સર્વમિત્ર શરદ
પવાર આસમાનીસુલતાની સર્જવાની વેતરણમાં
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
આજીવન કોંગ્રેસી ૮૦ વર્ષીય મરાઠા નેતા ૨૦૨૪ના વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર
·
કોંગ્રેસ, શિવસેના તેમ જ
ડાબેરીઓને સાથે લઈને ભાજપી મોરચા સાથે સીધો મુકાબલો
·
સત્તારૂઢ ભાજપની બૌદ્ધિક બ્રિગેડ રાષ્ટ્રમંચની
બેઠકને “બેરોજગારોનો મેળો” ગણાવે છે
·
મમતા, સ્ટાલિન, કેસીઆર, જગમોહન અને
પટનાયકને મોરચામાં જોડાવાનો સંકલ્પ
Dr.Hari
Desai writes weekly column for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari
Daily of Anand.30062021
પોતાના રાજકીય ગુરુ યશવંતરાવ ચવ્હાણની
જેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો
શરદ પવાર હવે “હિમાલયની મદદે ધાનારા સહ્યાદ્રી”ના ૧૯૬૨ના એ અધ્યાયને ફરી સાકાર કરવાની વેતરણમાં
જણાય છે. ચીન સાથેના ૧૯૬૨ના યુદ્ધમાં કારમા પરાજયને પગલે તત્કાલીન સંરક્ષણ
મંત્રી કૃષ્ણ મેનને રાજીનામું આપવું પડ્યું ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
ચવ્હાણને તેડાવીને વડાપ્રધાન પંડિત નેહરુએ સંરક્ષણ મંત્રી બનાવ્યા હતા. પવાર ભલે કોંગ્રેસમાં ના હોય પણ પોતાને આજીવન
કોંગ્રેસી ગણાવે છે.વર્ષ ૧૯૭૮માં વસંતદાદા પાટીલની સરકારને
ગબડાવીને પવારે જનસંઘ, સમાજવાદીઓ સહિતના
પક્ષો સાથે સરકાર રચી હતી. એ સૌથી યુવાન
મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૧૯૯૯માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના
વિદેશી મૂળના મુદ્દે પક્ષમાંથી હાંકી કઢાયા પછી એ જ વર્ષે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ
સાથે મળીને સરકાર રચી હતી. પંદર વર્ષ સુધી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ રાજ્યમાં શાસન
કર્યું. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી કેન્દ્રમાં પણ
સાથે મળીને શાસન કર્યું હતું. સર્વપ્રથમ બંગાળી
વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા માટે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને ઉતાવળ
નથી. એ રાજ્યમાં રહેવાનું મન બનાવીને
રાષ્ટ્રીય સ્તરે કોઈપણ સમાધાન સાધીને ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક
મોરચા (એનડીએ)ની
સરકારને સ્થાને વિપક્ષી મહામોરચાની સરકાર ઝંખે છે. “કોંગ્રેસ
વિના મજબૂત વિપક્ષી મોરચો અશક્ય છે અને મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર એની પાંચ
વર્ષની મુદત પૂરી કરશે;તેમ જ પ્રત્યેક
પક્ષ પોતાના કાર્યકર્તાઓના મનોબળને ટકાવી રાખવા માટે પોતે સ્વતંત્ર રીતે ચૂંટણી
લડશે એવું કહે;” એવું નિવેદન કરે છે. રાષ્ટ્રીય રાજનીતિના ચાણક્ય ગણાતા આ સર્વમિત્ર
રાજનેતા વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે
જોવા માટે બધાને સાથે લઈને મજબૂત વિપક્ષી મહામોરચાના સૂત્રધાર તરીકે ઉપસી શકે છે. કોંગ્રેસના
ભૂતપૂર્વ અને ભાવિ અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ ૫૧ વર્ષના છે એટલે પવાર પછી એમના માટે તકની
શક્યતા છે.
મોદીની ઉમેદવારી સામે પ્રશ્ન
એનડીએમાં વડાપ્રધાનપદના સ્વાભાવિક ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હોય. તેમ છતાં એમના જ પક્ષના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીએ જ ધડાકો કર્યો છે: “વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાનપદના
ઉમેદવાર કોણ હશે? ૭૫ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા લાલકૃષ્ણ
આડવાણી, ડૉ.મુરલીમનોહર
જોશી સહિતના નેતાઓ માટે દાખલ કરાવનાર મોદી
પોતાને માટે એ વયમર્યાદા લાગુ પાડશે કે નહીં, એની જાહેરાત કરે.” મોદી અત્યારે ૭૦ના
છે. લોકસભાની આગામી ચૂંટણી વખતે ૭૩ના થશે
એટલે ૭૫ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા એમને ૨૦૨૬માં લાગુ પડી શકે. વર્ષ ૨૦૨૪માં જ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની
મુદત પૂરી થતી હોઈ એ પહેલાં બંધારણીય ફેરફારો કરાવીને મોદી દેશમાં સર્વસત્તાધીશ રાષ્ટ્રપતિ હોય તેવી સંસદીય પ્રણાલી દાખલ કરાવીને એ
હોદ્દે બિરાજી શકે. જોકે સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી ચુકાદાને કારણે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનું સરળ
નથી. એટલે પવાર સામે મોદી જ ટકરાય એની શક્યતા
વધુ છે. જોકે નાગપુરના જ વતની અને કેન્દ્રના
મંત્રી નીતિન ગડકરીનું નામ પણ ભાજપી ઉમેદવાર તરીકે ચર્ચાવા માંડ્યું છે. તેઓ સંઘના લાડકા અને કહ્યાગરા હોવાને કારણે પસંદગી પામી શકે છે. એમ તો, ઉત્તર પ્રદેશના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાનપદની આકાંક્ષા ધરાવનાર
ખરા. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ
અને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જે ફટકો પડ્યો એ પછી વડાપ્રધાન મોદી અને
ગૃહમંત્રી અમિત શાહની અજેય ગણાતી જોડીની પ્રતિષ્ઠાને ઘસરકો પડ્યો. કદાચ એટલે જ રાજ્યોમાં ચૂંટણીના અનુકૂળ સર્વે કે
લોકપ્રિયતા સર્વે આવવા માંડ્યા હોય. સમગ્ર સંઘ
પરિવારમાં મોદીનો પ્રભાવ હોવા છતાં માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પોતાની પસંદ કોઈ કહ્યાગરા સ્વયંસેવકની રાખે એ
સ્વાભાવિક છે.
બિન-ભાજપી મુખ્યમંત્રી વધુ
કેન્દ્રમાં સાત વર્ષથી ભાજપના
નેતૃત્વવાળા એનડીએનું શાસન છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનું કરિશ્માઈ વ્યક્તિત્વ બહુચર્ચિત છે. લોકસભામાં
૨૦૧૯ની ચૂંટણીમાં ૫૪૩માંથી ૩૦૩ જેટલી
બેઠકો ભાજપને મળેલી છે. સત્તામોરચા એનડીએની
બેઠકોની સંખ્યા ૩૫૦ જેટલી છે. લોકસભાની વેબસાઈટ
પર અત્યારે બે બેઠકો ખાલી દર્શાવાય છે. ચૂંટણીથી ભરાયેલી
૫૪૦ બેઠકોમાંથી ભાજપ કને ૩૦૧ બેઠકો છે. નામનિયુક્ત એટલે કે એંગ્લો ઇન્ડિયન માટેની બે બેઠકો
પણ ખાલી છે.કેન્દ્રમાં સત્તામાં હોવાના કારણે જે
પ્રભાવ અન્ય રાજનેતાઓ કે પક્ષો પર પડે છે
એને કારણે ભાજપમાં જોડાવાનું વલણ કે વિપક્ષને તોડવાનું અને પોતાનામાં જોડવાનું વલણ
વધુ છે. આમ છતાં, દેશના કુલ
૩૧ મુખ્યમંત્રીઓમાંથી ભાજપના મુખ્યમંત્રી તો માંડ ત્રીજા ભાગના જ છે. એમાં પણ પક્ષપલટા કરીને આવેલાઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણનાં રાજ્યોમાં તોડફોડ કરીને સત્તા હાંસલ
કરવાની ગરજ ભાજપને અનુભવાઈ છે. “પાર્ટી વિથ અ
ડિફરન્સ”ની એની છબી હવે રહી નથી. એટલું જ નહીં ભાજપમાંથી પણ અન્ય પક્ષો ભણી હિજરત
શરૂ થયાથી પક્ષનું મોવડીમંડળ ચિંતિત છે. પક્ષમાં અને એનડીએમાં
આંતરકલહ વધ્યો છે. ઉત્તર
પ્રદેશમાં એ ઉડીને આંખે વળગે તેવો છે. બિહારમાં જેડી(યુ) સાથે ભાજપ સરકાર
ચલાવે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં જેડી (યુ) આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે જ ૨૦૦ બેઠકો
લડવાની જાહેરાત કરી ચુક્યો છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર સહિતનાં રાજ્યોમાં એના મિત્ર પક્ષો ભાજપ સાથે
છેડો ફાડી ચૂક્યા છે. ભાજપ તરફથી પવારના
નિવાસસ્થાને ૨૪ જૂને યોજાયેલા રાજકીય અને અન્ય નેતાઓના મિલન સમારંભને ભલે “બેરોજગારોનો મેળો” ગણાવવામાં આવ્યો હોય, પણ પવાર અને
વ્યૂહકાર પ્રશાંત કિશોરની બેઠકોને પગલે આદરવામાં આવેલાં પ્રયાસોને સત્તા પક્ષે પણ
ગંભીરતાથી લેવા પડે. આવતા દિવસોમાં વધુ બેઠકો યોજાશે. બધું જાહેર કરી દેવાય એ જરૂરી નથી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકથી લઈને કાશ્મીરી
નેતાઓ સુધી પવારની પહોંચ રહેવાની. કેરળમાં
માર્ક્સવાદી મુખ્યમંત્રી વિજયન, તમિળનાડુના દ્રમુક
મુખ્યમંત્રી સ્ટાલિન, કોંગ્રેસના
મુખ્યમંત્રીઓ અને મોવડીમંડળ સાથે શરદરાવ ગઠબંધન સ્થાપી શકે છે.
મુખ્યમંત્રીઓ વિકલ્પની શોધમાં
અત્યાર લગી રાજ્યસભામાં ભાજપને મદદ
કરનારા એનડીએ સિવાયના પક્ષોને તોડવાના કેન્દ્રમાં
સત્તારૂઢ પક્ષના પ્રયાસોને પગલે ઓડિશા, તેલંગણ, આંધ્ર પ્રદેશ સહિતનાં રાજ્યોના પ્રાદેશિક પક્ષોના
મુખ્યમંત્રી પણ ચાણક્ય શરદ પવારના મહામોરચામાં સામેલ થવાની શક્યતા નિર્માણ થઇ છે. તેલંગણના જે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર
રાવ વડાપ્રધાન મોદીને સપ્તાહમાં બબ્બેવાર મળતા હતા એમના જ પક્ષના નેતાઓને
તોડીને ભાજપ સાથે ભેળવવાની કવાયત એમને કઠે એ સ્વાભાવિક છે.આંધ્રના
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ખિસ્તી હોવાને કારણે સંઘ પરિવારનું એમની સામે ચાલતું
રહેલું આંદોલન એમને વિકલ્પ સાથે જવા પ્રેરી શકે. એમણે
ભૂતકાળમાં જાહેર કરેલાં કાળા નાણાના પ્રકરણમાં તેમના માથે તલવાર લટકતી હોય ત્યારે
એ સલામતી ઝંખે એ સ્વાભાવિક છે. તેલંગણ અને આંધ્રમાં
ભાજપની ભૂંડી અવસ્થા છે. તેમ જ ઓડિશામાં પણ દાયકાઓથી સત્તામાં આવવાના
ભાજપના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી
સત્તામાં રહેલા બીજુ જનતા દળના
મુખ્યમંત્રી આ વખતે સતત ૨૫ વર્ષનો વિક્રમ નોંધાવશે. પવાર
સ્વાભિમાન અને રાજ્યોના અધિકારોનો મુદ્દો લઈને આગળ વધે અને દેશભરના તમામ વિપક્ષોને
એક મંચ પર લાવે એવી શક્યતા ઊભી થઇ રહી છે. આવા સંજોગોમાં
એમના પ્રયાસોમાં ફાચર મારવાનું કામ ભાજપની નેતાગીરી કરે એ સ્વાભાવિક છે. ત્રણ-ત્રણ વાર
મુખ્યમંત્રી રહેલા, કેન્દ્રની કોંગ્રેસી સરકારોમાં વર્ષો
સુધી મંત્રી રહેલા પવાર કોઈ કાચા ખેલાડી
નથી. અત્યારે મહારાષ્ટ્રની શિવસેના-રાષ્ટ્રવાદી-કોંગ્રેસની
સંયુક્ત સરકારનો રિમોટ તેમના હાથમાં છે. ચૂંટણી લડવા માટે
બેસુમાર નાણા અનિવાર્ય બને. પવાર અને કોંગ્રેસના
નેતા કમલનાથ એ વ્યવસ્થા કરવા સક્ષમ છે. વળી, બંનેના ઉદ્યોગપતિઓ સાથેના ઘરોબાને કારણે પ્રવાહ
પલટાતો નિહાળીને દેશનાં ઉદ્યોગ ગૃહો પણ એ તરફ વળી શકે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સત્તા ટકાવવાનું
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પવારના પક્ષ તેમ જ કોંગ્રેસ માટે પણ અનિવાર્ય છે. વર્ષ ૨૦૨૪ની
લોકસભાની ચૂંટણી કોઈને માટે કેકવોક જેટલી સરળ નહીં જ હોય.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૭ જૂન, ૨૦૨૧)
No comments:
Post a Comment