Wednesday, 25 August 2021

GOa and Former Chief Justice on UCC

 

ગોવામાં સમાન નાગરી ધારાના અમલનો રાષ્ટ્રીય આદર્શ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         જસ્ટિસ બોબડેએ રાષ્ટ્રીય ચર્ચા જગાડવા માટે નિવેદન કર્યાનું મનાય છે

·         વડાપ્રધાન મોદી દ્વારા નિયુક્ત કાયદા પંચ આ ધારાના સમર્થનમાં નથી

·          ઘણા ફિરકાઓમાં વિભાજીત હિંદુ સમાજ સમાન નાગરી ધારાના વિરોધમાં

Dr.Hari Desai writes weekly column for Sardar Gurjari Daily (Anand) and Gujarat Guardian Daily (Surat)..Do visit haridesai.com to read more such columns.

થોડા વખત પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા શરદ અરવિંદ બોબડેએ ગોવાના સમાન નાગરી કાયદા (યુનિફોર્મ સિવિલ કોડ)નાં વખાણ કરીને દેશભરમાં ચર્ચા જગાવી. હજુ વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલા કાયદા પંચના અહેવાલમાં જણાવાયું છે કે સમાન નાગરી ધારાનો અમલ યોગ્ય પણ નથી અને થઇ શકે તેમ પણ નથી. જોકે ચર્ચા ચાલતી રહી છે. ગોવાના કોંગ્રેસી નેતા રમાકાંત ખલપ જયારે કેન્દ્ર સરકારમાં કાયદા પ્રધાન હતા ત્યારે તેઓ પણ ગાઈવગાડીને સમાન નાગરી ધારાનો અમલ કરવાની તરફેણ કરતા હતા.હકીકતમાં નિવૃત્ત ન્યાયાધીશ બોબડેની વાત વર્તમાન શાસકોના એજન્ડાને અનુરૂપ હોવા છતાં ગોવામાં જે સમાન નાગરી ધારો તમામ ધર્મના નાગરિકો માટે અમલી છે વિશે રાષ્ટ્રીયસ્તરે વિવાદવંટોળ ઉઠવો સ્વાભાવિક છે.માત્ર મુસ્લિમોને કેન્દ્રમાં રાખીને સમાન નાગરીધારાની વાત થાય છે એવો માહોલ સર્જાઈ રહ્યો છે. ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું ત્યારથી ત્યાં પોર્ટુગીઝ સિવિલ કોડ,૧૮૬૭ અમલમાં રહ્યો છે. તમામ ધર્મી ગોવાના નાગરિકો માટે એમાં આઝાદી પછી પણ ઝાઝા ફેરફાર કરાયા નથી. જોકે બધાને સમાન કાયદા લાગુ પડે છે એવું સાવ નથી, છતાં મહદઅંશે મુસ્લિમો સહિત તમામ ધર્મીઓને લગ્નની નોંધણી, સંપત્તિમાં પતિ-પત્નીનો સમાન અધિકાર, બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરવા પર પ્રતિબંધ સહિતની જોગવાઈઓ તમામ માટે અમલી છે.  સત્તામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ,કોઈ પણ પક્ષની સરકારે અહીંની કાનૂની પ્રક્રિયાને સંકુચિત કરવાનો પ્રયાસ કર્યો નથી.  આનંદપ્રમોદની સંસ્કૃતિ સાથે છેડછાડ કરવાની કોશિશ કરી નથી.એટલે આજે ગોવા દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

 

પોર્ટુગીઝ ગોવા ૧૯૬૧માં દેશમાં ભળ્યું

 

ભારતને આઝાદી મળ્યાના પ્રારંભિક દિવસોમાં નાયબ વડા પ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ નૌકાદળના જહાજમાં ગોવા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે નૌસેનાના અધિકારીને પૂછ્યું હતું કે આપણે ગોવા લેવું હોય તો કેટલો વખત લાગે? અધિકારીનો ઉત્તર હતો: “માત્ર બે કલાકમાં.” સરદાર તો પોર્ટુગીઝ શાસન હેઠળના પ્રદેશને લેવા ઉતાવળા જણાયા,પણ અધિકારીએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આવા પગલાની આંતરરાષ્ટ્રીય અસર વિશે શું કહેશે,એવો પ્રશ્ન આગળ ધર્યો.વાત સાચી હતી.એકાએક પોર્ટુગીઝ પ્રદેશ પર આક્રમણ કરવું ઠીક ના ગણાય.સરદાર તો ૧૯૫૦માં ગુજરી ગયા. પછી પોર્ટુગલ સાથે રાજદ્વારી મંત્રણાઓ સફળ નહીં થતાં લશ્કરી પગલું અનિવાર્ય બન્યું હતું. છેક ૧૯૬૧માં વડાપ્રધાન નેહરુએ લશ્કરી પગલા થકી બે કલાક કરતાં થોડાક વધુ સમયમાં ગોવા પોર્ટુગીઝ શાસકો પાસેથી છીનવીને ભારતમાં ભેળવવું પડ્યું હતું. દિવસ હતો ૧૯ ડિસેમ્બર ૧૯૬૧નો.આજે પણ ગોવા પોતાના મુક્તિ દિવસ તરીકે દર વર્ષે ૧૯ ડિસેમ્બરની ઉજવણી કરે છે. પોર્ટુગીઝ શાસકો  ૪૫૦ વર્ષ પછી અહીંથી ઉચાળા ભરી ગયા પછી આજે પણ ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબધો જળવાયા છે.અત્યારે પોર્ટુગલના વડાપ્રધાન  અન્તોનિયો કોસ્ટા મૂળ ગોવાના હોવાનો ગર્વ અનુભવે છે. જાન્યુઆરી ૨૦૧૭માં તેમણે ગોવામાં પોતાના પૂર્વજોના ઘરની મુલાકાત લીધી હતી. પોતે ભારતીયવંશી હોવા વિશે  પ્રગટપણે ગર્વ અનુભવ્યો હતો.

 

પહેલાંથી શરાબ-બીફની સંપૂર્ણ છૂટ

 

ગોવાના પોર્ટુગીઝ શાસનને અત્યાચારી લેખાવવામાં આવે છે,પણ એના ઉદાર વલણ,સમાન નાગરી ધારાના અમલ  અને દારૂસેવન તેમજ ગોમાંસ (બીફ) આરોગવાની બાબતમાં મોકળાશભરી સંસ્કૃતિને આજે પણ જાળવવામાં આવી છે.ભાજપની રાષ્ટ્રીય નીતિ ગોમાંસને ખાદ્ય પદાર્થોમાંથી બંધ કરાવવાની હોવા છતાં ગોવા અને ઇશાન ભારતની સંસ્કૃતિમાં ગોમાંસ આરોગવાની પરંપરા હોવાથી બાબતમાં દખલ કરવામાં આવી નથી.જોકે ગોવામાં છેક ૧૯૭૬માં કોંગ્રેસની સરકારે અન્ય કેટલાંક રાજ્યોની સરકારોની જેમજ ગોહત્યા પ્રતિબંધને કાનૂની રીતે લાગુ કરાવ્યો હતો, વાતને ભાજપની પણ આવકાર્યો હતો.કેન્દ્રમાં ભાજપ સાત વર્ષથી સત્તામાં છે પણ દેશભરમાં ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો અમલી બનાવવાની દિશામાં એણે પહેલ કરી નથી. આજે પણ ગોવામાં બીફ ખાવા પર પ્રતિબંધ નથી,પરંતુ અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવે છે.સ્વયં ગોવાના ભાજપી નેતાઓ  પણ ગોવામાં બીફ પર પ્રતિબંધ મૂકવાના વિરોધી છે.ગોવાના હિંદુ ગોમાંસ આરોગતા નથી,પણ ખ્રિસ્તી અને મુસ્લિમ બીફ ખાવાનું પસંદ કરે છે.

 

રાજ્યની વસ્તી કરતાં પર્યટકો વધુ

 

દુનિયાભરના પર્યટકોને આકર્ષે એવી રમણીય બીચનો ૧૦૧ કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવતા ગોવા રાજ્યની વસ્તી ૧૬ લાખ જેટલી પણ નથી, પણ દર વર્ષે ૨૦ લાખ કરતાં વધુ સહેલાણીઓ અહીં આવે છે.હજારો હોટેલો નહીં,અહીંનું સમગ્ર અર્થતંત્ર પર્યટન ઉદ્યોગ પર નભે છે.કોરોનાના પ્રતાપે અહીં સહેલાણી ઘટ્યા હોવા છતાં હવે સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયું છે. સાડા ત્રણ હજાર કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતા રાજ્યની વસ્તીમાં ૭૫ ટકા હિંદુ,૨૦ ટકા ખ્રિસ્તી અને ટકા મુસ્લિમ હોવા છતાં સદીઓથી અહીં લગ્ન,છૂટાછેડા,વારસાઈ અને બીજી ઘણી બધી બાબતોમાં તમામ કોમોને એકજ નાગરી ધારો લાગુ પડે છે.દેશમાં સમાન નાગરી ધારો(કોમન સિવિલ કોડ) લાગુ કરવાની જોગવાઈનો બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંત તરીકે સમાવેશ કરાયો છે. કેન્દ્રમાં કાયદા પ્રધાન રહેલા ગોવાવાસી રમાકાંત ખલપ જેવા કોંગ્રેસી નેતા પણ એનું સમર્થન કરે છે.જોકે ભાજપ સમાન નાગરી ધારાના અમલનો જાપ કરે છે,પણ રાષ્ટ્રીય કક્ષાએ એના અમલમાં હજુ સંકોચ અનુભવે છે. બંધારણ મુસદ્દા સમિતિના વડા ડૉ.બાબાસાહેબ આંબેડકરના હિંદુ કોડ બિલને જેમ ટુકડે ટુકડે અમલમાં લવાયું, એમ કેન્દ્રની વર્તમાન સરકાર સર્વોચ્ચ અદાલતના આદેશને લીધે  ટ્રિપલ તલાક નાબૂદીની જોગવાઈ પહેલાં કરી સમાન નાગરી ધારાની ચર્ચા પાછી ઠેલે છે.કાયદા પંચને એનો મુસદ્દો ઘડવા કહેવામાં આવે છે.સત્તાધીશો સુપેરે જાણે છે કે માત્ર મુસ્લિમો નહીં, અનેક ફિરકાઓમાં વિભાજીત હિંદુ સમાજ પણ સમાન નાગરી ધારાનો વિરોધ કરશે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમગ્ર દેશમાં દારૂબંધીનો અમલ કરવાની જોગવાઈ પણ છે !

 

ગોવા પક્ષપલટાનું સ્વર્ગ

 

ગોવા બટુક રાજ્ય છે અને એની ધારાસભામાં કુલ ૪૦ ધારાસભ્યો બેસે છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા એમ લોકસભાની માત્ર બે બેઠકો ધરાવે છે. દેશમાં આયારામ-ગયારામની રાજનીતિની શરૂઆતનું શ્રેય ભલે હરિયાણાના ભજનલાલને અપાતું હોય,ગોવાના પ્રતાપસિંહ રાણે પણ કંઇ પાછળ નથી.દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં ફરીને વડાપ્રધાનપદે આરૂઢ થતાંની સાથે હરિયાણાના જનતા પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભજનલાલ,માત્ર જનસંઘના ડૉ.મંગલસેન સિવાય, આખી જનતા સરકાર અને ધારાસભ્યો સાથે  સાગમટે કોંગ્રેસમાં ભળી ગયા હતા.ગોવામાં પણ એવું વેળાના અર્સ કોંગ્રેસના મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેએ કર્યું હતું.રાણે સૌથી વધુ વખત મુખ્યમંત્રી રહ્યા છે.વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળ્યા છતાં કોંગ્રેસી ધારાસભ્ય એવા રાણે-પુત્ર વિશ્વજીતે ભાજપને મદદ કરીને ગોવામાં કોંગ્રેસની સરકાર બનતી અટકાવી ભાજપીનેતા તરીકે  મંત્રીપદ મેળવ્યું હતું. પહેલાં ગોવામાં ભાજપની સરકાર ફરી લાવવાના વ્યૂહના ભાગ તરીકે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યરત પર્રીકરને પણજી પાઠવવાનો મોવડીમંડળે નિર્ણય કર્યો હતો.૪૦ બેઠકોમાંથી ભાજપને માત્ર ૧૩ મળી હતી.૧૭ બેઠકો મેળવનાર કોંગ્રેસના ધારાસભ્યો નેતાપદની ખેંચતાણમાં રહ્યા અને ભાજપ થકી રાણે તેમજ અન્યોને સાધીને રાજ્યપાલ મૃદુલા સિંહાને સહારે સરકાર બનાવી લેવાઈ હતી.અત્યારે ભાજપ,મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ, ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષોની ભાજપના નેતૃત્વવાળી પ્રમોદ સાવંતની સંયુક્ત સરકાર છે.જોકે સરકાર ગમે ત્યારે ગબડી શકે છે,પણ દિલ્હીમાં જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં લગી એનો સધિયારો રહેવાનો.

 

બોલકાખ્રિસ્તીહિંદુમંત્રી

 

અગાઉ ભાજપની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા મ્હાપ્સાના જનપ્રતિનિધિ એવા ફ્રાન્સિસ ડિસોઝા નગર વિકાસ પ્રધાન પણ રહ્યા.બોલવામાં છૂટ્ટા મોઢાના મનાતા ફ્રાન્સિસ અગાઉ અમારી સાથેની વાતચીતમાં પોતાનેખ્રિસ્તી હિંદુગણાવવામાં ગર્વ અનુભવતા હતા. ગોવામાં ભાજપ પોતાનો હિંદુ એજન્ડા લાગુ કરે કે બીફ પર પ્રતિબંધ આણે કે પછી લોકોની શરાબસેવનની આદતને બદલવાની કોશિશ કરે તો ગોવાની પ્રજા નહીં સ્વીકારે,એવું મોકળાશથી કહે છે.દેશના મોટાભાગના ખ્રિસ્તી મૂળ હિંદુમાંથી ખ્રિસ્તી બન્યા હોવાથી પોતાને ખ્રિસ્તીહિંદુગણાવવામાં ગૌરવ અનુભવવા બાબતે તેઓ દેશભરમાં ચર્ચામાં રહ્યા છે.ગોવા ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોમાં અડધો અડધ એટલેકે ધારાસભ્યો કેથલિક ખ્રિસ્તી છે.ફ્રાન્સિસ પાંચ-પાંચ વાર ધારાસભ્ય ચૂંટાયેલા છે.પણજી સરકારની ચોટલી એમને હાથ છે.જોકે સત્તા માટે સૌ જયારે મેદાને પડ્યા હોય અને દાણચોર નેતાઓ પણ રાજ્યમાં મુખ્યમંત્રી રહ્યા હોય ત્યારે સત્તા બક્ષે પરમેશ્વર, એવું માનનાર રાજનેતાઓ ગોવામાં સૌથી વધુ જોવા મળે છે. સમાન નાગરી ધારા જેવા આદર્શ ધારાનો અમલ અહીં ભલે થતો હોય, પણ રાષ્ટ્રીયસ્તરે એનો અમલ શક્ય બનશે કે માત્ર ચૂંટણીઓનાં સંકલ્પપત્રોમાં સીમિત રહી જશે કહેવું મુશ્કેલ છે.

 

-મેઈલ : haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૩ ઓગસ્ટ ૨૦૨૧)

No comments:

Post a Comment