Wednesday, 23 June 2021

Rift in Paswan's Party

 

સત્તાકારણના હવામાનશાસ્ત્રી પાસવાનના રાજકીય વારસનો જંગ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         કોંગ્રેસ કે ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકારના “કાયમી” મંત્રી હતા રામવિલાસ

·         ચાચા નીતીશને હંફાવવા  ભાજપના રવાડે ચડેલા ચિરાગનો જ વારો કાઢી લેવાયો

·         રામવિલાસનાં બીજાં એરહોસ્ટેસ-પત્નીના બોલીવુડમાં નિષ્ફળ પુત્રની અગ્નિપરીક્ષા

·         છ સાંસદોમાંથી પાંચના ટેકાથી કાકા પારસ “તાનાશાહ” ભત્રીજા” સામે લડી લેશે

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand). 

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને, તેમના જ મિત્રપક્ષ ભારતીય જનતા પક્ષના રવાડે ચડીને, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં  નબળા પાડવા માટે મેદાને પડેલા લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાનના પગ તળેથી જાજમ ખેંચી લેવાનો માહોલ સર્જાયો છે. ઓક્ટોબર ૨૦૨૦માં કેન્દ્રના કાયમી કેબિનેટ મંત્રી ગણાતા રામવિલાસ પાસવાનનું લાંબી બીમારીને અંતે મૃત્યુ થયું ત્યારે પક્ષનું સુકાન એમનાં બીજાં પંજાબી એરહોસ્ટેસ-પત્ની રીના શર્માના બોલીવુડમાં નિષ્ફળ રહેલા ઇજનેર-પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં આવ્યું. ચિરાગને હતું કે ક્યારેક ગિનેસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ સરસાઈથી લોકસભા બેઠક જીતવાનો વિક્રમ નોંધાવનાર અને કેન્દ્રમાં સાત-સાત વડાપ્રધાનોની સરકારમાં મંત્રી રહેલા પિતાના મૃત્યુથી લોકસહાનુભૂતિ મળશે.થયું ઉલટું. ઉત્તરપ્રદેશના મુલાયમસિંહ યાદવ કે હરિયાણાના ચૌધરી દેવીલાલના પરિવારની જેમ જ રામવિલાસ પાસવાનના પરિવારના સભ્યો પણ સાંસદ અને ધારાસભ્યો બનતા રહ્યા. ખગડિયા ગામના દલિત પરિવારના રામવિલાસ એમ.એ., એલએલબી લગી ભણ્યા. સમાજવાદી રાજકારણમાં કાઠું કાઢ્યું. શાળાના શિક્ષક ભાઈ પશુપતિ કુમાર પારસ અને ઈંટોનો ભઠ્ઠો ચલાવતા બીજા ભાઈ રામચંદ્ર પાસવાનને સાંસદ અને ધારાસભ્ય બનાવ્યા.રામચંદ્રનું મૃત્યુ થતાં એમના ભણેલા ગણેલા પુત્ર પ્રિન્સ રાજને એમની બેઠક પરથી લોકસભામાં મોકલવામાં આવ્યો. ઉપરાંત એ લોક જનશક્તિ પાર્ટીનો બિહારનો અધ્યક્ષ પણ રહ્યો. રામવિલાસનાં પહેલાં પત્ની રાજકુમારી દેવી સાસરીના ઘરમાં જ રહ્યાં, પણ એમનાથી પાસવાનની બંને દીકરીઓ ઉષા અને આશાને પિતા રામવિલાસે પોતાના પક્ષમાં સ્થાન નથી આપ્યું, જોકે આ બંને પટણાનિવાસી કન્યાઓના પતિ પણ રાજનેતા છે. અલગ પક્ષમાં છે.  રામવિલાસ અને રીના શર્માને ચિરાગ ઉપરાંત એક દીકરી પણ છે, જે કોંગ્રેસી ધારાસભ્ય જ્યોતિના પુત્ર સાથે પરણેલી છે. આશા તો જાહેરમાં કહી ચૂકી છે કે મારા પિતા અમને બધાને સરખો પ્રેમ કરતા હતા, પણ મેડમ (રીના) બધાં સંપીને રહે એવું ઇચ્છતાં નથી. સમગ્ર પરિવાર રાજકીય હોવા છતાં રામવિલાસ જીવિત હતા ત્યાં લગી સંગઠિત હતો, હવે ચાચા પારસ અન્ય ચાર સાંસદો સાથે “તાનાશાહ” બનેલા ભત્રીજા ચિરાગની સાન ઠેકાણે લાવવા મુખ્યમંત્રી નીતીશ કુમારની રમત રમતા હોવાનો એમના પર આક્ષેપ છે. આવા સંજોગોમાં સ્વર્ગીય રામવિલાસનાં પ્રથમ પત્ની રાજકુમારી દેવીએ દિયર પારસને વિનંતી કરી છે કે પાસવાન પરિવારને તૂટતો બચાવી લેવાય એવા પ્રયાસો એ કરે. પાસવાન મૃત્યુ પામ્યા ત્યારે ૩૯ વર્ષ પછી એમનાં અલગ થયેલાં પત્ની રાજકુમારી દેવી અંતિમ દર્શન માટે આવ્યાં અને બેભાન થઇ ગયાં હતાં. એ પછી આ વખતે તેમણે પારસને ચિરાગને એની  નાની ભૂલ બદલ માફ કરવાની વિનંતી કરીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધાં છે. જોકે પાસવાન પરિવારનું મોતી ભાંગ્યું  છે એટલે હવે એને સાંધો કામ લાગશે કે કેમ એ તો આવતા દિવસોમાં જ સમજાશે.

અડધી સદીની રાજકીય સફર

વર્ષ ૧૯૬૯માં બિહાર વિધાનસભામાં સંયુક્ત સમાજવાદી પક્ષના ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર રામવિલાસ પાસવાન ઈમર્જન્સીમાં ૧૯૭૫થી ૭૭ સુધી જેલમાં રહ્યા. એ પછી એમની સાંસદ તરીકેની કારકિર્દી શરૂ થઇ.એમાં કયારેક એ પરાજિત પણ થયા, પણ ૧૯૭૭માં હાજીપુર બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા એ વિક્રમ કાયમ ચર્ચામાં રહ્યો અને ગિનેસબુકમાં પણ નોંધાયો. ૪૨૪,૦૦૦ મતની સરસાઈથી ૮૯.૩% મત સાથે એ જીત્યા હતા. એ પછી તો પક્ષો બદલાતા રહ્યા અને રાજકીય લાભ મેળવતા રહ્યા. વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારમાં એ કેન્દ્રમાં મંત્રી થયા ત્યારથી મૃત્યુ લગી મહદઅંશે એ મંત્રી તરીકે કોંગ્રેસ કે ભાજપની સરકારમાં રહ્યા. સમય જોઇને સોગઠી મારવામાં ઉસ્તાદ મનાતા હોવાથી “રાજકીય હવામાનશાસ્ત્રી” ગણાતા  પાસવાન વર્ષ ૨૦૦૦માં જનતાદળથી અલગ થઈને પોતાનો પક્ષ લોક જનશક્તિ પાર્ટી સ્થાપવાની સાથે જ દલિત સેના અને પછી શિડ્યુલ્ડ કાસ્ટ સેના થકી ડો.બાબાસાહેબ આંબેડકરને મારગ ચાલવા પ્રયત્નશીલ રહ્યા. ચૌધરી ચરણસિંહ, કર્પૂરી ઠાકુર, રાજનારાયણ, જયપ્રકાશ નારાયણ સહિતનાના વિશ્વાસુ રહેલા પાસવાન ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી હોય અને તરત જ કોંગ્રેસી નેતા ડો.મનમોહન સિંહની  સરકારમાં પણ મંત્રી હોય. વળી પાછા ભાજપના નેતા નરેન્દ્ર મોદીની સરકારમાં પણ મંત્રી હોય. વર્ષ ૨૦૧૩માં એમણે પોતાના પુત્ર ચિરાગને આગળ કરવા માંડ્યો ત્યારે ભાઈઓમાં થોડી ચણભણ શરૂ થઇ હતી, પણ પાસવાનનો પ્રભાવ જોતાં પારસનું ઝાઝું ચાલ્યું નહીં. ઓક્ટોબર ૨૦૨૦ પહેલાં રામવિલાસ બીમાર પડ્યા ત્યારે એમના રાજકીય અનુગામી તરીકે ચિરાગને આગળ કરાયા અને ૮ ઓક્ટોબરે રામવિલાસના મૃત્યુ પછી તો પક્ષની ધુરા ચિરાગે સંભાળી લીધી. નવેમ્બર ૨૦૨૦ની વિધાનસભાની  ચૂંટણીમાં નીતીશ વિરોધી મોરચો ખોલીને પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા કરતાં નીતિશના જનતા દળ (યુ)ના ઉમેદવારોને હરાવવા પર વધુ ધ્યાન આપ્યું. વડાપ્રધાન મોદીનાં  વખાણ અને મુખ્યમંત્રી નીતીશને હરાવવાના પ્રયાસોને પગલે નીતીશ નબળા પડ્યા,પણ ભાજપની કૃપાથી મુખ્યમંત્રી તો બન્યા. સામે પક્ષે  લોક જનશક્તિ પાર્ટીનો રોકડો એક જ ઉમેદવાર, નામે રાજ કુમાર સિંહ, બિહાર વિધાનસભે ચૂંટાયો. એ પણ મુખ્યમંત્રી નીતીશની હાજરીમાં જેડી(યુ)માં જોડાઈ ગયો.બિહાર વિધાનપરિષદમાં લોજપાના  એક માત્ર સભ્ય નૂતન સિંહે પણ ભાજપમાં જોડાઈ જવાનું પસંદ કર્યું એટલે રાજ્યમાં વિક્રમ સર્જતા રામવિલાસની પાર્ટીનો હવે  વિધાનસભા કે વિધાન પરિષદમાં એકપણ સભ્ય ધરાવતી નથી!  લોકસભામાં ૬ સભ્યોમાંથી પાંચ પોતાની પાસે હોવાનો પારસનો દાવો છે. ચિરાગને હજુ પ્રિન્સ રાજને પટાવવાની આશા ખરી, પણ હવે એ રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ બિચારાની અવસ્થામાં છે. કોંગ્રેસ કે રાષ્ટ્રીય જનતા દળનું નોતરું એ સ્વીકારી શકે કે વડાપ્રધાન કૃપા કરે, એની પ્રતીક્ષા રહેવાની.

આશીર્વાદયાત્રા અને ભારતરત્ન

યુવા બિહારી ચિરાગ પાસવાન (એમનું ટ્વીટર એકાઉન્ટ આ નામે જ છે) રવિવાર, ૨૦ જૂન ૨૦૨૧ના રોજ દિલ્હીમાં લોજપાના અધ્યક્ષ તરીકે બેઠક યોજીને પક્ષના ૯૦ % કાર્યકરો પોતાની સાથે હોવાનો દાવો કરે છે. પક્ષના ચાર લોકસભા સભ્યો અને બીજા કાર્યકરોની પટણામાં બેઠક યોજીને કાકા પારસ તો ચિરાગને તાનાશાહ ગણાવીને પોતે હવે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરે છે. બે લડતી બિલાડીઓની વાર્તામાં ન્યાય તોળવાની જવાબદારી જેને શિરે છે એવું જ કંઈક નાટક લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ પક્ષનાં બંને  ફાડિયાંની રજૂઆતને પગલે જણાય છે. જેની સામે બળાત્કારનો કેસ છે એ ચિરાગનો પિતરાઈ અને લોકસભાનો સભ્ય  પ્રિન્સ રાજ બંનેથી (પારસ અને ચિરાગથી) અંતર જાળવીને અકળ છે. બિહારના દલિત નેતા એવા પૂર્વ મુખ્યમંત્રી જીતન માંઝી પાસવાન પરિવારના આ કલહથી સલામત અંતર જાળવીને બિહાર સરકારમાં મંત્રી એવા પોતાના પુત્ર સંતોષ સુમન માંઝીના ભાવિને ઊની આંચ ના આવે એવી કોશિશ કરે છે.  પાસવાનનો ખાલીપો કોણ ભારે એ પ્રશ્ન ઊભો જ છે. ચિરાગે દિલ્હીથી મહત્વની ઘોષણા કરી છે કે હાજીપુર પોતાના પિતાની કર્મભૂમિ રહી હોવાથી ત્યાંથી પોતે આશીર્વાદ યાત્રા કાઢશે. પિતા રામવિલાસને ભારત રત્ન મળે એવી માંગણી પણ તેણે કરી છે.આગામી ૫ જુલાઈ એ રામવિલાસ પાસવાનનો જન્મદિવસ હોવાથી એ દિવસ નિર્ણાયક ઠરશે. અત્યારે હાજીપુરના સાંસદ પશુપતિ પારસ છે એટલે ચિરાગ એમને ત્યાં જ પડકાર ફેંકવા તૈયાર છે. રાજ્યભરમાં રામવિલાસ પાસવાનની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે એવી માંગણી પણ ચિરાગે કરી છે. કાકા-ભત્રીજા વચ્ચેના વિવાદને શમાવવા માટે પાસવાનનાં પ્રથમ પત્ની રાજકુમારી દેવીએ કોશિશ કરી જોઈ છે. રામવિલાસનાં બીજાં પત્ની અને ચિરાગની સગ્ગી જનેતા રીના શર્મા હજુ ઝાઝાં પ્રગટ્યાં નથી. રાજકીય વાતનું વતેસર થઇ ચૂક્યું હોવાને કારણે ભાંગેલા મોતીને હવે રેણ ચાલે એવી શક્યતા નહીંવત છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૨૦ જૂન ૨૦૨૧)

 

No comments:

Post a Comment