કોંગ્રેસનો અર્થશાસ્ત્ર અને ગીતા વિરોધ આત્મઘાતી
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
વિપક્ષી એકતાની કોશિશોમાં ય ફાચર
·
વિશ્વગ્રંથોને હિંદુગ્રંથ લેખનારા અબૂધ
·
નેહરુના ગ્રંથો વાંચ્યા વિના ઠોકમઠોક
Dr.Hatri
Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday
Supplement “UTSAV”. 05 Septembar, 2021.
હમણાં મધ્યપ્રદેશ
કોંગ્રેસના બટકબોલા પ્રવક્તા અને બંદૂકવાલા નામે જાણીતા કે.કે. મિશ્રાએ શુક્રવાર,
૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને ભગવદ્ ગીતા વિશે ભરડી નાંખ્યું.તેમણે
સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના હાથમાં એક નવું હથિયાર આપ્યું : મિશ્રાએ
ભારતીય લશ્કરી દળોના રાજકીયકરણ સામે લાલ બત્તી ધરી ત્યાં સુધી એમની વાત સાથે દેશના
તમામ સુજ્ઞજનો સંમત થઇ શકે, પણ એમણે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતાં ચાણક્ય કે કૌટિલ્યના
અર્થશાસ્ત્ર અને ભગવદ્ ગીતાને સિકંદરાબાદસ્થિત કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના
અભ્યાસક્રમમાં ભણાવવાનો વિરોધ કર્યો. એ તો હદ કહેવાય. આ તો ચીન સાથેના ભારતના
સંબંધો તંગદિલીભર્યા હોય ત્યારે ચીનની ભાષા મેંડેરીન ભારતની નવી શિક્ષણ નીતિમાં
નહીં ભણાવવાની કોઈ વાત કરે એવું થયું. કોંગ્રેસની મથામણ ભાજપ વિરુદ્ધ તમામ
વિપક્ષોનો એક મજબૂત મોરચો રચીને વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ફરી વિજયપતાકા
લહેરાવવાની છે ત્યારે મિશ્રા જેવા કોંગ્રેસી નેતાઓનાં આવાં નિવેદનો ક્યારેક ભાગલા
પૂર્વે હિંદુ પાર્ટી લેખાતી કોંગ્રેસને
હિંદુ વિરોધી જ નહીં, પણ દેશ વિરોધી જાહેર કરવાનાં હથિયાર પૂરાં પાડે છે. કોંગ્રેસ
ભાજપ સામે લડવામાં વ્યસ્ત હોય ત્યારે એના પોતીકાઓ
જ એવાં ઉંબાડિયાં કરે છે કે કર્યાકારવ્યા પર પાણી ફરી જાય. વાસ્તવમાં નવી
શિક્ષણ નીતિમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને ભગવદ્ ગીતા સહિતના ભારતીય ગ્રંથોને
ભણાવવામાં કરાવાય તો એ પણ ગૌરવની વાત છે. એનાથી પણ આગળ વધીને કુરઆન અને
બાઈબલ જ નહીં, ગ્રંથ સાહિબનો અભ્યાસ પણ કરાવવામાં આવે એ જરૂરી છે. ભારતીય
બંધારણમાં જે અનુચ્છેદ ૩૦(એ) છે જ નહીં એનો ઉલ્લેખ કરીને ભારતમાં હિંદુઓને ગીતા
ભણાવવા પર પ્રતિબંધ હોવાનાં ભાષણો ખૂબ શેયર થાય છે. અહીં ઉલ્લેખેલા માત્ર ધર્મગ્રંથો નથી, પણ આચરણ અને વ્યવહાર
માટેના આદર્શ દર્શાવતા વૈશ્વિક ગ્રંથો છે. ભારતીય લશ્કરી દળોમાં પ્રત્યેક ધર્મના
ધર્મગુરુઓ નિયુક્ત કરાય છે. ધર્મસ્થળો એક સાથે હોય છે. માત્ર ભારતમાં જ નહીં, પશ્ચિમના
દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં પણ લશ્કરી દળોમાં ધર્મગુરુઓ નિયુક્ત કરવાની
પરંપરા છે. અભ્યાસ કે અન્ય ધર્મની શ્રદ્ધાનો આદર કરવા માત્રથી લશ્કરી દળોમાં
ધર્મના વાદવિવાદ પ્રસરે છે એ વાત મૂળે ખોટી છે.
પંડિત નેહરુનાં લખાણો
આજકાલ સ્વાતંત્ર્ય
સંગ્રામમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ
સાથે અગ્રેસર રહેલા અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુનું સત્તારૂઢ પક્ષ અને
એનાં સહોદર સંગઠનો દ્વારા જે પ્રકારનું ચરિત્રહનન થઇ રહ્યું છે ત્યારે ઇતિહાસના વિકૃતીકરણને ખાળવા માટે રીતસર ઝુંબેશ ચલાવવાને બદલે
કોંગ્રેસના કેટલાક નેતાઓ અજાણતાં કે જાણી જોઇને
ભાંગરા વાટીને વર્તમાન સત્તાધીશોને કોંગ્રેસ તો હિંદુ વિરોધી હોવાનું
પ્રચારિત કરવા માટે મોકળાશ કરી આપે છે. એવું તો નથી કે કોંગ્રેસની નેતાગીરીને
પક્ષમાંના આવા પાંચમા કતારિયાઓ વિશે જાણ નથી, પણ એમને નાથવા કે
શિસ્તમાં રાખવાની જડીબુટ્ટી હવે કોંગ્રેસની નેતાગીરી ખોઈ બેઠી છે. ભારતના ભાગલા
કોંગ્રેસીઓએ કરીને દેશને બરબાદીની અવસ્થામાં મૂક્યો એવું ગાઇવગાડીને સત્તાપક્ષના
નેતાઓ અને બંધારણીય હોદ્દે બેઠેલા નેતાઓ કહે ત્યારે સત્યો ઉચ્ચારવાની હિંમત પણ
કોંગ્રેસમાં ના હોય તો એનો વીંટો વાળી દેવાની જરૂર ખરી. હકીકત એ છે કે કોંગ્રેસે
ભાગલા નાછૂટકે સ્વીકાર્યા અને વર્તમાન શાસકોના પૂર્વસૂરિઓ ક્યારેક કોંગ્રેસમાં જ
હતા. એ છૂટા થઈને આઝાદી આવવાના સમયગાળામાં પાકિસ્તાનવાદી મુસ્લિમ લીગ સાથે
પ્રાંતિક સરકારો ચલાવતા હતા એ તથ્યો રજૂ કરવાની નૈતિક હિંમત પણ કોંગ્રેસ પક્ષના
નેતાઓમાં ના હોય તો એ હજુ દયનીય સ્થિતિમાં જ રહેવાનો. ભારત માતા કી જય બોલવામાં
સંકોચ અનુભવતા કોંગ્રેસી નેતાઓએ નેહરુના ગ્રંથમાં ભારત માતા અને ભારત માતા કી જય
વિશે લખેલું પ્રકરણ વાંચી લેવાની જરૂર છે. નેહરુએ પોતાના ગ્રંથ મારું હિંદનું
દર્શનમાં ચાણક્ય કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને ભગવદ્ ગીતા વિશે કેટલા આદરભાવથી
લખ્યું છે. વાંચે છે કોણ?
કે.કે.મિશ્રાનું અજ્ઞાન
સત્તારૂઢ પક્ષને અનુકૂળ
વેબસાઈટો જ નહીં, સંઘ પરિવાર થકી ચલાવતા ઓર્ગેનાઈઝરનના પોર્ટલ પર પણ
મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતા કે.કે. મિશ્રાના અર્થશાસ્ત્ર અને ગીતાને ભણાવાય એની
વિરુદ્ધનું નિવેદન ઝળક્યું એટલે એમની સાથે
વાત કરીને અમે એ વાતની સચ્ચાઈ જાણવાની કોશિશ શનિવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ
કરી. મિશ્રા પોતાનું એ નિવેદન સાચું હોવાની વાતને વળગી રહ્યા. જોકે એમની સાથેના
દીર્ઘ ફોનસંવાદમાં એમનું અજ્ઞાન પણ બહાર આવ્યું. એમને એટલી જ જાણ હતી કે અર્થશાસ્ત્ર એ ઇકોનોમિકસ છે. ગીતાનો એમનો
અભ્યાસ ખરો. ગીતાનો ઉપદેશ સત્ય અને નિષ્ઠાનો હોવાનું પણ એમણે અમને પ્રબોધ્યું.
કમનસીબે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મિશ્રા પોતાનું નિવેદન એ મધ્યપ્રદેશ
કોંગ્રેસની સત્તાવાર ભૂમિકા લેખાવે છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પણ એનાથી અસંમત ના હોઈ
શકે એવું એ કહે છે. એમનું નિવેદન લિખિત નહોતું પણ મૌખિક હતું અને એ નિવેદન એએનઆઈ
થકી પ્રસારિત થયાની વાત પણ એમણે કરી. ભારતીય લશ્કરને ઇકોનોમિકસ ભણાવવાની જરૂર
ક્યાં છે એવો પ્રતિપ્રશ્ન કરે ત્યારે એમને એ પણ ખ્યાલ નહોતો કે અર્થશાસ્ત્ર એ
માત્ર ઇકોનોમિકસ નથી, પણ ૨૫૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા કૌટિલ્ય થકી રચાયેલા આ
ગ્રંથમાં શાસન વ્યવસ્થાનાં સઘળાં પાસાંની ચર્ચા છે. દુનિયાભરમાં એના સંદર્ભમાં
અભ્યાસ થાય છે. ગીતા પણ માત્ર હિંદુ ગ્રંથ નથી. એ પ્રબંધ વ્યવસ્થા અને આયોજનનો
ગ્રંથ છે. એને હાર્વર્ડથી લઈને બેંગલુરુસ્થિત આઇઆઇએમ સુધીનાં વૈશ્વિક શિક્ષણ
સંસ્થાનોમાં ભણાવાય છે.
ઈડસામાં કોંગ્રેસયુગમાં
અર્થશાસ્ત્ર
ભારત સરકારની લશ્કરી
બાબતો અંગેની મહત્વની સંસ્થારક્ષા અધ્યયન એવં વિશ્લેષણ સંસ્થાન (ઈડસા)માં વડાપ્રધાન
ડૉ.મનમોહનસિંહના શાસન દરમિયાન કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગે મહત્વપૂર્ણ અભ્યાસો થયા.
વૈશ્વિક પરિસંવાદો યોજાયા એ વાતનો મિશ્રા
જેવા કોંગ્રેસી નેતાને ખ્યાલ નાહોય એ બાબત પણ દયા ઉપજાવે તેવી છે.હવે કેન્દ્ર
સરકારે ઈડસાના નામની આગળ સદગત સંરક્ષણ મંત્રી મનોહર પર્રીકરનું નામ જોડ્યું છે. કૌટિલ્યને
પૂર્વના મેકિયાવેલી ગણાવવામાં આવે છે. હકીકતમાં તો મેકિયાવેલી હજુ માંડ ૫૦૦ વર્ષ
પહેલાં થયો. ભારતીયો જ જ્યાં પોતાના ગૌરવંતા ગ્રંથો વિશે અજાણ હોય ત્યાં મેકોલે કે
પશ્ચિમના લોકોને દોષ દેવાનો કોઈ અર્થ નથી. એવું નથી કે કે.કે. મિશ્રા સાવ અભણ કે અજાણ વ્યક્તિ છે.
તેમણે મધ્યપ્રદેશમાં ભાજપી મુખ્યમંત્રી શિવરાજ સિંહના પ્રતાપે થયેલા વ્યાપમ ભરતીના
મહાકૌભાંડમાં ૫૮ જણાએ આત્મહત્યા કર્યાની યાદી બહાર પાડી હતી. મધ્યપ્રદેશમાં અદાલતી ખટલા થકી એમને બે વર્ષની કેદ થયેલી પણ સુપ્રીમ કોર્ટે એમને નિર્દોષ છોડ્યાનું અને
૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ માફ કર્યાનું મિશ્રા કહે છે. જોકે વરિષ્ઠ નેતાગીરીની
નિષ્ફળતા થકી મિશ્રા કે મણિશંકર ઐયર
જેવાઓનાં અટકચાળાભર્યાં આત્મઘાતી નિવેદનો ઝળકે છે. એનો સવેળા ઉપચાર કરવામાં ના આવે
તો કોંગ્રેસ હજુ પણ વધુ ગર્તામાં જવાની શક્યતા ખાળવાનું અશક્ય છે.
તિખારો
કભી કભી મૌત ભી જબ એક કિતાબ
લિખતી હૈ
તો જિંદગી સે એક ભૂમિકા
લિખવાને કે લિયે આતી હૈ...
વહ જબ બોધિ વૃક્ષ સે ગુજરી
થી
બુદ્ધ કબ આંખ ખોલેંગે યહી
દેખતી
પેડ કે પત્તે કી તરહ વહ
કાંપતી રહી
ફિર ઉસને હવાઓં કા કાગજ સામને રખા તો
બુદ્ધને કરુણા કી ગાથા કહી
થી
ઉસને જબ કૃષ્ણ કી બાંસુરી
સુની તો એક પેડ કે પીછે ખડી
ગોપિયોં કી રાસલીલા દેખતી
રહી કૃષ્ણ કે રથ કી લગામ પકડી
ઔર જબ હવાઓં કા કાગજ સામને
રખા
તો કૃષ્ણને હંસકર ગીતા
સુનાઈ થી
મૌત કી કઈ કાલી કિતાબેંહૈં પર ચાંદ-સૂરજ કી રોશની જૈસી
કઈ ભૂમિકાએં હૈ જો હમારા મરણ-મિટ્ટીવાલોંકા ખજાના હૈ
- અમૃતા પ્રીતમ
ઈ-મેઈલ:haridesai@gmail.com (લખ્યા
તારીખ: ૪ સપ્ટેમ્બર ૨૦૨૧)
No comments:
Post a Comment