Monday, 22 November 2021

BJP to face real challenge now

                                               હવે ભાજપની ખરી અગ્નિપરીક્ષા

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         ઉત્તરપ્રદેશ-પંજાબ કાજે જ રાજહઠ છોડી

·         માત્ર ૩ જ  મુખ્યમંત્રીએ મુદત પૂરી કરી

·         બહુમતી રાજ્યોમાં ભાજપ સત્તામાં નથી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.21 November, 2021.

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓ ફેબ્રુઆરી ૨૦૨૨માં યોજાવાની હોય ત્યારે છેલ્લા ૧૪ મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમેટવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવદિવાળીએ  એકાએક કૃષિ ઉત્પાદન અંગેના ત્રણેય વિવાદી  કેન્દ્રીય કાયદાઓ પાછા ખેંચી લેવાની જાહેરાત કરાવી પડે એ સ્વાભાવિક રીતે ચૂંટણીલક્ષી જ ગણાય. વિવિધ રાજ્યોની તાજેતરની પેટા ચૂંટણીઓમાં ભાજપ કરતાં કોંગ્રેસને વધુ બેઠકો મળી એટલે  પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે એની ઘોષણાઓ થવા માંડી. આવતા બે-ત્રણ મહિનામાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ઘોડો વિનમાં જણાતો હોવા છતાં ભાજપે કોઈપણ ભોગે એ જીતવી એ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ માટે આગામી લોકસભા ચૂંટણી પછી કેન્દ્રમાં સત્તા ટકાવવા માટે અનિવાર્ય છે. એટલે જ ઉત્તરપ્રદેશમાં ડેરાતંબૂ તાણીને કામે વળેલા ભાજપના મહારથીઓ કહેતા થયા છે કે વર્ષ ૨૦૨૪માં નરેન્દ્રભાઈને ફરી વડાપ્રધાન બનાવવા માટે યોગી આદિત્યનાથને ફરીને મુખ્યમંત્રી બનાવવા અનિવાર્ય છે. ભાજપની છાવણીમાં ફડકો જોવા મળે છે. છેલ્લા ૧૪ મહિનાથી દિલ્હીની સરહદે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મહત્તમ ખેડૂતોનું અવિરત આંદોલન ચાલ્યું. એને પરત ખેંચાવવાના,  તોડવાના કે બદનામ કરવાના લાખ પ્રયાસો છતાં જયારે ખેડૂતો ટસના મસ ના થયા ત્યારે સામાન્ય રીતે પોતાની રાજહઠ નહીં જ છોડવા માટે જાણીતા વડાપ્રધાને પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં છે. જોકે ખેડૂતો તો હજુ સંસદના સત્રમાં ત્રણેય કાયદા રદ થાય નહીં ત્યાં લગી આંદોલનનો વીંટો વાળવાના મૂડમાં નથી. વળી, કૃષિ ઉત્પાદનોને ન્યૂનતમ ટેકાના ભાવની કાનૂની ખાતરી અપાય એ માંગણી તો ઊભી જ છે.

ભાજપમાંથી હિજરત શરૂ

વર્ષ ૧૯૯૧ પછી છેક ૨૦૧૭માં ભાજપને ઉત્તરપ્રદેશમાં બહુમતી મળી હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે એ વિશેના તર્ક વિતર્ક થાય એ સ્વાભાવિક છે.ઉત્તર પ્રદેશની પ્રજા રાજકીય બાબતોમાં ખૂબ જાગૃત છે. જાતિગત સમીકરણો પણ અહીં ખૂબ અસર કરે છે. રામમંદિર મુદ્દો પ્રભાવી રહે એવી અપેક્ષા હતી ત્યાં સમાજવાદી પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રભાવી દેખાવ કરીને ભાજપની ચિંતા વધારી છે. વર્ષ ૧૯૭૪ સુધીની વિધાનસભા ચૂંટણીઓમાં સતત ભારે બહુમતી મેળવનાર કોંગ્રેસને ૧૯૭૭ની ચૂંટણીમાં સાવ ૪૭ બેઠકો મળી હતી. જોકે એ પછી ૧૯૮૦ અને ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ભારે બહુમતી મળી હતી, પણ એ પછી તો એ ત્રીજા કે ચોથા ક્રમે રહેવા માંડી. વર્ષ ૨૦૦૭માં બહુમતી મેળવનાર માયાવતીની બહુજન સમાજ પાર્ટીને બદલે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મેદાન મારી ગઈ હતી. વર્ષ ૨૦૧૭માં માયાવતી અને મુલાયમની પાર્ટીને બાજુએ સારીને ભાજપને બહુમતી મળી હતી.વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં કંઈ પણ થઇ શકે. ઉત્તર પ્રદેશમાં અત્યાર લગી માત્ર ત્રણ જ મુખ્યમંત્રીનાં નામ પાંચ વર્ષની મુદત પૂરી કરનારમાં નોંધી શકાય: માયાવતી, અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. વળી, કેન્દ્રમાં શાસન કરતો ભાજપ દેશનાં ૨૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાઓમાંથી અત્યારે માત્ર ૮ વિધાનસભામાં જ ચૂંટણી પછી  પોતાની આગવી બહુમતી ધરાવે છે. એ જે બીજાં રાજ્યોમાં શાસન કરે છે તેમાં કાં તો પક્ષપલટા કરાવીને બહુમતી અંકે કરી છે અથવા તો અન્ય પક્ષ સાથેનાં જોડાણો થકી એ સત્તામાં છે. દેશનાં બહુમતી રાજ્યો હજુ બિન-ભાજપી શાસન હેઠળ છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીઓ થઇ એ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને આસામમાંથી એકમાત્ર આસામમાં જ ભાજપ અને મિત્ર પક્ષની સરકાર છે, બાકીનાં ત્રણેય રાજ્યોમાં ભાજપનો પરાજય થયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસમાંથી નેતાઓને પોતાનામાં સમાવવાના સમારંભો યોજાનારા ભાજપની ઉત્તરાખંડ સરકારમાંથી સિનિયર કેબિનેટ મંત્રી યશપાલ આર્ય રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાય કે પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષમાં જોડાવા માટે દોટ મૂકતા હોય તો એ ચિંતાનો વિષય જરૂર છે. મિત્રપક્ષો પણ ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)માંથી છૂટા થવા માંડ્યા હોય ત્યારે નવા સાથીઓ શોધવાની મથામણ પણ જરા ભારે પડી રહી છે. પંજાબમાં છેક જનસંઘયુગથી મિત્ર પક્ષ રહેલા અકાલી દળ સાથે ફારગતી થયા પછી હજુ હમણાં સુધી કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા કેપ્ટન અમરિંદર સિંહના નવરચિત પક્ષ સાથે ઘર માંડવાની ભાજપની વેતરણ નવાં સમીકરણ રચવા ભણી છે. જોકે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની ઘોષણા કરીને અકાલી તથા કેપ્ટન બેઉને રીઝવવાની ચાલ ચાલવામાં આવતી હોય તો ય બહુ આશ્ચર્ય થાય તેવું નથી.

કયા રાજ્યમાં કોનું શાસન   

વર્ષ ૨૦૨૨માં પણ પાંચ ઉપરાંતનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થવાની છે એમાં ભાજપ ફરીને સત્તામાં આવે જ એવું નથી. ગુજરાતમાં ભાજપ ફરી સત્તારૂઢ થવાની શક્યતા ખરી, પણ હિમાચલ પ્રદેશમાં તો હમણાં યોજાયેલી ૧ લોકસભા અને ૩ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ એકેય બેઠક ના જીતી શક્યો એટલે ભાજપ ફરી સત્તામાં આવે એવી શક્યતા નથી. ગોવા અને મણિપુર કે અરુણાચલ કે અન્ય કેટલાંક રાજ્યોમાં ચૂંટણી પૂર્વે કે પછી પક્ષાંતર કરાવીને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલો થકી ભાજપને સત્તારૂઢ કરવાની કવાયત હાથ ધરાતી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના પક્ષોની સરકારને ઉથલાવવાના ઉધામા હજુ સફળ થયા નથી. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ચૂંટણી પછી  કોંગ્રેસ સરકાર બની હતી, પણ પક્ષપલટા કરાવીને અહીં ભાજપ સરકાર બનાવાઈ હતી. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં  ભાજપ સ્વબળે કે મિત્રપક્ષો સાથે સત્તારૂઢ થવાનો થનગનાટ ધરાવતો હોવા છતાં એ રાજ્યોમાં અનુક્રમે  મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ, એમ.કે.સ્ટાલિનનો ડીએમકે તથા કોંગ્રેસ સહિતના મિત્રપક્ષોને બહુમતી મળી અને કેરળમાં ફરીને ડાબેરી મોરચો સત્તામાં આવ્યો હતો. તમિળનાડુ ધારાસભામાં  ભાજપને માત્ર રોકડી ૪ બેઠકો મળી,. એણે પોતાની પરંપરાગત  કન્યાકુમારી લોકસભા બેઠક ગુમાવી હતી. કેરળમાં દાયકાઓ પછી ગઈ વખતે એક બેઠક મળી હતી એ પણ આ વખતે ગુમાવવી પડી હતી.ઓડિશા બે દાયકાથી બિજુ જનતા દળના નવીન પટનાયક જીતતા રહ્યા છે.તેલંગણમાં ચંદ્ર શેખર રાવનો ટીઆરએસ પક્ષ બંને વખતથી જીતતો રહ્યો છે. ભાજપને અહીં માત્ર ૩ બેઠકો મળી છે. આંધ્ર પ્રદેશમાં તો વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડીની બોલબાલા છે. અહીં ભાજપ કને વિધાનસભામાં સમ ખાવા પૂરતી એક પણ બેઠક નથી.હરિયાણામાં ભાજપની બહુમતી નથી એટલે એણે મિત્ર પક્ષોના સહારે સરકાર ચલાવવી પડે છે. પંજાબમાં કોંગ્રેસ બહુમતી ધરાવે છે પણ ભાજપ કને અહીં રોકડા બે સભ્યો છે. આ રાજ્યમાં દસ વર્ષ સુધી અકાલી સાથે ભાજપે રાજ કર્યું છે. બિહારમાં વિધાનસભામાં બહુમતી મેળવવાના આરજેડીના તેજસ્વી યાદવના ખેલને કોંગ્રેસ અને ઓવૈસીની પાર્ટીએ બગાડ્યો. હવે કોંગ્રેસ સાથેનું મહાગઠબંધન પણ તૂટ્યું છે. આસામમાં ભાજપ અને મિત્ર પક્ષોની સરકાર છે. જોકે અગાઉની જેમ જ આ વખતે ભાજપી  મુખ્યમંત્રી તો ઉધારીના જ છે. અગાઉ સોનોવાલ એજીપીમાંથી ભાજપમાં આવેલાં હતા. આ વખતના મુખ્યમંત્રી  હેમંત બિસ્વા સરમા તો અગાઉની કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં ૧૫ વર્ષ મંત્રી રહેલા છે. ઇશાન ભારતમાં ત્રિપુરા સિવાયનાં રાજ્યોમાં ભાજપી મુખ્યમંત્રીઓ પણ કોંગ્રેસ કે અન્ય પ્રાદેશિક પક્ષમાંથી આવેલા છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને ઉથલાવવાની કવાયત હજુ સફળ થઇ નથી. જોકે આવતા દિવસોમાં કોણ ક્યાં હશે એ કહેવું જરા મુશ્કેલ છે. 

તિખારો

ચાલ એવો કળિયૂગે, ઉલટા સુલટી થાય,

તજાય દૂષણ દોષને, ભૂષણ માત્ર ગવાય.

-     કવિ નર્મદાશંકર લાલશંકર

(જગન્નાથ શંકરશેઠને અંજલિ અર્પતાં. “ડાંડિયો” ૧૫ ઓગસ્ટ ૧૮૬૫)

ઈ-મેઈલ:haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૯ નવેમ્બર, ૨૦૨૧)

 

No comments:

Post a Comment