Wednesday, 24 November 2021

Rajasthan Political Compromise

રાજસ્થાનમાં ગહલોત-પાઈલટના ભાંગેલા મોતીને રેણના પ્રયાસો

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ

·         મુખ્યમંત્રી અશોક ગહલોતના મંત્રીમંડળના વિસ્તારમાં સૌને રાજી રાખવાનો સંકલ્પ

·         ૨૦૨૩ની ચૂંટણી જીતીને કોંગ્રેસ ફરી સચિનના નેતૃત્વમાં સરકાર બનાવવા આતુર

·         ભાજપમાં ય વસુંધરા રાજે સિંધિયાએ યાત્રાએ નીકળી વિફર્યાં હોવાના સંકેત આપ્યા

·         સરકારના વિસ્તરણ પછી સંગઠનમાં ફેરફારો કરવાની કવાયત મોવડીમંડળે આદરી

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થયું અને બદ્ધેબદ્ધું બરાબર હોવાના સંકેત અપાતા હોય તેમ હાલ પૂરતું તો કોંગ્રેસનાં બે મુખ્ય જૂથોએ તલવારો મ્યાન કરી છે. ધારાસભ્યોને રાજી કરવાના ખેલમાં કેટલાકને મંત્રીપદ અપાયાં તો કેટલાકને મુખ્યમંત્રીના સલાહકાર નિયુક્ત કરાયા છે. મુખ્યમંત્રી અશોક ગહલોત સામે ભાજપના પરોક્ષ ટેકે બળવો પોકારનારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના ટેકેદારો તથા ગહલોતના ટેકેદારો જ નહીં, બહુજન સમાજ પાર્ટીના ધારસભ્યોને પણ હોદ્દા અપાયા છે. જોકે છ વખત ધારાસભ્ય રહેલા દયારામ પરમારને મંત્રીપદ નહીં મળતાં એમણે તો મુખ્યમંત્રી ગહલોતને પત્ર લખીને અસંતોષ પણ વ્યક્ત કર્યો છે. કેટલાક જિલ્લાઓને નવરચિત સરકારમાં સ્થાન મળ્યું નથી, પણ પછાતો અને દલિતોને સવિશેષ લેવામાં આવ્યા છે. હજુ સંગઠનમાં ફેરફારો કરવા માટે મોવડીઓ સાથે ચર્ચા કરવા માટે સચિન અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંથી છૂટા થયેલા ગોવિંદસિંહ ડોટાસરા દિલ્હી ભણી રવાના થતાં અત્યારથી આગામી ચૂંટણી જીતવાના વ્યૂહ ઘડવામાં કોંગ્રેસ સક્રિય થઇ ગઈ હોવાના સંકેત મળે છે. રાજસ્થાનમાં વારાફરતાં કોંગ્રેસ અને ભાજપ સત્તામાં આવે છે. પાઈલટ આ વખતે એવું નિવેદન કરી બેઠા છે કે આગામી ૨૦૨૩માં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. એમની ગણતરી પોતાની મુખ્યમંત્રી બનવાની મહેચ્છાથી પ્રેરિત છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી ગહલોત સામે પાયલટે બળવો કર્યો ત્યારે ભાજપનાં ટોચનાં નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અનિચ્છા છતાં જેમને સહી લેવાં પડે છે એ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાનો ગહલોતને પરોક્ષ ટેકો હતો. આમ પણ ભાજપના ૭૫ ધારાસભ્યોમાંથી ૪૫ તો મહારાણી વસુંધરાના સમર્થક છે. ભાજપમાં વસુંધરા અને એમની સરકારમાં ગૃહમંત્રી રહેલા ગુલાબ કટારિયા વચ્ચે ખુલ્લો જંગ હોવાનાં એંધાણ મળતા રહે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર કોણ એ મુદ્દે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. કટારિયા મુખ્યમંત્રી બનવા આતુર છે, પણ વસુંધરા એમનો ખેલ બગાડી શકે છે.

જયપુરમાં ઠંડીમાં ગરમાટો

કોંગ્રેસના મોટાગજાના નેતા રહેલા રાજેશ પાયલટના પુત્ર અને કેન્દ્રમાં પણ મંત્રી રહેલા સચિન પાયલટ ગઈ વિધાનસભા ચૂંટણી વખતે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા. એ મુખ્યમંત્રી બનવાના આતુર હતા. જોકે નેહરુ-ગાંધી પરિવારના નિષ્ઠાવંત અશોક ગહલોત કેન્દ્રમાં અને રાજ્યમાં મહત્વના હોદ્દે રહ્યા. જૂના જોગી હોવાને કારણે ગહલોત મુખ્યમંત્રી બન્યા હતા. સચિન નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સચિન જમ્મૂ-કાશ્મીરના અનેકવાર મુખ્યમંત્રી રહેલા ડૉ.ફારુક અબદુલ્લાના જમાઈ છે. એમને ગહલોત સાથે રાગ ના રહ્યો અને ભાજપના ઈશારે ગહલોત સરકાર પાડીને મુખ્યમંત્રી બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમણે બળવો કર્યો હતો, પણ પૂરતા ધારાસભ્યોનું  સમર્થન નહીં હોવાને કારણે એમણે નાયબ મુખ્યમંત્રીપદ ગુમાવવા ઉપરાંત પોતાના સમર્થકોની ખુરશી પણ ગુમાવવાનો વખત આવ્યો હતો. નેહરુ-ગાંધી પરિવારનાં પ્રિયંકા અને રાહુલ સાથેના એમના ઘરોબાને કારણે એ પક્ષમાં ટકી રહ્યા હતા. વિધાનસભાની ત્રણ વર્ષની મુદત વિત્યા પછી આ વખતે નવા ૧૫ પ્રધાનો લેવાયા તેમાં પાયલટ સાથેના બળવાખોરો પણ  સરકારમાં આવ્યા છે. સ્વયં પાયલટ બહાર છે,પણ એમને કોઈ મહત્વનો સંગઠનાત્મક હોદ્દો અપાશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં  એ પક્ષને જીતાડે તો મુખ્યમંત્રી બનશે એવી ખાતરી પણ મોવડીમંડળે અને સ્વયં વયોવૃદ્ધ ગહલોતે પણ આપી હોવાનું મનાય છે. આવા સંજોગોમાં કેન્દ્રમાં ભાજપની ઘટતી જતી સાખ અને રાજ્યમાં ભાજપના આંતરકલહને જોતાં પાયલટ માની ગયા લાગે છે. એમણે મુખ્યમંત્રી ગહલોત સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું છે અને પક્ષને ફરી વિધાનસભાની ચૂંટણીમાં જીતાડવા માટે કૃતસંકલ્પ છે. આ વખતે પણ ગહલોતનો જ હાથ ઉપર રહ્યો છે. એ તો અગાઉ પણ કહેતા હતા કે હવે પછી પાયલટ મુખ્યમંત્રી બની શકે કારણ એ હજુ યુવાન છે. ઉતાવળે આંબા પાકે નહીં એ વાત સ્વયં સચિનને પણ અનુભવાઈ  છે.

ભાજપમાં ખુલ્લી યાદવાસ્થળી

રાજસ્થાન ભાજપમાં હવે ગુલાબ કટારિયા સિંધિયા પરિવારનાં રાજકુમારી અને કેન્દ્ર તથા રાજ્યમાં અનેકવાર મહત્વના હોદ્દે રહેલાં વસુંધરા રાજે સામે બોલતા થયા છે. રાજસ્થાનમાં ભૈરોંસિંહ શેખાવતે જનસંઘ અને ભાજપનો મજબૂત પાયો નાંખ્યા પછી અહીં કોંગ્રેસ અને ભાજપા  વારાફરતી સત્તામાં આવતી રહી છે. જોકે હવે અહીં ભાજપમાં ખુલ્લેઆમ ભાગલા પડેલા જણાય છે. સંઘ પરિવાર પણ વહેંચાયેલો છે. ભાજપનો એક મોટો વર્ગ માને છે કે સચિન પાયલટ થકી કરવામાં આવેલા બળવાને રાણી સાહેબાના પ્રતાપે જ વિફળ બનાવાયો હતો. ગહલોત અને વસુંધરા વચ્ચેના મધુર સંબંધ અહીં કામ લાગ્યા હતા. અત્યારે પણ ભાજપમાં  જયારે ઉકળતો ચરુ છે ત્યારે વસુંધરા રાજે યાત્રાએ નીકળી ગયાં છે. જોકે એમની આ યાત્રાને રાજકીય લેખાવવામાં આવે છે. વસુંધરાને અવગણવાનું ભાજપના મોવડીઓને ભારે પડે તેમ હોવા છતાં કટારિયા ખુલ્લેઆમ પત્રકાર પરિષદોમાં વસુંધરા સામે વાકબાણ છોડતા રહે છે. વસુંધરા પક્ષમાં અલગ ચોકો રચે તો લાભ કોંગ્રેસને જ થાય એવું છે. આગામી દિવસોમાં વસુંધરાને નાથવાનું નથી કેન્દ્રના મોવડીઓના હાથમાં કે નથી ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હાથમાં. આવા સંજોગોમાં પાયલટ પોતાના પક્ષમાં રહીને સમાધાન કરવા અને વર્ષ ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીની પ્રતીક્ષા કરવા તૈયાર થયા હોય એવું લાગે છે. જોકે ભાંગેલાં મોતી પર રેણ કરવા સમાન સમાધાનો કેટલાં ચાલશે એ કહેવું મુશ્કેલ છે. આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે પણ રાજસ્થાન નિર્ણાયક બની રહેવાનું એટલું નિશ્ચિત.

 

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૨ નવેમ્બર, ૨૦૨૧)   

 

No comments:

Post a Comment