Sunday, 12 December 2021

Tejswi Yadav's Marriage and Love Jihad

                                                      રાજકીય નેતાઓ અને લવજેહાદનો ઉહાપોહ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         તેજસ્વીનાં ખ્રિસ્તીપ્રેમિકા સાથેનાં લગ્નનો વિવાદ

·         બિહારના સુશીલકુમાર - શાહનવાઝ ભણી નજર

·         દેશના રાજનેતાઓનાં લગ્નો અને લગ્નેતર સંબંધ

Dr.Hari desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.12 December, 2021. You may visit haridesai.com and other columns and comment.

હમણાં એકાએક બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે દિલ્હીમાં પોતાની શાળાની ખ્રિસ્તી મિત્ર રાચેલ કે રાશેલ આઈરીશ સાથે હિંદુ વિધિથી લગ્ન કર્યાં અને ભારે ઉહાપોહ મચ્યો. બિહારનાં મુખ્યમંત્રી માબાપ લાલુપ્રસાદ અને રાબડી દેવીના રાજકીય વારસ એવા તેજસ્વી ખ્રિસ્તી મિત્ર સાથે લગ્ન કરે એ સામે સૌથી મોટો હુમલો એમના સગ્ગા મામા સાધુ યાદવે જ કર્યો છે. અનિરુદ્ધ યાદવ ઉર્ફે સાધુ યાદવની રાજકીય કારકિર્દી પોતાના બનેવી લાલુ યાદવના પ્રતાપે જ  વિકસી, પણ સગાઓમાં તકરાર પડતાં એ અનેક પક્ષોમાં ફરતા રહ્યા. સાંસદ પણ રહ્યા, પણ લાલુ સાથે વેરની વસુલાત કરતા હોય એમ હવે લાલુ વિરોધીઓના સાથી બનેલા સાધુ યાદવે ભાણેજને લગ્ન આશીર્વાદ આપવાને બદલે શાપ આપવાનું પસંદ કર્યું: તેજસ્વી યાદવે ખ્રિસ્તી કન્યા સાથે લગ્ન કર્યાં એટલે એ હવે ક્યારેય બિહારનો મુખ્યમંત્રી નહીં બની  શકે. નવાઈની વાત તો એ છે કે બે વિધર્મી કે પરધર્મીનાં લગ્ન થતાં હોય ત્યારે એને લવજેહાદ નામ આપીને રાજકારણ ખેલવાની પરંપરા સત્તારૂઢ ભાજપ અને સહોદર સંગઠનો થકી આદરવામાં આવી છે. લાલુ પરિવાર સાથે જેને વાંધા છે એમનો હાથો બનેલા સાધુ યાદવ પોતાના સગ્ગા ભાણેજ તેજસ્વીના રાજકીય પ્રભાવમાં ફાચર મારવા માટે પ્રયાસો આદર્યા છે. લાલુ વર્ષો પછી જેલમાંથી છૂટ્યા છે અને તબિયત નાજુક હોવાથી પોતાના નાના દીકરાનાં ઉતાવળે લગ્ન હાથ ધરાયાં. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં તેજસ્વી મુખ્યમંત્રી બનતાં થોડામાં જ ચૂક્યા. એ વખતે લાલુ જેલવાસી હતા. એ રેલાવે મંત્રી હતા ત્યારે તેજસ્વી દિલ્હીની સ્કૂલમાં ભણ્યા અને બાળપણની મિત્ર સાથે લગ્ન સંબંધે જોડાયો એણે હકીકતમાં તો આવકારવાને બદલે શાપ આપવાનું જેમણે કામ કર્યું છે એ કેટલા નાના દિલના અને હીન માનસિકતા ધરાવતા હશે એ સમજી શકાય છે. લાલુની નાદુરસ્ત તબિયતને કારણે આ ઘડિયાં લગ્ન  લેવાયાં એ સમજી શકાય છે. વળી, ભારતમાં આવાં હિંદુ-મુસ્લિમ કે હિંદુ-ખ્રિસ્તી લગ્ન થવાની કોઈ નવાઈ નથી; છતાં તેજસ્વીએ જાણે કે મહાપાપ કર્યું હોય એવો માહોલ રચવાની કોશિશ સ્વજનો જ કરી રહ્યા હોય ત્યારે રાજકીય સ્વાર્થી તત્વો તો એનો લાભ ઉઠાવે એ સ્વાભાવિક છે. બિહારમાં જ ભાજપના નેતા અને અત્યારના સાંસદ સુશીલ કુમાર મોદીએ ખ્રિસ્તી મહિલા સાથે ટ્રેન મુસાફરીમાં પ્રેમ થઇ જતા લગ્ન કર્યા પછી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શક્યા તો તેજસ્વી કેમ મુખ્યમંત્રી ના બની શકે એ સમજાતું નથી.  

ઇન્દિરા-ફિરોઝનાં લગ્ન

રાજકારણમાં અનેક એવાં લગ્નો જોવા મળે છે જેમાં અલગ અલગ ધર્મનાં જ પાત્રો જ નહીં ઘણી વાર તો દેશી અને વિદેશી પાત્રનાં લગ્ન પણ થયાં છે. તેજસ્વી અને એની શાળાજીવનની મિત્રનાં લગ્ન થયાં એ પહેલાં લાલુ પરિવારનાં સંતાનોનાં લગ્ન યાદવ પરિવારોમાં જ થયાં છે પણ એ બધાં સુખી લગ્ન જીવન છે એવું પણ નથી. બિહારના નાયબ મુખ્યમંત્રી રહેલા તેજસ્વીની મોટી બહેન અને રાષ્ટ્રીય લોકદળની સાંસદ મીસા ભારતી માટે રાજસ્થાનના એક રાજવી પરિવારના એક યુવાન સાથે લગ્નનો વિચાર કરાયો હતો, પણ એની માતા બ્રાહ્મણ હતી એટલે લાલુએ ના પાડ્યાનું સાધુ કહે છે. તેજસ્વી પરધર્મી સાથે હિંદુ વિધિથી લગ્ન કરે એ સામે લાલુ કે રાબડી ના પાડવાની સ્થિતિમાં નથી એવું કહીને જાતિવાદી ભૂમિકા રચવાની કોશિશ થાય છે. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં એકમાત્ર દીકરી ઇન્દિરાનાં ૧૯૪૨માં અલાહાબાદના આનંદ ભવનમાં મૂળ ભરૂચના પારસી ફિરોઝ ગાંધી સાથે વૈદિક વિધિથી એટલે કે હિંદુ વિધિથી લગ્ન થયા ત્યારે પણ ભારે ઉહાપોહ મચ્યો હતો. લગ્ન એ બંને પરિવારની આપસી સંમતિ થકી થયા છતાં એ રાજકીય પરિવાર હોવાને કારણે ઉત્પાત મચાવનારાઓ હતા અને આજે પણ ફિરોઝને મુસ્લિમ ગણાવનારા વોટ્સ એપ યુનિવર્સિટીમાં જૂઠાણાં ફેલાવતા રહે છે. નવાઈ તો એ વાતની છે કે ઇન્દિરા અને ફિરોઝના પુત્રોનાં સંતાનોને પણ આજે જુદા જુદા ધર્મનાં ગણાવાય છે! વડાંપ્રધાન ઇન્દિરાના નાના પુત્ર સંજય ગાંધીના પુત્ર ફિરોઝ વરુણ ગાંધીને હિંદુ ગણાવાય છે; જયારે મોટા પુત્ર અને વડાપ્રધાન રહેલા રાજીવ ગાંધીના સાંસદ પુત્ર રાહુલ ગાંધીને ખ્રિસ્તી ગણાવવાની ઝુંબેશો ચાલે છે. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીના નાના પુત્ર રાજીવ ગાંધીનાં લગ્ન ઇટલીનાં સોનિયા માઈનો સાથે લગ્ન થયાં અને ૧૯૯૧માં રાજીવના નિધન પછી સોનિયા ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ રહ્યાં અને એમના પક્ષે દસ વર્ષ સુધી ડૉ.મનમોહનસિંહના વડાપ્રધાનપદ હેઠળ કેન્દ્રમાં અને મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી સરકારો ચલાવી. અન્ય રાજ્યોમાં પણ સરકારો રહી. અત્યારે ભાજપનો સુવર્ણ યુગ ચાલે છે. કોંગ્રેસનો સૂરજ અસ્તાચળે છે.

નેતાઓનાં લગ્નો અને સત્તા

રાજસ્થાનના કોંગ્રેસી નાયબ મુખ્યમંત્રી રહેલા સચિન  પાયલટ જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા નેશનલ કોન્ફરન્સના નેતા  ડૉ.ફારુક અબદુલ્લાની દીકરી સારા અબદુલ્લા સાથે પરણ્યા છે. સારાના ભાઈ ઓમર અબદુલ્લા પણ વાજપેયી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી અને જમ્મૂ -કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા. ઓમર પણ હિંદુ કન્યા પાયલ નાથ  સાથે પરણ્યા અને તેમને બે દીકરાઓ છે અને બંને અલગ થઇ ગયાં છે.  જોકે ઓમર અને પાયલ બંને પુત્રો સાથે તિરુપતિ દર્શને જાય છે. ક્યારેક એમની સાથે સારા પાયલટ પણ જોડાય છે. ભાજપના નેતા અને વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અત્યારના બિહારના મંત્રી સૈયદ  શાહનવાઝ હુસૈન પણ હિંદુ કન્યા રેણુને પરણ્યા છે. કેન્દ્રમાં મોદી સરકારમાં મંત્રી રહેલા મુખ્તાર અબ્બાસ નકવી પણ હિંદુ કન્યા સીમા સાથે પરણ્યા છે. સુશીલ કુમાર, શાહનવાઝ હુસૈન અને નકવીએ પ્રેમ લગ્ન કર્યાં છે પણ એ લવજેહાદ  ગણાતાં નથી. ઘણા રાજનેતાઓ અને મુખ્યમંત્રીઓ કે કેન્દ્રમાં શાસનમાં રહેલાઓના લગ્નેતર સંબંધો પણ ચર્ચામાં રહ્યા છે. વડાપ્રધાન રહેલા ભાજપી નેતા અટલ બિહારી વાજપેયી તો સંસદમાં પણ સ્વીકાર કરતા રહ્યા હતા કે તેઓ પરણ્યા નથી પણ કુંવારા નથી. એ આજીવન પોતાની કોલેજની મિત્ર સાથે રહ્યા. સમાજવાદી નેતા ડૉ.રામમનોહર લોહિયા પણ લગ્ન વિના પોતાની મિત્ર સાથે ખુલ્લેઆમ જીવ્યા. કેટલાક આવા સંબંધો છુપાવીને જીવતા રહ્યા છે. એન.ડી.તિવારી અને મુલાયમ સિંહ યાદવની પરસ્ત્રીઓ થકીનાં સંતાનોણે ઢળતી ઉંમરે સ્વીકારવાં પડ્યાં છે.  સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો તો જનસંઘ અને  ભાજપના સાંસદ રહેલા હિન્દુવાદી નેતા ડૉ.સુબ્રમણિયન સ્વામીનો છે. સ્વયં સ્વામીએ પારસી કન્યા રોક્સાના સાથે લગ્ન કર્યાં છે. એમની બે દીકરીઓમાંથી એક એટલે કે સુહાસિનીએ પૂર્વ વિદેશ સચિવ અને કોંગ્રેસી  વિદેશમંત્રી રહેલા સલમાન હૈદરના પુત્ર નદીમ હૈદર સાથે પરણી છે. સુહાસિની હૈદર ચેન્નાઈના ધ હિંદુ દૈનિકની ડિપ્લોમેટિક એડિટર છે.  લવ જેહાદની બૂમરાણ મચાવનાર ભાજપ-સંઘના વરિષ્ઠ પ્રચારક અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રહેલા રામલાલની ભત્રીજી શ્રેયા ગુપ્તાનાં લખનઉમાં ગોરખપુરના મુસ્લિમ યુવક ફૈઝાન કરીમ સાથે લગ્નમાં વર્ષ ૨૦૧૯માં તો ભાજપ અને સંઘના નેતાઓ અને મંત્રીઓ પણ મહાલ્યા હતા. જોકે આવાં અનેક લગ્નો થયાનું જોવા મળે છે અને એમને લવ જેહાદ ગણાવાતી નથી, પણ લાલુ-રાબડીના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પોતાની શાળાની ખ્રિસ્તી મિત્ર સાથે લગ્ન કરે તો એ સામે ઉહાપોહ મચાવાય એની જ નવાઈ છે.

તિખારો

હમ સંધિ મેં હારે હૈં
હમ લડાઈ કે મૈદાન મેં કભી નહીં હારે
હમ દિલ્હી કે દરબાર મેં હારે હૈં
હમ યુદ્ધ મેં કભી નહીં હારે
હમ શાંતિ મેં હારે હૈં
હમ સંઘર્ષ મેં કભી નહીં હારે
હમ સંધિ મેં હારે હૈં

-અટલ બિહારી વાજપેયી

ઈ-મેઈલ:haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧ )   

 

No comments:

Post a Comment