Sunday, 20 June 2021

Emergency and the Villains

 ઈમરજન્સીના ખલનાયકોનો વર્તમાન: કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

• ૧૨ જૂન ૧૯૭૫નો ચુકાદો નિર્ણાયક• સંજય ૪૦ વર્ષ ચૂંટણી ટાળવાના પક્ષે
• સંદર્ભો બદલાયા, હાકલાદેકારા રહ્યા Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”.20 June, 2021. Web Link: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=693103
હમણાં તમિળનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પત્ની દુર્ગા સ્ટાલિન સાથે મિત્રપક્ષ કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના રાજકીય વારસ રાહુલ ગાંધીને દિલ્હીમાં મળ્યા.એ પહેલાં મુખ્યમંત્રી સ્ટાલિને હજુ હમણાં જ યોજાયેલી ચૂંટણીમાં દ્રમુક-કોંગ્રેસ જોડાણના રાજકીય વિરોધી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને દક્ષિણ ભારતની પરંપરા મુજબ શાલ ઓઢાડી રાજ્યની માંગણીઓ રજૂ કરી. ભારતીય બંધારણમાં સંઘીય વ્યવસ્થા કરાઈ છે એ મુજબ આ બાબતને સ્વાભાવિક લેખાવી જોઈએ. જોકે હવેના રાજકારણમાં સત્તાકાંક્ષી રાજનેતાઓ એકમેકના શત્રુ હોય એ રીતે વર્તે છે ત્યારે આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓએ કરેલી કવાયતથી ઉલટી દિશામાં ગતિ જોવા મળે છે. આવતા દિવસોમાં કેન્દ્રનો સત્તાપક્ષ અને એના સાથીઓ ૧૯૭૫-૭૭ની ઈમરજન્સીના કાળા દિવસોનું સ્મરણ કરીને હાકલાદેકારા આદરશે. ૨૬ જૂન ૧૯૭૫ની મધરાતે તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકશાહી રાષ્ટ્રના બંધારણીય અધિકારોને કુંઠિત કરતી ઈમરજન્સી લાદી વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. ૧૨ જૂન ૧૯૭૫ના રોજ અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જગમોહનલાલ સિંહાએ રાયબરેલી લોકસભા બેઠક પર વડાંપ્રધાન શ્રીમતી ગાંધી સામે પરાજિત ઉમેદવાર રાજનારાયણે ચૂંટણી પરિણામને પડકારતાં કરેલી અરજી અંગે ચુકાદો આપતાં ઇન્દિરા ગાંધીના લોકસભાપદને રદ કર્યું હતું. શ્રીમતી ગાંધીએ પોતાને વડાપ્રધાનપદે ટકાવી રાખવા માટે ઈમરજન્સી લાદી અને ૧૯ મહિના લગી દેશભરમાં વિરોધી અવાજને કુંઠિત કરવાની કોશિશ કરી. જોકે જાન્યુઆરી ૧૯૭૭માં વડાંપ્રધાને પોતાના રાજકીય વારસ ગણાતા નાના પુત્ર સંજય ગાંધીના વિરોધ છતાં લોક્સાભાની ચૂંટણી જાહેર કરી. એમને અંદાજ હતો તેમ જ માત્ર કોંગ્રેસ જ નહીં, ઈન્દિરાજી પોતે અને એમના “ખલનાયક”પુત્ર સંજય પણ ચૂંટણી હારી ગયા. લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં જનઆંદોલનને પગલે વિપક્ષી એકતા સધાતાં ક્યારેક ઇન્દિરાજીના નાયબ વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. કોંગ્રેસના નેતાઓ રહેલા ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવનરામ નાયબ વડાપ્રધાન બન્યા.જગ્ગુબાબુ તો ઈમરજન્સી દરમિયાન ઇન્દિરા સરકારમાં મંત્રી રહ્યા, પણ છેલ્લી ઘડીએ વંડી ઠેકી ગયા હતા. ૧૯૫૭માં પહેલીવાર લોકસભે ચૂંટાયેલા અને ભવિષ્યમાં વડાપ્રધાન થયેલા સંઘ-જનસંઘના અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી તેમ જ તેમના જ સાથી લાલકૃષ્ણ આડવાણી માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી બન્યા. અઢી વર્ષમાં જ આ જનતા પાર્ટીની સરકારનાં ઉલાળિયાં થયાં. ઇન્દિરાજીની ધરપકડ કરવાના ધખારા ધરાવનાર ગૃહમંત્રી ચરણસિંહે વડાપ્રધાનપદના મોહમાં ઈન્દિરાજી અને સંજયની શરણાગતિ સ્વીકારી, પણ લોકસભામાં બહુમતી સાબિત કરવા પહેલાં જ રાજીનામું આપવું પડ્યું. ૧૯૮૦માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો અને ઈમરજન્સી લાદવાનાં દોષિત ઇન્દિરા ગાંધી અને એ ૧૯ મહિનાના “ખરા ખલનાયક” સંજય ગાંધીને દેશની જનતાએ માફ કરીને ફરી સત્તા સોંપી. એ પછી તો વર્ષો સુધી કોંગ્રેસ સત્તામાં આવી અને વિપક્ષે ય બેઠી. ભારતીય લોકશાહીની આ જ તો કમાલ છે.
ઇમર્જન્સીના ટેકેદારો ઝળક્યા
ઈમર્જન્સીમાં રાજકીય પ્રમોશન મેળવનારા વિશ્વનાથ પ્રતાપસિંહ હોય કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જગમોહન હોય; ઈમર્જન્સીમાં ઇન્દિરા-સંજય સરકારના પ્રપોગંડા મિનિસ્ટર વી.સી.શુકલ હોય કે પછી એ કાળા દિવસોમાં ઇન્દિરાજીની કુરનીશ બજાવતી શિવસેના હોય કે પછી અન્નાદ્રમુક હોય, સમયજતાં આ બધા વિપક્ષના લાડકા બન્યા એટલું જ નહીં, આજે ઈમરજન્સીના મુદ્દે હાકલાદેકારા કરનારા જનસંઘના નવા અવતાર ભાજપના ટેકે વડાપ્રધાનપદ કે મંત્રીપદ કે પછી રાજ્યપાલપદનો ભોગવટો કરતા રહ્યા. આડવાણીનો એ આર્તનાદ ત્યારે સંભાળતો નહોતો કે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે! આજે તો લગભગ સઘળી કોંગ્રેસ ભાજપમાં ભળવામાં છે છતાં ઈમારન્સીવિરોધી કોરસગાનમાં એ બધા જ કોંગ્રેસીઓ જોડાય છે જેમણે એ દિવસોમાં ઇન્દિરા-સંજયની આરતી ઉતારી હતી. ક્યારેક ઈમર્જન્સીમાં અટલ બિહારી વાજપેયી જેવા નેતાએ ગોઠવણ મુજબ જેલમુક્ત થવાની સંતલસો કર્યાનું અને જનસંઘ-ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે ઈમરજન્સી દરમિયાન વડાંપ્રધાનને પત્રો લખીને એમની સરકાર સાથે સહયોગ કરવાની કોશિશ કર્યાં અંગે “ધ હિંદુ” સહિતનાં પ્રતિષ્ઠિત અખબારોમાં લાંબા લેખો લખ્યા હતા એવા ડૉ.સુબ્રમણિયન સ્વામી આજે ભાજપના સાંસદ છે. ક્યારેક અન્નાદ્રમુકનાં સુપ્રીમો જયલલિતાને વાજપેયીને સમર્થન આપવા લઇ જનારા મૂળ જનસંઘી સાંસદ એવા સ્વામીને આ જ જયાઅમ્માને કોંગ્રેસઅધ્યક્ષ સોનિયા ગાંધી કને લઇ જતાં પણ જોયા છે. અને આ જ જયાઅમ્મા અને સોનિયા ગાંધી સામે અદાલતી ખટલા દાખલ કરવામાં પણ આ જ સ્વામી હતા. આ જ મહાનુભાવને ક્યારેક ઈમરજન્સી દરમિયાન તેમની ગુપ્ત વેશે ગુજરાત મુલાકાતો વખતે તેડવા જનારા અને ભાવનગરમાં અમુકને મળવા લઇ જનારા સંઘ-પ્રચારક નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે વડાપ્રધાનપદે હોવા છતાં ભાવ નથી આપતા એનો ઉકળાટ ડો.સ્વામીનાં નિવેદનોમાં જરૂર જોવા મળે છે. જે પાણીએ મગ ચડે એનું રાજકારણ આજે જયારે સૌથી પ્રચલિત અને પ્રભાવી છે ત્યારે ઈમરજન્સીની વાતો સંદર્ભ અને પ્રભાવ ગુમાવી ચૂકી છે. ઓછામાં પૂરું ભાજપના જ મુખ્યમંત્રી રહેલા કેશુભાઈ પટેલ તો વર્તમાન સમયમાં અઘોષિત ઈમરજન્સીનો આલાપ કરતાં કરતાં કોઈ વિવશતાઓને કારણે શરણાગતિ સ્વીકાર્યા પછી સ્વધામ પણ પહોંચી ગયા. કોંગ્રેસ થકી જ ૧૯૬૬માં જન્મેલી શિવસેના ૧૯૮૬માં ભાજપ સાથે હિંદુત્વના મુદ્દે જોડાઈ. ઈમર્જન્સીને ટેકો આપવાની બાળ ઠાકરેની નીતિરીતિ રહી. એમની શિવસેના કોંગ્રેસ કે કોંગ્રેસમાંથી છૂટા થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ રચનારા શરદ પવારના પક્ષ સાથે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવે ત્યારે અજુગતું જોનારા એનો ઈતિહાસ વીસરી જાય છે. ઈમરજન્સીની ટેકેદાર અન્નાદ્રમુક આજે તમિળનાડુમાં ભાજપની મિત્ર છે અને ઈમરજન્સી સામે જંગે ચડીને સરકાર ગુમાવનાર દ્રમુક આજે કોંગ્રેસની મિત્ર છે. આજે કશું અજુગતું લેખાતું નથી. અંતે તો બધાંને સત્તાનો જ મોહ હોય છે. નાચવું ના હોય તો આંગણું વાંકું એ ન્યાયે પક્ષપલટો કરવા કે નવું ઘર માંડવા માટેના અનુકૂળ તર્કો મળી જ રહે છે.
ઈમર્જન્સીના અસલી ગુનેગાર
૧૨ જૂન ૧૯૭૫નો ચુકાદો આવ્યો ત્યારે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી તો રાજીનામું આપી દેવા માટે સજ્જ હતાં. એમનાં અંતરંગ મિત્ર પુપુલ જયકરે લખેલી ઇન્દિરાજીની જીવનકથામાં તો આ વાત નોંધાઈ છે, પણ ઈમરજન્સી દરમિયાન જેલવાસ ભોગવનાર પત્રકારશિરોમણિ કુલદીપ નાયરે પણએમના મૃત્યુ પછી બીબીસીના સંવાદદાતા રહેલા માર્ક ટુલીની પ્રસ્તાવના સાથે પ્રકાશિત પુસ્તક “ઓન લીડર્સ એન્ડ આઇકન્સ: ફ્રોમ જિન્નાહ ટુ મોદી”માં પણ નોંધ્યું છે. પુપુલબહેન અને કુલદીપ જણાવે છે કે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનપદેથી રાજીનામું આપતાં વારવાનું કામ એમના પુત્ર સંજય ગાંધી અને તેમને “ઇન્દિરા” કહીને બોલાવનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહેલા સિદ્ધાર્થ શંકર રે થકી થયું હતું. ઈમરજન્સી લાદવામાં એચ.આર.ગોખલે અને રજની પટેલ સહિતની એમની કિચન કેબિનેટ અને સંજયનો હાથ હતો. કહ્યાગરા રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે તો કેબિનેટના ઠરાવ પૂર્વે જ ઈમરજન્સીના જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા હતા. કુલદીપ નાયર “ધ જજમેન્ટ” પુસ્તક લખી રહ્યા હતા ત્યારે સંજયના મિત્ર અને ઇન્ડિયન એક્સપ્રેસના ડિરેક્ટર કમલનાથ (પૂર્વ મુખ્યમંત્રી)ની મદદથી તેમને સંજયે ઇન્ટર્વ્યૂ આપ્યો હતો. ૧૯ મહિના દરમિયાન ખરા સત્તાધીશ ગણાયેલા સંજય ગાંધીએ કુલદીપને કહ્યું હતું કે “મારી યોજનામાં તો દેશમાં ત્રણથી ચાર દાયકા સુધી ચૂંટણીને કોઈ સ્થાન નથી.” તો પછી શાસન કઈ રીતે કરશો? સંજયનો ઉત્તર હતો: “મારા વિચારની દિશામાં કામ કરે તેવા અનેક બ્યૂરોક્રેટ છેને!” ઘણાને આજકાલ સંજયની આ જ યોજનાના ભણકારા સંભાળતા લાગે છે. એ વેળા આતંકનો પર્યાય બની ગયેલા સંજય ગાંધી પોતાનાં માતુશ્રી ચૂંટણી જાહેર કરે તેના સખત વિરોધી હતા. સાથે જ “રો”ના વડા આર.એન.કાઓ સહિતનાના ગુપ્તચર અહેવાલો કોંગ્રેસ ચૂંટણી હારી જશે તેવા હોવા છતાં વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી હતી. માર્ચ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને ઈન્દિરાજીનો પરાજય થયો હતો, પણ લોકશાહીનો તો વિજય થયો હતો !
તિખારો
ક્ષમાયાચના
ક્ષમા કરો બાપૂ ! તુમ હમ કો,
વચનભંગ કે હમ અપરાધી,
રાજઘાટ કો કિયા અપાવન,
મંજિલ ભૂલે, યાત્રા આધી.
જયપ્રકાશ જી ! રખો ભરોસા,
ટૂટે સપનોં કો જોડેંગે.
ચિતાભસ્મ કી ચિનગારી સે,
અંધકાર કે ગઢ તોડેંગે.
- અટલ બિહારી વાજપેયી
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૯ જૂન ૨૦૨૧)

No comments:

Post a Comment