ગાંધી-સરદારના અનન્ય સાથી નેહરુનો ઈતિહાસલોપ
અતીતથી
આજ: ડૉ.હરિ દેસાઈ
·
વડાપ્રધાન મોદી દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુને
મહાન સ્વાતંત્ર્યસૈનિક ગણાવે છે
·
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ દેશનું નખ્ખોદ કાઢવા
જવાહરલાલને દોષિત લેખે છે
·
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચંદ્રચુડના મતે
સત્તાધીશોને સત્ય સુણાવવું એ સૌની ફરજ
·
આઝાદી કા અમૃત મહોત્સવમાં કોંગ્રેસી નેહરુ અને
ડૉ. હેડગેવારને ટાળવામાં આવ્યા
દેશની આઝાદીના અમૃત મહોત્સવમાં તમામ ભારતીયો સામેલ થવામાં ગૌરવ અનુભવે એ સ્વાભાવિક છે. આઝાદીના જંગમાં ધર્મ, સંપ્રદાય, રાજકીય પક્ષ વગેરેના ભેદ ભૂલીને તમામ હિંદી પ્રજાજનોએ અંગ્રેજ શાસનની સામે લડત ચલાવવામાં યોગદાન કર્યું હતું. જે લોકો સ્વહિત કાજે અંગ્રેજોને પક્ષે હતા એ પણ અંગ્રેજોએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતમાંથી વિદાય લીધી એ પછી આ દેશના નાગરિક તરીકે જ ગૌરવ અનુભવે એ સ્વાભાવિક હતું. આઝાદીના પ્રભાવી અહિંસક સંગ્રામનું નેતૃત્વ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, રાષ્ટ્રનિર્માતાઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ કને હતું, એ હકીકતને કોઈ નકારી શકે તેમ નથી. એ સાથે જ આઝાદી માટેની ક્રાંતિકારીઓની લડતના યોગદાનને પણ વંદન કરવાં પડે. અત્યારના શાસકોના આસ્થાપુરુષ ડૉ.કેશવ બલિરામ હેડગેવારે વર્ષ ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી એ પહેલાં અને પછી પણ આઝાદીની લડાઈમાં કોંગ્રેસી તરીકે સહભાગી હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો છે. ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસી ધારાસભ્ય તરીકે કરી હતી. સમયાંતરે અમુક નેતાઓના રસ્તા ફંટાયા. આઝાદીના સંગ્રામમાં વર્ષો સુધી અંગ્રેજોની જેલમાં રહેલાં કેટલાંક વ્યક્તિત્વોને અમૃત પર્વની ઉજવણી ટાણે એકમેકની સામે મૂકવાના પ્રયાસો થાય છે. કોઈ નેતાની ભાંડણલીલા આદરવામાં આવે ત્યારે હકીકતમાં તો કેટલાક લોકો તાળીઓ પાડતા હશે, પણ વિશ્વમંચ પર આવા વલણને હસનારાઓ ઘણા હશે. આઝાદી આવી ત્યારે ભારતમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની રાષ્ટ્રીય સરકારમાં પાંચ બિન-કોંગ્રેસી નેતાઓને સામેલ કરાયા હતા. એ બિન-કોંગ્રેસી મંત્રીઓમાં વર્તમાન ભાજપના આરાધ્યપુરુષ અને માર્ચ ૧૯૪૦માં લાહોર મુસ્લિમ લીગ અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવ મૂકનાર ફઝલુલ હકની બંગાળ સરકારમાં ૧૯૪૧-૪૨માં નાણા મંત્રી રહેલા હિંદુ મહાસભાના ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, ૧૯૪૨માં વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં શ્રમ-સભ્ય (મંત્રી) રહેલા શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનના ડૉ.બી.આર.આંબેડકર, અંગ્રેજનિષ્ઠ મનાતા આર.કે. ષણ્મુખમ ચેટ્ટી, પંથિક પાર્ટીના સરદાર બલદેવ સિંહ અને ઉદ્યોગપતિ સી.એચ.ભાભા હતા. આજકાલ સ્વાતંત્ર્ય સેનાનીઓને એકની સામે બીજાને મૂકવાની કોશિશ થઇ રહી હોય એવા જ તબક્કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડ સત્તાધીશોને સત્ય કહેવાની પ્રત્યેક જણની ફરજ હોવાનું જણાવે ત્યારે કટુ સત્યોને પણ બેનકાબ કરીને પ્રજા સમક્ષ મૂકવાં પડે.
હિંદ
છોડો વખતે કોણ ક્યાં
ભારતીય નેતાઓને વિશ્વાસમાં લીધા વિના બ્રિટિશ ઈન્ડિયાને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં સામેલ કરવાના વાઇસરોય લોર્ડ લિનલિથગોના નિર્ણયના વિરોધમાં મદ્રાસ, મધ્ય પ્રાંત, બિહાર, ઓરિસ્સા, સંયુક્ત પ્રાંત, બોમ્બે પ્રેસિડેન્સી, આસામ, વાયવ્ય પ્રાંત, બંગાળ, પંજાબ અને સિંધની કોંગ્રેસ સરકારોએ ઓક્ટોબર-નવેમ્બર ૧૯૩૯માં રાજીનામાં આપ્યાં હતાં. આમાંના કેટલાક પ્રાંતોમાં બ્રિટિશ કૃપાદ્રષ્ટિથી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ સંયુક્ત સરકારો રચી હતી. ઓગસ્ટ ૧૯૪૨માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજોને “હિંદ છોડો”ની કોંગ્રેસે હાકલ કરી ત્યારે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ જેલમાં ગયા હતા. મહાત્મા ગાંધી અને કસ્તૂરબા, પંડિત નેહરુ અને ઇન્દિરા, સરદાર પટેલ અને મણિબહેન, મૌલાના આઝાદ સહિતના મોટાભાગના નેતાઓ જેલમાં હતા. મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા અને કોમ્યૂનિસ્ટોએ એમાં સામેલ થવાનું ટાળ્યું હતું. તેમણે અંગ્રેજોના સમર્થનમાં રહેવાનું પસંદ કર્યું હતું, એટલું જ નહીં પ્રાંતિક સરકારોમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ લઈને જાપાનની મદદથી ભારતમાંથી અંગ્રેજોને ખદેડવા બર્મા (અત્યારના મ્યાનમાર) અને ઇશાન ભારતમાં અંગ્રેજો સામે જંગ આદર્યો ત્યારે હિંદુ મહાસભાના સર્વોચ્ચ નેતા વિ.દા. સાવરકર હિંદીઓને બ્રિટિશ લશ્કરમાં જોડાવાની હાકલ કરી રહ્યા હતા. શ્યામાબાબુ એ વેળા હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા અને ફઝલુલ હકની બંગાળ સરકારમાં નાણાં મંત્રી હતા. જુલાઈ ૧૯૪૪માં નેતાજીએ રંગૂન રેડિયો પરથી કરેલા પ્રવચનમાં મહાત્મા ગાંધીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા હતા અને એમના આશીર્વાદ માંગ્યા હતા. આજે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાય કે કેમ એ વિશે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નેતાજીના એ પ્રવચનનું સ્મરણ કરવાની જરૂર ખરી.
નેહરુ
મુદ્દે મોદી વિરુદ્ધ નીતિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીની ઘોષણા કરી ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામના જે ભારતીય સપૂતોનાં નામ લીધાં તેમાં પ્રથમ વડાપ્રધાન પંડિતનું નામ પણ ગૌરવભેર લીધું હતું. કમનસીબે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આજીવન કોંગ્રેસી રહેલા માણેકલાલ પટેલના અનન્ય કોંગ્રેસી સાથી રતિલાલ મગનલાલ પટેલના સુપુત્ર નીતિન પટેલ “જવાહરલાલ નેહરુએ તો જેટલું નખ્ખોદ કઢાય એટલું કાઢી નાંખ્યું હતું” એવું કહે ત્યારે બંધારણીય હોદ્દે બેઠેલી વ્યક્તિના વાણીવિલાસ વિશે લોકો વિચારતા થાય એ સ્વાભાવિક છે. બાકી રહેતું હતું તે કેન્દ્ર સરકારની ઈતિહાસ વિષયક સંશોધનની પરિષદ (આઇસીએચઆર) આઝાદી કા અમૃત મહોત્સવના પોસ્ટરમાં પૂરું કરાયું. એમાં પ્રથમ વડાપ્રધાન નેહરુ જ નહીં, ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક સરસંઘચાલક અને આજીવન કોંગ્રેસી રહેલા સ્વાતંત્ર્ય સૈનિક ડૉ.કેશવ બલિરામ હેડગેવારનું ચિત્ર પણ ટાળવામાં આવ્યું છે. એના પોસ્ટરમાં પંડિત મદનમોહન માલવિયા, ભગત સિંહ, મહાત્મા ગાંધી, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ.બાબાસાહેબ આંબેડકર અને વિ.દા.સાવરકરનાં ચિત્રો છપાયાં. પંડિત નેહરુ અને ડૉ.હેડગેવારનું ચિત્ર એમાં બાકાત હોય ત્યારે વિવાદ તો ઊઠે જ.
નેહરુનો
૧૭ વર્ષનો ગાળો
આઝાદીની
લડતમાં અગ્રેસર રહેલા અને કોંગ્રેસના અનેકવાર અધ્યક્ષ પણ બનેલા પંડિત જવાહરલાલ નેહરુ આઝાદ ભારતના ૧૭ વર્ષ લગી
વડાપ્રધાન રહ્યા. એ સમયગાળાનો સાવ જ લોપ કરવાનો લાખ પ્રયાસ કરવામાં આવે તો પણ એને
અને એમના યોગદાનને ભૂંસી શકાય તેમ નથી. મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર
પટેલની સ્વાતંત્ર્ય સંગ્રામની ત્રિમૂર્તિને તોડવાનું શક્ય નથી. સરદાર સામે નેહરુ
અને સુભાષ સામે નેહરુને મૂકવાના પ્રયાસો થતા રહે ત્યારે ઈતિહાસનું વિકૃતીકરણ જ થાય
છે. કારણ એ વિરાટ વ્યક્તિત્વો વિશે વર્તમાનમાં ગમે તે કહેવામાં આવે, હકીકતમાં એ
એકમેક સાથેના મતભેદ છતાં દેશને આઝાદ કરાવવા માટેના સહિયારા જંગમાં સક્રિય હતાં.
વ્યક્તિગત રાગદ્વેષ વચ્ચે લાવ્યા વિના એ રાષ્ટ્રને સમર્પિત રહ્યાં. વલ્લભભાઈ પટેલે
૧૪ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ પંડિત નેહરુને હીરક જયંતી પ્રસંગે આશિષ આપતાં લખેલા શબ્દો
ટાંકવા જેવા છે: “કુછ સ્વાર્થ-પ્રેરિત લોગોં ને હમારે વિષય મેં ભ્રાંતિયોં ફૈલાને
કા યત્ન કિયા હૈ ઔર કુછ ભોલે વ્યક્તિ ઉનપર વિશ્વાસ ભી કર લેતે હૈં, કિન્તુ વાસ્તવ
મેં હમ લોગ આજીવન સહકારિયોં ઔર બંધુઓં કી ભાંતિ સાથ કામ કરતે રહે હૈં.” આવું જ કંઈક નેતાજીને એમની
નીતિરીતિની ટીકા કરતા પત્રના અંત ભાગમાં નેહરુ મોટાભાઈ તરીકે લખે છે કે “તારાં ફેફસાં નબળાં છે અને તું
ફરીને ખૂબ સિગારેટ પીવા માંડ્યો છે, એ આદત છોડી દે.” ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ
નેતાજીનું તાઇપેયી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા પછી એમનાં પત્ની એમિલી અને દીકરી
અનિતાની કાળજી રાખવાની જવાબદારી નેહરુ અને સરદારે નિભાવ્યાના દસ્તાવેજો મળે છે. એ
વેળા સરદારે લખ્યું હતું કે સુભાષના મોટાભાઈ સરતચંદ્ર તો સુભાષના પરિવારની કાળજી
રાખે તેમ નથી એટલે આપણે જ એ જવાબદારી નિભાવવી પડશે. “મારો ચંદ્ર નથી એ ધરતી પર
મારે જઈને શું કરવાનું?” એવું માનતાં એમિલી ૧૯૯૬માં મૃત્યુ પામ્યાં. એ ક્યારેય
ભારત ના આવ્યાં, પણ એમને અને એમની દીકરીને ભારતીય નાગરિકતા પણ ઓફર કરાઈ હતી. અનિતા
તો અનેક વાર ભારત આવ્યાં છે. એ જર્મનીમાં રહે છે અને નિવૃત્ત પ્રાધ્યાપક છે.
ઈ-મેઈલ:
haridesai@gmail.com (લખ્યા
તારીખ : ૨૯ ઓગસ્ટ ૨૦૨૧)
No comments:
Post a Comment