Sunday, 26 December 2021

Congress History

                       કોંગ્રેસમુક્ત ભારતની ગાજવીજ ટાણે કોંગ્રેસનો વિશ્વકોશ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         શતાબ્દીગ્રંથ પછી ૮૦ વર્ષીય પ્રમોદ શાહનું યોગદાન

·         મુંબઈમાં હ્યુમ સહિતના ૭૨ જેટલા સર્વધર્મી સંસ્થાપકો

·         કમ્યૂનિસ્ટ, ભાજપ સહિત તમામના આરાધ્યો ય કોંગ્રેસી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.26 December, 2021.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે ચલાવાતા કોંગ્રેસના વિસર્જનના કથન સાથે જ વાસ્તવમાં બાપુએ નોંધેલા મહત્વના એ કથનને  વિસારે પડાય છે કે એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે..  આઝાદીની લડત ચલાવવામાં અગ્રક્રમે રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી જ પેદા થયેલા ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, માર્ક્સવાદી સામ્યવાદી, બીજુ જનતા દળ, જનતાદળ(યુનાઇટેડ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના, દ્રમુક, વાયએસઆર કોંગ્રેસ, તેલંગણ રાષ્ટ્ર સમિતિ,એનઆર કોંગ્રેસ સહિતના  રાજકીય પક્ષો આજે દેશ અને રાજ્યોમાં શાસન કરે છે. ૧૩૫ વર્ષ પહેલાં હિંદીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસની સ્થાપના થઇ હતી. એ  માટે દેશભરમાંથી ૭૨ જેટલા ભણેલા ગણેલા અને મહદઅંશે બેરિસ્ટર કે ધારાશાસ્ત્રી એવા સર્વધર્મી મહાનુભાવો ૨૮-૨૯-30 ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મુંબઈના ગોવાલિયા ટેંક ખાતે તેજપાલ સંસ્કૃત કોલેજના સભાગૃહમાં મળ્યા હતા. બ્રિટિશ સરકારના ઉચ્ચ સનદી અધિકારી રહેલા એલન ઓક્તોવિયન હ્યુમ કોંગ્રેસની સ્થાપનાના પ્રેરણાપુરુષ રહ્યા એટલે આજકાલ કોંગ્રેસને ભાંડવાની ઝુંબેશોમાં એના સંસ્થાપક બ્રિટિશ હોવાની ભારે ગાજવીજ કરીને યુવા પેઢીને ભ્રમિત કરવાના પ્રયાસો થાય છે. હકીકતમાં હિંદીઓના હિતમાં કાર્યરત અને જેમને લાલા લાજપતરાય જેવા મહારથી પણ બિરદાવતા રહ્યા એવા આ હ્યુમ ભલે કોંગ્રેસના પિતા ગણાય, પણ એ જ કોંગ્રેસમાં આજના શાસકોના આરાધ્યપુરુષો પણ હતા એ વાતનું સ્મરણ રહે. ભાજપના આરાધ્યો ડૉ.કેશવ બલિરામ હેડગેવાર અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી પણ કોંગ્રેસી હતા. શ્રીપાદ અમૃત ડાંગે જેવા સામ્યવાદી પક્ષના સંસ્થાપકો કે વિશ્વમાં સર્વપ્રથમવાર ચૂંટાયેલી કમ્યૂનિસ્ટ સરકાર એટલે કે કેરળની નામ્બુદિરીપાદ સરકારના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ મૂળ કોંગ્રેસી જ હતા. વડાપ્રધાન અને કોંગ્રેસના અધ્યક્ષ રહેલા રાજીવ ગાંધીના સમયમાં ૧૯૮૫માં મુંબઈમાં પક્ષની શતાબ્દી ઉજવાઈ ત્યારે ઇતિહાસવિદ અને રાજનેતા  રફિક ઝકરિયાએ સંપાદિત કરેલા અંગ્રેજી ગ્રંથ “૧૦૦ ગ્લોરિયસ યર્સ : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ૧૮૮૫-૧૯૮૫’ (પૃષ્ઠ:૩૫૨) પછી ૩૫ વર્ષનો સમયગાળો વિત્યા પછી અમદાવાદના ૮૦ વર્ષીય પ્રમોદ શાહે  હમણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: દર્શન અને ચિંતન (પૃષ્ઠ:૪૩૨)  નામક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથ  એમના પક્ષના કાર્યકરો માટે જ નહીં, પણ સમગ્રપણે રાજકીય ઘટનાક્રમના અભ્યાસીઓ માટે પણ એક બેનમૂન વિશ્વકોશ સમાન  છે.  ગુજરાતને કેન્દ્રમાં રાખીને આ ગ્રંથમાં ૧૮૮૫માં કોંગ્રેસના એ ૭૨ સંસ્થાપકોથી લઈને ૨૦૨૦ લગીના ઘટનાક્રમને સુપેરે આવરી લીધો છે. ઘણાબધા ભ્રમ ભાંગવાનું કામ પણ એમણે કર્યું છે. અત્યારે જયારે કોંગ્રેસમાં મંચ શોભાવનારા  નેતાઓ વધી ગયા છે અને સામે સભાગૃહમાં કાર્યકરોની સંખ્યા સીમિત થવા માંડી છે ત્યારે યુવા કોંગ્રેસીઓ જ નહીં, જૂના કોંગ્રેસીઓ અને અન્ય અભ્યાસીઓ માટે પણ આ ગ્રંથ સારું ભાથું અને પ્રેરણા પીરસે છે.

હિંદુ,મુસ્લિમ અને પારસી સંસ્થાપકો

કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનરજી. હ્યુમ ૧૯૦૬ સુધી કોંગ્રેસના મહામંત્રી રહ્યા. કોંગ્રેસના સંસ્થાપકોમાં જે ૭૨ જણાનો સમાવેશ હતો તેમાં દાદાભાઈ નવરોજી, જી.સુબ્રમણ્યમ, સોલીસીટર અબદુલ્લા મહેરઅલી ધરમશી, સોલીસીટર રહીમતુલ્લા સાયાની, ફિરોજશા મહેતા,બહેરામજી મલબારી, કૈલાસનાથ તેલંગ, દયારામ જેઠમલ, ઓડેદરામ મૂળચંદ વગેરેનો સમાવેશ હતો. કોંગ્રેસના બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજી અને ત્રીજા અધ્યક્ષ બદરુદ્દિન તૈયબજી હતા.  કોંગ્રેસના દેશી અને વિદેશી ૮૮  અધ્યક્ષો રહ્યા. મહિલાઓ અને પુરુષો પણ આ હોદ્દે આવ્યાં. લગભગ દર વર્ષે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી થતી રહી. ક્યારેક સર્વાનુમતે તો ક્યારેક રસાકસીભરી ચૂંટણી થઇ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ એક એક વાર જ અધ્યક્ષ રહ્યા, પણ પંડિત મદનમોહન માલવિયા, દાદાભાઈ નવરોજી, પંડિત મોતીલાલ નેહરુ,  પંડિત જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, યુ.એન.ઢેબર, કે.કામરાજ, એસ.નિજલિંગપ્પા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી વગેરે એકથી વધુ વખત અધ્યક્ષ રહ્યાં. કોંગ્રેસ સાથે ગોપાલકૃષ્ણ ગોખલે અને લોકમાન્ય ટિળક જેવા પુણેના બંને મહારથી પણ હતા. ઘણી બધી બાબતોમાં એમની વચ્ચે મતભેદ હતા. જહાળ અને મવાળ નેતાઓ કોંગ્રેસમાં રહ્યા. લાલા લાજપત રાય, અરવિંદ ઘોષ, સરોજીની નાયડુ, મોહમ્મદઅલી ઝીણા સહિતના નેતાઓ કોંગ્રેસમાં હતા. .ભાગલા અને નેહરુ-સરદાર વચ્ચેના મતભેદો અંગેની ચર્ચાનો  પણ ગ્રંથમાં કરવાનો છોછ રખાયો નથી.   ગુજરાત કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ રહેલા સરદાર પટેલ, રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો, મહાપાલિકાના નેતાઓ ઉપરાંત કોંગ્રેસની યાદવાસ્થળી અને મતભેદો તેમ જ નેતાઓનાં મહત્વનાં ભાષણોને પણ પ્રમોદભાઈએ આ ગ્રંથમાં આવરી લેવાનું પસંદ કર્યું છે. એમની ત્રણ વર્ષની જહેમત આ સામગ્રીમાંથી પસાર થતાં અનુભવાય છે. કોંગ્રેસ અગાઉ કોઈ એક પરિવારમાં નેતૃત્વ સીમિત કરતી નહોતી, પણ હવે એનું નેતૃત્વ નેહરુ-ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી લગી કેન્દ્રિત થતું હોવાની વિગતોની સાથે જ ભાજપ સહિતના પક્ષોના પરિવારવાદ કે વંશવાદને પણ એ ઉજાગર કરે છે. કોંગ્રેસની વિચારધારા અને એના વિકાસ તેમ જ આઝાદીની લડતમાં યોગદાનને એમણે અહીં સુપેરે પ્રસ્તુત કર્યું છે. પ્રમોદ શાહ નોંધે છે: ગાંધીજીના વિચાર જોડે સ્નાનસૂતકનો સંબંધ નથી એવા લોકો કોંગ્રેસ વિસર્જનની વાત કરે ત્યારે એટલું સ્પષ્ટ કરવું પડે કે ગાંધીજી કોંગ્રેસનું વિસર્જન નહીં, કોંગ્રેસની પુન:રચના ઈચ્છતા હતા. એમણે ‘હરિજન’ પત્રિકામાં નોંધેલા શબ્દો પણ એ હતા કે : ‘હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસ દેશની જૂનામાં જૂની રાજકીય સંસ્થા છે અને અનેક લડતો લડીને તેણે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને આપણાથી મરવા ના દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.’  કોંગ્રેસ દેવહુમા (ફિનિક્સ) પક્ષીની જેમ રાખમાંથી બેઠી થવા માટે જાણીતી છે એટલે દેશને કોંગ્રેસમુક્ત  કરવાના મનસુબા ધરાવનારાઓના પક્ષ કોંગ્રેસયુક્ત થતા રહ્યા છે. હવે તો ઉત્તરનાં રાજ્યોમાં  ઉલટો પ્રવાહ શરૂ થતો જોવા મળે છે. આપણે ત્યાં ઉક્તિ છે: “ચક્રવત્ પરિવર્તન્તે સુખાનિ  ચ દુઃખાનિ ચ.“ આગામી ચૂંટણીઓ પરિવર્તન લાવનારી સાબિત થઇ પણ શકે.

તિખારો

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે

શૂરા જાગજો રે, કાયર ભાગજો રે

માથું મેલો સાચવવા સાથી ટેકને રે

સાથી ટેકને રે, સાથી ટેકને રે

તોડી પાડો સરકારી જુલ્મી કાયદા રે

જુલ્મી કાયદા રે, જુલ્મી કાયદા રે

ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે

કાયા હોમજો રે, કાયા હોમજો રે.

-ફૂલચંદ શાહ (૧૯૨૮)

ઈ-મેઈલ:haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment