આતંકવાદીઓને છોડનાર રાષ્ટ્રવાદી, ઇનકાર
કરનાર રાષ્ટ્રદ્રોહી !
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·
રૂબિયાના બનાવટી અપહરણ વેળા મુખ્યમંત્રી ડૉ.અબદુલ્લાએ ત્રાસવાદીઓને
છોડવાનો નન્નો ભણ્યો હતો
·
કંદહાર વિમાન અપહરણ વખતે વડાપ્રધાન વાજપેયી સરકારનો આતંકીઓને મુક્ત કરવા
ફારુકને આદેશ
·
વડાપ્રધાન સિંહે મંત્રીદ્વય ગુજરાલ-આરીફ મારફત રાજ્ય સરકારને બરખાસ્ત
કરવાની ધમકી આપી હતી
·
વાજપેયી સરકારે છોડેલા મૌલાના મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ સ્થાપીને સંસદ પર
હુમલો કરાવ્યો હતો
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily (Surat)
and Sardar Gurjari Daily (Anand).
ફરી એકવાર જમ્મૂ-કાશ્મીર ચર્ચામાં છે: એના
અનેકવાર મુખ્યમંત્રી રહેલા વર્તમાન સાંસદ ડૉ.ફારુક અબદુલ્લાને દેશદ્રોહી અને આતંકવાદી ગણાવવામાં આવતા રહ્યા છે. ફોન
સુવિધા વિના આ માનનીય સંસદસભ્યને કેન્દ્રની મોદી સરકાર થકી મહિનાઓ સુધી નજરકેદ
રાખવામાં આવ્યા હતા. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી નેતાઓને તેડાવ્યા
ત્યારે ડૉ.અબદુલ્લા અને વાજપેયી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી રહેલા ઓમર અબદુલ્લાને પણ
નિમંત્ર્યા હતા. વર્ષ ૧૯૯૯માં કેન્દ્રમાં ભાજપના સર્વોચ્ચ નેતા અટલ બિહારી
વાજપેયીની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની સરકાર હતી ત્યારે “શેર હમારા મારા હૈ અબદુલ્લાને
મારા હૈ”નું આજીવન ગાન કરનારા જનસંઘ-ભાજપના નેતાઓ એમના આસ્થાપુરુષ ડૉ.
શ્યામાપ્રસાદ મુકરજીની હત્યાનો દોષ જે અબદુલ્લા પરિવારના મોભીના શિરે મઢે છે એ જ
પરિવાર સાથે સત્તાનું સહશયન કરતા હતા !
સત્તાની મોહિની એવી છે કે ગમે તેની સાથે ભાગીદારી કરવા પ્રેરે છે. અબદુલ્લા
પરિવાર સાથે તો વાજપેયી યુગીન સત્તાની સહભાગિતા હતી, પણ મુફ્તી મોહમ્મદ સઈદ અને
એમનાં શાહજાદી મહેબૂબા મુફ્તી સાથે તો મોદી યુગમાં પણ સત્તાની સહભાગિતા હતી. મરહૂમ
મુફ્તી અને એમનાં શાહજાદીને પણ આજે ત્રાસવાદીઓ સાથે મધુર સંબંધો હોવાનું ઊછળી
ઊછળીને કહેવામાં આવે છે. મહેબૂબા પણ મહિનાઓ સુધી મોદી શાસનમાં જ જેલવાસી કે નજરકેદ
રહ્યાં. રાજકીય વિરોધાભાસો આટલે સીમિત રહેતા નથી: પોતાને રાષ્ટ્રવાદી ગણાવનારાઓ
જયારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પછી ચીન સાથે વાતનો આગ્રહ રાખનારા ડૉ.અબદુલ્લા જેવાને દેશદ્રોહી અને આતંકવાદી
સહિતનાં વિશેષણોથી નવાજે છે. આ તથાકથિત રાષ્ટ્રવાદીઓએ ખૂનખાર આતંકવાદીઓને છોડી
મૂકવાના આદેશ કર્યા હોવા છતાં આ જ ફારુક અબદુલ્લાએ બબ્બેવાર એવા આદેશોને માનવાનો
સાફ ઇનકાર કર્યો હતો એ વાત ભૂલાવી દેવાય છે. આતંકવાદીઓને છોડવાનો ડૉ.અબદુલ્લાએ
ઇનકાર કર્યો ત્યારે તેમની રાજ્ય સરકારને
બરખાસ્ત કરી દેવા સુધીની ધમકી આપવામાં આવી હતી. પહેલીવાર ભાજપના ટેકે રચાયેલી
વિશ્વનાથ પ્રતાપસિંહની કેન્દ્ર સરકાર અને બીજીવાર ભાજપના અટલ બિહારી વાજપેયીની
સરકારે ત્રાસવાદીઓને છોડવાના આદેશ આપ્યા હતા. ડૉ.અબદુલ્લાએ એનાં દુષ્પરિણામોની
લાલબત્તી આગળ ધરીને આતંકીઓને છોડવાનો ઇનકાર કર્યો હતો. જોકે બંને વખત કેન્દ્રના
દબાણને કારણે જ મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લાએ ત્રાસવાદીઓને છોડવાની ફરજ પડી હતી.
એ પછી ફારુકે જે જોખમની એંધાણી આપી હતી એ જોખમ રાષ્ટ્રને માથે તોળાયાનો અનુભવ થયા
વિના રહ્યો નહોતો.
રૂબિયા મુફ્તીનું અપહરણ
ભારત માટે કોઈ મહિલાનું અપહરણ કરીને ત્રાસવાદીઓને
છોડાવવાનો પહેલો અનુભવ કેન્દ્રમાં ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની મેડિકલમાં ભણતી
૨૪ વર્ષીય શાહજાદી રૂબિયા સઈદનું ૮ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ થયેલું બનાવટી અપહરણ ગણાવી શકાય. ડૉ. અબદુલ્લા માંડ
લંડન પહોંચ્યા હતા ત્યાં જ તેમના સચિવ અશોક જેટલીએ એમને આ અપહરણની જાણ કરી અને તરત
જ પરત આવવાની સલાહ આપી હતી. પાંચ ખૂનખાર આતંકીઓને છોડવાની જેકેએલએફની માગણીને વશ
થવાનો મુખ્યમંત્રીએ સાફ ઇનકાર કરી દીધો. એ દિલ્હી પરત ફર્યા અને વડાપ્રધાન વી.પી.સિંહ
અને ગૃહમંત્રી મુફ્તીને મળ્યા પછી શ્રીનગર
જવા રવાના થયા. એ વેળા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી મૂસા રઝા એમના રાજ્યના મુખ્ય સચિવ હતા.
પરિસ્થિતિનું આકલન કરીને કાશ્મીરી પરંપરામાં મહિલાનું અપહરણ યોગ્ય લેખાતું હોવાની
વાત સાથે જ આતંકીઓને જેલમુક્ત કર્યા વિના જ રૂબિયાને છોડાવવામાં પોતાને સફળતા મળશે એવી
ખાતરી થઇ હતી. જોકે વડાપ્રધાન અને ગૃહમંત્રી દબાણ છતાં તેમણે એને વશ થવાનું
નકાર્યું ત્યારે વડાપ્રધાને પોતાના બે મંત્રી આઈ.કે. ગુજરાલ (જે પાછળથી વડાપ્રધાન
બન્યા હતા) અને આરીફ મોહમ્મદ ખાન (જે અત્યારે કેરળના રાજ્યપાલ છે)ને શ્રીનગર
પાઠવ્યા. વડાપ્રધાન સતત ફોન કરતા રહ્યા. અલાહાબાદ હાઇકોર્ટના જજ એમ.એલ.ભટને
મુફ્તીએ અપહરણકર્તાઓ સાથે વાટાઘાટો માટે શ્રીનગર તેડાવ્યા. આ જજની માથારાવટી મેલી
હતી. રાજ્ય સરકારની પોલીસ ત્રાસવાદીઓને પકડે અને એ જમ્મૂ-કશ્મીર હાઇકોર્ટના જજ હતા
ત્યારે છોડી મૂકતા હતા. ફારૂકે અગાઉના વડાપ્રધાન રાજીવને કહીને આ જજને રાજ્ય બહાર
કાઢવાની ગોઠવણ કરી હતી, પરંતુ મુફ્તીને એ વહાલા હતા. રાજ્યમાં આ
જજ માટે “ભ્રષ્ટાચારી” વિશેષણ વપરાતું રહ્યું હતું. આરીફ મોહમ્મદ ખાને મુફ્તીને દીકરી
રૂબિયાના અપહરણ વખતે રાજીનામું આપવાની
સલાહ આપી હતી છતાં એ માન્યા નહોતા. સ્થિતિ એ ઊભી થઇ કે મુખ્યમંત્રી સંબંધિત
ત્રાસવાદીઓને છોડવાના મતના નહોતા ત્યારે વડાપ્રધાનનો સંદેશ ગુજરાલે ડૉ.અબદુલ્લાને
કહ્યો કે તમે વડાપ્રધાનનો આદેશ નહીં માનો તો તમારી સરકારને બરખાસ્ત કરવી પડશે.
સ્વયં આરીફભાઈએ આ લખનાર સમક્ષ આ ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે એ વેળા હું ડૉ.અબદુલ્લાના મત
સાથે સંમત હતો અને હું પણ કેન્દ્ર સરકારમાંથી બીજીવાર રાજીનામું આપવા તૈયાર હતો.
અગાઉ તેમણે રાજીવ સરકારમાંથી શાહબાનો મુદ્દે સુપ્રીમના ચુકાદાનો આદર કરવાનો આગ્રહ રાખીને રાજીનામું આપ્યું હતું. જોકે ગુજરાલ સહિતનાએ આરીફ્ભાઈને
રાજીનામું નહીં આપવા સમજાવ્યા હતા. વડાપ્રધાન સિંહના દુરાગ્રહને પગલે આખરે
મુખ્યમંત્રી ડૉ.અબદુલ્લાએ ૧૪ પાનાંની નોંધમાં “વડાપ્રધાનના આદેશને કારણે પોતે
ત્રાસવાદીઓને છોડવા તૈયાર થયા” તેવું નોંધ્યું હતું.કથિત અપહરણકર્તાઓની માંગણી
મુજબ, પાંચ આતંકીઓને છોડાયા. તેમાં જેકેએલએફનો એરિયા કમાન્ડર અબ્દુલ હમીદ શેખ, મકબૂલ બટનો નાનો ભાઈ ગુલામ નબી બટ, નૂર મોહમ્મદ કલવાલ, મોહમ્મદ અલ્તાફ
અને અબ્દુલ અહાદ વાઝાનો સમાવેશ હતો. વાસ્તવમાં રૂબિયા શ્રીનગરમાં જ હતી અને સંબંધિત
ત્રાસવાદીઓને છોડાયા એટલે એ સુખરૂપ પરત ફરી હતી.
કંદહાર વિમાન અપહરણ
વર્ષ ૧૯૯૯માં ખૂનખાર આતંકીઓને જેલમુક્ત
કરાવવા માટે નેપાળની રાજધાની ખાટમોંડોથી
૧૮૪ ઉતારુ સાથે ઉડેલા ઇન્ડિયન એરલાઈન્સના
વિમાનનું અપહરણ કરીને એને તાલિબાન જેવા આતંકી સંગઠનના અખત્યાર હેઠળના અફઘાનિસ્તાનના
કંદહાર ખાતે લઇ જવામાં આવ્યું હતું. મૌલાના મસૂદ અઝહર સહિતના ત્રણ ખૂનખાર આતંકવાદીઓને
છોડવાની અપહરણકર્તાઓની માગણીને વાજપેયી સરકાર વશ થઇ હતી. એ વેળા મુખ્યમંત્રી
ડૉ.અબદુલ્લા એનડીએમાં હતા. એમના પુત્ર ઓમર અબદુલ્લા વાજપેયી સરકારમાં વિદેશ
રાજ્યમંત્રી હતા. કેબિનેટે ઠરાવ કરીને મૌલાના મસૂદ અઝહર સહિતનાના આતંકીઓને છોડવા
માટે મુખ્યમંત્રીને ફરમાવ્યું ત્યારે પણ ડૉ.અબદુલ્લાએ ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણી
સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આડવાણીએ કેબિનેટનો ઠરાવ હોવાનું કહીને પોતે
અસમર્થ હોવાનું જણાવ્યું હતું. નાછૂટકે ડૉ.અબદુલ્લાએ મૌલાના અઝહર સહિતનાને છોડવા
પડ્યા હતા. કેન્દ્રના મંત્રી જસવંતસિંહ આ ત્રાસવાદીઓને લઈને કંદહાર ગયા હતા. તાલિબાન
સાથેની મંત્રણાને પગલે ઉતારુઓને મુક્ત કરાયા હતા. ડૉ.અબદુલ્લાએ કરેલા વિરોધ છતાં વાજપેયી
સરકારે જે મૌલાના મસૂદ અઝહરને છોડવાનો આદેશ આપ્યો હતો એણે પાકિસ્તાન પહોંચીને
જૈશ-એ-મોહમ્મદ નામના ત્રાસવાદી સંગઠનની રચના કરી હતી. એ જ સંગઠને વાજપેયી સરકાર વખતે જ ભારતીય સંસદ તથા જમ્મૂ-કાશ્મીર ધારાસભા ઉપરાંત
રૂગનાથ મંદિર પર આતંકી હુમલા કર્યા હતા. ત્રાસવાદીઓને છોડાવવાના રાજકારણમાં કોણ
ક્યારે શું કરી રહ્યું હતું એનો ઈતિહાસ સાક્ષી છે.આતંકી જૂથોને રાજકીય આગેવાનોના
ટેકે જ વધુ હુમલા કે અપહરણો કરવાની હિંમત મળે છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૫ જુલાઈ ૨૦૨૧)
No comments:
Post a Comment