ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની તિબેટ મુલાકાત અને “વરુ લડાકૂ
રાજદ્વારીનીતિ”
અતીતથી
આજ: ડૉ.હરિ દેસાઈ
·
અરુણાચલના તવાંગ સહિતના પ્રદેશને ચીન દક્ષિણ
તિબેટ ગણાવી પોતીકો લેખાવે છે
·
૩૮,૦૦૦ ચોરસ કિલો મીટર જમીન ગપચવ્યા પછી હજુ
૯૦,૦૦૦ ચો.કિ.મી. પર દાવો
·
માતા કમલા નેહરુના કારણે ઇન્દિરા ગાંધીએ રામકૃષ્ણ
મિશનને જમીનો ફાળવી હતી
Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).
વિશ્વમંચ પર ભારત માટે ચિંતા ઉપજાવે તેવી અનેક ઘટનાઓ આકાર લઇ રહી છે : ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ હમણાં એમના તિબેટની મુલાકાતે આવીને યુદ્ધ માટેની સજ્જતાની હાકલ કરી ગયા. તિબેટને બુલેટ ટ્રેનથી ચીનના મુખ્ય પ્રાંત સાથે જોડવામાં આવ્યું છે.ઉપરાંત રાષ્ટ્રપતિ શીએ યારલંગ ઝાંગ્બો (ભારતીય નામ:બ્રહ્મપુત્રા)નદી પર બંધાતા મહાડેમની કામગીરીની પણ સમીક્ષા કરી. આ ડેમ પાણી રોકીને ભારત અને બાંગલાદેશને તરસ્યાં રાખવાના સંજોગો નિર્માણ કરી શકે છે. ચીની રાષ્ટ્રપતિની આ મુલાકાત ભલે પૂર્વનિર્ધારિત હોય, પણ ભારત માટે સંકેત આપનારી છે. છેક ૧૯૫૯થી એ વેળાના વડાપ્રધાન પંડિત નેહરુની કૃપાથી ભારતમાં રાજ્યાશ્રય મેળવીને રહેતા તિબેટના આધ્યાત્મિક નેતા અને ચીન જેમને “ભાગલાવાદી નેતા” ગણાવે છે તે દલાઈ લામાના ૮૬મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી એ પછી રાષ્ટ્રપતિ જિનપિંગનાં આ નિવેદન છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સપત્નિક હિંડોળે ઝૂલીને ગયા પછી ડોકલામ કરનાર અને મહાબલિપુરમમાં લટાર માર્યા પછી લદ્દાખમાં ઘૂસણખોરી કરનાર ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીના વડા રાષ્ટ્રપતિ શીની આ રાજદ્વારી નીતિ (ડિપ્લોમસી) દુનિયામાં “વરુ લડાકૂ રાજદ્વારીનીતિ (વુલ્ફ વોરિયર ડિપ્લોમસી)” તરીકે ઓળખાય છે. ભારતીય પ્રદેશ અરુણાચલ પ્રદેશના તવાંગ સહિતના પ્રદેશને ચીન દક્ષિણ તિબેટ ગણાવીને પોતાનો હિસ્સો લેખાવે છે. ચીનની આંખમાં કાયમ સાપોલિયાં રમતાં હોવાની પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ ૭ નવેમ્બર ૧૯૫૦ના નેહરુને લખેલા પત્રમાં ચેતવણી આપી હોવા છતાં પંડિત નેહરુ જ નહીં, વર્તમાન વડાપ્રધાન મોદીએ પણ ચીની નેતાગીરી પર ઓળઘોળ થઈને કટુ અનુભવ વહોરવા પડ્યા છે. પાકિસ્તાન તો ચીનનું આંગળિયાત છે. નેપાળ પણ એ જ રસ્તે છે. ભૂટાન ગભરુ અવસ્થામાં ભારત અને ચીન સાથે સમતુલા જાળવવા માંગે છે. શ્રીલંકામાં તો ચીનનો બંદર-અડ્ડો સ્થપાઈ ચૂક્યો છે. માલદીવ અને બાંગલાદેશમાં ચીની મૂડીરોકાણ એટલું બધું છે કે એ દેશો ભારત સાથે સારા સંબંધ રાખે તો પણ ચીનના કહ્યાગરા બની રહેવાની અવસ્થામાં છે. મ્યાનમાર (મ્યાંમા)માં લશ્કરી બળવો ચીનના ઈશારે થયાનું સ્પષ્ટ છે. હવે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટોનાં દળો પાછાં ખેંચાવાના સંજોગોમાં કાબુલ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે ગાઢ સંબંધ ધરાવનાર તાલિબાનના કબજામાં આવવામાં હોય ત્યારે ચીન તાલિબાન સાથે પણ મધુર સંબંધ જાળવીને ઘરઆંગણે ઉઈગર મુસ્લિમ અસંતુષ્ટોની સમસ્યા વકરે નહીં એની પણ કાળજી રાખવા માંગે છે. અમેરિકાને પણ પડકારતું થયેલું ચીન હવે વિશ્વમંચ પર પોતાનો પ્રભાવ પાથરી રહ્યું છે ત્યારે ભારતના પાડોશી દેશ તરીકે અને ચારેક હજાર કિ.મી. જેટલી એની સાથેની સરહદ હજુ નક્કી થઇ નથી એટલે નીત નવી ચિંતા નિર્માણ કરી શકે છે.
અરુણાચલ
પ્રદેશ પર દાવો
ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લા સહિતના ૯૦,૦૦૦ ચોરસ કિલો મીટર જેટલા ભારતીય પ્રદેશને ચીન પોતાનો ગણાવે છે. અરુણાચલ પ્રદેશના સરહદી વિવાદને જોતાં ચીન એને ભારતીય પ્રદેશ તરીકેની માન્યતા આપતું નથી. એટલું જ નહીં, આ રાજ્યની મુલાકાતે ભારતીય વડાપ્રધાન કે દલાઈ લામા જાય ત્યારે ચીન એનો વિરોધ નોંધાવ્યા વિના રહેતું નથી. અરુણાચલના આઈએએસ અધિકારીઓ કે નાગરિકોને ચીન જવા માટેના વીસા અપાતા નથી. હકીકતમાં ચીને ૧૯૫૦માં ગપચાવેલા તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા એટલે કે શાસક દલાઈ લામા ૧૯૫૯માં તવાંગ માર્ગે પોતાના હજારો અનુયાયીઓ સાથે ભારત ભાગી આવ્યા હતા. એમને ભારતમાં રાજ્યાશ્રય અપાતાં ભડકેલા ચીને પંચશીલ કરારની આઠ વર્ષની મુદત પૂરી થતાંની સાથે જ ૧૯૬૨માં ભારત પર આક્રમણ કર્યું હતું. એ પછી ઘણો લાંબો સમય સુધી ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો તણાવભર્યા રહ્યા. ફેબ્રુઆરી ૧૯૭૯માં વિદેશમંત્રી અટલ બિહારી વાજપેયી ચીન ગયા હતા. જોકે એમની એ મુલાકાત ચીનના વિયેતનામ છમકલાને કારણે અડધેથી સમેટી લેવી પડી હતી. વર્ષ ૧૯૫૪માં વડાપ્રધાન પંડિત નેહરુ ચીન ગયા હતા.૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું એના આઘાતમાં નેહરુ ૧૯૬૪માં મૃત્યુ પામ્યા હતા. એ પછી ડિસેમ્બર ૧૯૮૮માં ૩૪ વર્ષના અંતરાલ બાદ ભારતીય વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી ચીન ગયા. એ પછી સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળી.સપ્ટેમ્બર ૧૯૯૩માં વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ચીનની મુલાકાતે ગયા હતા. વર્ષ ૨૦૦૩માં વડાપ્રધાન વાજપેયી ચીન ગયા અને તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ ગણાવીને સિક્કિમ માર્ગે વેપાર શરૂ કરાવવામાં સફળ રહ્યા. વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ જાન્યુઆરી ૨૦૦૮, ઓક્ટોબર ૨૦૦૮ અને ઓક્ટોબર ૨૦૧૩માં ચીનની મુલાકાતે ગયા હતા. મોદીએ વડાપ્રધાન તરીકે પાંચ વાર અને મુખ્યમંત્રી તરીકે ચાર વાર ચીનની મુલાકાત લીધી છે.
અકસાઇ
ચીન સહિતનો પ્રદેશ
મોદી સરકારે માર્ચ ૨૦૨૦માં સંસદમાં આપેલી માહિતી મુજબ, ચીને ભારતનો ૩૮,૦૦૦ ચોરસ કિલો મીટર જેટલો પ્રદેશ ગપચાવ્યો છે. આ અકસાઇ ચીનનો પ્રદેશ છે. ૧૯૬૨ના યુદ્ધ પછી ૧૯૬૩માં પાકિસ્તાને ગપચાવેલા પીઓકેના ભારતીય પ્રદેશમાંથી અમુક હિસ્સો તેણે ચીનને હવાલે કરેલો છે. લદ્દાખ સહિતનો ભારતીય પ્રદેશ દબાવીને બેઠેલું ચીન લટુડાંપટુડાં કરે ત્યારે એનો કેટલો ભરોસો કરાવો એ પણ મહત્વનું છે. ગત વર્ષે ભારતની લદ્દાખ સરહદે અથડામણો સર્જનાર ચીન ૬૦ કિ.મીટર જેટલું ભારતમાં ઘૂસી આવ્યાનું લશ્કરી બાબતોના નિષ્ણાતોએ જણાવ્યા છતાં સરકાર તરફથી વિરોધાભાસી અહેવાલ મળતા રહ્યા છે. ચીન સાથેની એક માત્ર સિક્કિમ સરહદ નિર્ધારિત થયેલી છે, બાકીની સરહદનો વિવાદ હજુ વણઉકલ્યો છે. ચીને છેક તિબેટ અને નેપાળ સુધી પોતાની રેલવે બાંધ્યા પછી રાષ્ટ્રપતિ જિનપિંગ યુદ્ધ માટેની સજ્જતા અંગે પૃચ્છા કરે ત્યારે સ્વાભાવિક રીતે એ ભારતને જ ડરાવવાની કોશિશમાં છે. જોકે ૧૯૬૨ પછી નાલેશીભરી હાર પછી ૧૯૬૭માં ભારતે નથુ લા અને ચો લા સરહદે અથડામણોમાં ચીનના દાંત ખાટા કર્યા હતા. ૧૯૮૭માં અરુણાચલ સરહદે પણ એને ભારતના બળનો પરિચય મળી ગયો હતો.
વડાપ્રધાનો
અરુણાચલની મુલાકાતે
અગાઉ નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી (નેફા) તરીકે ઓળખાતા અત્યારના અરુણાચલ પ્રદેશ રાજ્યના પ્રદેશ પર ચીન દાવો કરતું હોવા ઉપરાંત ભારતીય વડાપ્રધાનોની આ રાજ્યની મુલાકાતોનો વિરોધ કરતું રહ્યું છે. આમ છતાં, પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુથી લઈને વર્તમાન વડાપ્રધાન મોદી સુધીનાએ એની મુલાકાત લેવાનું રાખ્યું છે. ૧૯૫૫માં વડાપ્રધાન નેહરુએ નેફાની મુલાકાત લીધી હતી. એ પછી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ તો ૧૯૭૨ અને ૧૯૮૪માં અરુણાચલની મુલાકાત લીધી હતી. ૧૯૭૭માં વડાપ્રધાન મોરારજી દેસાઈ અરુણાચલ પ્રદેશ સહિતના ઇશાન ભારતના વિસ્તારોની મુલાકાતે ગયા હતા. વર્તમાન વડાપ્રધાન તો ત્રણ વર્ષમાં બબ્બેવાર અરુણાચલ જઈ આવ્યા. વડાપ્રધાનો રાજીવ ગાંધી, દેવેગોવાડા ઉપરાંત મનમોહનસિંહ પણ ચીનના વિરોધની પરવા કર્યા વિના અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. ઇન્દિરા ગાંધીનાં માતુશ્રી કમલા નેહરુ રામકૃષ્ણ મિશનનાં શ્રદ્ધાળુ હોવાથી વડાંપ્રધાન શ્રીમતી ગાંધી વારંવાર બેલુર મઠની મુલાકાતે જતાં હતાં. એમણે અરુણાચલના સરહદી પ્રદેશમાં જોઈએ તેટલી સરકારી જમીન રામકૃષ્ણ મિશનની શાળાઓ અને છાત્રાલયો બાંધવા માટે આપી હોવાનું મિશનના સ્વામીએ જણાવ્યું હતું. અહીં ખ્રિસ્તી મિશનરીની વટાળ પ્રવૃત્તિને અટકાવવાનો ઈન્દિરાજીનો હેતુ હોવાનું તેમનું કહેવું હતું. ચીનની સરહદે આવેલા આ પ્રદેશની વધુ કાળજી લેવાય એ એટલું જ જરૂરી છે. અરુણાચલ પ્રદેશની સરહદ સુધી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જાય અને એમના સરહદી વિસ્તારમાં નવાં ગામો બંધાતાં હોય કે તિબેટને બુલેટ ટ્રેનથી જોડવામાં આવી હોય ત્યારે ભારતે જાહેર નિવેદનો કર્યા વિના જાગતા રહેવાની જરૂર ખરી. ચીન માટે એટલું જ કહી શકાય કે એના ભરોસે રહેવાય નહીં. ચીનની છબી લુચ્ચા શિયાળ જેવી છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૬ જુલાઈ ૨૦૨૧)
No comments:
Post a Comment