Monday, 20 December 2021

Study of History becomes Dry without Villains

 

ખલનાયકો વિનાનું ઇતિહાસનું ભણતર તો શુષ્ક બનશે

ઈતિહાસ ગવાહ હૈ :  ડૉ.હરિ દેસાઈ

  • મુઘલ ઈતિહાસ રદ કરાય તો  રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીનું નાયકત્વ અધૂરું
  • સંગીત અને  નૃત્ય ભણી બાદશાહ ઔરંગઝેબની ઘૃણાનાં મૂળ અતૃપ્ત પ્રેમકહાણીમાં !
  • મુઘલોની જેમ જ ભાઈઓ-બાપની હત્યા કરાવી ગાદીએ આવનારા હિંદુ શાસકો ય હતા  

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ.દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.રવિવાર.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧. વેબ લિંક:

https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/study-of-history-without-villains-is-dry-if-you-want-to-make-it-interesting-enjoy-strange-love-stories-along-with-victories-and-defeats-and-annals-129205795.html

ઈતિહાસનું ભણતર યુદ્ધમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એટલા માત્રને સામેલ નથી કરતું. માત્ર રાજા-રજવાડાઓનો ઈતિહાસ નથી. જીત-પરાજય અને તવારીખોની સાથે અજબ-ગજબની પ્રેમગાથાઓ અને હળવીફૂલ કથાઓ તેમ પ્રજાની સંવેદનાઓનો પણ ઈતિહાસ છે. આપણે ત્યાં ગુલામીના કાળ મનાતા મુઘલકાળ કે અંગ્રેજ કાળને ભણાવવાની જરૂર નથી; એવી ગુલબાંગો પોકારાનારાઓ ભૂલી જાય છે કે નાયકત્વ અને ખલનાયકત્વ સાથે જાય છે. બાદશાહ અકબર વિના મેવાડના મહારાણા પ્રતાપની કહાણી ભણવા કે ભણાવવામાં રસ ના પડે. એવું કંઈક ખલનાયક ગણાતા બાદશાહ ઔરંગઝેબના શાસનકાળની વાતનું છે. છત્રપતિ શિવાજી મહારાજના આગ્રા દરબારના ઘટનાક્રમ અને ત્યાંથી અલોપ થવાના શૌર્યની કહાણી ભણાવ્યા વિના મરાઠા સામ્રાજ્યના ઉદયની ગાથા કે સકારાત્મકતા વર્ણવવાનું કેમ શક્ય બનશે? ભારતીય શાસકો કે પ્રજાજનોના ઈતિહાસ એટલે કે વંચિતોનો કે પછી  સબલ્ટર્ન ઈતિહાસના તબક્કા રજૂ નહીં કરીએ તો ગેપને સમજાવવાનું શક્ય નહીં બને. ભારતમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં મુઘલો કે પછી અંગ્રેજોને  નાયક તરીકે  પ્રસ્તુત નથી કરાતા. પાકિસ્તાનમાં પણ સોમનાથભંજક મહમૂદ ગઝની કે ઔરંગઝેબને નાયક તરીકે રજૂ કરવા અંગે પુનઃ વિચાર થઇ રહ્યો છે. સાચા અર્થમાં ઈતિહાસને રજૂ કરવા માટે કેવો ઈતિહાસ ભણાવાય અંગે રીતસર ઝુંબેશો ચલાવાઈ રહી છે.

ઈતિહાસનાં અવગણાતાં તથ્યો

મુસ્લિમ શાસકો કે અંગ્રેજ શાસકો અંગેની નરસી બાબતો ભણાવાય ત્યારે એક પ્રશ્ન તો થવો ઘટે કે શાસકો ધર્મ પરિવર્તનને પ્રોત્સાહિત કરતા હતા છતાં પણ એમના યુગમાં પણ માંડ % પ્રજા મુસ્લિમ કે એકાદ ટકો પ્રજા ખ્રિસ્તી થઇ. ભારતની બહુમતી પ્રજા હિંદુ ધર્મ પાળતી રહી હકીકત આજે પણ વસ્તીગણતરીમાં ઊડીને આંખે વળગે તેવી છે. ઉપરાંત, મુઘલ દરબારોમાં હિંદુ રાજા-મહારાજાઓ અને અન્ય હિંદુ અધિકારીઓ રહ્યા હતા. બાદશાહ બાબરથી લઈને ૧૮૫૭ની સ્વાતંત્ર્ય ક્રાંતિમાં રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ પેશવા સહિતના અંગ્રેજો સામે વિરોધનું બ્યુગલ ફૂંકનારાઓનું નેતૃત્વ કરનાર મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સુધીનાને હિંદુ રાજા-રજવાડાં તેમ પ્રજાનું પણ સમર્થન મળ્યું હતું નકારવાનું અશક્ય છે. એ વખતે પણ ગ્વાલિયરનરેશ સિંધિયા સહિતના મોટાભાગના રાજા-નવાબો અંગ્રેજોને પડખે રહ્યા હતા. રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ સામેના જંગમાં મુઘલ સૈન્યનું નેતૃત્વ હિંદુ મહારાજાઓએ કર્યું હતું તથ્યને નકારી નહીં શકાય. રીતે પ્રતાપ કે શિવાજીને પક્ષે મુસ્લિમ સરદારો અને સેનાપતિઓ હતા પણ એટલી હકીકત છે. કોમી વિભાજનોની દ્રષ્ટિએ ઈતિહાસને મૂલવવાની કોશિશો થતી હોય ત્યારે હકીકતોને પણ ધ્યાને લેવાની જરૂર ખરી.

ઔરંગઝેબની રંગીનમિજાજી

હિંદુસ્તાનમાં સૌથી વિશાળ સામ્રાજ્ય ધરાવનાર મુઘલ બાદશાહ હતો ઔરંગઝેબ.એનું નામ પડે અને એની સાદગી, કટ્ટર મુસ્લિમ તરીકેનો  વ્યવહાર, બાદશાહ-પિતા શાહજહાંને કેદ અને ત્રણ-ત્રણ ભાઈઓને મોતને ઘાટ ઉતારીને દિલ્હીના તખ્ત પર બેઠાની વાતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જોકે, ભાઈઓ અને બાપને મોતને ઘાટ ઉતારીને શાસનની ધૂરા હાથમાં લેનારા હિંદુ શાસકોની સંખ્યા પણ મોટી છે. સમ્રાટ અશોક પોતાના સો ભાઈઓની કત્લેઆમ કરાવીને ગાદીએ બેઠાની વાત તો જાણીતી છે. જોકે, મુઘલ બાદશાહ ઔરંગઝેબના નામ સાથે સંગીતનો ઔરંગઝેબજેવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો છે. એને સંગીત, નૃત્ય અને શરાબ ભણી ઘૃણા હતી, પણ ગાદીએ બેઠો પહેલાં દખ્ખણના સૂબા તરીકે શાહજાદાને સંગીત અને નૃત્યનો એટલો શોખ હતો. પ્રેયસી ખાતર શરાબ પીવા તૈયાર થઈને પોતાની દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા તોડવા પણ તૈયાર થયો હતો! સામાન્ય રીતે પથ્થરદિલ ગણાતો મુઘલ બાદશાહ ખરેખર કોઈના પ્રેમમાં પડવા જેટલો રોમેન્ટિક હતો કે કેમ એની તપાસ આદરવામાં આવે તો એક વાર નહીં, પણ બબ્બે વાર પ્રેમમાં પડ્યો અને બેઉ વખત એના પ્રેમના ઝાઝા ઘૂંટ પીવાનું એના નસીબમાં નહીં હોવાથી કદાચ એને સંગીત, નૃત્ય અને શરાબ ભણી ઘૃણા ઉપજી હોવાનું મનાય છે.

હીરાબાઈને દિલ દઈ બેઠો

ભારતમાં મહદ્અંશે ઔરંગઝેબને ખલનાયક સ્વરૂપે જોવામાં આવે છે, પરંતુ ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનમાં એનામાં નાયકનાં તત્વો જોવાનું પસંદ કરનાર ઘણા છે. ઔરંગઝેબ દખ્ખણનો સૂબો હતો ત્યારે બુરહાનપુરમાં વસતાં એનાં માસીને ત્યાં ગયો ત્યારે હીરાબાઈ ઝૈનાબાદીને દિલ દઈ બેઠાની કથા બંને દેશોમાં સમાન રીતે સ્વીકૃતિ પામી છે. એટલું નહીં, બાદશાહના જીવન પર સંશોધન કરનાર ઈતિહાસવિદોથી લઈને હમણાનાં અખબારોના કટારલેખકો લગી વિશે સમાનભાવથી લખવાની હોંશ જોવા મળે છે. ઈતિહાસવિદો ઉપરાંત સાહિત્યસર્જકો પણ ઔરંગઝેબની પ્રેમકહાણીને પોતપોતાની રીતે રજૂ કરતા રહ્યા છે, છતાં આપણે તો એનાં તથ્યાધારિત પાસાંને તપાસીએ.

ગુજરાતના દાહોદમાં જન્મેલા ઔરંગઝેબને એના બાદશાહ વાલિદ શાહજહાંએ, સૌથી મોટા શાહજાદા દારા શુકોહના આગ્રહથી, ક્યારેક કાબુલ દોડાવ્યો હતો તો ક્યારેક દખ્ખણમાં. દારા અને ઔરંગઝેબ વચ્ચે ભાઈભાંડુ વચ્ચે હોય એવા પ્રકારનો સહજ ઈર્ષ્યાભાવ (સિબલિંગ રાયવલરી) હોવો સ્વાભાવિક હતો. બાદશાહ શાહજહાંના દરબારમાં ચાર ભાઈઓ અને બે બહેનોમાંથી સૌથી મોટા ભાઈ દારાનું ચલણ ચાલતું હતું. એક વાર ઔરંગઝેબે પોતાના મુખ્યાલય કીરકી (ઔરંગાબાદ) જતાં એનાથી ૨૨૦ કિ.મી.ના અંતરે આવેલા બુરહાનપુરમાં વસતાં માસી અને માસાને મળીને જવાનું ગોઠવ્યું. સાથે એનો અંતરંગ મિત્ર મુરશીદ કુલી ખાન પણ હતો. મુરશીદ દખ્ખણનો દીવાન (મુખ્ય મંત્રી) હતો. 

બુરહાનપુરમાં સુબેદાર અને તોપખાનાના વડા એવા ઔરંગઝેબના માસા ખાન--ઝમાન સૈફ ખાન અને માતા મુમતાજ મહલની બહેન સલાહ બાનોને ત્યાં એનું રોકાણ હતું. ઔરંગઝેબ પરિવારજન ઉપરાંત શાહજાદો હોવાને કારણે એના માસાના જનાનખાનાની સ્ત્રીઓના વિસ્તારના બગીચામાં જઈ શકતો હતો. ત્યાં એણે કોઈ સુંદરીને મધુર સ્વરમાં ગીત ગાતાં ગાતાં આંબાની ડાળેથી કેરી તોડતાં નિહાળી અને બસ જોતો રહ્યો. પહેલી દૃષ્ટિનો પ્રેમ કહી શકાય. યુવતીને નિહાળીને જાણે હોશકોશ ખોઈ બેઠો. એના પગ લથડિયાં ખાઈ રહ્યા હતા. માસીને વાવડ મળ્યા અને દોડી આવ્યાં. જોકે, વેળા તો શાહજદાએ કશું કહ્યું નહીં, પણ મધરાતે એણે માસી કને જઈને વાત કરી કે પેલી યુવતીને મેં નિહાળી અને બસ, મને જોઈએ છે. માસી મૂંઝાયાં. કારણ યુવતી પોતાના શૌહરના જનાનખાનાની લાડકી હતી. એમને ખબર પડશે તો ગિન્નાશે.

છત્તરબાઈ સાટે હીરાબાઈ

માસીની મૂંઝવણ પારખીને ઔરંગઝેબે પોતે સીધી માસાને વાત કરશે કે બીજો રસ્તો કાઢશે એવું કહ્યું. એના સાથીદાર મુરશીદને માંડીને વાત કરી. શાહજાદાને જે જોઈએ મેળવી આપવા સૈફ ખાનનું ખૂન કરીને સજા ભોગવવા માટે પણ મુરશીદ તૈયાર થયો, પણ શાહજાદાને માસી વિધવા થાય પસંદ નહોતું. બધાં જાણતાં હતાં કે શાહજાદો તુંડમિજાજી છે એટલે હવે શું થશે ભણી બધાની મીટ મંડાયેલી હતી. ઔરંગઝેબે કહ્યું કે મુરશીદ, તું સીધી સૈફ ખાનને વાત કર. એમનો જવાબ મને કહેજે. સૈફ ખાનને વાત કરવા મુરશીદ ગયો. સૈફને હીરાબાઈનો કબજો ઔરંગઝેબને સોંપવામાં વાંધો નહોતો, પણ એણે પોતાની બેગમ મારફત ઉત્તર વાળવાનું કહ્યું. સૈફ ઘરે આવ્યો અને બેગમને વાત કરી. હીરાબાઈને આપવા તૈયાર હતો, પણ સાટામાં એને ઔરંગઝેબના જનાનખાનાની એક મહિલા ખપતી હતી. એણે એનું નામ પણ આપ્યું. હતી છત્તરબાઈ. 

ઔરંગઝેબ તો એણે નિકાહ પઢેલી એક કન્યા ઉપરાંત છત્તરબાઈને પાઠવવા તૈયાર હતો. છેવટે જોકે એણે છત્તરબાઈને સૈફના જનાનખાનામાં મોકલી અને સાટામાં હીરાબાઈને મેળવી. હીરાબાઈએ તો શાહજાદાને પોતાના માટે કેટલો પ્રેમ છે જાણવા-નાણવા શરાબની પ્યાલી ધરી તો શાહજાદો પીવા તૈયાર પણ થઈ ગયો, પણ હીરાબાઈએ ખેંચી લીધી. કમનસીબે નૃત્ય-સંગીતની પારંગત સુંદરીને કોઈ વ્યાધિ લાગુ પડ્યો અને એનું મૃત્યુ થયું. હીરાબાઈના મૃત્યુ ટાણે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. એને ઔરંગાબાદમાં દફનાવાઈ, પણ એના મૃત્યુએ ઔરંગઝેબનું દિલ તોડી નાંખ્યું અને એને નૃત્ય-સંગીત ભણી નફરત જાગી હોવાનું કહેવાય છે. જોકે, એના રાજ્યાભિષેક વખતે ગીતસંગીતની મહેફિલ જરૂર ગોઠવાઈ હતી. બીજી એવી વાત પણ છે કે શાહજાદો હીરાબાઈના પ્રેમમાં રાજકાજ ભૂલીને રમમાણ થઈ ગયો હતો.

દારાની વિધવાના નકારનો આદર

પોતાના મોટા ભાઈ દારા શુકોહ સહિતના ત્રણેય ભાઈઓની હત્યા કરાવીને, ગાદીએ બેઠેલા બાદશાહ ઔરંગઝેબનો અધિકાર પોતાના ભાઈની બેગમો પર સ્થપાઈ જાય, પણ દારાની ત્રણ બેગમોમાંથી સૌથી મોટા બેગમ, નાદિરા બેગમે, તો ઔરંગઝેબના જનાનખાનામાં સામેલ થવાને બદલે ઝેર પીને આત્મહત્યા કરી. વચેટ બેગમ ઉદેપુરી બેગમ (જ્યોર્જિયા) તો વિનાસંકોચ જનાનખાનામાં સામેલ થઈ, પણ ત્રીજી અને રૂપરૂપનો અંબાર એવી રાના--દિલ ઔરંગઝેબને વશ ના થઈ. બાદશાહ જબરદસ્તી કરી શક્યો હોત, પણ એણે રાના--દિલને સ્વેચ્છાએ પોતાના જનાનખાનામાં સામેલ કરવી હતી. ખરેખર તો એના પ્રેમમાં પડ્યો હતો પણ રાનાએ સાફ ઈનકાર કર્યો, ત્યારે બાદશાહએ તેને ભાઈની વિધવાનું પેન્શન બાંધી દીધું. ખલનાયકોમાં પણ કેટલાંક સદચરિત્રો હોય છે. એટલે ઈતિહાસને અહોભાવ કે દ્વેષભાવથી જોવાને બદલે તથ્યોઆધારિત જોવા અને પાઠ્યપુસ્તકોમાં ભણાવવાના પ્રયાસ થવા ઘટે. ભારતીય સંસ્કૃતિમાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ બન્યાની કહાણી પણ છે .

ઈ-મેઈલ:  haridesai@gmail.com         (લખ્યા તારીખ:૧૦ ડિસેમ્બર, ૨૦૨૧)

 

No comments:

Post a Comment