સ્વર્ગ અને નર્ક વચ્ચે ઝોલાં ખાતું
કાશ્મીર
કારણ-રાજકારણ; ડૉ.હરિ દેસાઈ
·
દાયકાઓની મડાગાંઠ ઉકેલાવાની આશા
·
કોંગ્રેસ-ભાજપ બેઉનાં સ્વાર્થી સત્તાકારણ
·
પાકિસ્તાન સાથેનાં રૂસણાંથી દેશને હાનિ
“ગર ફિરદૌસ રૂહે જમીં અસ્ત, હમી અસ્તો, હમી
અસ્તો, હમી અસ્ત”. ક્યારેક કાશ્મીર ધરતી પરના સ્વર્ગ સમું ગણાતું હતું. કવિઓની
કવિતા કે મુલાકાતીઓનાં પ્રવાસવર્ણનોમાં એ ખરા અર્થમાં પૃથ્વી પરનું સ્વર્ગ કે
જન્નત છે એવું અનુભવાતું હતું, પણ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા વેળા કાશ્મીર હાંસલ
કરવાની ઝૂંટાઝૂંટ અને મહારાજા હરિસિંહની એને સ્વતંત્ર સ્વીત્ઝર્લેન્ડ બનાવવાની
જીદે નોખા સંજોગો સર્જ્યા. પાકિસ્તાનના એને કબજે કરવાના નાપાક ઈરાદાઓમાં
ગૂંચવાયેલા મામલામાં વિશ્વના દેશોએ પણ ખાબકવાના પ્રયાસો કર્યા. મહારાજાએ છેવટે
ભારતમાં એનો વિલય કરવાનો નિર્ણય કર્યા છતાં અજંપાભરી અવસ્થામાં એ અટવાતું રહ્યું.
ભારતનું અવિભાજ્ય અંગ એવા આ ધરતી પરના
સ્વર્ગને આતંકની ઝાળ લાગી. ૧૯૮૯-૯૦ પછી તો એ ધરતી પરના જન્નમ એટલે કે નર્ક
તરીકે ઓળખાવા લાગ્યું. અહીં હિંદુ-મુસ્લિમ સમરસ થઈને રહેતા હતા પણ કાશ્મીરી
પંડિતોએ મોટાપાયે હિજરત કરવી પડી. સમસ્યા હિંદુ-મુસ્લિમની ક્યારેય નહોતી, પણ વામણા
રાજકીય શાસકોએ સ્થિતિ એવી નિર્માણ કરી કે હિંદુ-મુસ્લિમ-બૌદ્ધ વચ્ચે ટકરાવ સાથે એ હિલોળે ચડ્યું. આઝાદીના પ્રારંભિક દિવસોથી
લઈને સર્જાયેલી મડાગાંઠો ઉકેલવા અને કાશ્મીરીઓનાં દિલ જીતવાના પ્રયાસો દિલ્હી થકી
થતા રહ્યા પણ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓનાં ઉંબાડિયાં ઉકેલ લગી પહોંચવાના તમામ
પ્રયાસોમાં ખલનાયકી કરતાં રહ્યાં. એવું નથી કે નેહરુ-સરદારની સરકારે એનો ઉકેલ
લાવવામાં ઓછા પ્રયત્નો કર્યા હોય, ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી કે પછી મનમોહનસિંહ સુધીના વડાપ્રધાનોના
પ્રયાસોમાં પ્રામાણિકતા નહોતી એવું પણ નહોતું, પણ કોણ જાણે દરેક તબક્કે
દેશી-વિદેશી પરિબળો ફાચર મારવાનું કામ કરતાં હતાં. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી
તો “જમ્હૂરિયત, ઈન્સાનિયત અને કશ્મીરિયત’ની સંવેદનશીલ ફોર્મ્યૂલા સાથે
કાશ્મીરીઓનાં દિલ જીતવામાં સફળતા મેળવી રહ્યા હતા,પણ કવિ કૈદીરાયના આ પ્રયાસોને
વધુ પડતા ઋજુ લેખીને સ્વજનોએ પણ આગ્રેથી લઈને
શ્રીનગર લગીની મંત્રણાઓને સફળ ના થવા દીધા. આતંકવાદ અને માનવ અધિકારોના વમળમાં
અટવાયેલા જમ્મૂ-કાશ્મીરમાં લશ્કર કે પોલીસને બળે પ્રજાનાં દિલ જીતવાનું અશક્ય
હોવાનું સાબિત થઇ ચૂક્યું છે. લોકશાહી બહાલ કરવા માટેના સંવાદના માર્ગના દરવાજા
ખોલવામાં ભલે ઘણો વિલંબ થયો હોય, પણ
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ જૂને
“દિલ્હી અને કાશ્મીરના દિલની દૂરીને દૂર કરવા” જમ્મૂ અને શ્રીનગરથી રાજકીય
નેતાઓને તેડાવ્યા એ શુભ પહેલ તો લેખાવી જ જોઈએ. નિર્વાસિત કાશ્મીરી પંડિતોને આ
બેઠકમાં નહીં તેડાવાયાના મુદ્દે તેઓ નારાજ છે. જોકે ભવિષ્યમાં તેમને પણ તેડાવાસે
અને એમના પુનર્વસનને નક્કર ભૂમિકા પર મૂકવામાં આવશે. લોકશાહી પ્રક્રિયાને આગળ
વધારવા માટે ધારાસભાની બેઠકોનાં નવેસરથી સીમાંકન કરવાની જરૂર છે. બે કેન્દ્રશાસિત
પ્રદેશોમાં વિભાજિત કરાયેલા પ્રદેશને ફરીને મૂળ રાજ્ય તરીકે બહાલ કરવાનો છે.
પાકિસ્તાન અને ચીને ગપચાવેલા હિસ્સાને હાંસલ કરવાના માત્ર હાકલાદેકારા કરવાથી નહીં
ચાલે, વિશ્વમત પણ તૈયાર કરીને ભારતનો દાવો સાચો હોવાનું પૂરવાર કરવું પડશે.
રાજ્યમાં માત્ર હિંદુ મુખ્યમંત્રી આવે એવી વેતરણો પૂરતી નથી.
મંત્રણાઓ થકી જ
ઉકેલ
ઉતાવળે આંબા ના પાકે. એમાંય, આ કાશ્મીર
કોકડું તો સાત દાયકાથી વણઉકલ્યું રહ્યું છે એટલે હવે મંત્રણાઓના વધુ દોર યોજીને
એને ઉકેલી શકવાની આશા જરૂર જાગી છે. દિલ્હી આવેલા સર્વપક્ષી નેતાઓએ ભારતીય
બંધારણમાં વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે. ત્રણ વર્ષથી કેન્દ્રના સીધા શાસન તળેના આ
ભારતીય સરહદી પ્રદેશમાં લોકશાહી બહાલ કરવા માટે વિધાનસભાની ચૂંટણી યોજાય એ
સ્વાભાવિક અપેક્ષા રહે. રાજ્યને વિશેષ દરજ્જો બક્ષતા બંધારણના અનુચ્છેદ ૩૭૦ને
અપ્રભાવી કરી દેવાના અને બે કેન્દ્રશાસિત
પ્રદેશોમાં વિભાજિત કરી દેવાયા સામે વિરોધ કરાય એ સ્વાભાવિક છે. ૩૭૦ને ફરીને બહાલ
કરવાની માંગણી હજુ ત્રણ વર્ષ પૂર્વ સુધી
ભાજપનાં મિત્ર રહેલાં મહેબૂબા મુફ્તીએ કરી અને વાજપેયી યુગમાં ભાજપી મિત્ર
રહેલા અબદુલ્લા પરિવારના ડૉ.ફારુક અબદુલ્લા અને ઓમર અબદુલ્લા ૫ ઓગસ્ટ ૨૦૧૯ના
કેન્દ્ર સરકાર અને સંસદના નિર્ણયને કબૂલવા તૈયાર નથી. મિત્રમાંથી કોઈ શત્રુ બને ત્યારે એ વધુ ખતરનાક હોય છે. ભાજપ
અને કોંગ્રેસ બેઉ રાજકીય પક્ષોએ પોતાના રાજકીય સ્વાર્થ અને સત્તાકારણ માટે
સમયાંતરે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ઘર માંડ્યું
હતું. એકાદ વર્ષ કે વધુ સમય માટે આ પક્ષોના નેતાઓને દિલ્હીના ઈશારે જેલવાસ કે
નજરકેદમાં રાખીને લગભગ “બોખા”ની અવસ્થામાં મૂક્યા પછી એમને સામેવાળાનો ભરોસો બેસવો જરા મુશ્કેલ
છે. જોકે તેમની મજબૂરી દિલ્હી સુપેરે જાણે છે.
પાકિસ્તાન સાથેના
સંબંધો
લડાખ સરહદે ભારત-ચીન લશ્કર વચ્ચે લાંબા
સમયથી અજંપાભરી સ્થિતિ છે. આમ પણ, ભારત
અને ચીન વચ્ચેની સિક્કિમ સિવાયની સરહદ હજુ આખરી લેખાતી નથી. એટલે ત્યાં અંકુશરેખા
(લાઈન ઓફ કંટ્રોલ) જાળવવા બાબત બીજિંગના સતાવાળાઓ સાથે નવી દિલ્હીની મંત્રણાઓ અખંડ
છે. અત્યારે લશ્કરી અધિકારીઓની અગિયારમા તબક્કાની મંત્રણા થયા પછી બારમા તબક્કાની મંત્રણા આગળ વધારાય એવું છે. વિદેશ નીતિની બાબતમાં સંબંધો સુધરવાની
પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોય છે. બગડવાના હોય તો ક્ષણેકમાં બગડી શકે. યુદ્ધ જેવા
સંજોગો પણ નિર્માણ થઇ શકે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે સીધી મંત્રણાઓ ટાળવાનું ભારતનું વલણ લાંબે ગાળે
નુકસાનકારક સાબિત થવાનું, ભલે સત્તાપક્ષ પોતાના રાજકીય લાભ માટે એ જીદ લઈને સીધી
મંત્રણા ટાળવાનું પસંદ કરતો હોય. ચીન સાથેના સંબંધો પણ કંઈ ઉષ્માભર્યા નથી, છતાં
બીજિંગ અને દિલ્હી વચ્ચે મંત્રણાઓનો દોર અખંડ છે. આપણી સામે આરબ અને ઈઝરાયલનું
ઉદાહરણ છે. ભલે તેઓ કાયમ યુદ્ધ કે સંઘર્ષમાં
હોય છતાં તેમની વચ્ચે મંત્રણાઓનો દોર તૂટતો નથી. ભારતે પરદા પાછળ યુએઈ કે
અન્ય દેશોની મારફત પાકિસ્તાન સાથે ભારતીય અધિકારીઓની વાતચીત યોજવી પડે એના કરતાં
સાર્ક બેઠક નિમિત્તે ઇસ્લામાબાદ જઈને કે તેમના શાસકોને ભારત તેડાવીને સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં કશું ખોટું
નથી. પાડોશી દેશો ઝાઝો સમય રૂસણે બેઠેલા રહે એ સારી રાજદ્વારી નીતિનો પરિચય
કરાવનારા સંજોગો નથી. હા, ૩૭૦ને રદ કરવાનો નિર્ણય કરવો કે જમ્મૂ-કાશ્મીરના નેતાઓને
દિલ્હી તેડાવવા એ ભારતનો આંતરિક મામલો છે. એ બાબતમાં પાકિસ્તાન કે ચીનની દખલ
સ્વીકારી શકાય નહીં. કાશ્મીરી નેતાઓને વડાપ્રધાને દિલ્હી તેડાવ્યા તો પાકિસ્તાની
વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એને “જનસંપર્ક બેઠક”(પીઆર મીટ) ગણાવી. કાશ્મીરનું
કોકડું ઉકેલવામાં ભારત સફળ રહે અને દિલ્હી શ્રીનગર અને જમ્મૂ સાથી મધુર સંબંધ
સ્થાપિત કરે તો ઇસ્લામાબાદના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. હજુ સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિચારાધીન કાશ્મીર પ્રશ્ન હાથ ધરવાનો છે, પાકિસ્તાન અને
ચીને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરના હિસ્સાને પરત હાંસલ કરવાનો છે. એ દિશામાં આગળ વધવા
માટે જમ્મૂ-કાશ્મીરના સર્વપક્ષી નેતાઓનો વિશ્વાસ સંપાદિત કરવાનું દિલ્હી માટે
અનિવાર્ય છે. માત્ર વાતોનાં વડાં ચાલે નહીં.
તિખારો
ક્યાંય છે ખુબ
ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં
ધર્યાં;
ક્યાંય છે તૂટીને પડેલ ભુખરાં પાનો
વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે
બિચારાં પડ્યાં.
ક્યાંય છે સુઘરી
તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા
ગલીચા પરે;
ક્યાંય છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે
ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને
દોડીને.
છે ક્યાંય અતિ
ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે
તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.
જ્યાં છે એવી નદી
ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે
હું ક્યહાં?
-કલાપી
(સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)- ૧૮૯૨
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૬
જૂન, ૨૦૨૧)
No comments:
Post a Comment