Sunday 19 September 2021

A Secular Freedom Fighter Raja Mahendra Pratap

 રાજા મહેન્દ્ર પ્રતાપ એવા સેક્યુલર હતા જે સવારે નમાજ પઢે, બપોરે

 બૌદ્ધની જેમ જીવે અને સાંજે રામ અને કૃષ્ણનાં ભજન સાંભળે

દિવ્ય ભાસ્કર ડિજિટલ. રંગત –સંગત. રવિ પૂર્તિ.૧૯ સપ્ટેમ્બર,૨૦૨૧. વેબ: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/remembrance-of-king-mahendra-pratap-the-british-government-allowed-the-king-to-come-to-india-after-32-years-believing-in-the-creation-of-an-inclusive-society-128934879.html

  •          ડિસેમ્બર 1915માં પ્રથમ આરઝી હકૂમત સ્થાપી
  •         વડાપ્રધાન મોદીએ 2016માં કાબુલમાં યાદ કર્યા
  •          મુખ્યમંત્રી યોગીનો નવેમ્બર 2020માં નિર્ણય

પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં 17% જાટ વસ્તી હોય અને માથે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ડિસેમ્બર 1915માં અફઘાનિસ્તાનમાં નિર્વાસિત ભારત સરકાર કે આરઝી હકૂમત સ્થાપનારા જાટ રાજવી મહેન્દ્ર પ્રતાપ સિંહનું એકાએક સ્મરણ સહેતુક થાય એ સમજી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2016માં અફઘાનિસ્તાન ગયા ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને એમણે ત્યાં યાદ કર્યા હતા. એ પછી તો છેક 15 નવેમ્બર, 2020ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાજાના નામે અલીગઢમાં એક યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરવાનું સૂઝ્યું. એ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવાનો અવસર છેક 14 સપ્ટેમ્બર, 2021ના રોજ આવ્યો. વડાપ્રધાન મોદીના શુભહસ્તે 92 એકર જમીન પર આ સરકારી યુનિવર્સિટી બને અને એની સાથે આ ક્ષેત્રની 395 કોલેજોને જોડાણ અપાય એ કંઈ નાનીસૂની વાત નથી.ઓક્ટોબર 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે મુખ્યત્ત્વે જાપાનના ટેકે આઝાદ હિંદ સરકાર સ્થાપી હતી એ પહેલાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે બ્રિટિશ વિરોધી જર્મન, તુર્કસ્તાન, રશિયા અને જાપાન સહિતના દેશોના ટેકે કાબુલમાં 1 ડિસેમ્બર, 1915ના રોજ ભારતને બ્રિટિશ ચુંગાલમાંથી મુક્ત કરાવવાના ઈરાદે આરઝી હકૂમત સ્થાપી હતી. એ એના 'રાષ્ટ્રપતિ' બન્યા હતા.

અંગ્રેજોની કૃપા ના ખપે
જો કે, અફઘાનિસ્તાનના રાજવી અંગ્રેજ દબાણ હેઠળ ફસકી જતાં જાન્યુઆરી 1919 લગી જ આ આરઝી હકૂમત ટકી. રાજા મહેન્દ્ર પોતાના બીજા ઘર સમા જાપાનમાં આઝાદ હિંદ ફોજના વડા રાસબિહારી બોઝ અને અન્યોના સહયોગમાં બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિ કરતા રહ્યા. ભારતમાં ઉત્તરપ્રાંતનાં પોતાનાં ગામ માટે સતત શિક્ષણ પ્રવૃત્તિ માટે દાન કરવામાં અવ્વલ રહેલા આ ક્રાંતિવીર મહેન્દ્ર પ્રતાપને 32 વર્ષ બાદ બ્રિટિશ સરકારે ભારત આવવાની મોકળાશ કરી આપી. એ ટોક્યોથી 9 ઓગસ્ટ, 1946ના રોજ સિટી ઓફ પેરિસ જહાજ દ્વારા મદ્રાસ (હવેનું ચેન્નઈ) પહોંચ્યા. ત્યાંથી સીધા જ વર્ધા જઈને મહાત્મા ગાંધીને મળ્યા હતા. મૂળે જાટ રાજવી પરિવારના હોવા છતાં લગ્નસંબંધે એ શીખ રજવાડા જિંદના જમાઈ હતા. એમના સાળા મહારાજા રણબીર સિંહ અંગ્રેજોને પક્ષે હતા. એમના થકી વાઇસરોય રાજા પ્રતાપને માફ કરે એવું હોવા છતાં એને એમણે કબૂલ રાખ્યું નહોતું. જાપાનમાં સાળો-બનેવી એકસાથે હોય એવા સંજોગોમાં પણ બંને મળ્યા નહીં હોવાની હકીકત આ મક્કમ મિજાજના ક્રાંતિવીરની પ્રકૃતિ સ્પષ્ટ કરે છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
કેન્દ્ર સરકાર સંચાલિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) સામે કેન્દ્ર અને રાજ્યના શાસકોને ભારે ગમાઅણગમા હોવાનું સર્વવિદિત છે. એ વિશેના વિવાદવંટોળ ખૂબ ગાજતા રહે છે. આક્ષેપો થાય છે કે, મહેન્દ્ર પ્રતાપે દાનમાં આપેલી જમીન પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઊભી છે અને છતાં એના થકી રાજા મહેન્દ્ર પ્રતાપનું માન જળવાયું નથી. હકીકતમાં મહેન્દ્ર પ્રતાપના પિતાશ્રી રાજા ઘનશ્યામ સિંહ અને AMUના સંસ્થાપક સર સૈયદ અહમદ ખાન (1817-1898) બંને મિત્રો હતા. સર સૈયદે 24 મે, 1875ના રોજ પોતાનાં સ્વપ્નોના મદરસાનું ઉદઘાટન કરાવ્યું હતું. બે વર્ષ પછી 7 જાન્યુઆરી, 1877ના રોજ મોહમ્મડન એંગ્લો ઓરિએન્ટલ (MAO) કોલેજનો શિલાન્યાસ થયો હતો. 1 ડિસેમ્બર, 1886ના રોજ જન્મેલા રાજા મહેન્દ્ર પ્રતાપના જન્મ પહેલાં તો આ કોલેજ તૈયાર થઇ ચૂકી હતી. રાજા મહેન્દ્ર એના વિદ્યાર્થી પણ રહ્યા હતા. પોતાના પિતા અને સર મિત્રો હોવાથી આ કોલેજમાં પ્રવેશ મળ્યાની વાત એ આત્મકથામાં નોંધે છે. એમના પિતાએ 250 રૂપિયાનું દાન આપ્યાની તકતી હોસ્ટેલના કમરા ક્રમાંક 31 પર છે. એ અભ્યાસ પૂરો ન કરી શક્યા પણ 1977માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો શતાબ્દી સમારંભ ઉજવાયો ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ એના મુખ્ય અતિથિ હતા. વળી, એમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને 1929માં 90 વર્ષના પટ્ટે આપેલી 3.04 એકર જમીન AMUના મુખ્ય કેમ્પસથી ચાર કિલોમીટર દૂર એક ત્રિકોણીયું છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની કુલ જમીન તો ઘણી વિશાળ છે. કોંગ્રેસની સરકારોએ રાજા મહેન્દ્ર પ્રતાપને અવગણ્યા છે એટલે હવે એમને મહત્ત્વ અપાઈ રહ્યું છે એવી વાતો ખૂબ વહેતી કરાય છે. નવો ઈતિહાસ રચવાના પ્રયાસો થઇ રહ્યા છે. સદનસીબે મહેન્દ્ર પ્રતાપ (રાજા) થકી 'માય લાઈફ સ્ટોરી ઓફ ફિફ્ટી ફાઈવ યર્સ' નામની 1947માં પ્રકાશિત એમની આત્મકથા અને સંસ્મરણ કથા ઉપલબ્ધ છે, જે જાટ રાજવીને અન્યાય થયાની વાતો કરીને તેમને હિંદુવાદી નેતા તરીકે ખપાવીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન થઇ રહ્યો છે તે વ્યક્તિ આખું આયખું હિંદુવાદીઓ - જનસંઘની વિરુદ્ધ રહી. તેમણે મુસ્લિમ સાથીઓના ટેકે પોતાની આરઝી હકૂમત સ્થાપી તથા ચલાવી હતી. શતપ્રતિશત સેક્યુલર વ્યક્તિને પોતીકી ગણાવવા માટે નવાં ચમત્કારિક ઉપજાવી કાઢેલાં સત્યો કરતાં હકીકતો નિરાળી જ છે. વર્ષ 1952ની લોકસભાની ચૂંટણી હારેલા મહેન્દ્ર પ્રતાપ 1957માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મથુરા-વૃંદાવન બેઠક પર તેઓ અપક્ષ ઉમેદવારી કરી જીત્યા હતા. બીજા ક્રમે કોંગ્રેસના ચૌધરી દિગંબર સિંહ હતા. તેમની સામેના ઉમેદવારોમાં જનસંઘના અટલ બિહારી વાજપેયી પોતાની ડિપોઝિટ પણ ગુમાવી બેઠા હતા અને ચોથા ક્રમે રહ્યા હતા. જો કે, 1957માં અટલજી ત્રણ બેઠકો પર લડ્યા હતા. બે પર હાર્યા હતા અને એક પર જીતીને લોકસભામાં ગયા હતા. કોંગ્રેસે રાજા મહેન્દ્ર પ્રતાપને અન્યાય કર્યાનું ગાણું ગવાય છે પણ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીથી લઈને રાષ્ટ્રપતિ વી.વી.ગિરી જ નહીં, કોંગ્રેસી નેતાઓ સાથે સતત વિહાર કરતા જોવા મળ્યા છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સ્વાતંત્ર્ય સૈનિકોના સંગઠન અને જાટ મહાસભાના પણ અધ્યક્ષ રહ્યા હતા. 29 એપ્રિલ, 1979ના રોજ એમનું 92 વર્ષની વયે નિધન થયું હતું.

 

પ્રેમના જ ધર્મનું અનુસરણ
રાજા મહેન્દ્ર પ્રતાપ આત્મકથામાં નોંધે છે કે મને કોઈ ધર્મ સાથે કોઈ વિવાદ છે જ નહીં. મારો ધર્મ વાસ્તવમાં તો બધા જ ધર્મોનો સમન્વય છે. મારો ધર્મ એ પ્રેમનો જ ધર્મ છે. એમના ધર્મ, રાજકીય વિચારધારા અને સમાજવ્યવસ્થા અંગેના વિચારો પણ સંકુચિત નથી. એ સર્વસમાવેશક સમાજ રચનામાં ભરોસો કરે છે. પોતાની છબી નીચે એ 'પીટર પીર પ્રતાપ' નામ નોંધવાનું પસંદ કરે છે. રાજા મહેન્દ્ર પ્રતાપના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને એના નેતાઓ સાથેના સંબંધોની નોંધ પણ એમની આત્મકથામાં જોવા મળે છે. મહાત્મા ગાંધી, મદનમોહન માલવિયા, લોકમાન્ય તિલક, પંડિત મોતીલાલ નેહરુ અને પંડિત જવાહરલાલ નેહરુના ઉલ્લેખ મળે છે. વર્ષ 1906માં કોલકાતા ખાતે કોંગ્રેસ અધિવેશનમાં દાદાભાઈ નવરોજી અધ્યક્ષસ્થાને હતા. તિલક અને વડોદરાના મહારાજા ગાયકવાડ પણ મંચ પર હતા. બિપિનચંદ્ર પાલના આગઝરતા ભાષણનો પણ તેઓ ઉલ્લેખ કરે છે. 1910માં પોતે અલાહાબાદ કોંગ્રેસની સ્વાગત સમિતિમાં હતા. મોતીલાલના આનંદ ભવનની વાત પણ એ કરે છે. પોતાના વિદેશ પ્રવાસો અને અફઘાનિસ્તાનના રાજા હબીબુલ્લાહ અને રાજા અમાનુલ્લાહ સાથેના અનુભવોની વાત એ વિસ્તારથી કરે છે. જાપાન, ચીન, જર્મની, રશિયાના શાસકો સાથેની મુલાકાતો અને ભારતીય આઝાદી ચળવળ અંગેની કામગીરીમાં પોતાને મુસ્લિમ મિત્રોનો સતત સાથે મળતો રહ્યાનું એ નોંધે છે. કાબુલમાં એમની આરઝી હકૂમતના બે મુખ્ય સાથી વડાપ્રધાન મૌલવી બરકતુલ્લા અને ગૃહમંત્રી મૌલાના ઉબેદુલ્લા હતા. જાપાનમાં પણ કોબે ખાતે તેમના ઉદાર યજમાન શ્રી અને શ્રીમતી ફતેહ અલી હતાં. સુભાષ ચંદ્ર બોઝની જેમ જ રાજા મહેન્દ્રના નિકટના સાથી મુસ્લિમ હતા. એ સ્પષ્ટ નોંધે છે કે, અમારો પરિવાર રૂઢિચુસ્ત વૈષ્ણવ હોવા છતાં હંમેશાં મુસ્લિમ તરફી રહ્યો છે. ભારતીય આઝાદીની ચળવળ માટે સતત કાર્યરત એવા રાજા મહેન્દ્ર પ્રતાપ ક્યારેય મુસ્લિમ દ્વેષથી પીડાતા નહોતા. વર્ષ 1932માં શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે તેમનું નામ પ્રસ્તાવિત કરાયું હતું. છેક વર્ષ 1911માં દલિત પરિવાર સાથે ભોજન લેવા જેટલા આ ક્રાંતિકારી સમાજ સુધારકના પ્રપૌત્ર ચરત પ્રતાપ સિંહના શબ્દો ટાંકવા જેવા છે: 'મારા પ્રપિતામહ ખરા અર્થમાં સેક્યુલર હતા. એ એવી વ્યક્તિ હતી જે સવારે નમાજ પઢે, બપોરે બૌદ્ધની જેમ જીવે અને સાંજે રામ અને કૃષ્ણનાં ભજન સાંભળે.' પંડિત નેહરુ અને નેતાજી બોઝની જેમ જ રાજા મહેન્દ્ર પ્રતાપ બોલ્શેવિક ક્રાંતિથી પ્રભાવિત થયા હતા. એમણે પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન અને જાપાનીઓ સાથે કામ કર્યું પણ એમનો હેતુ ભારતને આઝાદી અપાવવાનો જ હતો.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment