Monday 16 August 2021

OBC Amendment Opens Pandora's Box


ઓબીસીનો વિસ્ફોટક ચૂંટણીલક્ષી દાભડો

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         રાજ્યોને પુનઃ અધિકારસોંપણીનું રાજકારણ

·         ૫૦%ની મર્યાદાને વળોટી અનામતના ખેલ

·         જસ્ટિસ રોહિણી પંચ,જાતિગત વસ્તીગણતરી  

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 15 August 2021.

આઝાદીના અમૃતપર્વની રાષ્ટ્રીય ઉજવણી ટાણે સમગ્ર દેશનાં નાગરિકો માટે ગૌરવ લેવાનો, સ્વાતંત્ર્યના અગ્રગામીઓ અને સૈનિકો ભણી ઋણસ્વીકારભાવ વ્યક્ત કરવાનો તેમ જ  ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન શું મેળવ્યું, શું ગુમાવ્યું એનાં લેખાજોખાંનો આજે અવસર છે. સમાનતા, બંધુતા અને ભાઈચારાના આદર્શને અમલમાં લાવવાને સ્થાને આજે આખો દેશ અનામત-અનામતના ખેલમાં રમમાણ છે.વર્ષ ૨૦૧૮માં કેન્દ્રની વર્તમાન સરકારે રાજ્યોના વિવિધ જ્ઞાતિઓને અનામતમાં સામેલ કરવાના અધિકારને પોતાના હસ્તક લઇ લીધો હતો. હવે સંસદમાં બંધારણ સુધારો કરીને સર્વાનુમતે રાજ્યોને અન્ય પછાતોને અનામતશ્રેણીમાં સમાવવાનો અધિકાર આપ્યો છે. અનામત ચાલુ રાખવાની, વધારવાની કે અમુકતમુક સમાજોને અનામત શ્રેણીમાં સમાવવાના હોય ત્યારે સેવા સાટેના પગાર અને ભથ્થાં વધારવામાં જે સર્વપક્ષી એકતા જોવા મળે છે એવી જ એકતા સંસદમાં જોવા મળે છે. નવાઈની વાત તો એ હતી કે વીતેલા સંસદસત્રમાં પેગાસસ જાસૂસી પ્રકરણ, ખેડૂત આંદોલન કે ભાવવધારા મુદ્દે  ગતિરોધ સર્જનાર અને દિવસો સુધી સંસદ નહીં ચાલવા દેનારા વિપક્ષો અન્ય પછાતોના-ઓબીસીના અનામત અંગેના બંધારણ સુધારા ૧૨૭ને બંને ગૃહોમાં ટેકો આપવા ડાહ્યાડમરા થઈને હાજર થઇ ગયા હતા. અનામત વધારવા કે વિસ્તારવાનો વિરોધ કરનારા પક્ષનું નામું નંખાઈ જાય એ વાત બધા જ પક્ષના નેતાઓ સુપેરે જાણે છે. ચૂંટણીઓ જીતવા માટે અમુકતમુક જ્ઞાતિઓને અનામતમાં સમાવવાનું રાજકારણ હવે યાવત્ચંદ્રદિવાકરોના તબક્કે પહોંચ્યું છે.

લોકપ્રિયતા કાજે લહાણી

ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અનેક જ્ઞાતિઓને ઓબીસી કે અન્ય પછાતો માટેની  અનામત શ્રેણીમાં સામેલ કરીને રાજી કરવાની નેમ અંતે તો ચૂંટણી જીતવા માટેની વ્યૂહ રચનાનો જ ભાગ છે. બંધારણના મુખ્ય રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકર તો અનામતની ટકાવારી ૫૦%થી વધે નહીં એના આગ્રહી હતા. વર્ષ ૧૯૯૨માં મંડળ પંચના માધ્યમથી ઓબીસીને ૨૭ % અનામત આપવાનું સુપ્રીમના ઇન્દિરા સાહની ચુકાદામાં માન્ય કરાયું ત્યારે અનામતની કુલ  ટકાવારી ૫૦%થી વધે નહીં એની કાળજી લેવાઈ હતી. એ પછી આજે એકાદ રાજ્ય પંજાબ સિવાય ભાગ્યે જ કોઈ એવું રાજ્ય છે જ્યાં આ ટોચમર્યાદા અમલમાં છે. કેટલાંક રાજ્યોમાં તો અનામતની ટકાવારી ૮૦%ને પણ વળોટી ગઈ છે. હવે કેન્દ્ર સરકારે જે બંધારણીય સુધારો કરાવીને રાજ્યોને અન્ય પછાતોમાં અમુક જ્ઞાતિઓને સમાવવા માટે અધિકાર આપવાની જોગવાઈ કરી છે એનાથી તો માત્ર વીંછીનો નહીં પણ કોબ્રાનો વિસ્ફોટક દાબડો ખુલવાના સંજોગો સર્જાશે.લોકપ્રિયતાની લાહ્યમાં સંખ્યાબંધ જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતોની યાદીમાં રાજ્યોના શાસકો સામેલ કરશે તો ખરા, પણ એ પછી એમાંથી કેટલી સુપ્રીમ કોર્ટની અદાલતી સમીક્ષામાંથી પાર ઉતરશે એ મહાપ્રશ્ન છે. ઉપરાંત દેશની ૫૪% ઓબીસી વસ્તીને માત્ર ૨૭% અનામત મંજૂર કરવાનું એટલા માટે શક્ય બન્યું હતું કે ૫૦ %ની અનામત ટોચ મર્યાદા જાળવવાની હતી. હવે કેન્દ્રના વર્ષ ૨૦૧૯ના આર્થિક રીતે પછાતોને ૧૦% અનામત આપવાના બંધારણીય સુધારા પછી આ ૫૦%ની મર્યાદા રહી નથી. કેન્દ્રના મંત્રી રામદાસ આઠવલે તો અગાઉથી અનામતની ટકાવારીને ૭૫ % પર લઇ જવાની માંગણી કરતા રહ્યા છે.વિપક્ષો પણ અનામતની ટોચમર્યાદા ફગાવી દેવાના પક્ષે છે. અત્યારે ઘણાં રાજ્યોમાં એ ૮૦%ને પાર કરી ગઈ છે તો પછી વસ્તી આધારે જ ૧૦૦% અનામત કેમ નહીં એવો પ્રશ્ન પણ ઊઠે છે. આવતા દિવસોમાં ગૂંચવાડા અને સામાજિક ટકરાવ વધવાના.  

સુપ્રીમ કોર્ટની અવમાનના

ક્યારેક ૧૯૮૬માં વર્તમાન સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પ્રતિનિધિ સભા અનામતની કાખઘોડીને શક્ય તેટલી જલદી ફગાવીને આર્થિક રીતે પછાતોને અનામત આપવાની તરફેણ કરતી હતી. એના સર્વોચ્ચ નેતાઓ હવે પછાતપણું ટળે નહીં ત્યાં લગી વર્તમાન સ્વરૂપની અનામતને ચાલુ રાખવાના હાકલા દેકારા કરતા થયા છે. બિહારની ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંઘના સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવતે અનામતની સમીક્ષાની વાત શું કરી કે ભાજપનો કારમો પરાજય થયો હતો. બસ, ત્યારથી સંઘ-ભાજપના નેતાઓ મંડળ-કમંડળ યુગને ભૂલાવીને અનામતના જાપ કરતા થયા છે. છેલ્લી ઘડીએ અમુક જ્ઞાતિઓને અનામત જાહેર કરી દેવાથી ચૂંટણી જીતી જ જવાય એવું નથી.અગાઉ જાટ અને મરાઠા અનામત જાહેર કરી દેવામાં આવાં પરાક્રમ કરનાર કોંગ્રેસ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસને લોકસભા કે વિધાનસભામાં વિજય મળ્યો નથી. જોકે અન્ય પછાતોને અનામત યાદીમાં સમાવવાના અધિકાર કેન્દ્ર સરકાર પાસે જ છે એવા તથા મરાઠા અનામતને રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સમગ્ર જોગવાઈને પલટીને રાજ્યોને અધિકાર આપવા પાછળ કેન્દ્રના સત્તાધીશોનું રાજકારણ પણ સ્પષ્ટ છે. માથે ચૂંટણીઓ હોય ત્યારે અનામત યાદીમાં રાજ્યો અમુક જ્ઞાતિઓને સમાવવાની જાહેરાત કરીને ચૂંટણી જીતી શકાય. એ પછી છોને એ મામલો જયલલિતા યુગમાં કેન્દ્ર કને ૧૯૯૪માં કરાયેલી તમિળનાડુની ૬૯ % અનામત કે બંધારણ બદલીને કથિત ઉજળિયાતોને ૧૦ % આર્થિક અનામત આપવાના વર્તમાન કેન્દ્ર સરકારના નિર્ણયની જેમ સુપ્રીમ કોર્ટમાં વર્ષોનાં વર્ષ વિચારાધીન રહે.

કાલેલકરથી મંડળ લગી

આઝાદી પછી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામતની જોગવાઈ સાથે જ અન્ય પછાતો (ઓબીસી) માટે પણ બંધારણના ઘડવૈયાઓએ અનામતની જોગવાઈ કરી રાખી હતી. જોકે નેહરુ યુગમાં રાજ્યસભાના સભ્ય અને “સવાયા ગુજરાતી” સર્જક કાકાસાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં અન્ય પછાતોના અભ્યાસ માટે નિયુક્ત પંચ થકી નક્કી કરાયેલી ૫૦૦૦ જેટલી પછાત જ્ઞાતિઓને અનામતનો લાભ આપવા સહિતની ભલામણોને અભેરાઈએ ચડાવી દેવાઈ. એ પછી ગુજરાતમાં અન્ય પછાતો માટે બાબુભાઈ જશભાઈ પટેલના મુખ્યમંત્રીત્વકાળમાં બક્ષી પંચ રચાયું. માધવસિંહ સોલંકી સરકારે પછાતોને અનામતના લાભ આપવાનું જાહેર કર્યું કે હોબાળો મચ્યો.આંદોલનો થયાં. એ વેળા અનામતનો વિરોધ કરનારી પટેલ સહિતની જ્ઞાતિઓ ૧૯૯૮ આવતાં સુધીમાં તો પોતાને પછાત ગણાવીને ઓબીસી અનામત માંગતી થઇ ગઈ. પછાતોને અનામતની પહેલ કરનાર કોંગ્રેસી મુખ્યમંત્રી  માધવસિંહ સોલંકીએ અનામત વિરોધમાંથી કોમીમાં રૂપાંતરિત થયેલાં રમખાણોના પ્રતાપે ૧૯૮૫માં ગાદી ગુમાવવી પડી.એ પહેલાં કેન્દ્રમાં જનતા પાર્ટીની મોરારજી દેસાઈ સરકારે બિહારના મુખ્યમંત્રી અને સાંસદ રહેલા બી.પી.મંડળની અધ્યક્ષતામાં પછાતો માટેના એક પંચની રચના કરી. મંડળ પંચનો અહેવાલ ઇન્દિરા ગાંધીના પુનઃ સત્તારોહણ વેળા ૧૯૮૦માં આવ્યો પણ એમણે એને અભેરાઈએ ચડાવી દીધો.એમાં માત્ર પછાતોને અનામત ઉપરાંતની અનેક ભલામણો કરાઈ હતી, પણ એની આજે ચર્ચા માત્ર પછાતોને ૨૭ % અનામતની જ થાય છે.  વર્ષ ૧૯૮૯-૯૦માં વડાપ્રધાન વી.પી.સિંહે ગાદી ગુમાવવાનો વારો આવ્યો ત્યારે મંડળ પંચના અહેવાલને અમલી બનાવવાનું કાર્ડ ખેલ્યા અને એ અન્ય પછાતોના મસીહા બન્યા. જોકે મંડળ પંચની ભલામણોના અમલને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમનો ઇન્દિરા સાહની કેસનો ચુકાદો ૧૯૯૨ના અંતમાં આવ્યો.૨૭ % અનામત અન્ય પછાતોને આપવાનું સ્વીકાર્યું. ૧ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓને જ આ લાભ મળે એવા ક્રીમીલેયરની જોગવાઈ અન્વયે સુપ્રીમના આ ચુકાદામાં યોગ્ય લેખાયું.આજે આ આવક મર્યાદા ૮ લાખ કરી દેવાઈ છે. વર્ષ ૧૯૯૩થી અન્ય પછાતોને અનામતનો લાભ મળવાનું શરૂ થયું. એ વખતથી લગાતાર જે સમાજો પોતાને સવર્ણ કે ઉજળિયાત લેખાતા હતા એવા પટેલ સમાજ કે મરાઠા સમાજે પણ પોતાને પછાત ગણાવી ઓબીસી અનામતનો  લાભ મળે એ માટે માંગણી અને આંદોલનો શરૂ કર્યાં. આજે સંખ્યાબંધ સમાજો પોતાને અન્ય પછાત વર્ગમાં સામેલ કરવાની કતારમાં છે. ચૂંટણીમાં સૌ કોઈને રાજી રાખવાના ખેલ ચાલે છે, પણ એમાં સમાજો વચ્ચેના ટકરાવના સંજોગો સર્જાતા અનુભવાય છે. રાજનેતાઓ માટે તો અર્જુનની આંખ  માત્ર ચૂંટણી જીતવા પર જ મંડાયેલી હોય ત્યાં સમાજમાં થનારાં વિઘટનોને અવગણવાનું અત્યંત જોખમી છે.

તિખારો

અમારા ચૂંટેલા અમને નડે છે

ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડાં વહેંચી ને દારૂ પીવડાવી

મતો ઉઘરાવીને દિલ્હી દોડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી

રેલીમાં ને સભામાં પથરા પડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

ચૂંટાયા પછી સુરત (મોઢું) ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી

પાંચ વર્ષે લોકોની પાછળ પડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

ધર્મો ને કોમોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી

અખંડતા ને એકતાની રાડો પાડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી

હવે ખૂણે ખાંચરે  શોધ્યા ના જડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

ચૂંટાયા પછી એ મહેલોમાં પહોંચી

કુટુંબ સાથે પરદેશનાં ચક્કરો કાપી

ફક્ત વેતન ને  ભથ્થાં માટે લડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

રાહુ અને કેતુ તો સૌને નડે છે 

આ જીવતા ભૂતો છાતી પર ચડે છે 

સ્વપ્ન’ નું વ્યથિત અંતર રડે છેઅમારા ચૂંટેલા અમને નડે છે.

-     સ્વપ્ન જેસરવાકર

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૧)

No comments:

Post a Comment