સરદાર પટેલે મૃત્યુ પૂર્વે સમર્થકો પાસેથી
પં. નેહરુની પડખે રહેવાનું વચન લીધું હતું
ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્ય ભાસ્કર.રંગત-સંગત પૂર્તિ. ૦૫
ડિસેમ્બર,૨૦૨૧. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/before-his-death-sardar-patel-had-promised-to-stay-by-the-side-of-pandit-nehru-from-his-supporters-129176694.html
- કાકાસાહેબ ગાડગીળે 1963માં પ્રકાશિત આત્મકથામાં નોંધ્યું હતું
- જગજીવન રામ, મુનશી અને બલદેવસિંહનેય બાંધ્યા હતા
- નેહરુ કેબિનેટમાં સરદારનો પડ્યો બોલ ઝીલનારા વધુ હતા
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન
સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના અનન્ય ભાવનાત્મક સંબંધ અને બંધુભાવ છતાં વર્તમાનમાં
એમના મતભેદો અને ન્યાય-અન્યાયની વાતો ખૂબ ઊછળકૂદ કરે છે. આવા તબક્કે સોમનાથનો
જીર્ણોદ્ધાર કરવામાં સરદાર પટેલની પ્રેરણાથી ક.મા.મુનશી સાથે જેમણે અનન્ય યોગદાન
કર્યું એ કાકાસાહેબ ગાડગીળ એટલે કે નરહર વિષ્ણુ ગાડગીળની વર્ષ 1963માં એટલે કે
કાકાસાહેબના નિધનનાં ત્રણ વર્ષ પૂર્વે પ્રકાશિત અને 1965માં પુનઃ
પ્રકાશિત આત્મકથા 'ગવર્નમેન્ટ ફ્રોમ ઇનસાઇડ' અધિકૃતપણે ઘણી ચોંકાવનારી હકીકતો
પર પ્રકાશ ફેંકે છે.
ઇતિહાસના પુનર્લેખન અને નવ-ઈતિહાસબોધની વાતો ખૂબ ગાજતી હોય, ઈતિહાસનાં
તથ્ય વગરનાં વ્હોટ્સએપિયાં વિકૃતીકરણની બોલબાલા હોય ત્યારે જો જૂઠાણાંના પરદા ચીરીને
પણ સત્યના ઉદગાર કરવા એ પ્રત્યેક સુજ્ઞજનની ફરજ છે. કાકાસહેબની આ આત્મકથા કોઈ
કલ્પનકથા કે પંડિત નેહરુ માટેના ભક્તિભાવની કથા નથી. કાકાસાહેબ તો પંડિત નેહરુ
સાથે અનેક બાબતોમાં મતભેદ ધરાવનારા સ્વાતંત્ર્ય સૈનિક અને આઝાદ ભારતની પ્રથમ
સરકારમાં જાહેર બાંધકામ ખાતાના 1947થી 1952 લગી કેબિનેટ મંત્રી હતા. એ સરદારના નિષ્ઠાવંત હતા. આમ પણ
નહેરુ-સરદાર સરકારમાં સરદારના નિષ્ઠાવંત મંત્રીઓની સંખ્યા વધુ હતી છતાં વલ્લભભાઈએ
કોઈ તબક્કે જવાહરલાલને ઊથલાવીને પોતે વડાપ્રધાન બનવાની કોશિશ કે કલ્પના કરી નહોતી.
જ્યારે ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સરદારને વડાપ્રધાન બનવા કહ્યું ત્યારે પણ
એમણે નન્નો ભણ્યો હતો. આટલું જ નહીં, ચાર-ચાર વાર પંડિત નેહરુ વિદેશ
યાત્રાએ હતા ત્યારે પણ વલ્લભભાઈ કાર્યવાહક વડાપ્રધાન રહ્યા હતા. એમને એ હોદ્દે
કાયમ માટે બેસવાની ક્યારેય મહેચ્છા નહોતી એવું તો તેમનાં સુપુત્રી મણિબહેન નોંધે
છે. વર્ષ 1928થી 1950ની 15 ડિસેમ્બરે સરદાર પટેલે મુંબઈના બિરલા હાઉસમાં દેહ છોડ્યો ત્યાં લગી
એમના અંગત સચિવ રહેલાં મણિબહેન પટેલે દુર્ગા દાસના સરદાર અંગેના નવજીવને 1974 સુધીમાં
પ્રકાશિત કરેલા દસ ગ્રંથોની પ્રસ્તાવનામાં જ આ વાત લખી છે.
ગાડગીળને જવાબદારી સોંપી
હિંદુ મુસ્લિમ પ્રશ્ને અને બીજા કેટલાક મુદ્દે કાકાસાહેબ સરદાર
પટેલની નજીક હતા પણ એ સમાજવાદી દૃષ્ટિકોણ ધરાવતા હોવાથી નેહરુની વધુ નજીક હતા. એ
દિવસોમાં કેબિનેટમાં બે જૂથ હોવાની ચર્ચાને નકારતાં ગાડગીળ આવી વાત સ્પષ્ટ
શબ્દોમાં લખે છે. સરદાર તો રાષ્ટ્રસેવામાં સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા હતા અને
દંભમુક્ત હોવા ઉપરાંત અન્ય સાથીઓ કનેથી કામ લેવામાં એ નિષ્ણાત અને દીર્ઘદૃષ્ટા
હતા. કાકાસાહેબ તેમને રાજપુરુષ (સ્ટેટ્સમેન) કહેવાનું પસંદ કરે છે. સરદારના નિધન
પછી પણ એમનાથી ભિન્ન મત ધરાવતા ગાડગીળને નેહરુએ ક્યારેય 'હર્ટ' કર્યા નહોતા
એવું નિખાલસભાવે એ લખે છે. વલ્લભભાઈ 12 ડિસેમ્બર, 1950ના રોજ સારવાર
માટે મુંબઈ જવા રવાના થયા. '11
ડિસેમ્બરે હું સેક્રેટરિયેટમાં કામ કરતો હતો ત્યારે મને
શંકર (સરદારના પીએ)નો ફોન આવ્યો. વલ્લભભાઈ મને તાત્કાલિક મળવા માગતા હતા. હું ગયો.
એ પથારીમાં હતા. મને નજીક બોલાવીને એમણે કહ્યું, ‘હવે હું જાઉં છું.’ મેં એમને યાદ
દેવડાવ્યું કે ચૂંટણી પછી એ મને ગૃહમંત્રી બનાવવાના હતા અને હું એમને બારડોલી
આશ્રમમાં ડિટેઈન કરવાનો હતો.’
એ હસ્યા.અને બોલ્યા: ‘હવે હું જીવવાનો નથી. મને વચન આપ
કે હું જે કરવાનું કહું એ તું કરીશ.’ મેં કહ્યું કે પહેલાં શાને માટે
મને વચને બાંધવા માગો છો એ કહો તો ખરા.’ એમણે મને કહ્યું કે મને પહેલાં
વચન આપ અને એમણે મારી સામે એવી રીતે જોયું કે હું વચન આપવાની ના પાડી ન શક્યો.
દરવાજે ડાહ્યાભાઈ (સરદાર-પુત્ર) અમારો સંવાદ સાંભળી રહ્યા હતા. મેં જેવી ‘હા' કહી કે
વલ્લભભાઈએ મારો હાથ એમના હાથમાં લઈને કહ્યું, ‘પંડિતજી સાથે તારા ગમે તેટલા
મતભેદ હોય તો પણ તેમનો સાથ ક્યારેય છોડીશ નહીં.’ મેં ફરીને ‘હા’ પાડી અને એમણે
હાશકારો અનુભવ્યો. બીજે દિવસે એરપોર્ટ પર એમણે મને મારા વચનનું સ્મરણ કરાવ્યું અને
મેં હકાર ભણ્યો. 'હું વચન પાળીશ.'
એ વિમાનમાં ઉપર ગયા અને ત્રણ દિવસ પછી 15 ડિસેમ્બરે
મુંબઈમાં એમનું અવસાન થયું. એમના નિધન સાથે જ ભારતે રાજકીય દૃઢતા ગુમાવી.' સરદારે
ગાડગીળને શિરે અન્ય મંત્રીઓનું માર્ગદર્શન કરવાની જવાબદારી પણ સોંપી હતી.
માર્ગદર્શક મંત્રીની ભૂમિકા
સરદારના નિધન પછી કાકાસાહેબે જાણ્યું કે વલ્લભભાઈએ જગજીવન રામ, ક.મા.મુનશી
અને સરદાર બલદેવ સિંહ એ ત્રણેય મંત્રીઓને સલાહ આપી હતી કે તેમણે કાકાની સલાહ
પ્રમાણે વર્તવું. 'એ મુજબ બલદેવ સિંહ મારું માર્ગદર્શન લેતાં. મુનશી પણ મારી સલાહ
લેવા આવતા. એ કહે કે વલ્લભભાઈએ આપણા જૂથને તમારું માર્ગદર્શન લેવા કહ્યું હતું.
મેં એમને કહ્યું કે આપણું કોઈ જૂથ હતું નહીં કે છે નહીં. હું કેબિનેટમાં મારા
વિચારો કોઈપણ જાતના ડર વિના મોકળા મને મૂકવામાં માનતો રહ્યો છું. મારા વિચારો
નિર્ણય લેવામાં સ્વીકાર્ય ન હોય અને પાયાના મતભેદ ઊભા થાય તો રાજીનામું આપવામાં પણ
માનતો રહ્યો છું. હું ઘણીવાર વલ્લભભાઈની સલાહ લેતો હતો અને એમની સાથે પણ અસંમત થતો
હતો. આપણું એક જ લક્ષ્ય રહ્યું છે કે દેશની સુરક્ષા અને વિકાસમાં જે થાય એ બધું
કરવું. મુનશીએ વધુ દલીલ ના કરી. મેં જોયું કે એ પછીના દોઢ વર્ષ સુધી એમણે નેહરુને
સંપૂર્ણપણે અને બિનશરતી સમર્થન કર્યું. મને તેમના (મુનશીના) મત વિશે જાણ હતી પણ
કેબિનેટની બેઠકોમાં એ નેહરુ સાથે સંમત જોવા મળતા હતા. વલ્લભભાઈના નિધન પછી
કેબિનેટની બેઠકોમાં આ પરંપરા જળવાઈ. આના પરિણામે વડાપ્રધાન પોતાને સર્વજ્ઞ કે
સર્વોપરિ માનવા માંડ્યા. આંબેડકરે 1951માં રાજીનામું આપ્યું. રાજાજી પણ
એ જ ગાળામાં છૂટા થયા. ડૉ. કાત્જુ ગૃહમંત્રી બન્યા. સ્પષ્ટ કહું તો વલ્લભભાઈના
મૃત્યુ પછી જવાબદારીની સભાનતાએ જ મને કેબિનેટમાં રહેવા મજબૂર કર્યો. નેહરુએ મને
ખુલ્લેઆમ ક્યારેય આહત (હર્ટ) કર્યો નહીં પણ અમારી વચ્ચેના મતભેદો ક્યારેય ઉકેલાયા
નહોતા. એપ્રિલ 1950માં નિયોગીએ રાજીનામું આપ્યું ત્યારે મને સંસદમાં લગભગ તમામ
મહત્ત્વનાં વિધેયકો રજૂ કરવાની જવાબદારી સોંપાઈ હતી. એ જ રીતે મેં ટેરિફ બિલ
ઉપરાંત જીવન વીમા બિલ રજૂ કર્યાં અને આગળ વધાર્યાં. નેહરુને મારી ક્ષમતામાં કોઈ
શંકા નહોતી પણ તેમને એમની નીતિઓ અને ખાસ કરીને મુસ્લિમો અંગેની નીતિ સામે વિરોધ
પસંદ નહોતો.' 1952ની ચૂંટણી પછી પંડિત નેહરુ પક્ષની સંસદીય પાંખના નેતા ચૂંટાયા
ત્યારપછી કેબિનેટના સાથીઓ નક્કી કરવા સહિતની બાબતોમાં બ્રિટનની કેટલીક ઉજ્જવળ
પરંપરાઓને એમણે કોરાણે મૂકવાનું પસંદ કર્યાનું પણ ગાડગીળ નોંધે છે. જો કે, એમને
કેબિનેટમાં પાંચ વર્ષ કામ કરવાની તક મળી એને ખૂબ મહત્ત્વનું લેખે છે.
કાકાસાહેબ અને નેહરુની મોનોપોલી
કેન્દ્રમાં મંત્રી રહેલા અને સાદગીને વરેલા પુણેની ફર્ગ્યુસન
કોલેજના સ્નાતક અને કાયદાના પણ સ્નાતક એવા ધારાશાસ્ત્રી કાકાસાહેબ વર્ષ 1958થી ’62 લગી પંજાબના
રાજ્યપાલ પણ રહ્યા. સામાન્ય રીતે મેલાંઘેલાં ખાદીનાં વસ્ત્રોમાં જોવા મળતા
કાકાસાહેબ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થવા માટે 200 રૂપિયા
ખર્ચીને નવો નક્કોર પોશાક ખરીદીને ગવર્નર જનરલ રાજાજીના એ સમાંરભમાં સામેલ થાય છે.
પંડિત નેહરુએ આ સમારંભમાં યોગ્ય પોશાકમાં આવવા માટે સૂચનાઓ આપતો પરિપત્ર પણ કર્યો
હતો. આ સંદર્ભમાં પણ કાકાસાહેબે સરદારની સલાહ લીધી ત્યારે તેમણે રાજાજીને પૂછવા
સૂચવ્યું હતું. કાકાસાહેબ નવાનક્કોર પોશાકમાં સમારંભમાં સામેલ થયા. ‘હિંદુસ્તાન
ટાઈમ્સ’ના પ્રતિનિધિએ એમના વિશે ખાસ અહેવાલ છાપ્યો. એનું શીર્ષક હતું: 'ગાડગીળ નવા
પોશાકમાં સૌથી સ્માર્ટ લાગતા હતા.' બીજા દિવસે નેહરુએ એ અહેવાલ
કાકાસાહેબને બતાવ્યો. ગાડગીળે નેહરુને એવું કહ્યાનું એ નોંધે છે: 'મારા જીવનનાં 54 વર્ષમાં મને
પહેલીવાર મારા પોશાક માટે શાબાશી મળી છે. અને આ છેલ્લી વારની હશે. મેં તો તમારી
મોનોપોલી માત્ર એક દિવસ પૂરતી જ તોડી છે!'
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment