ગુજરાત કોંગ્રેસને ફરી ચેતનવંતી બનાવવાની કવાયત
અતીતથી
આજ: ડૉ.હરિ દેસાઈ
·
ગાંધીજી અને સરદાર
પટેલ ક્યારેક રાજ્ય કોંગ્રેસના પ્રમુખ હતા
·
જગદીશ ઠાકોર સામે
પડકારો ઘણા છતાં ઉર્ધ્વગતિ અશક્ય નથી
·
માધવસિંહ સોલંકીના
બંને વિક્રમ તોડવાનું હજુ કોઇથી બન્યું નથી
·
“ખામ” થિયરી થકી જીતવાના સંકલ્પમાં સ્વજનોના જ અપશુકન
Dr.Hari Desai writes
weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).
You may visit haridesai.com for more such columns by Dr.Desai.
ઘણું
મોડું કર્યું કોંગ્રેસના મોવડીમંડળે ગુજરાત પ્રદેશ
કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નિયુક્તિ કરવામાં. અગાઉ વિધાનસભ્ય અને લોકસભાના સભ્ય રહેલા ઓબીસી નેતા જગદીશ ઠાકોર ૧૦, જનપથ (કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા
ગાંધી વતી ૧૨,તુઘલક નિવાસી રાહુલ ગાંધીની કૃપાથી) ) થકી પ્રદેશપ્રમુખ નિયુક્ત થયા.
મધ્ય ગુજરાતના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાને વિધાનસભામાં વિપક્ષના નેતાપદે,
પક્ષના એકતૃતીયાંશ ધારાસભ્યોની અનુપસ્થિતિમાં, સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા. ભાજપ
ભણી વળેલા પટેલ સમાજને કોંગ્રેસ ભણી વાળવા માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને
મુખ્યમંત્રી બનવાના અભરખા રાખતા ભરતસિંહ માધવસિંહ સોલંકી ખોડલધામ જઈને નરેશ પટેલને મળી આવ્યા, પણ
ભાજપે બોટી લીધેલી વોટબેંકને એ કોંગ્રેસ ભણી વાળવામાં કેટલા સફળ થશે એ અકળ છે.
જોકે સોલંકી પરિવારના પટેલ પરિવાર સાથેના સંબંધ જૂના છે. આમ છતાં, વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણી
જેવા પટેલ નેતાને ખસેડીને અને પક્ષના પ્રદેશ કાર્યાધ્યક્ષ હાર્દિક પટેલને અવગણી હવે
કોંગ્રેસ કયા પટેલ નેતાઓને હોદ્દા આપે છે
એ ભણી સૌની નજર ખરી. વળી, કયા દલિત અને મુસ્લિમ ચહેરાને આગળ કરાય છે એ પણ જોવું
રહ્યું. દલિત ચહેરામાં નૌશાદ સોલંકી ઉપસી શકે, પણ અસદુદ્દીન ઓવૈસીના એમઆઈએમ અને
છોટુભાઈ વસાવાના બીટીપીની નવતર ગોઠવણો સામે આદિવાસી અને મુસ્લિમ વોટબેંક પુનઃ અંકે
કરવા કોંગ્રેસે મથામણ તો કરવી પડશે. દક્ષિણમાં ધારાસભ્ય આનંદ ચૌધરીનું પત્તું
કાપવામાં ભરત-તુષારની જોડી ભલે સફળ થઇ પણ ચૂંટણી હારવાના વિક્રમ ધરાવતી આ જોડીએ
મજબૂત અને યુવા ચહેરાઓને અવગણીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. ભાજપ પણ
સામાજિક ઇજનેરી વિદ્યા(સોશિયલ એન્જિનીયરિંગ)માં પારંગત છે અને સત્તામાં છે એ રખે વિસરાય.
સોલંકી ના તો શંકરસિંહ વાઘેલા જેવા દિલ્હીશ્વર કને જેમની ચોટલી છે એવા અડૂકિયા-દડૂકિયા નેતાના સહારે મુખ્યમંત્રીપદ
સુધી પહોંચી શકે તેમ છે કે ના માત્ર ૪૦ % ઓબીસી વોટબેંકના પ્રતિનિધિ જગદીશ ઠાકોર
અને ૧૫ % આદિવાસી વોટબેંકના પ્રતિનિધિ સુખરામના
સહારે. ભાજપના મહારથીઓ અને સંઘ પરિવાર સામે ૨૦૦૪ના રાષ્ટ્રીય સંજોગો જેવી
સ્થિતિ ગુજરાતમાં સર્જવા માટે અહમદ પટેલવાળી કર્યે ચાલવાનું નથી. દિલ્હી દરબાર પણ
ધીમી ગતિના સમાચારની જેમ નિર્ણય કરવામાં સમય લે ત્યાં સુધી તો ભાજપી ચીડિયા ચુગ ગઈ
ખેત જેવો માહોલ છે.
જૂથવાદ
તો જીત્યા ત્યારેય હતો
કોંગ્રેસ
ફરીને ઝીણાભાઈ દરજીવાળી અને માધવસિંહ સોલંકીએ અમલી બનાવેલી “ખામ થિયરી” (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે લેવાની) ભણી આગળ વધીને
સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે.પક્ષમાં જૂથવાદ હોવાની વાતો હવે કાયમી બની છે. માધવસિંહ
સોલંકીએ અત્યાર લગી અતૂટ રહેલો વિધાનસભા બેઠકોનો ૧૯૮૫માં વિક્રમ સર્જ્યો ત્યારે પણ
જૂથવાદ તો હતો જ. વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ૧૪૯ બેઠકો
કોંગ્રેસ જીતી હતી. જોકે એ પછી થોડા જ મહિનાઓમાં સોલંકીએ મુખ્યમંત્રી પદ છોડવું
પડ્યું હતું. ફરીને એમણે ૧૯૮૯માં મુખ્યમંત્રી બનીને ૧૯૯૦ની ચૂંટણીમાં જૂના
કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા ચીમનભાઈ પટેલના જનતાદળ અને કેશુભાઈ પટેલના ભારતીય
જનતા પક્ષના સહશયન સામે કોંગ્રેસને સૌથી ઓછી એટલે કે માત્ર ૩૩ બેઠકો અપાવીને પણ
બીજો વિક્રમ સર્જ્યો હતો. જનતાદળ અને ભાજપની ફારગતી પછી પણ સત્તામાં ટકી રહેવા
માટે ચીમનભાઈ પટેલે કોંગ્રેસનો જ હાથ ઝાલવો પડ્યો હતો.મુખ્યમંત્રીપદે જ એમના
નિધન પછી છબિલદાસ મહેતાએ કોંગ્રેસી ગાડું ગબડાવ્યું, પણ ૧૯૯૫થી થોડા અપવાદ સિવાય
રાજ્યમાં ભાજપનું જ સ્ટીમરોલર ફરી વળ્યું. ડિસેમ્બર ૨૦૧૭ના ડિસેમ્બરમાં યોજાયેલી
વિધાનસભા ચૂંટણીમાં સત્તા લગી પહોંચવાની કોંગ્રેસની આશા ફળીભૂત તો ના થઇ પણ ભાજપના ૧૫૧ના લક્ષ્યાંકને સ્થાને એને ૯૯ બેઠકે લાવી
દીધો. કોંગ્રેસને ૭૭ મળી,પણ પછી ભાજપે એની વિકેટો ખેરવવા માંડી અને અત્યારે
વિધાનસભામાં કોંગ્રેસને ૬૬ (૬૫+૧) પર લાવી
મૂકી છે. આગામી દિવસોમાં સત્તાપક્ષ કેવી કેવી કરામતો કરશે એ ભણી કોંગ્રેસે સતર્ક
રહેવાની જરૂર ખરી. હજુ ભાજપને પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ અંગેની વોટ્સએપ ઝુંબેશો
પ્રજાને પ્રભાવિત કરીને ફળતી રહી છે.
ગાંધી-સરદારનું
ઊંચેરું સ્થાન
રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવવામાં ય ક્યાં મોડું થયું નહોતું? કેબિનેટ મંત્રીપદ છોડાવીને સંગઠનના પ્રભારી બનાવાય ત્યારે એમણે આગામી વિધાનસભામાં જીત અંકે કરી આપવાની જ હોય,પણ જયારે સ્વજનોનાં જ રીસામણાં-મનામણામાં જ ઘણો વખત જતો હોય ત્યારે પવનવેગી ભારતીય જનતા પક્ષ પોતાનું સત્તા-ખેતર ભેળાઈ ના જાય એની વધારે ચિંતા કરે.વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે, પણ ઉત્તરપ્રદેશમાં ભાજપનું સખળડખળ છે એટલે વહેલી પણ આવે. ચૂંટણી પંચે ચૂંટણી સમયસર યોજાવાની જાહેરાત તો કરી છે, પણ એ સંજોગો બદલાતાં ફેરવી પણ શકે. ક્યારેક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ મહાત્મા ગાંધી (૧૯૧૮-૨૦) કે સરદાર પટેલ (૧૯૨૦-૪૬) સમગ્ર દેશનો હાઈકમાંડ હતા. હવે બિચારા ૧૦, જનપથના ઓશિયાળા છે. કોંગ્રેસની જ અવસ્થામાં ભાજપ પણ છે. ક્યારેક નાગપુર અને હવે દિલ્હીશ્વર પર આશ્રિત અવસ્થામાં છે. કોંગ્રેસના હાઈકમાંડને ભાંડનારાઓ પોતે જ હવે હાઈકમાંડ શબ્દ વાપરવા માંડ્યા છે. કોંગ્રેસ સક્રિય થઇ પોતાના સમગ્ર તંત્રને સાબદું કરે તો ગુજરાતમાં સત્તા સુધી પહોંચવાનું અશક્ય નથી. ૪૧% વોટ એને મળે છે. ભાજપને ૪૯ ટકા મત મળ્યા હતા. માત્ર ૪.૫ % નો જ સ્વિંગ લાવવાની જરૂર છે, એવી જગદીશ ઠાકોરની વાતમાં વજૂદ છે. રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્યોમાં ભાજપ અંગેનું ભ્રમનિરસન થતું ચાલ્યું છે. સત્તા ટકાવવા માટે ત્રણ કૃષિ કાયદા પરત લેવાની ફરજ પડ્યાનો સંકેત સ્પષ્ટ છે. ગુજરાતમાં પણ ભાજપમાં બધું સમુસૂતરું છે એવું માનવાને કારણ નથી. હજુ સત્તા બધાને સાથે રાખે છે. જેમ ભાજપી સરકાર ધરાવતા હિમાચલમાં પેટા ચૂંટણીમાં ત્રણેય વિધાનસભા અને એક લોકસભા બેઠક ભાજપ હારે, ઉત્તરાખંડમાં ભાજપી સરકારમાંથી મંત્રીઓ રાજીનામાં આપીને કોંગ્રેસમાં જોડાય, ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારને સ્થાને ફરીને અખિલેશ સરકાર આવી રહ્યાની ગણતરીઓ મંડાય છે તો ગુજરાતમાં પણ પરિવર્તન ભલે અઘરું લાગે, અશક્ય નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલામાંથી કેટલાક સ્વગૃહે પરત ફરવાના આકાંક્ષી છે. એટલે રાજ્યમાં ભાજપ ધૂમ મચાવે છે. ૧૮૨ બેઠકોમાંથી ૧૮૨ બેઠકોનો લક્ષ રાખે છે. કોંગ્રેસે આળસ ખંખેરી, મજબૂત મનોબળ સાથે, જીતવાના સંકલ્પ સાથે આગળ વધવાની જરૂર છે. રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચિત્ર બદલાઈ રહ્યું છે એના સંકેતો વિપક્ષી એકતામાં મળે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ થકી સત્તાપક્ષના નેતાઓને ફોડ્યા અને એડીચોટીનું જોર લગાવ્યા છતાં મમતા બેનરજી ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યાં. કેરળમાં મેટ્રોમેન શ્રીધરનને મૂરતિયા તરીકે ભાજપે તૈયાર રાખ્યા હતા અને શપથવિધિ માટે થનગનાટ હતો છતાં વિધાનસભામાં એકેય બેઠક મળી નહીં. તમિળનાડુમાં પણ અન્નાદ્રમુક સાથે જોડાણ કરીને સત્તારૂઢ થવાની ભાજપી મહેચ્છા દ્રમુક અને કોંગ્રેસના જોડાણે ભાંગીને ભુક્કો કરી નાંખી. દેશનાં ૨૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ધારાસભાઓમાં આજે ભાજપ આપબળે તો ત્રીજા ભાગની ધારાસભાઓમાં ય બહુમતી ધરાવતો નથી. જોડાણો અને પક્ષપલટા તેમ જ રાજભવનના ખેલ થકી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની રાજ્યોમાં સરકારો છે. મમતા બેનરજી જેવી આક્રમકતા ધરાવનાર નેતાએ ૧૯૭૭થી ૨૦૧૧ લગી પશ્ચિમ બંગાળમાં એકચક્રી રાજ કરનારા ડાબેરી મોરચાના શાસનને ધ્વસ્ત કર્યું હતું. હવે એ વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૩માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા તૈયારી કરી રહ્યા હતા એવું જ આજે મમતાનું છે. વિપક્ષી એકતા અશક્ય નથી. કેન્દ્રીય એજન્સીઓ એમાં ફાચર મારવા વિપક્ષી નેતાઓને પરેશાન કરી રહી હોવા છતાં મોટાભાગના ડગ્યા નથી. દેશનું ચિત્ર બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પરિવર્તન લાવવા કોંગ્રેસે કમર કસવી પડે. નિરુત્સાહ કાર્યકરોમાં ચેતનાનો સંચાર કરવો પડે. યાદ રહે કે માત્ર બેસી રહેવાથી સત્તા નામનું પતાસું મોઢામાં આવીને પડવાનું નથી. ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૬ ડિસેમ્બર, ૨૦૨૧)
No comments:
Post a Comment