવેશી. 16 સપ્ટેમ્બરે તો
નિઝામના લશ્કરી વડા મેજર જનરલ અલ ઇદ્રુસનો શરણાગતિ માટેની તૈયારીનો સંદેશો આવી
ગયો. રઝાકારોએ ખૂબ કત્લેઆમ ચલાવી હતી, પણ
નિઝામ સલ્તનતના હાંજા ગગડી ગયા. 17 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદરાબાદનો હવાલો લેફટ. જનરલ જે.એન.
ચૌધરીએ સંભાળી લીધો.
સરદાર પટેલની
સોનેરી સલાહ
મુનશી ભયંકર તાવ વચ્ચે પણ પ્રશંસનીય
કામગીરી કરી રહ્યાની શાબાશી બોસ સરદાર પટેલ કનેથી પામ્યા. મુનશીને હૈદરાબાદની
પ્રજા વધામણાંના સંદેશ પાઠવી રહી હતી પણ નેહરુ અને બીજાઓ ખિન્ન હતા. એમણે (મુનશીએ)
રાજીનામું આપી જવાબદારીથી મુક્ત થવાની ઇચ્છા સરદાર પટેલ સમક્ષ રજૂ કરી. વર્તમાનપત્રોમાં
મુનશી પર હુમલાઓ ખૂબ થયા. લાગણીવશ શ્રીમતી લીલાવતી મુનશીએ સરદારને લખેલા પત્રના
ઉત્તરમાં વલ્લભભાઇએ 30 નવેમ્બરે લખેલા
શબ્દો મઢાવીને રાખવા જેવા છેઃ ‘જાહેર સેવકોએ જાડી
ચામડી રાખવી જોઇએ. અપ્રામાણિક ટીકાકારો અને કૂથલી કરનારાઓની આપણે ચિંતા ન કરવી
જોઇએ. તેઓ જે કંઇ કરે છે તેનાથી આપણે દુઃખી ન થવું જોઇએ. ગાંધીજી પણ આવા હુમલાઓથી
બચી નથી શક્યા. દુનિયામાંથી દુષ્ટ માણસોને કોઇ દૂર કરી શક્યું નથી. આપણે જે કંઇ
કરીએ તેને બધા જ લોકોએ માન્ય કરવું જોઇએ એમ માનવાને કોઇ કારણ નથી. જેઓ હેતુપૂર્વક
ખોટા આક્ષેપો કરે છે. તેમની ટીકાઓથી આપણે ઉશ્કેરાઇ ન જવું જોઇએ. આપણે કરીએ છીએ તે
તેમને ન પણ ગમતું હોય. તેઓ આપણાથી નાખુશ પણ થયા હોય અથવા તેમની પાસે બીજાં કારણો
હોય. આપણા કાર્યની પ્રશંસા થાય છે કે નહીં તે અંગે આપણું કામ જ બોલશે, જો કામ સચ્ચાઇપૂર્વક અને પ્રામાણિકતાથી થયું હશે.’
બંને કોમના
હજારો માર્યા ગયા
મુનશીએ 1957માં લખેલાં 'હૈદરાબાદનાં
સંસ્મરણો'માં હૈદરાબાદના નરસંહારનો ઉલ્લેખ નથી. પરંતુ
પ્રખર ઇતિહાસવિદ અને કોંગ્રેસી સાંસદ પંડિત સુંદરલાલના નેતૃત્વવાળી તપાસ સમિતિએ
વડાપ્રધાન નેહરુને 29 નવેમ્બરથી 21 ડિસેમ્બર, 1948 દરમિયાન
હૈદરાબાદના 16માંથી 9 જિલ્લાની
મુલાકાત લઇને અહેવાલ સુપરત કર્યો હતો. સરદારના પગલાંંથી 23,000થી 36,000 જેટલા
મુસ્લિમોના નરસંહારનો અહેવાલ વલ્લભભાઇ માટે કેટલો દુઃખકર હશે એ કલ્પી શકાય છે. આ
અહેવાલને આજ લગી ભારત સરકારે પ્રગટ કર્યો નથી. છતાં એ.જી.નૂરાનીએ પોતાના હૈદરાબાદ અંગેના
ગ્રંથમાં એ દસ્તાવેજ પ્રકાશિત કરી સૌને ચોંકાવી દીધા હતા. બીબીસીએ પણ એ જાહેર
કર્યો હતો. હવે તો એ ગૂગલ પર પણ ઉપલબ્ધ છે. જો કે, સરદાર હળાહળને પીનારા અને પચાવનારા હતા. એમણે જે
કંઈ કર્યું હતું એ રાષ્ટ્રના હિતમાં જ કર્યું હતું.
કેબિનેટમાં
સરદારની ઘોષણા
14 સપ્ટેમ્બર, 1948ના રોજ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં સરદારે
કહ્યું: ‘નિઝામ ખતમ થયો છે. હિંદુસ્તાનની છાતીમાં કેન્સરને
આપણે ચાલુ રાખી શકીએ નહીં. નિઝામનો વંશ પૂરો થઇ ગયો.’ નેહરુ તેમના આ શબ્દોથી ખિન્ન હતા. જો કે, સરદારનું અનુમાન હતું કે ઓપરેશન પોલો પછી નિઝામ
ભારતને ઝાઝું નુકસાન કરવાની સ્થિતિમાં નથી. ફેબ્રુઆરી 1949માં સરદાર જ્યારે હૈદરાબાદની મુલાકાતે ગયા ત્યારે
નિઝામ વિમાનમથકે તેમને આવકારવા બે હાથ જોડીને ઊભા હતા. તેમણે પોતાની વર્તણૂક બદલ
માફી ચાહી હતી. સરદારે માણસ ભૂલ કરીને પશ્ચાતાપ કરે અને માણસમાત્ર ભૂલને પાત્ર છે
એવું કહી ગઇ ગુજરી ભૂલી જવાની સલાહ આપી હતી. જે નિઝામે સ્વતંત્ર રહેવા કે
પાકિસ્તાન સાથે સંબંધ જાળવીને ભારત સામે ઘણા ઉધામા કર્યા હતા એ નિઝામને હૈદરાબાદના
રાજપ્રમુખ બનાવવામાં પણ સરદારની દરિયાદિલી અનુભવાય છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment