સરદારે રજવાડાંનો વિલય કર્યો,
હવે રાજ્યોનાં
વિભાજનનો યુગ
ઈતિહાસ
ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.૨૧ નવેમ્બર, ૨૦૨૧.
વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/sardar-unified-the-kingdoms-now-the-era-of-division-of-states-129133781.html
ઘણા લાંબા સંઘર્ષ પછી 1947માં અંગ્રેજો કનેથી આઝાદી
મળ્યાના સમયગાળામાં લગભગ 565થી 600 (વી.પી. મેનન રજવાડાંની સંખ્યા વધુ દર્શાવે છે) જેટલાં દેશી
રજવાડાંનાં એકીકરણ થકી રિયાસત ખાતાના પ્રધાન એવા નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી
સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના એકીકૃત નકશાને આકાર આપ્યો. ગોવા અને પુડુચેરી જેવી
અનુક્રમે પોર્ટુગીઝ અને ફ્રેંચ વસાહતોને વડાપ્રધાન પંડિત નેહરુએ ડિસેમ્બર 1961માં લશ્કર
પાઠવીને અને ફ્રેંચ સંસદ કને ઠરાવ કરાવીને 1954થી 1962 દરમિયાન
ભારતમાં ભેળવી. વર્ષ 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ સિક્કિમ દેશમાં જનમત લેવડાવીને એનો
ભારતના રાજ્ય તરીકે સમાવેશ કરાવ્યો. એ રીતે ભારતનો આજનો નકશો તૈયાર થયો. વાસ્તવમાં
વડાપ્રધાન નેહરુ અને નાયબ વડાપ્રધાન પટેલ ભાષાવાર પ્રાંત રચનાના વિરોધી હતા, પણ સમયાંતરે
સંજોગો એવો આકાર લેતા ગયા કે ભાષાવાર પ્રાંત રચના થવા ઉપરાંત મોટાં રાજ્યોમાંથી
સતત નાનાં રાજ્યોની રચના કરવા ઉપરાંત સરદાર પટેલે જે કામ કર્યું હતું એનાથી ઉલટી
દિશામાં રાજકીય શાસકો આગળ વધતા રહ્યા. 1956થી 1960 વચ્ચેના
સંયુક્ત મહારાષ્ટ્ર અને મહાગુજરાત ચળવળના પ્રતાપે 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને
મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં. બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભાષાવાર
પ્રાંત રચનાના વિરોધી હોવા છતાં તેમને મરાઠીભાષી મહારાષ્ટ્રમાંથી ચાર મરાઠીભાષી
રાજ્યો શહેરી મહારાષ્ટ્ર (મુંબઈ),
પશ્ચિમ મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વ
મહારાષ્ટ્ર(વિદર્ભ)ની રચનાની છેક 1955માં તરફેણ કરી હતી.
વિદર્ભ-તેલંગણની રચના
વર્ષ 2000માં કેન્દ્રની ભાજપ-શિવસેના-તેલુગુ દેશમ પક્ષની સહિયારી સરકાર થકી
અન્ય ત્રણ નાનાં રાજ્યોની રચના કરી હોવા છતાં શિવસેના વિદર્ભ રાજ્યના વિરોધમાં
હોવાથી વિદર્ભ અને તેલુગુ દેશમ પક્ષ તેલંગણ આપવાના વિરોધમાં હોવાને કારણે આ બંને
રાજ્યોની રચના કરવાનું ભાજપના સંકલ્પપત્રમાં હોવા છતાં ટાળ્યું હતું. તેલંગણ છેક 2014માં કેન્દ્રની
કોંગ્રેસ સરકારે શક્ય બનાવ્યું,
પણ આંધ્ર અને તેલંગણમાં પક્ષ ચૂંટણી હારી ગયો હતો.
નાનાં રાજ્યો થકી ઝડપી વિકાસ શક્ય બનવાની અપેક્ષા કરતાં વધુ ને વધુ રાજકીય નેતાઓને
સરકારી હોદ્દાઓની લહાણી કરી શકાય એ હેતુસર નાનાં રાજ્યો રચવાની ભૂખ હજુ
વણસંતોષાયેલી જ રહી છે. સ્વતંત્ર ભારતના દિવસોમાં 571 રજવાડાં ભારતમાં ભળતાં 27 પ્રાંત હતા, પણ એ વધીને 29 રાજ્યોની રચના
અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. જમ્મૂ-કાશ્મીરનો બે વર્ષ પહેલાં
વિશેષ રાજ્યનો દરજ્જો પરત ખેંચીને એને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચી દેવાતાં
દેશનાં રાજ્યોની સંખ્યા ઘટીને 28
થઇ અને કેન્દ્ર શાસિત પ્રદેશો વધીને 9 થયા છે.
જમ્મૂ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરીને બહાલ કરવાની વાત હજુ હવામાં છે ત્યારે જ
ઉત્તર પ્રદેશને વધુ ચાર રાજ્યોમાં વહેંચવા, પશ્ચિમ બંગાળને બે કે ત્રણ
રાજ્યોમાં વહેંચવા, તમિળનાડુને બે રાજ્યોમાં વિભાજિત કરવા અને આંધ્ર પ્રદેશને હજુ વધુ
એકવાર રાયલસીમા સહિત બે રાજ્યોમાં વહેંચવા માટે આંદોલનો અને માગણીઓ ચાલી રહી છે.
વર્ષ 1948માં જસ્ટિસ ધર પંચ
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું ત્યાં લગી
જમ્મૂ-કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ સિવાયનાં ભારતના પ્રદેશમાં આવતાં મોટાભાગનાં
દેશી રજવાડાંને ભારતમાં જોડાવાની દિશામાં સરદાર પટેલ અને એમના ખાતાના સચિવ વી. પી.
મેનન સફળ થયા હતા. આનાથી વિપરીત પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન મેળવવામાં સફળ થયેલા
મોહમ્મદ અલી ઝીણાના દેશની અંદર અને આસપાસ આવતાં 9 જેટલાં રજવાડાં એમના દેશમાં જોડાતાં
તો 1956નું વર્ષ આવી ગયું હતું. ઝીણા તો 1948માં જ મૃત્યુ પામ્યા હતા અને
એમના દેશમાં જોડાનારાં રજવાડાં સરદાર પટેલ જેવા કોઈ દીર્ઘદૃષ્ટા નેતાના અભાવે સમાન
રીતે પાકિસ્તાનનો ભાગ બની શક્યાં નહીં. આઝાદીના સમયથી જ ભાષાવાર રાજ્યોની રચના
અંગે માગણી ઊઠવા માંડી હતી. કેન્દ્રની નેહરુ સરકારે 1948માં જ
અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ એસ.કે. ધરના વડપણ હેઠળ રાજ્યોની રચના બાબત એક પંચ
નિયુક્ત કર્યું હતું. આ પંચે પોતાના અહેવાલમાં ભાષાવાર રચનાને બદલે વહીવટી
અનુકૂળતા મુજબ રાજ્યોની પુનઃરચના કરવાની ભલામણ કરી. સત્તારૂઢ કોંગ્રેસે પણ
ડિસેમ્બર 1948માં નેહરુ, પટેલ અને પટ્ટાભિ સિતારામૈયાની જેવીપી સમિતિ નિયુક્ત કરી. આ સમિતિએ
એપ્રિલ 1949માં આપેલા અહેવાલમાં ભાષાવાર પ્રાંત કે રાજ્યોની રચના નવરાષ્ટ્ર
ભારતને નબળું પાડશે એવો મત વ્યક્ત કરતો અહેવાલ આપ્યો. નેહરુ-સરદારે ભાષાવાર પ્રાંત
રચનાના ખ્યાલનો અસ્વીકાર કર્યો.
તેલુગુભાષી આંધ્રની રચના
વિશાળ તમિળ, તેલુગુ, મલયાલી અને
કન્નડ ભાષી પ્રદેશ ધરાવતા મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી અલગ રાજ્ય આંધ્ર પ્રદેશ
રચવા માટેની માગણીના ટેકામાં આંદોલન શરૂ થયું. સ્વાતંત્ર્ય સૈનિક એવા પોટ્ટી
શ્રીરામુલુ સહિતના તેલુગુ ભાષી અગ્રણીઓએ અલગ તેલુગુ રાજ્ય આંધ્ર પ્રદેશ માટેની
માગણી કરતાં 1952માં આંદોલન અને અનશન આદરવાનું શરૂ કર્યું, પણ કેન્દ્રની
નેહરુ સરકારે મચક ના આપી. જોકે શ્રીરામુલુનું 56 દિવસના અનશનને પગલે મૃત્યુ
નીપજ્યું અને મામલો ગંભીર બનતાં અંતે નેહરુ સરકારે અલગ તેલુગુ રાજ્ય આપવાની સહમતી
આપવી પડી. વર્ષ 1953માં પહેલું તેલુગુ ભાષી રાજ્ય આંધ્ર પ્રદેશ અસ્તિત્વમાં આવ્યું
એટલે અન્ય ભાષાવાર રાજ્યોની રચનાની માગ ઊઠી.
રાજ્યોની રચનાનો દોર
22 ડિસેમ્બર 1953ના રોજ જસ્ટિસ ફાઝલ અલીના વડપણ
હેઠળ દેશકક્ષાએ રાજ્યોનાં પુનર્ગઠન માટેના પંચની રચના કરવી પડી. નવેમ્બર 1956માં આ પંચ થકી
દેશને 14 રાજ્યો અને 6
કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાની ભલામણ કરાઈ. એને પગલે
આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ,
મુંબઈ,
જમ્મૂ-કાશ્મીર, મધ્યપ્રદેશ, મદ્રાસ, મહિસુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન અને
પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોની ભલામણ કરાઈ. એ પછી તો
દેશમાં જાણે કે રાજ્યોની નવરચનાનો દોર ચાલ્યો. શાહ પંચના એપ્રિલ 1966ના અહેવાલને
પગલે પંજાબમાંથી હિંદીભાષી હરિયાણા રચાયું. હિમાચલ પ્રદેશ અને ચંડીગઢને કેન્દ્ર
શાસિત પ્રદેશ બનાવાયા. 1969 અને 1971માં તો મેઘાલય,
હિમાચલ પ્રદેશ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ત્રિપુરા અને
મણિપુર પણ રાજ્યો બન્યાં. રાજ્યોની સંખ્યા વધીને 21 થઇ. એ પછી 1987માં ગોવા 25મું રાજ્ય
બન્યું. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યો બન્યાં. વર્ષ 2000થી વાજપેયી
સરકારે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી
ઉત્તરાંચલ-ઉત્તરાખંડ રાજ્ય બનાવ્યું. કોંગ્રેસ શાસિત આંધ્રપ્રદેશની ધારાસભાના વિરોધ
છતાં કોંગ્રેસની જ ડૉ. મનમોહનસિંહના વડપણવાળી કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશમાંથી
તેલંગણને અલગ રાજ્ય બનાવવાનો નિર્ણય કર્યો. જૂન 2014માં એ દેશનું 29મું રાજ્ય
બન્યું ત્યાં સુધી તો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર આવી ગઈ
હતી. હજુ વધુ રાજ્યોની માગણી ઊઠી રહી છે.
ચૂંટણી જીતવા નવાં રાજ્યો
સ્થાનિક લોકોની માગણી માન્ય રાખીને એમને રાજી કરવા માટે
નાનાં રાજ્યો આપવાની ભૂમિકા રહે છે. આંધ્ર પ્રદેશમાંથી તેલંગણ રાજ્ય આપ્યા પછી
કોંગ્રેસનો પરાજય થયો હતો પણ અગાઉ 2000માં ત્રણ રાજ્યોની રચના જે તે
રાજ્યોમાં ભાજપને ફળી હતી. માયાવતી સરકારે ઉત્તરપ્રદેશમાં જતાં જતાં રાજ્યને ચાર
રાજ્યોમાં વિભાજિત કરવાનો ઠરાવ ધારાસભામાં કર્યો હતો, પણ હજુ આજ
સુધી એ સાકાર કરાયો નથી. આવતા વર્ષમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી
હોવા છતાં અત્યારની યોગી આદિત્યનાથની ભાજપ સરકાર પણ આ પ્રસ્તાવના સમર્થનમાં
નથી.જોકે પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં સત્તા ઝંખતી ભારતીય જનતા પાર્ટી આ
રાજ્યમાંથી વધુ રાજ્યો અમલી બનાવવાની તરફેણ કરે છે. ગુજરાતમાંથી ફરીને સૌરાષ્ટ્ર
અને કચ્છ રાજ્ય અલગ કરવાની માગણી સૌરાષ્ટ્ર તેલિયા રાજાઓનું સંગઠન (સોમા) અને
કચ્છના સદગત મહારાવ પણ સમયાંતરે ઉઠાવતા રહ્યા છતાં એને ઝાઝું જનસમર્થન મળ્યું નથી.
બટુક રાજ્ય ત્રિપુરામાં પણ અલગ રાજ્યની માગણી ઊઠે છે. હજુ વધુ ને વધુ પ્રદેશોમાંથી
અલગ રાજ્યની માગણીઓ ઊઠતી રહ્યા છતાં જનઆંદોલન પ્રબળ બને તો જ એ દિશામાં નક્કર
પગલાં લેવાય. સરદાર પટેલે સેંકડો રજવાડાંનાં એકીકરણ થકી દેશનો વર્તમાન નકશો આપ્યો, પણ
સત્તાવાંચ્છુ રાજનેતાઓ વલ્લભભાઈથી ઊંધી દિશા પકડી રહ્યા છે એ ચિંતાપ્રેરક છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment