લશ્કરી વડા માણેકશાએ વડાંપ્રધાન ઇન્દિરાને
કહ્યું: આજે યુદ્ધ 100% પરાજય નોતરશે
ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ.દિવ્યભાસ્કર
ડિજિટલ.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/military-chief-manekshaw-told-prime-minister-indira-gandhi-that-the-war-would-be-100-defeated-today-128909624.html
·
પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનના લશ્કરના અત્યાચારોથી લાખો લોકોનું ભારત ભણી
પલાયન
·
1971માં સંરક્ષણમંત્રી જગજીવન રામ સેમને આજીજી
કરતા હતા કે 'સામ માન જાઓ ના'
·
મોરારજી દેસાઈના મતે,
એપ્રિલ 1971માં જ ભારતે બાંગ્લાદેશને મદદ કરવી જોઈતી હતી
ભારતીય લશ્કરી દળો અને લશ્કરી
વડાઓની કામગીરીને દેશવાસીઓ સદાય બિરદાવે છે. બ્રિટિશ ઇન્ડિયામાંથી 1947માં અલગ થયેલા
પાકિસ્તાનમાં લશ્કરી દળોએ રાજકીય મહત્ત્વાકાંક્ષાને પોષીને લોકશાહીને લશ્કરી દળોની
ગુલામ બનાવતી તાનાશાહીની પરંપરા સ્થાપી છે. એનાથી વિપરિત ભારતીય લશ્કરી દળોનું
રાજકીયકરણ નહીં થતાં ભારતમાં સંસદીય લોકશાહીની ઉજ્જવળ પરંપરા સચવાઈ છે. ભારત સામે
સતત જંગ છેડતા રહેલા પાકિસ્તાનને ભારતીય લશ્કરી દળોએ કાયમ પરાસ્ત કર્યું છે છતાં એ
અટકચાળાં છોડતું નથી. હવે સીધી લશ્કરી કાર્યવાહીને બદલે પ્રોક્સી વૉર થકી ભારતને
કનડવાના પ્રયાસો ચાલુ રાખે છે. ચીને વર્ષ 1962માં ભારત પર કરેલા આક્રમણમાં
દિલ્હીને માથે કાળી ટીલીના સંજોગો ભલે આવ્યા, પણ 1967માં નથુલા પાસ સરહદે
અને 1987માં અરુણાચલ સરહદે ચીનને ભારતીય લશ્કરી દળોએ મારી હટાવીને ’62ના કલંકનો બદલો વળ્યો
હતો એ રખે ભૂલાય. પૂર્વ પાકિસ્તાનના એટલે કે અત્યારના બાંગ્લાદેશના નેતા શેખ
મુજીબુર રહેમાન પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભામાં બહુમતી ધરાવતા હોવા છતાં તેમને
પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ અને ખાસ કરીને અતિમહત્ત્વાકાંક્ષી ઝુલ્ફીકાર
અલી ભુટ્ટોના પ્રતાપે વડાપ્રધાન ન બનાવાયા અને જેલમાં ઠૂંસી દેવાયા ત્યારે વર્ષ 1971ની શરૂઆતમાં પશ્ચિમ
પાકિસ્તાનના લશ્કરના અત્યાચારોથી બચવા લાખો બંગાળી શરણાર્થીઓ પૂર્વ પાકિસ્તાનમાં
ભારતનાં વિવિધ રાજ્યોમાં આવી ગયા. પાકિસ્તાનના ભાગલા પડે એમાં ભારતને કોઈ રસ
નહોતો. બાંગ્લાદેશે પોતે પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યા પછી પાકિસ્તાનના
શાસકોએ તેની સામે કાળો કેર કર્યો હોવાથી ભારત બાંગ્લાદેશની વહારે ધાયું હતું એવું 1969માં ઇન્દિરા ગાંધીની
કોંગ્રેસથી અલગ થયેલા મોરારજી દેસાઈએ પણ પોતાની આત્મકથામાં નોંધ્યું છે.
કેબિનેટ યુદ્ધ જાહેર કરવાના પક્ષે
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી માટે આ મુદ્દો ખૂબ જ સંતાપનો હતો.
પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા સહિતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમને તાર કરી રહ્યા હતા
કે, આ બંગાળી હિંદુ-મુસ્લિમ શરણાર્થીઓના કારણે એમનું તંત્ર ભારે
વિમાસણમાં છે. શ્રીમતી ગાંધીએ કેબિનેટ બેઠક બોલાવી અને એમાં લશ્કરી વડા સેમ
માણેકશાને પણ તેડાવ્યા. સવારના બરાબર દસના ટકોરે કેબિનેટની બેઠક બોલાવાઈ.
વિદેશમંત્રી સ્વર્ણ સિંહ, સંરક્ષણ મંત્રી જગજીવન રામ, કૃષિમંત્રી ફકરૂદ્દીન અલી અહેમદ, નાણાં મંત્રી
યશવંતરાવ ચૌહાણ એમાં હાજર હતા. શું કરવું એની ચર્ચા થઇ. વડાંપ્રધાન તો કોઈપણ ભોગે
પાકિસ્તાની લશ્કરના એમના જ દેશના લોકો પરના અત્યાચારો અટકાવવા ભારતીય લશ્કરે પૂર્વ
પાકિસ્તાનમાં તાત્કાલિક ઘૂસવું એવા મતનાં હતાં. જનરલ માણેકશાએ કહ્યું કે, એનો અર્થ એ કે આપણે
યુદ્ધ જાહેર કરીએ છીએ. વડાંપ્રધાન શ્રીમતી ગાંધી એ માટે પણ તૈયાર હતાં. માણેકશા
ઉવાચ: 'તમારો આદેશ હોય તો હું મારાં દળોને આદેશ આપું કે એ પૂર્વ
પાકિસ્તાનમાં ઘૂસે પણ વડાંપ્રધાન, મારાં દળોએ આ માટે તૈયારી કરવી
પડે. એ માટે તેઓ સજ્જ નથી. મને સમય જોઈએ અને મને મારી રીતે એ નક્કી કરવા દો તો સો
ટકા જીત પાક્કી કરી આપું, અન્યથા તમે કહો તો આજે આક્રમણ કરીને 100%
પરાજય પાક્કો કરી
દઉં.' સંરક્ષણ મંત્રી જગજીવન રામ સેમને સમજાવવા રીતસર આજીજી કરી રહ્યા
હતા: 'સેમ, સેમ, જાઓ ના?' બધા ચોંકી ગયા.
માણેકશા બાઈબલ ટાંકે છે
કેબિનેટ મોકૂફ કરાઈ એ પહેલાં ઇન્દિરા ગાંધીએ કહ્યું કે મને
યુદ્ધ જાહેર કરવાનો વાંધો નથી. માણેકશાએ કહ્યું: પ્રાઈમ મિનિસ્ટર, તમે બાઈબલ વાંચ્યું
છે? વિદેશમંત્રી સરદાર સ્વર્ણ સિંહ બોલી ઊઠ્યા: અહીં વળી બાઈબલનો સંબંધ
ક્યાંથી આવ્યો? સેમ કહે: ફર્સ્ટ બુક, ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ લાઈન. ગોડ કહે
છે કે અજવાળું થાઓ અને અજવાળું થયું. તમે કહો કે યુદ્ધ થાઓ અને યુદ્ધ થશે. તમે શું
મનો છો? તમે યુદ્ધ માટે તૈયાર છો ખરાં? મને કહેવા દો કે આજે 28 એપ્રિલ છે. હિમાલયના
પહાડી રસ્તા હવે ખૂલી રહ્યા છે. જો ચીન આપણને આખરીનામું આપે તો મારે બે મોરચે
લડવું પડે.' સરદાર બોલ્યા: 'પણ ચીન આખરીનામું આપશે?' સેમ: 'તમે વિદેશમંત્રી છો.
તમારે જણાવવું પડે.' પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીઓની ચર્ચા પછી કૃષિ મંત્રી ભણી
નિહાળીને સેમ કહે: 'પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પાક લેવાની સિઝનમાં યુદ્ધના સંજોગોમાં
મારે બધા રસ્તાઓ, ટ્રક બધું જ લશ્કરને હવાલે કરવું પડશે. આવા સંજોગોમાં દુષ્કાળ
સર્જાય તો હું નહીં, તમે જવાબદાર લેખાશો.' 'મારી કને માત્ર 13 ટેંક જ કામની છે.' એ નાણાંમંત્રીને કહે
કે છેલ્લાં દોઢ વર્ષથી હું નાણાં માગી રહ્યો છું અને તમે કહો છો કે નાણાં નથી.
વડાંપ્રધાન ભણી એ કહે છે કે એપ્રિલના અંતમાં પૂર્વ પાકિસ્તાનમાં વર્ષાઋતુ બેસે છે, નદીઓ દરિયો બની જાય
છે. મારે રસ્તાઓનો જ ઉપયોગ કરવો પડે. એરફોર્સ મદદમાં ન આવી શકે અને છતાં તમે કહો
તો હું પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસું. એટલે તમને 100% પરાજયની ખાતરી આપું
છું.' શ્રીમતી ગાંધી ગુસ્સાથી લાલચોળ હતાં. કેબિનેટમાં સોપો પડી ગયો.
એમણે કેબિનેટ સાંજના ચાર વાગ્યા સુધી બરખાસ્ત કરી. મંત્રીઓ નીકળ્યા અને છેલ્લે
માણેકશા નીકળવા જતા હતા ત્યાં વડાંપ્રધાને કહ્યું કે, ‘ચીફ, તમે રોકાજો.’
માણેકશાની રાજીનામાની ઓફર
માણેકશા રોકાયા પણ ઊભા રહ્યા.
એમણે વડાંપ્રધાનને કહ્યું,
'પ્રાઈમ મિનિસ્ટર, તમે મોઢું ખોલો એ પહેલાં મને કહો કે તમને હું
મારું રાજીનામું મોકલી આપું એવું ઈચ્છો છો - માનસિક કે શારીરિક કારણોસર?'
'ના. સેમ. બેસો. તમે જે કહ્યું તે બધું સાચું છે?'
'હા. મારી ફરજ છે કે મારે તમને સત્ય જણાવવું. મારી કામગીરી લડવા અને જીતવાની છે, હારવાની નહીં.' ઇન્દિરા ગાંધીના ચહેરા પર સ્મિત ઝળક્યું. 'ભલે. સેમ. તમે જાણો જ છો કે હું શું ઈચ્છું છું. તમે ક્યારે તૈયાર હશો?'
સેમે કહ્યું: 'અત્યારે તો એ ન કહી શકું. પ્રાઈમ મિનિસ્ટર પણ તમે એ મારા પર છોડો અને મારી
રીતે આયોજન કરવા દો,
મારી રીતે ગોઠવણ કરવા દો અને
તારીખ પણ નક્કી કરવા દો તો હું 100% વિજયની ખાતરી આપું છું.' વડાંપ્રધાન ગાંધીએ માણેકશાને મોકળાશ બક્ષી. ડિસેમ્બર 1971ની તારીખ નક્કી થઈ. માત્ર 13 દિવસના યુદ્ધના અંતે પાકિસ્તાનના જનરલ
નિયાઝીએ પોતાના 93
હજાર અધિકારી અને સૈનિકો સાથે
જનરલ જગજીતસિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી અને બાંગ્લાદેશને વૈશ્વિક સ્વીકૃતિ
અપાવવામાં ભારતની ભૂમિકા સૌએ કબૂલવી પડી.
જો કે, ઉપરોક્ત ઘટનાક્રમથી કદાચ ઇન્દિરા ગાંધીના અનુગામી વડાપ્રધાન મોરારજી દેસાઈ અજાણ હશે એટલે જ કદાચ એમણે 'મારું જીવનવૃત્તાંત'માં નોંધ્યું છે: 'એપ્રિલ, 1971માં જ્યારે બાંગ્લાદેશે માન્યતા માટે માગણી કરી હતી ત્યારે તેને માન્યતા આપવામાં આવી હોત અને સિલોન સરકારને તેમની આંતરિક મુશ્કેલીમાં જે રીતે સહાય કરવામાં આવી હતી એમ બાંગ્લાદેશને મુક્ત કરાવવા આઝાદી અપાવવાને થોડી લશ્કરી કુમક આપવામાં આવી હોત તો આ માટે શ્રીમતી ગાંધી યશનાં અધિકારી જરૂર ગણાયાં હોત. ભારત સરકારે બાંગલાદેશને જો એપ્રિલ, 1971માં મદદ કરી હોત તો પાક સૈન્યના હાથે અકથ્ય યાતનાઓ વેઠવામાંથી અને ભયંકર આર્થિક ખાનાખરાબીમાંથી બાંગ્લાદેશ ઊગરી શક્યો હોત. 'જો કે, આ ઇન્દિરાજીના રાજકીય વિરોધીનું મંતવ્ય છે પણ જ્યાં લશ્કરી વડા માણેકશાએ રજૂ કરેલા તર્કો વડાંપ્રધાન અને એમની કેબિનેટે સ્વીકાર્યા છે અને ભારત વિજયી બન્યું હોય ત્યારે ઐતિહાસિક ઘટનાક્રમને જો અને તોમાં અટવાવવી યોગ્ય નથી. ભારતીય લશ્કરી વડા માણેકશા ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ બન્યા હતા. ભારતને એમના યોગદાન માટે ગર્વ છે.
haridesai@gmail.com
(લેખક
વરિષ્ઠ પત્રકાર,
કટારલેખક
અને રાજકીય વિશ્લેષક છે.)
No comments:
Post a Comment