Sunday, 29 August 2021

Indo Afghan Relations

 ભારત અને અફઘાનિસ્તાનનો પરાપૂર્વથી મૈત્રીસંબંધ...સુમેળભર્યા સંબંધ સાચવવાની સાથે દેશોની ચળવળમાં પણ ભાગીદારી નિભાવી!

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્ય ભાસ્કર ડિજિટલ. રંગત-સંગત.૨૯ ઓગસ્ટ ૨૦૨૧ વેબ લિંક:

https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/india-and-afghanistan-have-long-been-friends-maintaining-a-harmonious-relationship-as-well-as-participating-in-the-movement-of-countries-128860017.html

·       -  1996-2001ના તાલિબાન શાસન દરમિયાન સંબંધવિચ્છેદ

·       -  ધૃતરાષ્ટ્રપત્ની ગાંધારી અને પાંડુપત્ની માદ્રી અફઘાનિસ્તાનનાં

·        - ગાંધારનરેશ કનિષ્કનું કુશાણ-બૌદ્ધરાષ્ટ્ર ઉત્કલ-મહારાષ્ટ્ર સુધી

હમણાં પાડોશી રાષ્ટ્ર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર આતંકી અને કટ્ટરવાદી સુન્ની મુસ્લિમ એવા તાલિબાનનો કબજો સ્થપાયો એટલે સ્વાભાવિક છે કે એની સાથેના ભારતના રાજદ્વારી, વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધોની વાત કરવી પડે. ભારત અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યાં એ પહેલાં પણ અફઘાનિસ્તાન અનેક દૃષ્ટિએ ભારત સાથે જોડાયેલું જ રહ્યું છે. મહારાજા હરિસિંહે ઓક્ટોબર 1947માં જમ્મુ-કાશ્મીર રજવાડું ભારત સાથે જોડ્યું ત્યારથી અફઘાનિસ્તાન ભારતનું પાડોશી રાષ્ટ્ર બન્યું. હમણાં ભારતને અમેરિકા, પાકિસ્તાન અને રશિયાની તાલિબાન સાથેની મંત્રણાઓમાં સામેલ નહીં કરવા પાછળનો તર્ક એ અપાયો હતો કે બંને દેશોની સરહદો મળતી નથી. હકીકતમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો જે ભાગ ગપચાવ્યો છે તે POK એટલે કે પાકિસ્તાને ગપચાવેલા ભારતના હિસ્સાને કારણે ભારતની સરહદ અફઘાનિસ્તાન સાથે મળતી નથી, અન્યથા POK ભારતનો જ ભાગ છે.

વર્તમાન ભારતનો આઝાદીકાળથી એટલે કે વર્ષ 1947થી અફઘાનિસ્તાન સાથેનો સંબંધ વચ્ચે તાલિબાન શાસનનાં પાંચ વર્ષને બાદ કરતાં કાયમ સુમેળભર્યો રહ્યો છે. વર્ષ 1950માં ભારતે મૈત્રી કરાર કર્યા હતા. આટલું જ નહીં, એ ભારતની સાથે ગૂટનિરપેક્ષ દેશોની ચળવળમાં પણ રહ્યું છે. પ્રાચીન ભારત અને ઋગ્વેદકાળથી સાંસ્કૃતિક ભારતમાં આવતા વિવિધ રાજાઓનાં રાજ્યોમાં વર્તમાન અફઘાનિસ્તાનમાં આવતાં ગાંધાર કે કંદહાર અથવા કાબુલ સહિતના પ્રદેશો અને રાજ્યો વચ્ચેના સંબંધો સુમધુર રહ્યા છે. મૌર્ય વંશના મહાન શાસક સમ્રાટ અશોકના સમયના શિલાલેખો કંદહાર પાસેથી મળી આવ્યા છે. એ ગ્રીક અને અરામાઈક ભાષામાં છે. મૌર્ય વંશના રાજાઓ અફઘાનિસ્તાનમાં રાજ કરતા હતા એ ઇસવીસન પૂર્વેની વાત છે તો હજુ હમણાં ઈ.સ.1021 લગી તો કાબુલ પર હિંદુ મહારાજા રાજ કરતા હતા.

અફઘાનિસ્તાનનો સંસ્કૃતસંબંધ
ક્યારેક આપણે વાત કરીએ કે સંસ્કૃતનું વ્યાકરણ પાણિનિ નામના પઠાણે લખ્યું કે કોઈ આરબની વાત નીકળે તો સામાન્ય માણસો જ નહીં, ભણેલા ગણેલા પણ એવું પૂછી બેસે છે કે મુસ્લિમે સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું? મુશ્કેલી એ છે કે ઇસ્લામની સ્થાપના 1400 વર્ષ પહેલાં થઈ પણ સંસ્કૃત તો એનાથી અનેક ગણી જૂની ભાષા છે. પઠાણ કે આરબ મુસ્લિમ જ હોય એવું પણ નથી. અફઘાનિસ્તાનની મુખ્ય ભાષા પુશ્તુ સંસ્કૃતમાંથી જ પેદા થઇ. ભારતીય ભાષાઓ જ નહીં, ઇન્ડો-યુરોપિયન ભાષાઓ પણ સંસ્કૃતમાંથી ઊતરી આવી. ઋગ્વેદની ઋચામાં અત્યારના અફઘાનિસ્તાનની નદીઓનું વર્ણન જોવા મળે ત્યારે તો આપણે એ માનવું જ રહ્યું કે એ સંસ્કૃત ભાષાનો પ્રદેશ હતો.

મા વો રસા અનિતભા કુભા કૃમુમાં વ: સિન્ધુર્નિરિરમત્ મા વ: પરિષ્ઠાત સરયુ: પુરીષિણ્ સ્મે ઇત સુન્નમસ્તુવ: (ઋગ્વેદ 5-53.9) આ વૈદિક ઋચામાં સિંધુ નદીની સાથે રસા(આજનું 'લઘમન'), અનિતભા, કુભા (કાબુલ) અને ઋમું (રુર્ર્મ) વગેરે નદીઓનાં પાણીનો ઉલ્લેખ આવે છે. આ બધી નદીઓ અફઘાનિસ્તાનમાં આવે છે. આવી બીજી ઋચાઓ પણ મળે છે. વેદોની રચના સિંધુ નદીને કાંઠે થઇ હતી એ તો સુવિદિત છે.

મુસ્લિમ આક્રમણોની શરૂઆત
સાતમી અને આઠમી સદી દરમિયાન અફઘાનિસ્તાનના કાબુલ અને ગઝની વિસ્તારો પર પણ હિંદુ શાસકોનો પ્રભાવ હતો. ઈ.સ. 642માં મુસ્લિમોએ અફઘાનિસ્તાન પર પહેલું આક્રમણ કર્યું હતું. જો કે, તેઓ ફાવ્યા નહોતા. નવમી અને દસમી સદીમાં મુસ્લિમો શાસક તરીકે ઉદય પામ્યા. આટલું જ નહીં, મહમૂદ ગઝનીને લીધે ગઝની શહેર સમૃદ્ધ થયું હતું. યુદ્ધોમાં હાર-જીત ચાલતી રહી. ભારતમાં ચંગીઝ ખાન અને તીમૂરના વંશજ બાબરે ઈ.સ. 1526માં મુઘલ વંશની સ્થાપના કરીને આગ્રાને રાજધાની બનાવી એ પહેલાં 1504માં તેની રાજધાની કાબુલ હતી. ભારતની જેમ અફઘાનિસ્તાનમાં અંગ્રેજો પોતાનું સામ્રાજ્ય સ્થાપવા પ્રયત્નશીલ હતા પણ એમાં એમને ઝાઝી સફળતા મળી નહોતી પણ વર્તમાન યુગમાં અમેરિકા કે રશિયાના કહ્યાગરા શાસકોને સ્થાપીને પરોક્ષ રીતે એ શાસન કરતા રહ્યા.

ભારત સાથે વેપાર-લગ્નસંબંધ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રાચીનકાળથી વેપાર અને લગ્નના સંબંધ તો પરાપૂર્વથી રહ્યા. મહાભારતકાળમાં ચીનથી ભારતમાં આયાત થનારાં પ્રસિદ્ધ વસ્ત્રો (ચિનાંશુક) ગાંધાર માર્ગે જ આવતાં હતાં. તેમજ ગાંધારની રાજકુમારી ગાંધારી મહારાજ ધૃતરાષ્ટ્રની પત્ની હતી, પાંડુ રાજાની પત્ની માદ્રી પણ અહીંના જ મદ્ર દેશની રાજકુમારી હતી એવું ઇતિહાસવિદ્ ડૉ. શરદ હેબાળકર નોંધે છે. અયોધ્યા નરેશ દશરથની રાણી કૈકેયી પણ અહીંના જ કેકય દેશની હતી એ ઉલ્લેખ પણ કરવો પડે. કૈકેયીના પુત્ર ભરતના બે પુત્રો તક્ષ અને પુષ્કલના નામે પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા (હવેના પાકિસ્તાનમાં) અને પુષ્કલાવતી નગરીનું નિર્માણ થયું હતું. કુશાણ વંશના રાજવી કનિષ્ક વિશાળ સામ્રાજ્ય સ્થાપી શક્યો હતો. એની રાજધાની પુરુખપુર (પેશાવર) હતી. એનું સામ્રાજ્ય પૂર્વમાં છેક ઉત્કલ સુધી અને દક્ષિણમાં મહારાષ્ટ્ર સુધી હતું. તે બૌદ્ધ ધર્મનો ઉપાસક હતો. અફઘાનિસ્તાનનાં જંગલોમાં હજી બૌદ્ધ પ્રતિમાઓ મળે છે. અગાઉ વર્ષ 1996-2001 દરમિયાન કાબુલ પર તાલિબાનોનું શાસન હતું ત્યારે તેમણે ઇસ્લામ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે એ દર્શાવતાં 1500 વર્ષ જૂની બામિયાન ખાતેની બુદ્ધની પ્રતિમાઓને માર્ચ 2001માં તોડી પાડી હતી. અફઘાનિસ્તાનમાં દોઢ હજાર વર્ષ પહેલાં શૈવ અને વૈષ્ણવ પરંપરા પ્રચલિત હતી એના પુરાવા ગર્દેજ પરિસરમાંથી મળેલી ગણપતિની મૂર્તિઓને આધારે મળે છે. ડૉ. હેબાળકર નોંધે છે કે ગૌતમ બુદ્ધના સમયથી બામિયાન વેપાર કેન્દ્ર હતું. ચીનથી અગ્નિદેશ (વર્તમાન કારાશર), કુચી, શૈલ દેશ (કાશગર), પામીર, બાલ્ટિક થઈને વેપાર માર્ગ બામિયાન થઇને નગરહાર (જલાલાબાદ) અને ત્યાંથી ખૈબરઘાટ થઇ વેપાર માર્ગ પુરુષપુર (પેશાવર) જતો હતો. અફઘાનિસ્તાનની ઉત્તરે મારકંડા (સમરકંદ)થી તથા કશ્યપ (કાસ્પિયન) સમુદ્રની ચારે તરફનાં રાજ્યોમાંથી પણ વેપારી માર્ગ બામિયાન થઈને કપિસા, ગાંધાર પાર કરીને સિંધુ તટ સુધી જતો હતો.

અફઘાનિસ્તાનનું વ્યૂહાત્મક મહત્વ
મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને ભારતીય ઉપખંડમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતું અત્યારનું અફઘાનિસ્તાન મહાસત્તાઓના દાવપેચમાં અટવાઈને બરબાદ થતું રહ્યું છે. 1973 સુધી રહેલી રાજાશાહીના અફઘાનિસ્તાનમાં સત્તાપલટા અને બળવા થતા રહ્યા. સૌથી મહત્વની વાત તો એ છે કે વર્ષ 1946થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO)ના સભ્ય રહેલું અફઘાનિસ્તાન એકમાત્ર હતું કે જેણે 1947માં પાકિસ્તાનને યુનોમાં પ્રવેશ આપવાનો વિરોધ કર્યો હતો. એ વખતની રાજાશાહીનો એ નિર્ણય હતો. 99% મુસ્લિમ વસ્તી ધરાવતા અફઘાનિસ્તાનમાં સમયાંતરે લોહિયાળ કે શાંતિપૂર્ણ રીતે સત્તાપલટા થતા રહ્યા છે. ભારત સાથેના એના સંબંધો પંડિત નેહરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીના યુગમાં વધારે સારા રહ્યાનું વિદેશમંત્રી રહેલા નટવર સિંહ કહે છે. વી.પી. સિંહ અને નરસિંહરાવને અફઘાન સંબંધોની ઝાઝી ગતાગમ નહોતી એવું પણ એ કહે છે. 1979થી 1999 દરમિયાન રશિયાના ટેકે કાબુલમાં શાસકો રાજ કરતા રહ્યા. 

અમેરિકાની દરમિયાનગીરી
રાષ્ટ્રપતિ નજીબુલ્લાહની સરકાર સામે જંગે ચડેલા તાલિબાનો અને અલ-કાયદાના કટ્ટરવાદી અને આતંકી મુસ્લિમોએ 26 સપ્ટેમ્બર, 1996ના રોજ કાબુલ કબજે કર્યું. સંયુક્ત રાષ્ટ્રના પરિસરમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ નજીબને ઝડપી લઈને તેમણે મોતને ઘાટ ઉતાર્યો અને જાહેરમાં એની લાશને થાંભલે લટકાવી હતી. અહીં અમેરિકાએ જ પેદા કરેલા સાઉદીના અબજોપતિ એવા આતંકી ઓસામા બિન-લાદેનને પાકિસ્તાન માર્ગે અફઘાનિસ્તાનમાંથી રશિયાને ખદેડવા મોકલાયો હતો. વર્ષ 1996માં તાલિબાન શાસન આવ્યું. એને માત્ર સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને યુએઈ થકી જ માન્યતા અપાઈ. ભારતમાંની દેવે ગોવડા સરકારે એને માન્યતા નહીં આપવાનો નિર્ણય કર્યો. તાલિબાનના શાસનનો 2001માં અમેરિકી ટેકે અંત આવ્યો ત્યાં લગી ગુજરાત સરકાર અને વાજપેયી સરકારે પણ અફઘાનિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો કપાયેલા જ રાખ્યા. અમેરિકાના ટેકે અફઘાનિસ્તાનમાં 1996થી 2014 લગી રાજ કરનારા હમીદ કરઝાઈ તો ભારતમાં સિમલા ખાતે ભણ્યા છે. કરઝાઈ હમણાં તાલિબાનો સાથે મંત્રણામાં જોવા મળ્યા. એમના અનુગામી અશરફ ગની 2014માં સત્તામાં આવ્યા પછી અગાઉના રાષ્ટ્રપતિઓની પરંપરા મુજબ ભારત આવ્યા નહીં. એ ચીન અને પાકિસ્તાન જઈ આવ્યા પછી સાત મહિના પછી ભારત આવ્યા. આમ તો એ અમેરિકામાં ભણ્યા. અમેરિકી સરકારની કઠપૂતળી બનીને રહ્યા પણ ભારત અને પાકિસ્તાન સાથે સંબંધ રાખવામાં બેલેન્સિંગ એક્ટ કરવા જતાં એ તાલિબાનની ચુંગાલમાં ફસાયા. ભારતની વાજપેયી સરકાર તેમજ મનમોહન સરકાર તેમજ મોદી સરકારે અફઘાનિસ્તાન સાથેનાં સંબંધો સુધારવા ઉપરાંત ત્રણેક અબજ ડોલર જેટલી રકમ એમના સંસદગૃહ, ડેમ, મહામાર્ગો બાંધવા સહિતના પ્રકલ્પો માટે ખર્ચ્યા. અમેરિકાએ પોતાનાં લશ્કરી દળો પાછાં ખેંચી લીધા પછી તાલિબાન માટે મોકળું મેદાન મળ્યું. જો કે, આ વખતે ચીન, પાકિસ્તાન અને રશિયા તાલિબાન સાથે જણાય છે. ભારત 1996-2001ની જેમ અફઘાનિસ્તાન સાથે સંબંધો કાપી નાખવાના પક્ષે નથી. બંને દેશો વચ્ચે 10,000 કરોડ રૂપિયાના વેપારનો પણ વિચાર કરવો પડે. આમ છતાં, પરિસ્થિતિ કેવો આકાર લે છે એના આધારે નવી દિલ્હી નિર્ણય લેશે. પરાપૂર્વથી અફઘાન પ્રજા સાથેના ગાઢ સંબંધ રહ્યા છે એટલે વર્તમાન તાલિબાન શાસન કેવાં પગલાં લે છે એને આધારે સંયુક્ત રાષ્ટ્રના દેશો તાલિબાનને માન્યતા આપવા બાબત વિચાર કરશે. ચીન-પાકિસ્તાનના પ્રભાવમાં તાલિબાન શાસન ચાલે એવું તો ભારત ના જ ઈચ્છે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

No comments:

Post a Comment