Sunday, 3 October 2021

Indira and Firoze : Love Affair and Rift

 ફિરોઝ ગાંધી સાથે નેહરુ-પુત્રી ઇન્દિરાનાં વૈદિક વિધિથી લગ્ન થયાં, પણ ફિરોઝ ખુલ્લેઆમ

અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખતા, પરિણામે પતિ-પત્નીનાં સંબંધો વણસ્યા

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત.૦૩ ઓક્ટોબર,૨૦૨૧.

વેબ લિંક: https://www.divyabhaskar.co.in/utility/automobile/news/feroze-gandhi-was-married-to-nehru-daughter-indira-by-vedic-rites-but-ferozes-relationship-with-other-women-openly-deteriorated-128977156.html

·         RSSના સરસંઘચાલક સુદર્શનજીના મતે શ્રીમતી ગાંધી સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન હતાં

·         ઈમર્જન્સી દરમિયાન અસલ ફાસિસ્ટનું સ્વરૂપ વડાંપ્રધાન ઇન્દિરા અને પુત્ર સંજયે દર્શાવ્યું

·         ફિરોઝને છૂટાછેડા આપવાના હોવાનું સખી પુપ્પુલ જયકરને કહ્યું હતું અને વૈધવ્ય આવી પડ્યું

ભારતીય વડાપ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ એવો પ્રશ્ન વોક ધ ટોકઈન્ટરવ્યૂ કરતા શેખર ગુપ્તાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા (સરસંઘચાલક) કુપ્પસ્વામી સીતારામૈયા સુદર્શનને પૂછ્યો તો તેમનો સીધો જ ઉત્તર હતોઃ ઈન્દિરા ગાંધી’. સ્વાભાવિક અપેક્ષા હતી કે એ અટલ બિહારી વાજપેયીનું નામ લેશે. સુદર્શનજીના આ ઉત્તરથી નારાજ વાજપેયી-અડવાણીની બેલડીની નારાજગી દૂર કરવા સરસંઘચાલકજીએ કહ્યું: મીડિયાએ આ વાત વિકૃત કરી મૂકી હતી.ટીવી પર સ્પષ્ટ દેખાતું અને ઈન્ડિયન એક્સપ્રેસમાં શબ્દશઃ પ્રકાશિત ઈન્ટરવ્યૂમાં એના મુખ્ય તંત્રી ગુપ્તાએ જ લીધેલી મુલાકાતમાં પણ ઈન્દિરાજીનું નામ પ્રગટ્યા પછી ખુલાસો નિરર્થક હતો.

હનીમૂનથી પરત આવી સીધાં જેલમાં
ક્યારેક 1971ના બાંગ્લાયુદ્ધ પછી સ્વયં અટલજીએ જ સંસદમાં ઇન્દિરાજીને દુર્ગાકહ્યાં એ વેળા પણ ભારે ઉહાપોહ મચ્યો હતો. અટલજીએ દુર્ગા નહીં કહ્યાની વાતો વહેતી કરાઈ. રાજકીય વિરોધીઓની રાષ્ટ્રહિતની કામગીરી બિરદાવવા જેવી ઉદારતા દાખવવામાં કંઈ ખોટું નથી. ભારતના વડાપ્રધાનપદે અત્યાર સુધી સૌથી લાંબો સમય રહેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રથમ વડાંપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં દીકરી હતાં એ સાચું, પણ બાળવયથી જ કોંગ્રેસના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયેલાં રહેલાં હતાં. માર્ચ 1942માં અલાહાબાદના આનંદ ભવનમાં પિતા નેહરુ અને ફિરોઝની માતા સહિતની સાક્ષીએ હિંદુ વિધિથી ઇન્દિરાપ્રિયદર્શિની ભરૂચના પારસી-જરથોસ્ત્ર ફિરોઝ ગાંધી સાથે લગ્નસંબંધે જોડાયાં. બે મહિના હનીમૂન માટે કાશ્મીર ગયાં અને પાછાં ફર્યાં ત્યારે ગાંધીજીએ જગાવેલી ક્વિટ ઈન્ડિયાની આહલેકમાં ઓગસ્ટ 1942માં પિતા જવાહરલાલ અને મહાત્મા-કસ્તૂરબા, સરદાર-મણિબહેનની જેમ જ જેલવાસી થયાં હતાં.

ઈમર્જન્સી ફેમ ઇન્દિરાની શહીદી
જૂન 1975માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાયબરેલીમાંથી ચૂંટણી જીતવા માટે ગેરરીતિ આચરી હોવાના કારણસર એમને ગેરલાયક ઠરાવતો ચુકાદો અલાહાબાદની વડી અદાલતે આપ્યો. ઇન્દિરાજી સમક્ષ હોદ્દો છોડવાનો વખત આવ્યો. સિદ્ધાર્થ શંકરે અને રજની પટેલ જેવા એમના દરબારીઓએ સત્તામાં ચીટકી રહેવા ઈમર્જન્સીલાદવાની સલાહ આપી. સત્તાકાંક્ષી શ્રીમતી ગાંધીએ વિપક્ષના તમામ નેતાઓને જેલમાં ઠૂંસી દીધા. ઈમર્જન્સી દરમિયાન અસલ ફાસિસ્ટ તરીકેનું સ્વરૂપ એમણે અને એમના પુત્ર સંજય ગાંધીએ દર્શાવ્યું. જો કે, છેક 1959માં એમણે કેરળની ચૂંટાયેલી સામ્યવાદી સરકારને જિદે ચડીને બરખાસ્ત કરાવી ત્યારે એમના પતિ અને કોંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીએ શ્રીમતી ગાંધીના ફાસિસ્ટ તરીકેના સ્વરૂપને નિહાળ્યું હતું. બંને વચ્ચે એ મુદ્દે સંબંધો વધુ વણસ્યા હતા. એ વેળાના વડાપ્રધાન નેહરુએ પણ પોતાની લાડકી દીકરી અને કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દિરા ગાંધીની સલાહ માનવી પડી હતી.

નામ્બૂદિરીપાદની કેરળ સરકાર
વિશ્વમાં પહેલીવાર કોમ્યુનિસ્ટ્સની ચૂંટાયેલી સરકાર ઈએમએસ નામ્બૂદિરીપાદના વડપણ હેઠળ કેરળમાં રચાઈ હતી પણ એની એ પહેલી મુદત પૂરી ન થાય એટલા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં એ નિષ્ફળ રહ્યા સહિતના અનેક ઘોંચપરોણાં શ્રીમતી ગાંધીના ઈશારે કરાતાં રહ્યાં હતાં. અંતે કેરળ સરકારને બરખાસ્ત કરાઈ હતી. શ્રીમતી ગાંધી ભારતીય રાજકારણમાં બળૂકાં નેતા તરીકે ઉપસ્યાં હતાં. ઈમર્જન્સી પછીની લોકસભાની ચૂંટણીમાં એ રાયબરેલીમાં હાર્યાં. એમના શાહજાદા સંજય ગાંધીનો પણ અમેઠીમાં પરાજ્ય થયો હતો. જો કે, એ ચિકમંગલૂરમાંથી પેટાચૂંટણી લડીને લોકસભામાં વિપક્ષે પહોંચ્યા. એ પછી તો મોરારજી સરકારને ગબડાવવામાં એમને ચરણસિંહ હાથવગા મળ્યા. 1980માં શ્રીમતી ગાંધીની કોંગ્રેસ રાખમાંથી બેઠી થઈને ભવ્ય બહુમતી સાથે ફરી સત્તામાં આવી. 1984માં એમણે અમૃતસરના સુવર્ણ મંદિરનો કબજો લઈને બેસનારા ભિંડરાવાલે અને સાથીઓને ખદેડવા માટે લશ્કરને સુવર્ણ મંદિરમાં મોકલવાનું અધર્મીકૃત્ય કર્યું. એમની જ સુરક્ષામાંના બે શીખ જવાનોએ વડાપ્રધાનને ગોળીએ દેતાં એ શહીદ થયાં હતાં. સંયોગ તો જુઓ કે તેમને આ બે શીખ સુરક્ષાકર્મીઓને દૂર કરવાની ગુપ્તચર વિભાગે સલાહ આપી હતી પણ એમણે એ વાત માની નહોતી. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે શીખ સુરક્ષા કર્મચારીઓને દૂર કરું તો સારા સંકેત જાય નહીં

વિલાયતમાં પ્રેમમાં પડ્યાં બેઉ
વિલાયતમાં ભણતાં ઇન્દિરા અને ફિરોઝ બંને પ્રેમમાં પડ્યાં. પિતા નેહરુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાસેથી જિદ કરીને સંમતિ મેળવીને બંને લગ્નસંબંધે જોડાયાં. દિલફેંક ફિરોઝ અનેક મહિલાઓ સાથે ફાગ ખેલવા માટે નામચીન બન્યા. વડાપ્રધાન નેહરુના સત્તાવાર નિવાસ તીનમૂર્તિમાં એ રહેવા આવ્યા. અહીં ઇન્દિરા ફર્સ્ટ લેડી તરીકે વધુ માનપાન ભોગવતાં હતાં. એટલે પોતે હીણપત અનુભવતા રહ્યા. તીનમૂર્તિમાં પોતાના દરબારમાં ફિરોઝ ખુલ્લેઆમ અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખતા રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1952માં એ ચૂંટાયા પણ ઇન્દિરા કોંગ્રેસનાં પ્રમુખ થયાં એટલે બંને વચ્ચે જાણે કે અણબનાવ વધ્યા. વર્ષ 1954માં લોકસભામાં પોતાના સસરાની સરકારના પ્રધાન ટી.ટી. કૃષ્ણામાચારી અને ઇન્દિરાજીના કહેવાતા પ્રેમી અને નેહરુના અંગત સચિવ એમ. ઓ. મથાઈ સામે ઉહાપોહ મચાવ્યો. મુંદરા કૌભાંડ સંદર્ભે ટી.ટી.કેએ રાજીનામું આપવું પડ્યું. મથાઈએ પણ રાજીનામું આપવાનો વખત આવ્યો. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા. સંતાનો રાજીવ અને સંજય બોર્ડિંગ સ્કૂલમાં રહીને ભણતાં હતાં.

દુઃખી લગ્નજીવન અને છૂટાછેડા
ડાબેરી ઝોક ધરાવતા સાંસદ ફિરોઝ ગાંધી સંસદમાં સત્તાપક્ષના સભ્ય હોવા છતાં વિપક્ષના નેતાની જેમ નેહરુ સરકારને ભીંસમાં લઈ રહ્યા હતા. પુપુલ જયકર જેવાં અંગત સખી સમક્ષ શ્રીમતી ગાંધીએ વ્યથા ઠાલવી પણ ખરી કે હું હવે ફિરોઝને છૂટાછેડા આપવાની છું, પણ એટલામાં જ બીજીવારના હૃદયરોગના હુમલામાં ફિરોઝનું દિલ્હીની હોસ્પિટલમાં મૃત્યુ થયું. બે મનેખના મોંઢાનો મેળાપ પણ ના થયો. જો કે, પાછળથી અંતરંગ મિત્રોએ જીવનકથાઓમાં નોંધ્યું પણ ખરું કે ઇન્દિરાના અનેકોની સાથેના આડા સંબંધની વાત ફિરોઝ પોતે જ ફેલાવતા હતા. બાકી હતું તે મથાઈએ વાતો ફેલાવી. જો કે, અંગતજીવનની વેદનાઓ છતાં ઇન્દિરા ગાંધી ભારતનાં શ્રેષ્ઠ વડાંપ્રધાન ગણાય એવું શાસન કરી શક્યાં. એમણે ઈમર્જન્સી લાદી ખરી પણ એ ઉઠાવી અને લોકસભાની ચૂંટણી પણ આપી. પોતે જ નહીં, પોતાના રાજકીય વારસ સંજય પણ 1977ની ચૂંટણી હાર્યાં. જો કે, વર્ષ 1980માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો અને એ ફરી વડાંપ્રધાન બન્યાં હતાં. કમનસીબે એમના રાજકીય વારસ મનાતા સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, સ્વયં ઇન્દિરા ગાંધીની પોતાના જ સુરક્ષા જવાનો થકી હત્યા કરાઈ. શ્રીમતી ગાંધીના અનુગામી અને વડાપ્રધાન રાજીવ ગાંધી પણ મે 1991માં તમિળનાડુમાં અપમૃત્યુને ભેટ્યા.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment