Wednesday, 16 June 2021

Editing Bungling of Bakor Patel

બાળસાહિત્યના અણમોલ નજરાણા બકોર પટેલ સાથે સંપાદકીય ચેડાં

અતીતથીઆજ: ડૉ.હરિ દેસાઈ

·         બાળસાહિત્યકાર હરિપ્રસાદ વ્યાસ અને સૂરતની “ગાંડીવ” સંસ્થાનું બેનમૂન યોગદાન

·         અનેક ગુજરાતી પેઢીઓને હાસ્યરસ પીરસતા પાત્ર બકોર પટેલનું પેરિસમાં ય પૂતળું

·         આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકૃત બાળસાહિત્યનું સંપાદન કરતા બોરીસાગરનું બચાવનામું

·         નિર્દોષ હાસ્યરસ કથાશ્રેણીમાંથી પટેલ-પટલાણીનાં પાત્રોને હટાવવાની દૂરદર્શનની જીદ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand.

ગૌરવવંતી ગુજરાતી પ્રજા પોતાની ભાષા વિશે કેટલી ઉદાસીન છે એ શાળા-કોલેજોમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોના સતત કથળી રહેલા સ્તર અને અખબારો તથા ટીવી ચેનલોની અશુદ્ધિસભર  ભાષાની અવસ્થામાં અનુભવાય છે. મરાઠી કે બંગાળી ભાષિકો પોતાની ભાષા અને એના જતન વિશે જાગૃત જોવા મળે છે, ફ્રાન્સમાં ફ્રેંચ ભાષામાં અશુદ્ધ લખાણોને દંડિત કરવાની પરંપરા છે; એની તુલનામાં ગુજરાતી ભાષા-સાહિત્યમાં “સબકુછ ચલતા હૈ” અને “સું સાં પૈસા ચાર”ની અવસ્થા અનુભવાય છે. હમણાં ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં પુરસ્કૃત લેખિકા ડૉ.પારુલટીના દોશીએ પ્રૌઢાવસ્થામાં પણ  ગમે ત્યારે  વાંચવા માટે પ્રેરાય એવી  ગુજરાતી બાળસાહિત્યના સીમાસ્તંભ (માઈલસ્ટોન) રૂપ  બકોર પટેલની ગાંડીવ આવૃત્તિ (૧૯૯૫) અને હર્ષ-ગૂર્જર આવૃત્તિ (૨૦૧૧)માંના ફેરફારો ભણી ધ્યાન ખેંચ્યું. એનું વિહંગાવલોકન કરતાં  અનુભવાયું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોંખાયેલા બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ (૧૬જૂન ૧૯૦૯-૧૩ જુલાઈ ૧૯૮૦)ના નિધનને હજુ ૬૦ વર્ષ થયાં નથી અને સર્જક-પ્રકાશકનાં સંતાનોના કોપીરાઈટ સાથે પ્રકાશિત બકોર પટેલ શ્રેણીની  પુનઃ સંપાદિત આવૃત્તિમાં એના  સંપાદક અને હાસ્ય લેખક ડૉ. રતિલાલ બોરીસાગરે “નવી પેઢીને સમજાય એ દલીલ આગળ કરીને” વિવિધ  પુસ્તિકાઓના શીર્ષકથી લઈને લખાણમાં પણ ફેરફારો કર્યા છે. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં આદર સાથે જેમનાં નામ લેવાય છે એવાં બે વ્યક્તિત્વો મુંબઈનિવાસી  દીપક મહેતા અને સૂરતનિવાસી બકુલ ટેલર સાથે ચર્ચા કરતાં મૂળ સર્જકના લખાણ સાથે આવાં ચેડાં ના કરાય એવો સ્પષ્ટ મત ઉપસ્યો હતો. જોકે ડૉ.બોરીસાગર સાથેની વાતચીતમાં જાતઅનુભવ અને નવી પેઢીમાં બકોર પટેલ શ્રેણી વંચાય એટલા માટે “એકાદ પેઢી એનાથી વંચિત રહ્યા પછી” આ ઉપક્રમ હાથ ધરાયાનો તર્ક અપાયો હતો. કમનસીબે ગુજરાતી સાહિત્યમાં  અહો રૂપમ અહો ધ્વનિની પરંપરા પ્રબળ હોવાથી ખુલીને કોઈ આવી બાબતોમાં બોલવાનું કે લખવાનું પસંદ કરતું નથી એટલે આવાં સાહિત્યિક ચેડાં “નવી પેઢીના લાભાર્થે”નો તર્ક આપીને કરાઈ રહ્યાં છે. બોરીસાગર હજુ બકોર પટેલની ચાર પુસ્તિકાઓ તથા “મૂછાળી મા” ગિજુભાઈ બધેકાની વાર્તાઓનું સંપાદન પણ હાથ ધરવાના છે. ગુજરાતી ભાષામાં અન્ય ભાષાઓમાંથી ઉતારા થકી સાહિત્ય પ્રકાશિત કરવાનું વલણ વધ્યું છે પણ ગુજરાતી સર્જકોના સાહિત્યને ઝાઝા પ્રમાણમાં અન્ય ભાષાઓમાં અનુદિત કરવાનું વલણ જોવા મળતું નથી. હરિપ્રસાદ વ્યાસના અમર સર્જન એવા  બકોર પટેલનું  પૂતળું ફ્રાન્સની રાજધાની પેરિસમાં મૂકાતું હોય એ ગૌરવની વાત છે, પણ બકોર પટેલ શ્રેણી અંગ્રેજી કે ફ્રેન્ચમાં  પ્રકશિત થાય એવા પ્રયાસો થાય તો ગનીમત.

બકોર પટેલ પોંખાયા

ગુજરાતી પ્રજાની પેઢીઓની પેઢીઓ હરિપ્રસાદ વ્યાસના અમર પાત્ર  બકોર પટેલની શ્રેણી  અને જીવરામ જોષીની “મિયાં ફૂસકી” જેવી કૃતિઓ વાંચીને મોટી થઇ છે. હજુ આજે પણ અમારા જેવી નિવૃત્ત વયને આંબી ગયેલી પેઢીને પણ બકોર પટેલ કે મિયાં ફૂસકી કે પછી પંચતંત્રની વાર્તાઓ વાંચવાનું આકર્ષણ રહે છે. બાળસાહિત્યકાર ડૉ.શ્રદ્ધાબહેન ત્રિવેદી  ગુજરાતી વિશ્વકોશમાં બકોર પટેલ વિશે લખે છે: “ગુજરાતી બાળસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને એને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પત્રોનો ફાળો છે, તેમાં (બાળસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસના) બકોર પટેલ મુખ્ય અને પ્રથમ છે. અલબત્ત, તેમના પછી તરત જ જીવરામ જોષીના “મિયાં ફૂસકી”એ પણ એટલું જ પ્રભાવક કાર્ય કર્યું છે.” “ગાંડીવ” સંસ્થાના સૂત્રધાર નટવરલાલ માલવી (૩૦ સપ્ટેમ્બર ૧૯૦૦- ૧૬ એપ્રિલ ૧૯૭૩) સાથે ગુજરાતી બાલકથાસાહિત્યમાં પ્રાણીપાત્રોવાળી કથાઓની ઊણપને દૂર કરવા સંદર્ભે હરિપ્રસાદભાઈને ચર્ચા વિચારણા થઇ ને તેમાંથી બકોર પટેલની પાત્ર સુષ્ટિ રચાઈ.હરિપ્રસાદ ભાઈને મોસાળના બકોરભાઈ મુખી યાદ આવ્યા, ને પોતાના પત્રનું નામ સૂઝ્યું “બકોર પટેલ” અને પાત્ર તરીકે લીધો બકરો. તેમની પત્નીનું નામ બકરી ઉપરથી “શકરી પટલાણી” રાખ્યું ને ક્રમશઃ પ્રાણી-મુખ ધરાવતી, પણ જેનાં વાણી-વર્તન, રહેણી-કરણી સર્વ માણસ જેવાં હોય તેવી પાત્રસુષ્ટિ રચાઈ.” ૧૯૩૬થી હરિપ્રસાદ વ્યાસે તે શ્રેણી લખાવા માંડેલી.બકોર પટેલની વાતોમાં સૂક્ષ્મ રીતે જોઈએ તો ‘આખરે તો એમાં ‘ઈસપનીતિ’નું જ કે ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’નું અર્વાચીન સાતત્ય જળવાઈ રહે છે.  “ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર બકોર પટેલની શ્રેણીની કુલ ૩૭ પુસ્તિકાઓ ઉપલબ્ધ હોવાનું રતિભાઈ અમને કહે છે. તેમના કહેવા મુજબ, ત્રણેક વર્ષના પરિશ્રમ પછી ૩૩ પુસ્તિકાઓનું સંપાદન અને પ્રકાશન થયું છે. મૂળ સર્જક અને પ્રકાશકનાં સંતાનો દિલીપ-કિરીટ હ.વ્યાસ અને અભિનવ સુભગ માલવી પોતાના સંપાદનથી રાજી હોવાનું પણ રતિલાલ કહે છે. જોકે બોરીસાગરે કેવા ફેરફાર કર્યા છે અને આગામી સંપાદનોમાં પણ એ કેવા ફેરફાર કરશે એની ઝલક મેળવી લેવાની જરૂર ખરી. “બકોર પટેલ:દાકતરના  ય દાકતર” પુસ્તિકાનું શીર્ષક બદલીને તેમણે “બકોર પટેલ: ડૉકટરના ય ડૉકટર” કર્યું છે. મુખપૃષ્ઠ પર ૧૯૯૫ની આવૃત્તિનાં નયનરમ્ય ચિત્રોમાં  ઉપસતા બકોર પટેલને બદલે નવી પુનઃસંપાદિત આવૃત્તિમાં વી.રામાનુજ કલરફુલ બકોર પટેલ મૂકે છે. લખાણમાં નવી પેઢીને ના સમજાય એવું માનીને બોરીસાગર “મેટ્રિક”નું “એસએસસી” કરી નાંખે તો પછી “એચએસસી” કેમ ના કર્યું એવો પ્રશ્ન જરૂર થાય. “મેટ્રિકિયા લપ” વાર્તાનું શીર્ષક “એસ.એસ.સી.ની લપ” કરે છે.  ”ટેલિફોનનું ભૂંગળું” મૂળ લખાણ હોય ત્યાં રતિલાલનો રંધો ચાલે અને “ટેલિફોનનું રિસીવર” થઇ જાય કે “સ્ટવ”ને સ્થાને “ગેસ” કરવામાં આવે તો અર્થનો અનર્થ જ થાય છે. “ટિપોઈ” તો અંગ્રેજી અને વર્તમાન ચલણનો શબ્દ છે છતાં રતિલાલ સમજાવવા માટે “ચા-નાસ્તો મૂકવા માટે વપરાતું ટેબલ જેવું એક સાધન” જેવું ભદ્રંભદ્ર કરીને નવી પેઢીની બુદ્ધિ કેટલી છે એ દર્શાવવાનો પ્રયાસ કરે છે. વાર્તાઓનાં શીર્ષક બદલ્યાં છે એટલું જ નહીં, વાર્તાઓ પણ બદલી છે. લખાણની રકમો પણ બદલી છે. જ્યાં હરિપ્રસાદ વ્યાસે “૨૧૭૨” રકમ લખી છે ત્યાં રતિલાલ “૧૦,૦૦૦” કરી મૂકે છે. એમનું કહેવું છે કે શાકભાજીના કે ટેલિફોન બિલના કે અન્ય ભાવ આજના સમયમાં કેટલા એ લખવાનો પ્રયાસ કર્યો છે! “ભેદી બિંદડી” શીર્ષકને “ભેદી પાર્સલ” કર્યાનું  એ કહે છે. બોરીસાગરે સંપાદિત કરેલી બધી ૩૩ પુસ્તિકાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો એમની કલાકારીગરીનાં બેસુમાર ઉદાહરણ મળી આવે. જોકે એ ઉમેરે છે કે ૩૩ પુસ્તિકાઓની મૂળ ટેક્સ્ટમાં ક્યાંય કશો ફેરફાર કર્યો નથી. રૂપિયા,આના, પાઈ કે શેર,નવટાંક કે મણની જગ્યાએ અત્યારનાં ચલણ કે તોલમાપ કર્યાં છે. હકીકતમાં અનેક સંપાદનોના કર્તા દીપક મહેતા અને બકુલ ટેલર આવા ફેરફારોને અનુચિત લેખે છે. વધુમાં વધુ નવી પેઢી માટે એને સમજાય એ માટે પાદનોંધ કે અન્ય નોંધ મૂકી શકાય. રતિલાલ કહે છે કે હરિપ્રસાદ વ્યાસનું સર્જન એ સોનું જ છે, મારું કામ એણે ઉજાળવાનું છે; એ વાત મેં પ્રસ્તાવનામાં લખી છે.  

પટેલ-પટલાણી કાઢો

લબ્ધપ્રતિષ્ઠ હાસ્ય લેખક અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાંસંપાદકીય જવાબદારી નિભાવીને નિવૃત્ત થયેલા બોરીસાગરે પોતાનું પીએચ.ડી. સાહિત્યિક સંપાદનમાં કર્યું છે. એમનું કહેવું છે કે પશ્ચિમમાં પ્રકાશનગૃહો તો ભાષાના સંપાદકો રાખે છે અને એ સૂચવે એ શાબ્દિક ફેરફારો સર્જકે પણ કરવાના રહે છે. હકીકતમાં જીવતા સર્જકો એ ફેરફાર કરવા કે ના કરવા એનો નિર્ણય કરી શકે; પરંતુ હરિપ્રસાદના અવસાનને ચાલીસ વીત્યાં એટલે એમના મૂળ લખાણ સાથે રતિલાલ દ્વારા આવાં ચેડાં થઇ શકે કે કેમ એ પ્રશ્ન તો ઊભો જ છે. મૂળ લખાણમાં જાતિવાચક પ્રતિબંધિત શબ્દો હોય તો એ બદલવાની વાત જરા જુદી ચર્ચાનો વિષય બને, પણ નિર્દોષ હાસ્ય માટે વપરાયેલા શબ્દો પણ બદલવામાં આવે તો મૂળ સર્જકને અન્યાય જ કરવામાં આવે છે. એ સદગત સર્જકની કૃતિને એના વંશજો કે અન્યોના કહેવાથી બદલવામાં આવે તો એ મૂળ લખાણ રહેતું જ નથી. દૂરદર્શન સાથેના અનુભવની વાત પાછું રતિલાલ પોતે જ અમને કહે છે: જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈ એક સમયે જયારે ખાનગી ટીવી ચેનલોનો આટલો મહિમા નહોતો ત્યારે બકોર પટેલને દૂરદર્શન પર રજૂ કરવા માંગતા હતા. એમણે રતિલાલને એનું રૂપાંતર કરવાની જવાબદારી સોંપી. ચાર એપિસોડ લખાયા, પણ દૂરદર્શનવાળા કહે કે આમાંથી પટેલ-પટલાણી કાઢો. નિમેષભાઈ અને અમે એ માટે તૈયાર ના થયા અને નિમેષ જીવતા હતા ત્યાં લગી બકોર પટેલ દૂરદર્શનના પરદે રજૂ ના થઇ શક્યા. બોરીસાગર દૂરદર્શનના અનુભવને રજૂ કરે છે, પણ એ જ વાત પોતે બકોર પટેલ શ્રેણીનું સંપાદન કરતી વખતે અનુસરતા નથી. હવે  ગિજુભાઈ કે પન્નાલાલ કે જોસેફ મેકવાનના સાહિત્યનું સંપાદન કરવામાં આવે ત્યારે એમની તળપદી કે ગામઠી કે ચરોતરી બદલી નાંખવામાં આવે તો એ સર્જકના સર્જનનો આત્મા જ મરી જાય. વધુમાં વધુ નવી પેઢીને ના સમજાય એવા શબ્દો વિશે સમજણ આપતી નોંધો મૂકી શકાય, પણ  “સ્ટવ”નું “ગેસ” કે પછી  “ટેલિફોનનું ભૂંગળું”ને  “ટેલિફોનનું રિસીવર” તો  ના જ કરી દેવાય!

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૧૪ જૂન ૨૦૨૧)


No comments:

Post a Comment