Sunday, 25 July 2021

Hindu Pani and Muslim Pani at Raliway Stations

 

એક સમય હતો જ્યારે ભારતનાં રેલવે સ્ટેશને

 હિંદુ પાણી, મુસ્લિમ પાણી અલગ રખાતાં

ઇતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. ૨૫ જુલાઈ ૨૦૨૧ વેબ લિંક:

https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/sometimes-hindu-water-and-muslim-water-were-kept-separate-from-the-railway-station-128734716.html

·         અંગ્રેજ શાસનની કુટિલ નીતિ દેશવાસીઓને લડાવી પોતાના સ્વાર્થ સાધવાની રહી

·         સુભાષ-જવાહરના મિત્ર મૌલાના હબીબ-ઉર-રહેમાન લુધિયાનવીએ લડત ચલાવી

·         1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિમાંની હિંદુ-મુસ્લિમ એકતા તોડવા પાકિસ્તાન પેદા કરાયું

આજકાલ ક્યારેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હિંદુ-મુસ્લિમ એકતા માટેના પ્રયાસોની ઠેકડી ઉડાવાય છે તો ક્યારેક ગંગા-જમુની તહેજીબનાં ઓવારણાં લેવામાં આવે છે. હકીકતમાં ભારતીય સંસ્કૃતિ સર્વસમાવેશક છે. આક્રમણખોરો કે વિદેશી શાસકો સામેની લડતમાં કાયમ હિંદુ, મુસ્લિમ અને શીખ, ઈસાઈ સહિતના તમામ ધર્મોની પ્રજા સામેલ રહી છે. જો કે, એમાં 'ભાગલા પાડો અને રાજ કરો'ની કુટિલ નીતિ કાયમ પોતાના મકસદમાં સફળ રહી છે. ભારત ગુલામ થતું રહ્યું છે. ભારતીય બંધારણસભામાં બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે કહેલા શબ્દોનું સ્મરણ થયાં વિના રહેતું નથી. અંગ્રેજો ગયા પછી ફરીને ગુલામી ના આવે એ માટે ચેતવણીના સૂર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે આપણે આંતરકલહમાં રમમાણ રહેવાને કારણે જ ગુલામ થતા રહ્યા છીએ એટલે હવે સંગઠિત રહીને નાતજાતના ભેદ ભૂલીને રાષ્ટ્રના વિકાસમાં અને સૌ પ્રજાજનોના કલ્યાણમાં કામે વળગીએ.

ગંગા-જમુની તહેજીબ
ઈતિહાસમાંથી આપણે ઘણા બોધપાઠ લેવાની જરૂર હોવા છતાં હજુ એ દિશામાં આપણે સાવધ રહેતા નથી. નાતજાતના વાડામાં જ અટવાયા કરીએ છીએ. હિંદુ-મુસ્લિમ એકતાના મહાત્મા ગાંધીના પ્રયાસોને હાસ્યાસ્પદ ગણાવવા સુધી જઈએ છીએ ત્યારે ફરી પાછા મુઘલકાળ કે બ્રિટિશકાળમાં પાછા ફરતા હોઈએ એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. વિદેશી શાસકો પોતાના સ્વાર્થની પૂરતી માટે સ્થાનિક પ્રજાને અંદરોઅંદર લડાવી મારવામાં નિરંતર નવી ચાલો ચાલતા રહેતા હતા. આઝાદી મળ્યાથી આજ લગી પણ આવી સત્તાલક્ષી ચાલો ફરી આપણને કબ્રસ્તાન અને સ્મશાનના વિવાદોમાં ફસાવીને ગંગા-જમુની તહેજીબ (હિંદુ-મુસ્લિમ સમન્વય સંસ્કૃતિ)થી દૂર લઇ જાય એવું લાગે છે. ક્યારેક 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિમાં સામેલ વ્યક્તિત્વ હિંદુ કે મુસ્લિમના ભેદ ભૂલીને મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના નેતૃત્વમાં રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ પેશવા સહિતના રાજવીઓ અને સામાન્ય પ્રજા અંગ્રેજોને ભગાડવા માટે સંગઠિત હતી. એ પછી અંગ્રેજ શાસકોએ આ એકતામાં પૂળો મૂકીને હિંદુ પાણી-મુસ્લિમ પાણીના ભેદ ઊભા કર્યા. એમાંથી જ અંગ્રેજ શાસન વધુ નવ દાયકા લગી ભારતમાં ટક્યું. અંગ્રેજો જતાં પહેલાં દેશને ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કરીને ગયા.

રેલવેસ્ટેશને નોખાં પાણી
અંગ્રેજ શાસનની એ જ કુટિલ ચાલોમાં અટવાઈને રેલવે સ્ટેશનોએ હિંદુ અને મુસ્લિમ બેઉ કોમ માટે અલગ અલગ પાણીની વ્યવસ્થા નિર્માણ થઈ. હમણાં અસગર વજાહતના પુસ્તક 'હિંદુ પાની, મુસ્લિમ પાની'માં તેમણે એ જમાનાને યાદ કરીને સ્પષ્ટ લખ્યું કે કોઈ ધર્મ પ્રત્યેની નિષ્ઠા હોવી અને કોમવાદી હોવું એ બંને વચ્ચે અંતર છે. આપણે ત્યાં આજકાલ બધું સેળભેળ થઇ રહ્યું છે. દલિતોને સ્પર્શતાં અભડાઈ જવાય કે તેમને મંદિર કે રેસ્ટોરાંમાં પ્રવેશ ન આપી શકાય એવા યુગમાં જીવતા ભારતીય હિંદુઓ સમયાંતરે કહેવાતી નીચલીકે અભડાઈ જવાયએવી કહેવાતી જ્ઞાતિઓના લોકો સાથે પશુ કરતાં પણ ભૂંડો વ્યવહાર કરતા રહ્યા. સ્વાભાવિક રીતે મુસ્લિમ શાસકો કે ખ્રિસ્તી શાસકોના પ્રતાપે એમાંના ઘણા બધા મુસ્લિમ કે ખ્રિસ્તી થયા. રાજા-મહારાજા કે શિક્ષિત ઉચ્ચવર્ણીય બ્રાહ્મણો પણ મુસ્લિમ કે ખ્રિસ્તી થયા હતા એ રખે ભૂલીએ. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં એમના કેટલાક વિશ્વાસુ સરદારો કે દરબારી મુસ્લિમ હતા. દાહોદમાં જન્મેલા બાદશાહ ઔરંગઝેબ જેવા ધર્મઝનૂની મનાતા મુઘલ બાદશાહના શાસનકાળમાં પણ એના વિશાળ સામ્રાજ્યની માત્ર 8% વસ્તી જ મુસ્લિમ હતી. એના દરબારીઓ કે સરસેનાપતિ સહિતના અધિકારીઓમાં બાદશાહ અકબર જેવા સર્વધર્મનો આદર કરનારા એના પૂર્વજના શાસનકાળ કરતાં પણ વધુ હિંદુ હતા એ ઐતિહાસિક હકીકતને નકારવાનું શક્ય નથી. હિંદુ-મુસ્લિમ અને સવર્ણ-દલિત હિંદુના ભેદ નિહાળીને અંગ્રેજોએ ભાગલા પાડીને રાજ કરવાની કુટિલ નીતિ અપનાવીને એ ખાઈને વધુ પહોળી કર્યા કરી. એટલી હદ સુધી કે અંગ્રેજોએ પોતાનાં સ્વાર્થ ખાતર જે રેલવે શરૂ કરી હતી એનાં રેલવે સ્ટેશને છેક આઝાદી સુધી હિંદુ પાણી અને મુસ્લિમ પાણીનાં માટલાં કે કુંજા જુદા રાખવામાં આવતાં અને સ્ટેશને ગાડી આવે ત્યારે રીતસર પોકાર પડતા હોય કે 'હિંદુ પાણી લો' કે 'મુસ્લિમ પાણી લો'. એવું જ હિંદુ ચા અને મુસ્લિમ ચાના નોખા સ્ટોલનું હતું. દલિતોને હોટેલમાં ચા પીવા કે નાસ્તો કરવા કે જમવા જવા માટે પણ પ્રતિબંધ વહોરવો પડતો. બનાવટી નામે પ્રવેશ કર્યા પછી જો પકડાયા તો માર ખાવાનો વારો આવતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની શિષ્યવૃત્તિથી વિદેશ ભણીને આવેલા અને મહારાજાએ પોતાના મિલિટરી સેક્રેટરી નિયુક્ત કરેલા ડૉ. આંબેડકર સાથે પણ વડોદરામાં કેવો વ્યવહાર થયો હતો એ સુવિદિત છે.

મટકાં ફોડવાનું આંદોલન
આઝાદીના સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના અંતરંગ સાથી તથા છેલ્લે સુધી ભાગલાના વિરોધી રહેલા કોંગ્રેસી નેતા મૌલાના હબીબ-ઉર-રહેમાન લુધિયાનવીનું નામ રેલવે સ્ટેશનોએ અલાયદા હિંદુ અને મુસ્લિમ પાણી માટેની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે 1929માં મટકાં ફોડવાનું આંદોલન ચલાવવા માટે અમર લેખાશે. એમના આ આંદોલનમાં માત્ર મુસ્લિમો જ નહીં, હિંદુ અને શીખ પણ બહોળી સંખ્યામાં સામેલ થયા હતા. એ બધાને જેલ જવું પડ્યું હતું. જ્યારે શહીદ-એ-આઝમ ભગતસિંહના પરિવાર સાથે સંબંધ રાખવામાં મોટાભાગના આગેવાનો પણ ડરતા હતા ત્યારે આ મૌલાનાએ એકાદ મહિના માટે ભગતસિંહના પરિવારને આદરભેર પોતાને ઘેર આશ્રય આપ્યો હતો. અંગ્રેજ અધિકારીઓની હાજરીમાં ભારતીય સ્વાતંત્ર્ય ધ્વજ ફરકાવવા ઉપરાંત નેહરુ, સુભાષ કે સરદારને પોતાને ત્યાં તેડાવવા અને બેઠકો યોજવા બદલ એ અલગ અલગ જેલોમાં 14 વર્ષ લગી કેદ રહ્યા. મૌલાના હબીબ-ઉર-રહેમાનને સ્વયં મોહમ્મદઅલી ઝીણાએ પાકિસ્તાન માટેની લડતમાં સામેલ થવા કહ્યું હતું પણ મૌલાનાએ તેમના એ આમંત્રણને ફગાવી દીધું હતું. એમનાં કેટલાંક સગાંવહાલાં પાકિસ્તાન ગયાં અને રાષ્ટ્રીય ધારાસભામાં કે સેનેટમાં ચૂંટાતાં રહ્યાં. આમ છતાં, વર્ષ 1956માં એમનો ઇન્તકાલ થયો ત્યાં લગી આ રાષ્ટ્રવાદી મુસ્લિમ અગ્રણી ભારત પ્રત્યે વફાદાર રહ્યા.

હિંદુ-મુસ્લિમ સૌહાર્દ
પત્રકાર શિરોમણિ અને સાંસદ રહેલા કુલદીપ નાયરે ઉત્તર પ્રદેશમાં કબ્રસ્તાન અને સ્મશાનની ચૂંટણીચર્ચા અંગે વર્ષ 2012માં 'આપણે ફરીને હિંદુ પાણી, મુસ્લિમ પાણી'ના યુગમાં પાછા જઈ રહ્યા હોવાની દહેશત વ્યક્ત કરી હતી. ઉર્દૂ માધ્યમમાં ભણીને અંગ્રેજી ભાષાનાં શિરમોર અખબારોના તંત્રી અને બ્રિટનમાં ભારતીય હાઈકમિશનર રહેલા સદગત નાયરે પોતાના કોલેજકાળ દરમિયાન લાહોરમાં હિંદુ પાણી અને મુસ્લિમ પાણીના ચલણ વચ્ચે હિંદુ-મુસ્લિમ મિત્રો સાથે એક જ ભાણે જમવાનું કે પાણી પીવાનું રાખ્યાનું મધુરું સ્મરણ નોંધ્યું છે. હિંદુ અને મુસ્લિમો વચ્ચે એખલાસની ભાવનામાં અંગ્રેજોએ ફાચર મારવાનું કામ કર્યાનું પણ એ કહે છે. પોતાના લૉ કોલેજના 1940ના દિવસોમાં ઝીણા આવ્યા ત્યારે અંગ્રેજોને ખદેડવાની હાકલ કરતા હતા પણ એ જ અંગ્રેજો સાથે રમત રમીને ઝીણાએ મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર પાકિસ્તાન મેળવ્યું હતું. ઘણાને આશ્ચર્ય થશે કે વર્ષ 1906માં નામદાર આગાખાન અને ઢાકાના નવાબ સહિતના મુસ્લિમ અગ્રણીઓએ વાઇસરોય લોર્ડ મિન્ટોના ટેકે મુસ્લિમ લીગની સ્થાપના કરી ત્યારે મુંબઈમાં કોંગ્રેસી બેરિસ્ટર ઝીણાએ એનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ લીગની સ્થાપનાથી ભારતના ભાગલાની ભૂમિકા રચાઈ હતી એવી ભવિષ્યવાણી પણ ઝીણાએ કરી હતી. એ જ ઝીણાએ માર્ચ 1940માં લાહોરમાં મુસ્લિમ લીગના સુપ્રીમો તરીકે અધ્યક્ષતા કરી તે અધિવેશનમાં બંગાળના મુસ્લિમ લીગી પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હક કને મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ મુકાવ્યો. આ ઠરાવ મંજૂર થયો હતો. એમાં પાકિસ્તાન શબ્દપ્રયોગ નહોતો છતાં એ પાકિસ્તાન ઠરાવ તરીકે જાણીતો છે. આ જ ફઝલુલ હકની બંગાળ સરકારમાં વર્ષ 1941-42 દરમિયાન મૂળ કોંગ્રેસીમાંથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ થયેલા ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી નાણા મંત્રી હતા. આટલું જ નહીં, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો હતી!
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

No comments:

Post a Comment