પ્રથમ વડાપ્રધાન અંગે ગૂંચવાડો સર્જાવવાનું
રાજકારણ: પહેલા પીએમ નેતાજી કે બરકતુલ્લા?
ઈતિહાસ ગવાહ
હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર.ડિજિટલ.રંગત-સંગત.૨૪ ઓક્ટોબર,૨૦૨૧. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-politics-of-creating-confusion-about-the-first-prime-minister-first-pm-netaji-or-barkatullah-129048242.html
·
પંડિત નેહરુ પહેલા પ્રધાનમંત્રી છતાં સરદારના નામે વિવાદ
·
ટીવી ચેનલો પર સુભાષબાબુને પ્રથમ વડાપ્રધાન ગણાવાયા
·
આરઝી હકૂમતોના પ્રથમ પીએમ મૌલાના મોહમ્મદ બરકતુલ્લા
હમણાં હમણાં ઈતિહાસનાં મહાન પાત્રો અને
આઝાદીના જંગમાં જેમના યોગદાનને બિરદાવાયું છે એમને 'કોઈક ષડ્યંત્રના નામે'
અવગણવામાં આવી રહ્યાની વાત સાથે
ન્યાય તોળવાની જોરદાર ઝુંબેશો ચાલી રહી છે. સ્વાતંત્ર્યવીર સાવરકરને મહાત્મા
ગાંધીની હત્યાના ખટલામાં પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુએ આરોપીના કઠેડામાં ઊભા કરી
દીધા કે સરદાર પટેલને ભૂલાવવાના પ્રયાસો નેહરુ-ઇન્દિરા થકી થયા કે પછી સાવરકર
મહાત્મા ગાંધીની સલાહ મુજબ જ દયાઅરજી (મર્સી પિટીશન) આપીને જેલમુક્ત થયા જેવી
અદ્ધરતાલ વાતો રીતસર ફેલાવવામાં આવી રહી છે. વર્ષ 1920માં મહાત્માએ સાવરકરના ભાઈને લખેલા મનાતા કોઈ પત્રને આધારે વર્ષ 1911થી લઈને વર્ષ 1920 લગી સાવરકરે સાત-સાત દયાની અરજીઓ કર્યાંનું કહેવું એ કેટલું હાસ્યાસ્પદ ગણાય? ભારતીય બંધારણ તૈયાર કરવામાં કે લખવામાં ડૉ.
ભીમરાવ આંબેડકરનું નહીં,
પણ સર બી.એન.રાવનું જ યોગદાન હતું
કે પછી રજવાડાંના એકીકરણમાં રિયાસત ખાતાના સચિવ વી.પી.મેનન એન્જિન હતા અને નાયબ
વડાપ્રધાન સરદાર પટેલ તો ગાડીના ડબ્બા હતા એવી વાતો નવલિખિત પુસ્તકોમાં દર્શાવાય
કે નવલા ઇતિહાસકારોના મુખે કહેવડાવાય છે. આવાં જૂઠાણાંની યાદી અનંત સુધી લંબાવી
શકાય છે.
સત્તાસ્થાને બેઠેલાઓની છાવણીમાંથી પ્રગટતાં
આવાં કથનોને ભોળી પ્રજા જ નહીં, ભણેલો ગણેલો વર્ગ પણ વ્હોટ્સએપ જૂથોમાં પ્રસરાવે ત્યારે સત્ય અને તથ્યની ગળચી
દબાતી અનુભવાય છે. મહાત્મા ગાંધીની હત્યા વખતે ગૃહમંત્રી સરદાર પટેલ હતા અને આ
ખટલો એમના અખત્યાર હેઠળ હતો એ સત્ય તો કહેવું પડે. સરદારે પૂરતી તપાસને અંતે જ
લખ્યું હતું કે હિંદુ મહાસભાનું સાવરકરવાદી જૂથ મહાત્માની હત્યા પાછળ જવાબદાર
હતું! બંધારણ સભાની પોણા ત્રણ વર્ષની કાર્યવાહીનો અભ્યાસ નહીં કરનાર જ ડૉ. આંબેડકરના
યોગદાનને અવગણી શકે. અત્યારના IAS અને IPS
અધિકારીઓની જેમ જ ICS અધિકારી રહેલા સર બી.એન. રાવ કે વી.પી.મેનનને
બંધારણ લખવાનો કે દેશી રજવાડાંના એકીકરણનો સઘળો યશ અપાતો હોય તો રાજકીય
સત્તાધીશોને તો શોભાના ગાંઠિયા જ ગણવા પડે.
પહેલા પીએમ
નેતાજી કે બરકતુલ્લા?
હમણાં એક રાષ્ટ્રીય ટીવી ચેનલ પર
એના મુખ્ય તંત્રીને એક કાર્યક્રમ રેલાવતા સાંભળ્યા: પાઠ્યપુસ્તકોમાં ભારતના પહેલા
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ જણાવાય છે પણ પહેલા વડાપ્રધાન તો નેતાજી
સુભાષચન્દ્ર બોઝ હતા. હકીકતમાં નેતાજી બોઝે સિંગાપોરના કેથી થિયેટરમાં 'ભારત અને એના 38 કરોડ પ્રજાજનોને મુક્ત કરાવવા માટે પવિત્ર યુદ્ધ છેડવા માટે 21 ઓક્ટોબર, 1943ના રોજ સિંગાપોરમાં આઝાદ હિંદ સરકાર
સ્થાપ્યાની ઘોષણા કરી. એના મંત્રીમંડળમાં પોતે રાષ્ટ્રપતિ, વિદેશમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા એવું
હાર્વર્ડમાં ઈતિહાસના પ્રાધ્યાપક એવા એમના મોટાભાઈ સરત ચંદ્ર બોઝના પ્રપૌત્ર ડૉ.
સુગત બોઝ 'હીઝ મેજસ્ટીઝ ઓપોનન્ટ: સુભાષચંદ્ર બોઝ એન્ડ
ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેઇન્સ્ટ એમ્પાયર'માં નોંધે છે. 1915થી જાપાનમાં રાજ્યાશ્રય હેઠળ રહેતા રાસબિહારી
બોઝ આ સરકારના સર્વોચ્ચ સલાહકાર બન્યા. દરેક તબક્કે નેતાજીના અત્યંત વિશ્વાસુ
સાથીઓમાં મુસ્લિમ,
હિંદુ અને શીખ રહ્યા. '23-24 ઓક્ટોબર, 1943ની મધરાતે તેમની આરઝી હકૂમત સરકારે બ્રિટન
અને અમેરિકા સામે જંગનું એલાન કર્યું.'
નેતાજી બોઝની આ આરઝી હકૂમતે એટલે કે
ગવર્નમેન્ટ-ઇન-એક્ઝાઈલે જાપાન સરકારના સહયોગથી ભારતમાંથી બ્રિટિશ શાસનને ખદેડવા માટે
40,000
કરતાં વધુ ભારતીયોની આઝાદ હિંદ
ફોજ થકી લડત આપી. એમની આ આરઝી હકૂમતને જાપાન, જર્મની સહિતના નવ દેશોએ માન્યતા આપી. આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી એમણે
પ્રભાવ પાથર્યો,
પણ દિલ્હી ભણી એની સફળ કૂચ પહેલાં
જ ઇશાન ભારતના અમુક પ્રદેશમાંથી બ્રિટિશ લશ્કરને પીછેહઠ કરાવ્યા પછી જાપાનની
શરણાગતિને પગલે આઝાદ હિંદ ફોજે પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં હતાં. દ્વિતીય
વિશ્વયુદ્ધમાં જાપાન અને જર્મનીનો રકાસ થયો અને નેતાજી બોઝનું તાઇપેઈ ખાતે 18 ઓગસ્ટ, 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
વિદેશી ભૂમિ પરની નિર્વાસિત સરકારના વડા તરીકે નેતાજીને ભારતના પ્રથમ વડાપ્રધાન
ગણવાની ભૂમિકા સ્વીકારાય તો વાસ્તવમાં 29 ઓક્ટોબર,
1915ના રોજ કાબુલમાં રાજા મહેન્દ્ર
પ્રતાપના વડપણ હેઠળ જે આઝાદ હિંદ સરકાર રચાઈ હતી એના વડાપ્રધાન મૌલાના મોહમ્મદ
બરકતુલ્લાને ભારતના પહેલા વડાપ્રધાન ગણવા પડે. જો આ જ ભૂમિકા ભારત સરકાર સ્વીકારે
તો બ્રિટનમાં ખાલિસ્તાન સરકાર સ્થાપનાર ડૉ. જગજિત સિંહને પણ માન્યતા આપવી પડે. ચીન
છોડીને ભારતમાં રાજ્યાશ્રય મેળવનાર તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા દલાઈ લામાની
નિર્વાસિત સરકારને પણ માન્યતા મળી શકે. ભૂતકાળને વિકૃત રીતે રજૂ કરવાના પ્રયાસો
કેવા જોખમી બની રહે એ આ ઉદાહરણો પરથી સમજી શકાય છે.
આઝાદ હિંદ
ફોજના સુકાની
વર્ષ 1984માં ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા
પ્રકાશિત અને પ્રખ્યાત ઇતિહાસકાર તારાચંદલિખિત 'ભારતીય સ્વતંત્રતા આંદોલન કા ઈતિહાસ'ના ચોથા ખંડમાં ક્રાંતિકારીઓને ભવ્ય અંજલિ આપતા પ્રકરણમાં કેપ્ટન મોહન સિંહ
દ્વારા આઝાદ હિંદ ફોજની રચના, રાસબિહારી બોઝ દ્વારા એના સંવર્ધન અને એ પછી નેતાજી બોઝને એનું સુકાન
સોંપવામાં આવ્યાની વિગતવાર માહિતી અપાઈ છે. નેતાજીએ જે રીતે ભારતમાંથી અંગ્રેજ
હકૂમતને સમાપ્ત કરવા માટે લડત આપી એનું સુપેરે વર્ણન આ ગ્રંથમાં કરાયું છે.
મલાયામાં જાપાની સેનાના આક્રમણને પગલે બ્રિટિશ સેનાનો પરાજય થયો. ભારતીય અધિકારી
અને સૈનિકોએ જાપાન સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમાંના કેપ્ટન મોહનસિંહ થકી 17 ફેબ્રુઆરી, 1942ના રોજ આ હિંદી યુદ્ધ કેદીઓની આઝાદ હિંદ ફોજ
બનાવાઈ. ઓગસ્ટ 1942
સુધીમાં આઝાદ હિંદ ફોજમાં 16,000 લોકોનું એક ડિવિઝન બની ચૂક્યું હતું. જાપાને
એ માટે મંજૂરી પણ આપી. 40,000
યુદ્ધ કેદીઓએ આઝાદ હિંદ ફોજમાં
જોડવા માટે પ્રતિજ્ઞાપત્રક ભર્યાં. મોહનસિંહના વડપણ હેઠળ આટલી મોટી સેના માટે
મંજૂરી આપવા જાપાન રાજી નહોતું. વળી, મોહનસિંહના જાપાની અધિકારીઓ સાથે પણ મતભેદ થયા. જાપાની કન્યાને પરણેલા
રાસબિહારી બોઝ અને મોહનસિંહ વચ્ચેના મતભેદને પગલે મોહનસિંહને નજરકેદ કરાયા.
રાસબિહારી બોઝના પ્રભાવ તળે આ આઝાદ હિંદ ફોજ હતી.એમાં ઠરાવ કરાયો કે નેતાજી
સુભાષચંદ્ર બોઝને એનું સુકાન સોંપવામાં આવે.
હિટલર અને
મુસોલિનીના સહયોગમાં નિરાશા મળ્યા બાદ નેતાજી જાપાન ભણી વળ્યા. 8 ફેબ્રુઆરી, 1943ના રોજ જર્મન સબમરીનમાં કિલ બંદરેથી 'હજ પઢવા જવા'ના નામે વિશ્વાસુ સાથી આબિદ હસન સાથે નેતાજી પૂર્વ એશિયા આવવા નીકળ્યા.
જાપાનના વડાપ્રધાન તોજો અને અન્ય નેતાઓ સાથેની મુલાકાતોને પગલે સિંગાપોર આવીને
નેતાજીએ આઝાદ હિંદ ફોજની ધુરા રાસબિહારી બોઝ કનેથી સંભાળી લીધી. એ પછી સ્વતંત્ર
ભારત માટે કામચલાઉ સરકારની સ્થાપના કરી. 'દિલ્હી ચલો'નો યુદ્ધનાદ કર્યો. મુખ્યાલય રંગૂનથી સીધો
જંગ આદરતાં પહેલાં મહાત્મા ગાંધીના આશીર્વાદ માટે રંગૂન રેડિયો પરથી 4 જુલાઈ, 1944ના રોજ જે પ્રવચન કર્યું તેમાં એમને સૌપ્રથમ
મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. બર્મા (હવેના મ્યાનમાર) અને ઇશાન
ભારતમાં વરસાદના વિપરીત સંજોગો, જંગલની વાટ અને ટાંચાં સાધનો છતાં એ આગેકૂચ કરતા રહ્યા. જો કે, એમના મુખ્યાલયના જ પાંચ અધિકારીઓની ગદ્દારી
એમને નડી ગઈ. એમણે એમને પીછાણી લીધા હતા. યુદ્ધ કૌશલ્યમાં નિપુણ નેતાજીની સેનાની
ટુકડીઓ રાષ્ટ્રકાજે જાન ન્યોછાવર કરવા સતત તૈયાર હતી. 18 ઓગસ્ટ, 1945ના રોજ મોત એમને આભડી ગયું. સદનસીબે નેતાજી
બોઝ પોતાની આત્મકથા અને વિપુલ પ્રમાણમાં પત્રો લખીને ગયા છે એટલે ઈતિહાસને વિકૃત
કરવાના લાખ પ્રયાસો છતાં સત્ય છાપરે ચડીને પોકારતું રહે છે.
haridesai@gmail.com
(લેખક
વરિષ્ઠ પત્રકાર,
કટારલેખક
અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment